નક્ષિસપુર

January, 1998

નક્ષિસપુર : સૌરાષ્ટ્રના ચાલુક્ય રાજ્યનું પાટનગર. દક્ષિણ સૌરાષ્ટ્રમાં નવમી સદીમાં કનોજના પ્રતિહાર રાજાઓના સામંત ચાલુક્ય રાજા બલવર્મા અને અવનિવર્મા બીજો સંભવત: નક્ષિસપુરમાં રાજ્ય કરતા હતા. એ રાજાઓનાં અનુક્રમે ઈ. સ. 893 અને ઈ. સ. 900નાં મળેલાં તામ્રપત્રોમાં નક્ષિસપુર–ચોર્યાશી નામના પરગણામાં આવેલાં ‘જયપુર’ અને ‘અંવુલ્લક’ નામે ગામો કણવીરિકા નદીને કાંઠે આવેલ તરુણાદિત્ય નામના સૂર્યમંદિરના નિભાવ અર્થે અપાયાની નોંધ છે. નક્ષિસપુર નાશ પામ્યું હોઈ આજે તેના સ્થાનની ચોક્કસ માહિતી મળતી નથી; પરંતુ વર્તમાન તલાળા તાલુકાના, વેરાવળ-સાસણ માર્ગ પર આવેલા સેમરવાવ ગામ પાસે નક્શીપુર નામે એક ઉજ્જડ ટિંબો છે તે નક્ષિસપુરનું સ્થાન હોવાનું સૂચવાયું છે.

પ્રવીણચંદ્ર પરીખ