ઔષધોનું પરીક્ષણ અને પૃથક્કરણ

ઔષધને મૂળ રૂપમાં કે અન્ય રૂપમાં માનક (standard) ઠેરવવા માટે ફાર્માકોપિયામાં નિયત કરેલા કેટલાક માપદંડ (parameters) લાગુ પાડીને ફાર્માકોપિયા પ્રમાણે તે ઔષધ માનક છે કે નહિ તે નક્કી કરી શકાય છે. માનક ન હોય તે ઔષધ વાપરી શકાય નહિ. ઔષધનિયંત્રણતંત્ર આ બાબતમાં ઘણું કડક હોય છે.

ફાર્માકોપિયા અનુસાર સામાન્ય રીતે નીચે પ્રમાણે માપદંડ દર્શાવાય છે : (1) ઓળખ (identification), (2) આમાપન (assay), (3) મર્યાદા (limit) તથા (4) ઔષધના યોગો(pharmaceutical formulations)ને અનુરૂપ વિશિષ્ટ માપદંડો.

ઉપરના માપદંડોને લગતી કસોટીઓ નીચે પ્રમાણે છે :

(1) ઓળખ કસોટી અથવા ગુણદર્શક (qualitative) કસોટી : આ કસોટી અનુસાર ઔષધની પરખ કરવામાં આવે છે; દા.ત., સોડિયમ બેન્ઝોએટ, સોડિયમ તથા બેન્ઝોએટની કસોટીઓ આપશે. આ કસોટીઓનો જવાબ હકારમાં આવે તો જ તે પદાર્થ સોડિયમ બેન્ઝોએટ છે તેમ ખાતરીપૂર્વક કહી શકાય. આ માટેની કસોટીઓ ભૌતિક, રાસાયણિક કે જૈવિક પ્રકારની હોઈ શકે.

(2) આમાપન અથવા માત્રાત્મક (quantitative) કસોટી : આ કસોટી નમૂનામાં ઔષધનું પ્રમાણ કેટલા ટકા છે તે નક્કી કરવા વપરાય છે. તે ભૌતિક, રાસાયણિક કે જૈવિક પ્રકારની હોઈ શકે.

(3) મર્યાદા કસોટી : આ કસોટી ઔષધમાંની સંભવિત અશુદ્ધિઓની મર્યાદા નક્કી કરવા વપરાય છે. ફાર્માકોપિયામાં ઔષધ કે પદાર્થના ઉત્પાદનની પાર્શ્વભૂમિ ઉપરાંત સ્થિરતા કે અન્ય શક્યતાઓને અનુલક્ષીને યોગ્ય મર્યાદાઓ નક્કી કરવામાં આવેલી હોય છે. પદાર્થ કે ઔષધની મર્યાદાઓ ફાર્માકોપિયામાં નક્કી કરેલી માત્રાની બહાર જાય તો તે પદાર્થ કે ઔષધ ફાર્માકોપિયા પ્રમાણે માન્ય ગણાતો નથી.

ઔષધ મૂળ રૂપમાં હોય તો તેની ઓળખ, માત્રાત્મક અને મર્યાદા કસોટીઓ કરવામાં આવે છે; પણ ઔષધ ટીકડી, સંપુટ (capsule) કે અન્ય કોઈ યોગના રૂપમાં હોય તો ઉપરની ત્રણ સામાન્ય કસોટીઓ ઉપરાંત તેના યોગને અનુરૂપ વિશિષ્ટ કસોટીઓ કરવી જરૂરી ગણાય છે.

ઔષધની શુદ્ધતા નક્કી કરવા માટે ભૌતિક, રાસાયણિક અને જૈવિક પદ્ધતિઓનું વિસ્તૃત વર્ગીકરણ નીચે પ્રમાણે છે :

ભૌતિક પરીક્ષણમાં નીચેની પદ્ધતિઓનો સમાવેશ થાય છે : (1) ગલનબિન્દુ, ઉત્કલનબિંદુ, ઠારબિન્દુ, વિશિષ્ટ ઘનતા, શ્યાનતા (viscosity), પ્રકાશીય ધૂર્ણન (optical rotation), વક્રીભવનાંક (refractive index), (2) ઇલેક્ટ્રૉફૉરેસિસ, (3) સ્પેક્ટ્રમ પ્રકાશમિતિ, (4) વર્ણલેખન, (5) પોલેરૉગ્રાફી, (6) pH અને વિભવમિતિ (potentiometry) તથા (7) વિકિરણ રસાયણપદ્ધતિ. આ પદ્ધતિઓનો ઉપયોગ ગુણદર્શક કસોટી કે માત્રાત્મક પૃથક્કરણ માટે કરી શકાય છે. આ પદ્ધતિઓની વધુ વિગતો નીચે પ્રમાણે છે :

ગલનબિન્દુ : કોઈ પણ શુદ્ધ પદાર્થનું ગલનબિન્દુ નિશ્ચિત (fixed, sharp) હોય છે તેથી ગલનબિન્દુને પદાર્થની શુદ્ધતાના માપદંડ તરીકે ગણવામાં આવે છે. અશુદ્ધ પદાર્થનું ગલનબિન્દુ નીચું હોય છે અથવા તેનું ગલન તાપમાનના ગાળામાં (range) થાય છે. અશુદ્ધિના પ્રમાણ અનુસાર આ ગલનના ગાળાની મર્યાદા વધુ વિસ્તૃત થાય છે; દા.ત., શુદ્ધ સલ્ફાનિલ એમાઇડનું ગલનબિન્દુ 162o-164o સે. હોય છે. કેટલાક દ્વિરૂપી પદાર્થોનાં ભિન્ન રૂપોનું ગલનબિન્દુ ભિન્ન હોય છે. દા.ત., પ્રોજેસ્ટેરોન. કેટલાક અધિકૃત (official) પદાર્થોની જટિલતા (complexities)ને કારણે એકસમાનતાને ખાતર ગલનબિન્દુ ફાર્માકોપિયામાં દર્શાવેલ વિશિષ્ટ રીતે જ મપાય છે; દા.ત., થિયૉબ્રોમાનેલ, મૃદુ પૅરેફિન, ઊનની ચરબી (wool fat), મધમાખીનું મીણ વગેરે.

ઉત્કલનબિન્દુ : શુદ્ધ પ્રવાહી પદાર્થનું ઉત્કલનબિન્દુ નિશ્ચિત હોય છે. અશુદ્ધિને કારણે ઉત્કલનબિન્દુ ઊંચું ચડે છે. મિશ્રણના ઉત્કલનબિન્દુનો ગાળો મોટો હોય છે.

ઠારબિન્દુ : શુદ્ધ પ્રવાહીનું ઠારબિન્દુ નિશ્ચિત હોય છે. અશુદ્ધિથી ઠારબિન્દુ નીચું આવે છે.

વિશિષ્ટ ઘનતા : વિશિષ્ટ ઘનતા પદાર્થની શુદ્ધતાનો ખ્યાલ આપે છે. આલ્કોહૉલમાંના પાણીના પ્રમાણને વિશિષ્ટ ઘનતા મારફત શોધી શકાય છે. જુઓ આલ્કોહૉલની સારણી.

શ્યાનતા : શ્યાનતા પ્રવાહી પદાર્થની તરલતા(fluidity)નો ખ્યાલ આપે છે. કોઈ પ્રવાહી ઇન્જેક્શન માટે યોગ્ય છે કે નહિ અથવા તો તેની તરલતામાં કેટલો ફેરફાર કરવાથી તેને ઇન્જેક્શન માટે યોગ્ય કરી શકાય તે બાબત શ્યાનતા ઉપરથી નક્કી કરી શકાય છે. શ્યાનતાનું મૂલ્ય તાપમાનઆધારિત છે. શ્યાનતા માપવા ઓસ્ટવલ્ડ, ફોલ્ડિંગ સ્ફિયર અને રેડવુડ વિસ્કૉમિટર ઉપયોગમાં લેવાય છે.

પ્રકાશીય ધૂર્ણન અને વિશિષ્ટ ધૂર્ણન : જેના અણુમાં કિરલ કાર્બન હોય તેવા પદાર્થો ધ્રૂવીભૂત પ્રકાશના તલનું ધૂર્ણન કરે છે. તેના ઉપયોગથી પદાર્થની શુદ્ધતા જાણી શકાય છે.

 

વિ. . 25o સે.

ઇથાઇલ આલ્કોહૉલનું પાણીમાં

પ્રમાણ કદ/કદ (v/v)

15.56o સે.

0.9695 96.88
0.9715 90.12
0.9740 81.52
0.9775 69.20
0.9800 60.60
0.9830 50.52
0.9860 40.84
0.9895 29.76
0.9930 19.24
0.9960 10.80
1.0000 0.00

α = ધૂર્ણનનો ખૂણો

l = નળીની લંબાઈ, ડે.મી.માં

c = દ્રાવણની સંકેન્દ્રિતતા ગ્રા/100 મિલી.

બાષ્પશીલ તેલો (દા.ત., પિપરમિન્ટ, સિન્નામોન), શર્કરાઓ (દા.ત., ડૅક્સ્ટ્રોઝ અને લૅક્ટોઝ), વિટામિનો (દા.ત., વિટામિન સી, રિબૉફ્લેવિન), પ્રતિજીવીઓ (દા.ત., ક્લોર એમ્ફેનિકોલ), સ્ટીરૉઇડ (દા.ત., કોલેસ્ટેરોલ, હાઇડ્રૉકૉર્ટિઝોન), કપૂર વગેરેની શુદ્ધતાની ચકાસણી માટે આ રીત અગત્યની છે. શુદ્ધતા ઉપરાંત ચિકિત્સામૂલ્ય (therapeutic value) નક્કી કરવામાં પણ તે અગત્યનો ભાગ ભજવે છે. 1-એડ્રેનલિન અને 1-મૉર્ફિન તેમના d = સમઘટક કરતાં વધુ ક્રિયાશીલ છે. આથી પ્રકાશીય ધૂર્ણન આ વધુ ક્રિયાશીલ સમઘટકનું પ્રમાણ શોધવા ઉપયોગી છે.

બી. પી. (British Pharmacopoeia), યુ. એસ. પી. (United States Pharmacopoeia), અને આઈ. પી.(Indian Pharmacopoeia)માં d-ગ્લુકોઝ અને તેના યોગો માટે માત્રાત્મક પૃથક્કરણની આ એક જ રીત છે.

વક્રીભવનાંક : સામાન્ય રીતે વક્રીભવનાંક 20o સે. તાપમાને માપવામાં આવે છે. આ માટે એબે વક્રીભવનાંકમાપી (refractometer) ઉપયોગમાં લેવાય છે. વક્રીભવનાંકનાં મૂલ્યો 1.32થી 1.7 સુધીમાં હોય છે. ઇથોસક્સિમાઇડનો વક્રીભવનાંક તેના ગલનબિન્દુ 40o સે. પર મપાય છે.

ઇલેક્ટ્રૉફૉરેસિસ : વિદ્યુત ક્ષેત્રની અસર તળે વિદ્યુતભાર ધરાવતા કણો, કલિક કણો કે આયનનું દ્રાવણમાં સ્થળાંતર થાય છે. pHમાં ફેરફાર કરવાથી સમવિભવબિન્દુએ આ સ્થળાંતર અટકી જાય છે. પ્રોટીન જેવા જૈવ પદાર્થોના અલગન તથા અભિજ્ઞાન માટે આ પદ્ધતિ ઘણી ઉપયોગી છે.

(i) સ્પેક્ટ્રમપ્રકાશમિતિ (spectrophotometry) : રસાયણજ્ઞોએ વર્ષો પર્યંત રાસાયણિક પદાર્થોના અભિજ્ઞાનમાં રંગની મદદ લીધી છે. સ્પેક્ટ્રમપ્રકાશમિતિને ર્દશ્યપરીક્ષણનું જ વિસ્તરણ ગણી શકાય. આ પદ્ધતિમાં રાસાયણિક જાતિ (species) વડે વિકિરણ ઊર્જાના થતા અવશોષણનો વધુ વિગતે અભ્યાસ શક્ય બને છે, જેથી તેમનું અભિલક્ષણ (characterisation) અને માત્રાત્મક માપન વધુ ચોકસાઈપૂર્વક કરી શકાય છે. આ પદ્ધતિનો ફાર્માસ્યૂટિકલ પરીક્ષણ-આમાપનમાં વ્યાપક ઉપયોગ થાય છે. આ માટેનું સાધન સ્પેક્ટ્રોફોટોમિટર તરીકે ઓળખાય છે. આ પદ્ધતિના વિવિધ પ્રકારો નીચે પ્રમાણે છે : (1) અવશોષણ (absorption) સ્પેક્ટ્રોફોટૉમેટ્રી : અલ્ટ્રાવાયોલેટ કે ર્દશ્યપ્રકાશ (200 to 800 nm) પદાર્થ કે દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે તેના વર્ણમૂલક (chromophore) સમૂહોને કારણે ચોક્કસ તરંગલંબાઈ(રંગ)ની ઊર્જાનું અવશોષણ થાય છે. જે તરંગલંબાઈની ઊર્જાનું શોષણ થાય તેનો આધાર પદાર્થના અણુના બંધારણ ઉપર રહેલો છે, જ્યારે આ ઊર્જાના શોષણની માત્રાનો આધાર અવશોષણ કરનાર પદાર્થની સાંદ્રતા ઉપર છે. આથી આ પદ્ધતિ ગુણદર્શક અને માત્રાત્મક પૃથક્કરણ માટે ઉપયોગી છે. આલ્કેલૉઇડ, ઍમિનોઍસિડ, પ્રતિજીવીઓ, કાર્ડિયેક ગ્લાયકોસાઇડ, પ્રોટીન, હોર્મોન, સોડિયમ, પાસ, રિસર્પીન, ક્લોર એમ્ફેનિકોલ, ટ્રાયમિથોપ્રિમનાં ઓળખ, પરીક્ષણ તથા આમાપનમાં આ પદ્ધતિ ઉપયોગી છે.

(ii) ઇન્ફ્રારેડ (IR) સ્પેક્ટ્રોફોટોમેટ્રી : ઇન્ફ્રારેડ વિકિરણમાં (2.5 μ થી 15 μ) રહેલ ક્રિયાશીલ સમૂહોને કારણે પદાર્થ તેનું અવશોષણ કરે છે. આ અવશોષણ જે તે વિશિષ્ટ સમૂહોની હાજરી સાબિત કરે છે. આથી આ પદ્ધતિ પદાર્થની ઓળખ તથા માત્રાત્મક પૃથક્કરણમાં ઉપયોગી છે. બહુરૂપકતા (polymorphism) તથા સમઘટકતાના પરીક્ષણમાં ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રમ ઘણું ઉપયોગી છે. કોઈ એક સંયોજન માટે આ સ્પેક્ટ્રમનો અંગુલિછાપ (finger-print) પ્રદેશ અનન્ય (unique) હોય છે. તેથી બે પદાર્થો સરખા કે ભિન્ન છે તે ચકાસવા માટે તેમના સ્પેક્ટ્રમનો આ વિભાગ સરખાવાય છે. એસેટાઝોલામાઇડ અને થાયૉટેપાના ઇન્જેક્શનના આમાપન માટે યુ.એસ.પી.માં આ પદ્ધતિ વપરાય છે.

(iii) ફ્લોરેસન્સ સ્પેક્ટ્રોફોટોમેટ્રી : કોઈ વાર વિકિરણ ઊર્જાનું અવશોષણ થયા બાદ ઊર્જાનું પુન: ઉત્સર્જન થાય છે. મૂળ કરતાં લાંબી તરંગલંબાઈવાળું વિકિરણ પ્રતિદીપ્તિ (fluorescence) તરીકે ઓળખાય છે. આપાતી વિકિરણની લંબ દિશામાં આવતા આ વિકિરણનું માપન કરવામાં આવે છે. રિબૉફ્લેવિન, વિટામિન B1 વગેરેનું આમાપન તથા ફિનોલ, ઍરોમૅટિક ઍમાઇન્સ, પૉલિસાઇક્લિક સંયોજનો, સ્ટીરૉઇડ, આલ્કેલૉઇડ, ફ્લેવિન, ફ્લેવોન વગેરેનું પરીક્ષણ પણ આ પદ્ધતિથી કરી શકાય છે.

(iv) આવિલતામાપી (turbidimetric and nephelometric) પદ્ધતિ : નિલંબન(suspension)માંથી પસાર થાય ત્યારે પ્રકાશનું અવશોષણ, પરાવર્તન, પ્રેષણ (transmission) અને પ્રકીર્ણન (scattering) થાય છે. ટર્બિડિમેટ્રીમાં પ્રેષણ થયેલ પ્રકાશની માત્રાનું માપ કાઢવામાં આવે છે જ્યારે પ્રકીર્ણન પામેલ પ્રકાશની માત્રા નિફેલોમેટ્રીમાં મપાય છે. આ બંનેની માત્રાનો આધાર નિલંબનમાં રહેલ પદાર્થની સાંદ્રતા ઉપર છે. કણમય પદાર્થ (particulate matter) તથા જીવાણુકોષોના નિલંબનની માપણી કરી શકાય છે. વળી B12 વિટામિન, કૅલ્શિયમ પેન્ટોથેનેટ, ફૉલિક ઍસિડ, ટેટ્રાસાઇક્લીન અને મોટાભાગનાં પ્રતિજીવીઓ(antibiotics)નું આમાપન આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી ઔષધોની અસર સીધી જ માપી શકાય છે.

ઉત્સર્જન (emission) સ્પેક્ટ્રોસ્કોપીજ્વાલાપ્રકાશમિતિ (flamephotometry) : કોઈ તત્વને જ્યોત, વિદ્યુતતણખા કે આર્કમાં ગરમ કરવામાં આવતાં પ્રકાશનું ઉત્સર્જન થાય છે, જેનું વર્ણપટ જે તે તત્વ માટે વિશિષ્ટ હોય છે. આનો ઉપયોગ ગુણદર્શક તથા માત્રાત્મક પૃથક્કરણમાં કરાય છે. આ પદ્ધતિ રોગલક્ષણ, ભૂસ્તરશાસ્ત્ર અને કૃષિવિદ્યા સાથે સંકળાયેલ પ્રયોગશાળાઓમાં ઉપયોગી છે. રક્તમાં સોડિયમ તથા લિથિયમ, ફાર્માસ્યૂટિક યોગોમાં કૅલ્શિયમ, પોટૅશિયમ અને સોડિયમ, લિથિયમ કાર્બોનેટમાં લિથિયમ અને ઇન્સ્યુલિનમાં ઝિંકના આમાપન માટે આ પદ્ધતિ વપરાય છે.

વર્ણલેખન : સ્થિર પ્રાવસ્થા (phase) ઉપરથી ગતિશીલ પ્રાવસ્થા પસાર થતાં ગતિશીલ પ્રાવસ્થાના વહેણની દિશામાં ભિન્નભિન્ન ગતિએ મિશ્રણના ઘટકો વહન કરે છે. બંને પ્રાવસ્થા વચ્ચે સતત વિનિમય થયા કરે છે અને ઘટકોની બંને પ્રાવસ્થા માટેની જુદી જુદી બંધુતાને (affinity) કારણે ઘટકો અલગ પડે છે. આ અત્યંત સંવેદી પદ્ધતિને વિભાગીય નિસ્યંદન સાથે સરખાવી શકાય.

વર્ણલેખનપદ્ધતિમાં સ્થિર પ્રાવસ્થા કાં તો સક્રિય ઘન અધિશોષક હોઈ શકે અથવા તો આધારરૂપ ઘન પદાર્થ ઉપર અવશોષિત પ્રવાહીના પાતળા સ્તરરૂપે હોઈ શકે. સ્થિર પ્રાવસ્થા ઉપર અલગ પડેલ અવશોષિત ઘટકોના પટારૂપ ચિત્રણને વર્ણલેખ (chromatogram) કહે છે. આ વર્ણલેખમાંના ઘટકો ક્ષાલન(elution)થી મેળવી લેવાય છે. આમ વર્ણલેખન મિશ્રણમાંના ઘટકોને અલગ કરવાની બહુ જ સંવેદી રીત છે. વર્ણલેખનના નીચેના પ્રકારો વપરાશમાં છે : (1) સ્તંભ (column) વર્ણલેખન, (2) આયન વિનિમય વર્ણલેખન, (3) પત્ર (paper) વર્ણલેખન, (4) તનુસ્તર (thin layer) વર્ણલેખન, (5) વાયુ વર્ણલેખન, (6) વાયુ-પ્રવાહી વર્ણલેખન, (7) ઉચ્ચ નિષ્પાદન પ્રવાહી વર્ણલેખન (high performance liquid chromatography-HPLC)

ક્વિનીન અને સ્ટ્રિકનીન સાથે ફેરસ ફૉસ્ફેટવાળા સિરપમાં સ્ટ્રિકનીનને અલગ પાડીને તેનું આમાપન તથા ડાયફિનાઇલ ઍમાઇન અને કાર્બેઝોલની હાજરીમાં ફિનોથાયાઝીનને અલગ પાડવાનું (1) પદ્ધતિથી શક્ય છે. પ્રોટીન અને પૉલિપેપ્ટાઇડના અલગીકરણમાં (2) પદ્ધતિ વપરાય છે. ઍમિનોઍસિડને અલગ કરીને તેમની પરખ અને આમાપન તથા મિથોટ્રેક્ઝેટના ઇન્જેક્શનનું આમાપન (3) પદ્ધતિ વડે કરાય છે. આંખ માટેનાં ટીપાં તરીકે વપરાતા સલ્ફાસેટામાઇડનું આમાપન (4) પદ્ધતિથી થાય છે. નાઇટ્રસ ઑક્સાઇડનું આમાપન (5) પદ્ધતિથી કરી શકાય છે. HPLC પદ્ધતિને વર્ણલેખનની સૌથી વધુ આધુનિક પદ્ધતિ ગણવામાં આવે છે. ઘણા ઘટકોવાળાં ઔષધો તથા ઔષધયોગોના આમાપન માટે ફાર્માકોપિયામાં વિસ્તૃત રીતો આપવામાં આવી છે. ટીકડીઓમાંના સલ્ફામિથૉક્સેઝોલ અને ટ્રાયમિથોપ્રિમના આમાપનમાં, ફૉલિક ઍસિડના બિટામિથેસોન અને ટેસ્ટોસ્ટેરોનના આમાપનમાં આ પદ્ધતિ બહુ ઉપયોગી છે.

પોલેરોગ્રાફી : મર્ક્યુરી ઋણધ્રુવ પાસે વિદ્યુતવિભાજનીય (electrolytic) અપચયન (reduction) શક્ય હોય તેવા પદાર્થોનું મંદ દ્રાવણમાં આ પદ્ધતિથી પૃથક્કરણ શક્ય છે. પતનશીલ (dropping) મર્ક્યુરી વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરીને દ્રાવણ માટે વિદ્યુત પ્રવાહ વિભવ આલેખ મેળવવામાં આવે છે.

સરળતાથી વિદ્યુત અપચયન કરી શકાય તેવા એઝો, ડાયેઝો, નાઇટ્રો, નાઇટ્રોસો તથા ડાયઑક્સી સમૂહવાળા પદાર્થોનું આમાપન આ પદ્ધતિથી કરી શકાય છે.

જૈવ તરલો [અંતરજીવ (in vivo) અને અંત:પાત્ર(in vitro)]માં રહેલ ઑક્સિજનનું આમાપન આ પદ્ધતિથી કરી શકાય છે. એસેટોઝોલામાઇડ, ડાઇનેસ્ટેરોલ (ટીકડીઓમાં), ડાયહાઇડ્રોક્લૉરો-થાયેઝાઇડ (ટીકડીઓમાં), અને નાઇટ્રોફ્યુરેન્ટોઇન(ટીકડીઓમાં)ના ગુણદર્શક અને માત્રાત્મક પૃથક્કરણમાં આ પદ્ધતિ વપરાય છે.

pH અને વિભવમિતિ (potentiometric method) : આ પદ્ધતિમાં અનુમાપનમાં તુલ્યબિન્દુનું અભિજ્ઞાન વિભવમાપનથી કરાય છે. કેફીન, ફિનોબાર્બિટલ, ટેટ્રાહાઇડ્રેઝેલાઇન, ડાયહાઇડ્રૉક્લોરાઇડ વગેરે અધિકૃત પદાર્થોનું માત્રાત્મક પૃથક્કરણ આ પદ્ધતિથી થાય છે.

વિકિરણ રસાયણ પદ્ધતિ : આ પદ્ધતિથી વિકિરણધર્મી ઔષધોનું ગુણાત્મક અને માત્રાત્મક પૃથક્કરણ કરી શકાય છે. આ માટે ગાઇગર/ સિન્ટિલેશન કાઉન્ટર વપરાય છે. ફાર્માકોપિયામાં દર્શાવેલ સંદર્ભ-માનક (reference standard) સાથે નમૂનાની વિકિરણ-ધર્મિતાની સરખામણી કરીને ઔષધની ઓળખ અને તેનું આમાપન કરી શકાય છે. વિકિરણધર્મી ટેકનેશિયમ, કોબાલ્ટ, ઓપોડિન વગેરેના યોગોનું આમાપન કરવા આ પદ્ધતિ વપરાય છે. આઈ.પી.માં આ પદ્ધતિનો સમાવેશ કરાયો નથી.

રાસાયણિક પદ્ધતિઓ : આના બે મુખ્ય વિભાગો છે : (I) અનુમાપન (titration) પદ્ધતિઓ (II) માત્રાત્મક (quantitati-ve, gravimetric) પદ્ધતિઓ.

અનુમાપન પદ્ધતિઓમાં નમૂના સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે જ્ઞાત સાંદ્રણવાળા દ્રાવણનું કદ માપવામાં આવે છે. જ્ઞાત સાંદ્રણવાળું દ્રાવણ પ્રમાણિત દ્રાવણ કહેવાય છે. અનુમાપનમાં વપરાતા માનક-દ્રાવણને અનુમાપક (titrant) કહે છે. ઘણાં વર્ષો સુધી આ પદ્ધતિ કદમાપક પૃથક્કરણ તરીકે ઓળખાતી હતી. જોકે આ નામ ચોકસાઈની ર્દષ્ટિએ યોગ્ય ન ગણાય. 1 લિટર દ્રાવણમાં પદાર્થનો એક તુલ્યભાર ઓગાળેલ હોય તે દ્રાવણને એક નૉર્મલ દ્રાવણ કહે છે.

અનુમાપન ઉપર આધારિત આમાપન પદ્ધતિઓનું નીચે પ્રમાણે વર્ગીકરણ કરી શકાય : (1) ઍસિડમિતિ આમાપન, (2) આલ્કલીમિતિ આમાપન, (3) અવક્ષેપન આમાપન, (4) રેડૉક્સ આમાપન, (5) સંકીર્ણ આમાપન અને (6) અજલીય (non-aqueous) આમાપનો.

ઍસિડમિતિ આમાપન : (i) નમૂનામાંના મુક્ત ઍસિડનું આલ્કલી વડે અનુમાપન કરવામાં આવે છે; દા.ત., ઑરેન્જ સિરપમાંના સાઇટ્રિક ઍસિડનું આમાપન આ રીતે થાય છે.

(ii) મુક્ત કરેલ ઍસિડનું આમાપન આલ્કલી વડે કરવામાં આવે છે; દા.ત., લેમન ઑઇલની હાઇડ્રૉક્સિલ ઍમાઇન હાઇડ્રૉક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરતાં ઑક્ઝાઇમ બને છે અને હાઇડ્રૉક્લોરિક ઍસિડ મુક્ત થાય છે, જેનું આલ્કલી વડે અનુમાપન કરાય છે. વપરાયેલ આલ્કલીના પ્રમાણ ઉપરથી લેમનઑઇલનું પ્રમાણ શોધી શકાય છે.

RCHO + HONH2 HCl → RCH = NOH + HCl + H2O
(લેમન ઑઇલ)                              (ઑક્ઝાઇમ)

(iii) સોરેન્સન ફોર્મોલ અનુમાપનમાં ઍમિનોઍસિડની ફૉર્મૅલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરવાથી એમીનો સમૂહ નિષ્ક્રિય બને છે અને કાર્બોક્સિલ સમૂહ મુક્ત થાય છે. જેનું અનુમાપન –

R·CH (NH2) COOH + HCHO →
RCH (N = CH2) COOH
મિથાઇલઇમિનો વ્યુત્પન્ન અથવા
R·CH (NH·CH2OH) COOH
ઍસિડની જેમ કરી શકાય છે.

(iv) નમૂનામાં જરૂર કરતાં વધુ પ્રમાણમાં પ્રમાણિત બેઝ ઉમેરીને, નહિ વપરાયેલ બેઝનું પ્રમાણિત ઍસિડ વડે અનુમાપન કરાય છે. વપરાયેલ ઍસિડ ઉપરથી વધેલ આલ્કલી અને તેની ઉપરથી વપરાયેલ આલ્કલીનું મૂલ્ય મેળવાય છે. આ આડકતરી પદ્ધતિ અવશિષ્ટ (residual) અનુમાપન તરીકે ઓળખાય છે અને તે ઘણી વપરાશમાં છે.

આલ્કલીમિતિ આમાપન : (i) ઍસિડ વડે બેઝનું સીધું અનુમાપન; દા.ત., થાયૉટેપામાં સોડિયમથાયોસલ્ફેટ ઉમેરવાથી દરેક ઇથિલીન ઇમાઇન સમૂહ એક તુલ્યાંક (equivalent) આલ્કલી મુક્ત કરે છે, જેનું અનુમાપન પ્રમાણિત ઍસિડ વડે કરાય છે.

(ii) બાષ્પીય બેઝને નિસ્યંદિત કરીને તેનું અનુમાપન કરાય છે. નમૂનાને ઉગ્ર આલ્કલી સાથે ગરમ કરતાં એમોનિયા કે એમાઇન વરાળ સાથે નિસ્યંદિત થાય છે. આને વધુ પ્રમાણિત ઍસિડમાં અથવા સંતૃપ્ત બોરિક ઍસિડના દ્રાવણમાં શોષવામાં આવે છે. વધારાના ઍસિડનું બેઝ સાથે અનુમાપન કરીને એમોનિયા કે એમાઇનનું પ્રમાણ અને તેના ઉપરથી નમૂનામાંના ઔષધનું આમાપન કરાય છે. કૅલ્શિયમ પૅન્ટોથેનેટનું આમાપન આ રીતે થાય છે.

(iii) ધાતુક્ષારોનું ઍસિડ વડે અનુમાપન કરાય છે; દા.ત., કૅફીન અને સોડિયમ બેન્ઝોએટના ઇન્જેક્શનમાં સોડિયમ બેન્ઝોએટનું અનુમાપન આ રીતે થાય છે. કૅફીન ઇન્જેક્શનના દ્રાવણમાં ક્લૉરોફૉર્મ નાખીને કૅફીનનું નિષ્કર્ષણ કરાય છે. જલીય દ્રાવણમાં ઈથર ઉમેરીને પ્રમાણિત ઍસિડ વડે સોડિયમ બેન્ઝોએટનું અનુમાપન કરાય છે.

(iv) આ પદ્ધતિમાં બેઝિક પદાર્થ કે ઔષધના નમૂનામાં વધારાનો પ્રમાણિત ઍસિડ ઉમેરવામાં આવે છે અને વધેલા ઍસિડનું પ્રમાણ પ્રમાણિત બેઝ વડે અનુમાપન કરીને શોધી કાઢવામાં આવે છે; દા.ત., એમોનિયમ સ્પિરિટ ઍરોમૅટિક, મૅગ્નેશિયમ ટ્રાયસિલિકેટ અને ઝિંક ઉન્ડેસિલિનેટના આમાપનમાં આ રીત વપરાય છે.

(v) ઉપરને મળતી આ પદ્ધતિ છે જેમાં બેઝ વડે ક્ષારમાંથી બેઝને અલગ પાડવામાં આવે છે; દા.ત., આલ્કેલૉઇડના ક્ષારમાં ઉગ્ર બેઝ ઉમેરવાથી આલ્કેલૉઇડ બેઝરૂપે મુક્ત થાય છે. આને ઈથર કે ક્લૉરોફૉર્મ સાથે નિષ્કર્ષિત કરીને દ્રાવક ઉડાડી દઈને આલ્કેલૉઇડના અવશેષમાં વધારાનો પ્રમાણિત ઍસિડ ઉમેરવામાં આવે છે અને વધેલા ઍસિડનું પ્રમાણ પ્રમાણિત બેઝ વડે અનુમાપન કરીને શોધી કઢાય છે. આના ઉપરથી વપરાયેલ ઍસિડ અને આલ્કેલૉઇડનું પ્રમાણ મેળવાય છે.

(vi) જ્વલિત કરેલા ક્ષારમાંથી મળતા કાર્બોનેટ અવશેષનું અનુમાપન કરીને ઔષધનું આમાપન કરાય છે; દા.ત., સોડિયમ સાઇટ્રેટને ક્રુસિબલમાં બાળતાં સોડિયમ કાર્બોનેટ અવશેષરૂપે મળે છે. આમાં વધારાનો પ્રમાણિત ઍસિડ ઉમેરીને વધેલા ઍસિડનું પ્રમાણિત બેઝ વડે અનુમાપન કરીને સોડિયમ કાર્બોનેટનું પ્રમાણ અને તે ઉપરથી સોડિયમ સાઇટ્રેટનું આમાપન કરી શકાય છે.

2Na3C6H5O7 + 9O2 = 3Na2CO3 + 9CO2 + 5H2O

(vii) એસ્ટરનું આમાપન કરવાની પદ્ધતિમાં વધારે આલ્કોહૉલયુક્ત આલ્કલી ઉમેરી, ઉકાળી, સેપોનિફિકેશન પૂર્ણ થયા પછી વધારાના આલ્કલીનું પ્રમાણિત ઍસિડ વડે અનુમાપન કરાય છે; દા.ત., ઑક્સેન્ડ્રોલોન અને ટોલુબાલ્સામનું અનુમાપન આ રીતે કરાય છે.

(viii) હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા પદાર્થને જરૂર કરતાં વધારે ઍસેટિક એનહાઇડ્રાઇડ અથવા થૅલિક એનહાઇડ્રાઇડ સાથે પિરિડીનની હાજરીમાં ગરમ કરવામાં આવે છે. પ્રક્રિયાના અંતે વધેલા એનહાઇડ્રાઇડનું પાણી વડે ઍસિડમાં રૂપાંતર કરીને તેનું અનુમાપન પ્રમાણિત આલ્કલી વડે કરાય છે. વપરાયેલ એનહાઇડ્રાઇડના પ્રમાણ ઉપરથી હાઇડ્રૉક્સિલ સમૂહ ધરાવતા પદાર્થનું પ્રમાણ નક્કી કરી શકાય; દા.ત., પૉલિઇથિલીન ગ્લાયકોલનું આમાપન આ રીતે થાય છે.

(ix) આલ્કૉક્સિલ સમૂહવાળા પદાર્થને જરૂર કરતાં વધારે પ્રમાણિત બેઝ ઉમેરીને ઉકાળીને વધેલ બેઝનું પ્રમાણ પ્રમાણિત ઍસિડ વડે શોધી કાઢવામાં આવે છે. વપરાયેલ બેઝના પ્રમાણ ઉપરથી આલ્કૉક્સિલ સમૂહવાળા પદાર્થનું પ્રમાણ નક્કી કરી શકાય છે; દા.ત., પેક્ટિનમાં મિથોક્સી સમૂહનું આમાપન આ રીતે કરી શકાય.

આમ અવશિષ્ટ અનુમાપન પદ્ધતિ (ii)થી (ix) રીતોના પાયામાં છે.

અવક્ષેપન પ્રક્રિયાઓ : આ પ્રકારની રીતોમાં અનુમાપન દરમિયાન અવક્ષેપ બનતો હોય છે. આમાંની કેટલીક રીતો નીચે દર્શાવી છે : (i) મુક્ત થતા નાઇટ્રિક ઍસિડનું અનુમાપન : જે ઔષધનું આમાપન કરવાનું હોય તેની સાથે સિલ્વર નાઇટ્રેટની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે પદાર્થનો સિલ્વર ક્ષાર અવક્ષિપ્ત થાય છે અને સમતુલ્ય પ્રમાણમાં નાઇટ્રિક ઍસિડ મુક્ત થાય છે, જેનું પ્રમાણિત આલ્કલી વડે અનુમાપન કરાય છે; દા.ત., ઇથિનામેટ.

(ii) થિયૉફિલિન-સિલ્વર સંકીર્ણનું સીધું અનુમાપન : થિયૉફિલિનની સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયામાં બનતા થિયૉફિલિનસિલ્વર સંકીર્ણને ગાળી, નાઇટ્રિક ઍસિડમાં ઓગાળવાથી મળતા Ag+નું પ્રમાણિત થાયૉસાયનેટ વડે અનુમાપન કરાય છે; દા.ત., એમિનોફિલિન વર્તિકા(suppository)માંના થિયૉફિલિનનું આ રીતે આમાપન થાય છે.

(iii) થિયૉફિલિન-સિલ્વર સંકીર્ણનું અવશિષ્ટ અનુમાપન : ઔષધના નમૂનાના એમોનિયામય દ્રાવણમાં વધારે પ્રમાણમાં સિલ્વર નાઇટ્રેટ ઉમેરી અવક્ષિપ્ત થતા Ag સંકીર્ણને ગાળીને ગાળણમાંના વધારાના Ag+નું પ્રમાણિત થાયોસાયનેટ વડે અનુમાપન કરવામાં આવે છે.

(iv) હૅલોજનનું સીધું અનુમાપન : કાર્બનિક હૅલોજનનું હૅલાઇડ આયનમાં રૂપાંતર કર્યા બાદ પ્રમાણિત AgNO3 વડે તેનું અનુમાપન કરાય છે.

(v) હૅલોજનનું પશ્ચ અનુમાપન : આ પદ્ધતિમાં હૅલાઇડ આયનમાં વધારે પ્રમાણિત AgNO3 નાખીને હૅલોજનને સિલ્વર હૅલાઇડ તરીકે અવક્ષિપ્ત કરાય છે. નહિ વપરાયેલ AgNO3નું પ્રમાણિત થાયૉસાયનેટ વડે અનુમાપન કરાય છે; દા.ત., ક્લોરોબ્યૂટેનોલને આલ્કલી સાથે ગરમ કરવાથી કાર્બનિક ક્લોરિન, ક્લોરાઇડ રૂપે દ્રાવણમાં આવી જાય છે. આનું ઉપર પ્રમાણે અનુમાપન કરાય છે.

રેડૉક્સ-આમાપન : આ પ્રકારની રીતોનો આધાર અનુમાપનમાં થતી અપચયન-ઉપચયન (reduction-oxidation-redox) પ્રક્રિયા છે.

(i) સેરિક સલ્ફેટ વડે સીધું અનુમાપન : ઔષધ યોગોમાંના આયર્ન (II)નું, સાથે ઉમેરેલ અનુદ્રવ્યો (excipients) અથવા અનુકારકો (diluents) સેરિક સલ્ફેટ ઉપર અપચાયક અસર ન કરતા હોય તો તેના વડે અનુમાપન કરાય છે; દા.ત., 2FeSO4 + 2Ce(SO4)2 = Fe2(SO4)3 + Ce2(SO4)3 ફેરસ ફ્યુમરેટ અને મિનીડાયોન ટીકડીઓનું આમાપન.

(ii) પોટૅશિયમ પરમગેનેટ સાથે સીધું અનુમાપન : પોટૅશિયમ પરમગેનેટના પ્રમાણિત દ્રાવણ વડે નમૂનાનું સીધું આમાપન કરાય છે; દા.ત., ચેરી જ્યુસ, હાઇડ્રોજન પેરૉક્સાઇડ[અને બાહ્ય વપરાશ (topical)નાં દ્રાવણો]માં આ પદ્ધતિ વપરાય છે.

(iii) ઑક્ઝેલિક ઍસિડ અને પરમૅંગેનેટના ઉપયોગથી કરાતું અનુમાપન : પોટૅશિયમ પરમૅંગેનેટ(અને દ્રાવણ બનાવવા માટેની ટીકડીઓ)ના નમૂનામાં વધારે અવશિષ્ટ પ્રમાણિત ઑક્ઝેલિક ઍસિડ નાખીને પ્રક્રિયા બાદ વધેલા ઑક્ઝેલિક ઍસિડનું પ્રમાણ પ્રમાણિત પરમૅંગેનેટ સાથેના અનુમાપનથી શોધી શકાય છે. સોડિયમ નાઇટ્રાઇટના નમૂનાનું વધારે પ્રમાણિત પરમૅંગેનેટ વડે ઉપચયન કરીને તેને સોડિયમ નાઇટ્રેટમાં રૂપાંતરિત કરાય છે. વધેલા પોટૅશિયમ પરમૅંગેનેટનું પ્રમાણ પ્રમાણિત ઑક્ઝેલિક ઍસિડ વડે મેળવાય છે.

ડાયક્લોરોફિનોલ-ઇન્ડોફિનોલ અનુમાપન : વિટામિન-સી, ઍસ્કોર્બિક ઍસિડ અપચાયક (reducing agent) છે. ડાયક્લોરોફિનોલ-ઇન્ડોફિનોલનું અપચયન થતાં તેનો ભૂરો રંગ દૂર થાય છે. અનુમાપકનો અલ્પ વધારો લાલાશ પડતો રંગ ઉત્પન્ન કરે છે જે અંતિમ બિન્દુ દર્શાવે છે. આમ ડાયક્લોરોફિનોલ-ઇન્ડોફિનોલ પ્રક્રિયક ઉપરાંત સૂચક પણ છે.

સોડિયમ ટેટ્રાફિનાઇલ બૉરૉન વડે અનુમાપન : ક્વૉટર્નરી એમોનિયમ ક્ષાર, બ્રોમોફિનોલ બ્લૂ સાથે રંગીન સંકીર્ણ બનાવે છે, જેનું ક્લૉરોફૉર્મમાં નિષ્કર્ષણ કરીને સોડિયમ ટેટ્રાફિનાઇલ બૉરૉન વડે અનુમાપન કરાય છે.

સોડિયમ ટેટ્રાફિનાઇલ (titrant) સાથે અનુમાપન કરવાથી રંગીન પદાર્થમાંથી ક્વૉટર્નરી ક્ષાર દૂર થવાથી ક્લૉરોફૉર્મના સ્તરમાંથી રંગનું વિસર્જન થાય છે.

દ્વિપ્રાવસ્થિક એમાઇન સર્ફેક્ટન્ટ અનુમાપનને આવરી લેતું અનુમાપન (assay involving diphasic amine surfactant tiration) : (ક) આ પ્રકારના અનુમાપનમાં, એમાઇન ક્ષારને ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય કરી, સૂચક નાખી મિશ્રણને હલાવવામાં આવે છે. સૂચક ક્લૉરોફૉર્મમાં દ્રાવ્ય છે. આ દ્વિપ્રાવસ્થિક-સિસ્ટમના આમાપન સર્ફેક્ટન્ટ, (જેવાં કે) સોડિયમ બોરિલ સલ્ફેટના દ્રાવણ અને એમાઇન પાણીદ્રાવ્ય સંકીર્ણ બનાવે છે. અંતિમ બિંદુની હદ વટાવી જતાં, ક્લૉરોફૉર્મમાં રહેલા વધારાના સર્ફેક્ટન્ટ બેઝિક ડાયની સાથે પ્રક્રિયા થાય છે અને સૂચક પહેલાં આછો પીળો હતો તેનું પરિવર્તન લાલથી ભૂરા અથવા ગુલાબી રંગમાં થાય છે.

આ રૂપાંતર(modification)માં, જેનું અનુમાપન કરવાનું છે તે પદાર્થ સર્ફેક્ટન્ટને ક્લૉરોફૉર્મ-પાણી-સૂચકના દ્રાવણમાં નાખવામાં આવે છે. ત્યારબાદ ક્વૉટર્નરી એમાઇન (જેવા કે સિટાઇલ આલ્કોનિયમ ક્લોરાઇડ અથવા ટેટ્રાબ્યૂટાઇલ એમોનિયમ આયોડાઇડ વાપરીને) અનુમાપન કરવામાં આવે છે.

દા.ત., સેટિલ પિરિડિનિયમ ક્લોરાઇડ લૉઝેંજ તથા ડાઇસાઇક્લૉમાઇન હાઇડ્રૉક્લોરાઇડ (ક) પદ્ધતિથી તથા ડૉક્યુસેટ કૅલ્શિયમ અને ડૉક્યુસેટ સોડિયમનું (ખ) પદ્ધતિથી અનુમાપન કરવામાં આવે છે.

પોટૅશિયમ આયોડાઇડમાંથી મુક્ત થતાં આયોડિનનું અનુમાપન : [titration of Iodine librated from Potassium Iodide] ઔષધને KI(પોટૅશિયમ આયોડાઇડ)ના ઍસિડિક દ્રાવણમાં નાખવામાં આવતાં આયોડિન મુક્ત થાય છે, જેનું અનુમાપન પ્રમાણિત સોડિયમ થાયોસલ્ફેટ વડે કરવામાં આવે છે.

દા.ત., CuSO4ની સાથે નીચેની પ્રક્રિયા થાય છે :

2CuSO4 + 4KI → 2CuI + I2 + 2K2SO4

I2 + 2Na2S2O3 → 2NaI + Na2S4O6

ફેરસ ફ્યુમારેટ ટીકડીઓ, ફેનિન્ડિયોન તથા સિલિનિયમ સલ્ફાઇડ અને સિલિનિયમ સલ્ફાઇડ મલમનું અનુમાપન આ પ્રમાણે થાય છે :

(ક) કેટલાંક ઔષધોને ફાર્માકોપિયામાં દર્શાવેલી પરિસ્થિતિમાં ઑક્સિજન ફ્લાસ્ક દહનપદ્ધતિ વાપરીને વિઘટન કરી નીચેની રીતે (ખ) પ્રમાણે અનુમાપન કરાય છે :

(ખ) ઔષધને K2CO3 સાથે પિગાળવામાં આવે છે, ઍસિડીકરણ કરી, બ્રોમીન ઉમેરી ઑક્સિડેશન થતાં આયોડેટ અને બ્રોમાઇડ આયનો બને છે. દ્રાવણને ગરમ કરી વધારાનો બ્રોમીન દૂર કરાય છે. ફિનોલ અથવા ફૉર્મિક ઍસિડ નાખવાથી પણ વધારાનો બ્રોમીન દૂર કરી શકાય છે. ત્યારબાદ KI નાખતાં આયોડેટ આયન આયોડિનને મુક્ત કરે છે, જેનું અનુમાપન પ્રમાણિત સોડિયમ થાયૉસલ્ફેટ વડે કરવામાં આવે છે.

દા.ત., આયૉડોક્વિનોલનું (ક) પદ્ધતિથી અને ડેક્સ્ટ્રોથાઇરોઝિન સોડિયમ ટીકડીનું (ખ) પદ્ધતિથી અનુમાપન કરાય છે.

પોટૅશિયમ આયોડેટ સાથે અનુમાપન : આલ્કલી ધાતુના આયોડાઇડના ઍસિડીકરણ કરેલા દ્રાવણનું KIO3ના દ્રાવણ વડે અનુમાપન કરતાં નીચે મુજબની પ્રક્રિયાથી આયોડિન મુક્ત થાય છે.

5KI + KIO3 + 6HCl = 6KCl + 3I2 + 3H2O

જો HClની સાંદ્રતા પૂરતા પ્રમાણમાં હોય તો મુક્ત થયેલ આયોડિન નીચે મુજબ આયોડિન મૉનૉક્લોરાઇડ(ICl)માં ફેરવાય છે.

KIO3 + 2I2 + 6HCl = KCl + 5ICl + 3H2

બંને સૂત્રોના સમન્વયથી :

KIO3 + 2Kl + 6HCl = 3KCl + 3ICl + 3H2O

આ અનુમાપનમાં નાખેલા થોડાક મિલીલિટર ક્લૉરોફૉર્મમાંથી આયોડિનનો રંગ અર્દશ્ય થાય તે અંતિમ બિન્દુની નિશાની છે.

દા.ત., બેન્ઝાલ્કોનિયમ ક્લોરાઇડ તથા તેનું દ્રાવણ.

હાઇડ્રાલેઝીન હાઇડ્રૉક્લોરાઇડ ઇન્જેક્શન અને ટીકડીનું અનુમાપન કરવા માટે ઉપરની રીતમાં થોડા ફેરફાર કરી શકાય છે.

વધારાના પરઆયોડેટની સાથે KIની પ્રક્રિયા : મેનિટોલ અને તેના ઇન્જેક્શનના તૈયાર કરેલ નમૂનામાં ઍસિડીકરણ કરેલ દ્રાવણને પરઆયોડેટ સાથે ગરમ કરતાં મેનિટોલનું નીચે મુજબ ઑક્સિડેશન થાય છે :

C6H14O6 + 5HIO4 =
4HCHO + 4HCOOH + 5HIO3 + H2O

વધારાનો પરઆયોડેટ અને પ્રક્રિયામાં બનેલ આયોડેટ બંને KI સાથે પ્રક્રિયા કરીને આયોડિન મુક્ત કરે છે, જેનું પ્રમાણિત સોડિયમ થાયૉસલ્ફેટ વડે અનુમાપન કરાય છે.

HIO3 + HIO4 + 12HI = 7I2 + 7H2O

થાયૉસલ્ફેટ સાથે આયોડિનનું સીધું અનુમાપન : જે નમૂનામાં આયોડિન મુક્ત અવસ્થામાં હોય તેનું પ્રમાણિત થાયૉસલ્ફેટ વડે સીધું અનુમાપન કરાય છે.

અદ્રાવ્ય ડાયક્રોમેટના અવક્ષેપન પછી આયોડિનનું અવશિષ્ટ અનુમાપન : આ પદ્ધતિમાં ઔષધના જલીય દ્રાવણમાં પ્રમાણિત પોટૅશિયમ ડાયક્રોમેટ ઉમેરતાં, ડાયક્રોમેટનું અવક્ષેપન થાય છે. તેને દૂર કર્યા પછી દ્રાવણમાંના બિનવપરાયેલા ડાયક્રોમેટમાં વધારાનો KI નાખવાથી, આયૉડીન છૂટું પડે છે, જેનું અનુમાપન થાયૉસલ્ફેટ વડે કરાય છે.

Cr2O7 + 14H+ + 6I = 3I2 + 2Cr+++ = 7H2O

વધારાના પ્રમાણિત આયૉડિનનું અવશિષ્ટ અનુમાપન : આયોડિન વડે ઔષધના નમૂનાનું ઉપચયન કરવામાં આવે છે, તેને પરઆયોડાઇડમાં રૂપાંરિત કરવામાં આવે છે અથવા તેને આયોડિન વડે પ્રતિસ્થાપિત થયેલ પદાર્થમાં ફેરવવામાં આવે છે અને વધારાના આયોડિનનું થાયોસલ્ફેટ વડે અનુમાપન કરાય છે;

દા.ત., રેસમેથિયૉનાઇન (અને માત્રારૂપો)

રેસમેથિયૉનાઇનને ફૉસ્ફેટ બફર તથા વધારે પ્રમાણિત આયોડિનમાં નાખતા રેસમેથિઓનાઇનનું ઉપચયન સલ્ફોક્સાઇડમાં થાય છે. બિનવપરાયેલા આયોડિનનું પ્રમાણ, પ્રમાણિત સોડિયમ થાયૉસલ્ફેટ વડે નક્કી કરવામાં આવે છે.

CH3SCH2CH2CH (NH2) COOH + I2 + 3H2O = CH3SOCH2CH2CH [NH2] COOH + 2I + 2H3+O

ફિનોલનું આયોડોમિતિ અનુમાપન : નમૂનાના દ્રાવણમાં પોટૅશિયમ બ્રોમેટ + પોટૅશિયમ બ્રોમાઇડનું પ્રમાણિત દ્રાવણ ઍસિડની હાજરીમાં ઉમેરતાં ફિનોલના બ્રોમોવ્યુત્પન્નનું અવક્ષેપન થાય છે.

5Br + BrO3 + 6HCl = 6Cl + 3Br2 + 3H2O C6H5OH + 3Br2 = C6H2Br3OH + 3HBr

ત્યારબાદ તેમાં વધારે પોટૅશિયમ આયોડાઇડ નાખવાથી આયોડિન છૂટું પડે છે, જેનું અનુમાપન પ્રમાણિત સોડિયમ થાયૉસલ્ફેટ વડે કરવામાં આવે છે.

પ્રમાણિત આયોડિન સાથે સીધું અનુમાપન : નમૂનાનું સીધું પ્રમાણિત આયોડિન સાથે સીધું અનુમાપન કરવામાં આવે છે; દા.ત., ઍસ્કોર્બિક ઍસિડ, કાર્બાર્સોન (અને માત્રારૂપો).

આયોડિન (અથવા હૅલોજન) વડે વધારાના થાયૉસલ્ફેટનું અવશિષ્ટ અનુમાપન; દા.ત., મેક્લૉરઇથામાઇન હાઇડ્રૉક્લોરાઇડ અને તેનાં ઇન્જેક્શનો થાયૉસલ્ફેટ સક્રિય ક્લોરિન પરમાણુઓ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે :

CH3N (CH2CH2Cl)2 HCl + NaHCO3 + 2Na2S2O3 → 3NaCl + CO2 + H2O + CH3N (CH2 CH2S2O3Na)2

આર્સેનાઇટ વડે આયોડિનનું સીધું અનુમાપન : મુક્ત અથવા છૂટા પડેલા આયોડિનનું પ્રમાણિત સોડિયમ આર્સેનાઇટના દ્રાવણ વડે અનુમાપન કરવામાં આવે છે.

દા.ત., આયોડિન ટ્રૉપિકલ દ્રાવણ, આયોડિન દ્રાવણ, ટિન્ક્ચર આયોડિન, પ્રબળ ટિન્ક્ચર આયોડિનના મુક્ત આયોડિન માટે આ પદ્ધતિ વપરાય છે.

પ્રમાણિત બ્રોમીન સાથે સીધું અનુમાપન : ઘન થાયમોલના નમૂનાના ગરમ દ્રાવણનું બ્રોમીન સામે અનુમાપન કરી ફિનોલની જેમ આકલન કરવામાં આવે છે.

પોટૅશિયમ ફેરિસાઇનાઇડ સાથે સીધું અનુમાપન : આ પરીક્ષણમાં ઔષધ-નમૂનો (દા.ત., મિથાઇલ પ્રિલોન) અને પોટૅશિયમ ફેરિસાઇનાઇડ વચ્ચે ઉપચયનપ્રક્રિયા થાય છે. અંતિમ બિન્દુ પોટૅન્શિયોમીટરથી નક્કી કરાય છે.

સોડિયમ નાઇટ્રાઇટના દ્રાવણને આવરતું અનુમાપન : પ્રાથમિક ઍરોમૅટિક એમાઇન અથવા આવા એમાઇનમાં ફેરવી શકાય તેવાં વ્યુત્પન્નોનું માત્રાત્મક અનુમાપન સોડિયમ નાઇટ્રાઇટ વડે ઍસિડિક માધ્યમમાં કરાય છે. અહીં પ્રાથમિક ઍરોમૅટિક એમાઇનનું ડાયેઝોટાઇઝેશન થયા બાદ વધારાના સોડિયમ નાઇટ્રાઇટનું અનુમાપન (અંતિમ બિન્દુએ) પોટૅન્શિયોમિટરથી, એમ્પેરોમિટરથી કે બાહ્ય સૂચક વાપરીને નક્કી કરાય છે; દા.ત., સલ્ફોનામાઇડનું અનુમાપન અમેરિકન ફાર્માકોપિયામાં પોટૅન્શિયૉમિટરથી, બ્રિટિશ ફાર્માકોપિયામાં ઍમ્પેરોમિટરથી અને ભારતના ફાર્માકોપિયામાં બાહ્ય સૂચકથી થાય છે.

સલ્ફોનામાઇડમાંનો ઍમિનોસમૂહ જો એસાઇલ રૂપે હોય તો તેનું જલવિભાજન કરીને ઍમિનોસમૂહને મુક્ત કરવો જરૂરી છે; દા.ત., પ્રિમાક્વિન ફૉસ્ફેટ (અને ટીકડીઓ), પ્રોકેન અને ટેટ્રોકેન હાઇડ્રૉક્લોરાઇડમાં આ પદ્ધતિ ઉપયોગી છે.

સંકુલન પ્રક્રિયાઓ (complexation reactions) : આ પદ્ધતિમાં વિશિષ્ટ લિગેન્ડ(ઇથિલીન ડાયએમાઇન ટેટ્રા ઍસિટિક ઍસિડ – EDTA)નો ઉપયોગ કરીને સંકીર્ણ રચીને પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે.

નમૂનામાં આલ્કાલાઇન બફર દ્રાવણ નાખીને યોગ્ય સૂચક ઉમેરીને EDTAના ડાયસોડિયમ ક્ષારથી અનુમાપન કરાય છે. અહીં સૂચક પણ રંગીન લિગેન્ડ પ્રકારના હોય છે.

EDTA બહુસંયોજક (polyvalent) ધાતુઓ સાથે બિન-વિયોજિત (undissociable) કિલેટ બનાવે છે; દા.ત., ઍલ્યુમિના અને મૅગ્નિશિયા મુખમાર્ગી (oral) નિલંબન (suspension) અને ટીકડીઓ; કૅલ્શિયમ પેન્ટોથેનેટ વગેરેમાં આ પદ્ધતિ ઉપયોગી છે.

EDTAને આવરતું અવશિષ્ટ અનુમાપન : નમૂનામાં યોગ્ય બફર નાખીને, વધારે EDTA ઉમેરીને, વધારાના બિનવપરાયેલા EDTAનું પ્રમાણ પ્રમાણિત ઝિંક સલ્ફેટના દ્રાવણ સામે અનુમાપન કરીને નક્કી કરાય છે; દા.ત., ઍલ્યુમિનિયમ અને મૅગ્નેશિયમ બંને ભેગાં હોય તેમાં ફક્ત ઍલ્યુમિનિયમનું આમાપન કરવા આ પદ્ધતિ વપરાય છે.

તે ઉપરાંત પ્રાથમિક અલગન વગર, યોગ્ય બફર દ્રાવણો તથા પ્રચ્છાદકો(masking agent)નો ઉપયોગ કરીને કૅલ્શિયમ અને ઍલ્યુમિનિયમ; કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ તથા જસત અને ઍલ્યુમિનિયમનાં મિશ્રણોનું પ્રમાણ નક્કી કરી શકાય છે.

અજલીય દ્રાવણોમાં ઍસિડ-બેઝ પ્રક્રિયાઓ : પાણી સમઆયનન (levelling) દ્રાવણ હોઈ ઘણા નિર્બળ ઍસિડ/બેઝના અનુમાપનમાં સ્પષ્ટ અંતિમ બિન્દુ મેળવી શકાતું નથી. આ તકલીફ અજલીય દ્રાવકોમાં અનુમાપન કરવાથી નડતી નથી. તેથી આ પ્રણાલીનો નિર્બળ ઍસિડ/બેઝ ઔષધોમાં બહોળો ઉપયોગ થાય છે.

અજલીય દ્રાવક જેવાં કે ગ્લેશિયલ ઍસિટિક ઍસિડ, ડાયમિથાઇલ ફૉર્મામાઇડ વગેરેનો દ્રાવક તરીકે ઉપયોગ કરી, પરક્લોરિક ઍસિડ અનુમાપક (titrant) તરીકે લઈ, યોગ્ય સૂચક (મેલેચિટ ગ્રીન, ક્રિસ્ટલ વાયોલેટ) વાપરી નિર્બળ બેઝ અને તેના ક્ષારોનું અનુમાપન કરાય છે; દા.ત., મૅટ્રોનિડાઝોલ, કૅફીન, સોડિયમ સેલિસિલેટ વગેરે.

નિર્બળ ઍસિડ, ફિનોલ, બાર્બિટ્યૂરેટ્સ, ઇનોલ વગેરેનું અનુમાપન સોડિયમ ઇથૉક્સાઇડ કે લિથિયમ મિથૉક્સાઇડ અથવા ટેટ્રાબ્યુટાઇલ એમોનિયમ હાઇડ્રૉક્સાઇડ વડે કરવામાં આવે છે. આ પ્રણાલીમાં ક્વિનાલ્ડિન રેડ, થાયમોલ બ્લૂ જેવા સૂચકો વપરાય છે.

બંને પદ્ધતિઓમાં અંતિમ બિન્દુ પોટૅન્શિયોમિટરથી પણ નક્કી કરી શકાય.

ભારાત્મક પદ્ધતિઓ (gravimetric methods) : ભારમાપક પૃથક્કરણમાં નમૂનામાં રહેલ પદાર્થનું અથવા તો તેના વ્યુત્પન્નનું વજન કરાય છે. વ્યુત્પન્નના તુલ્યભાર ઉપરથી પરિણામની ગણતરી કરાય છે. છેવટે જેનું વજન કરવામાં આવે તે પદાર્થને ભૌતિક કે રાસાયણિક રીતે નમૂનામાંથી છૂટો પાડવામાં આવે છે.

અધિકૃત ભારમાપક પરીક્ષણોને નીચે પ્રમાણેના વર્ગોમાં વહેંચી શકાય :

અલગ કર્યા પછી સક્રિય ઘટકનું વજન : સક્રિય ઘટકને અલગ પાડીને તેના શુષ્ક રૂપમાં વજન; દા.ત., કોલોડિયૉનના સક્રિય પદાર્થ પાયરૉક્સિલીનનું પાણી નાખીને અવક્ષેપન કર્યા બાદ, શુષ્ક કરી તેનું વજન કરવામાં આવે છે.

કૅફીન અને સોડિયમ બેન્ઝોએટ ઇન્જેક્શનમાં, વજન કરેલ ઇન્જેક્શનમાં પાણી નાખતા સોડિયમ બેન્ઝોએટ દ્રાવ્ય બને છે, જ્યારે અદ્રાવ્ય કૅફીનને ગાળી, શુષ્ક કરી વજન કરવામાં આવે છે.

નમૂનાના જ્વલનથી મળતા અવશેષનું વજન; દા.ત., ઍલ્યુમિનિયમ મૉનૉસ્ટિયરેટનું જ્વલન કરતાં ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ અવશેષરૂપે મળે છે, જેનું વજન કરવામાં આવે છે.

સક્રિય ઘટકના વ્યુત્પન્નનું અવક્ષેપન અને વજન; દા.ત., સાઇટ્રેટ ફૉસ્ફેટ ડેક્ટ્રૉસ દ્રાવણ; આમાં ફેહલિંગ દ્રાવણ નાખતાં ડેક્ટ્રૉસ Cu2Oનું અવક્ષેપન કરે છે, તેને પાણીથી ધોઈ, શુષ્ક કરી તેનું વજન કરવામાં આવે છે.

કૅમ્ફર સ્પિરિટમાંના કૅમ્ફરનું 2, 4-ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રાઝોન તરીકે વજન કરાય છે.

વિશિષ્ટ પરીક્ષણ : આ પરીક્ષણો (ક) અને (ખ) પ્રકારનાં પરીક્ષણો ઉપરાંત ઔષધનાં માત્રારૂપ(dosage forms)ને અનુલક્ષીને કરવામાં આવે છે.

ટીકડી (tablet) : વજન-એકરૂપતા (weight uniformity test) : આ કસોટીમાં 20 ટીકડીઓ લઈને દરેકનું વજન કરી, સરેરાશ વજન નક્કી કરી, સરેરાશ વજનથી દરેક ટીકડીના વજનનો તફાવત કાઢ્યા પછી તફાવતના ટકા (percentage deviation) કાઢવામાં આવે છે.

ફાર્માકોપિયામાં દર્શાવેલા તફાવતના ટકા સાથે આપેલ ટીકડીઓના તફાવતના ટકા સરખાવવામાં આવે છે. જો તફાવતના ટકા માન્ય ગાળાની અંદર હોય તો ટીકડીઓ અધિકૃત અને બહાર હોય તો બિનઅધિકૃત ગણાય છે. આ કસોટી શર્કરાવિલેપિત ટીકડીઓ (sugar coated tablets) માટે નથી કરવામાં આવતી.

ઔષધ અંશની એકરૂપતા (content uniformity test) : આ કસોટી ઉપર પ્રમાણે જ છે, પણ આની અંદર પરિમાણદર્શક પૃથક્કરણ(quantitative analysis)ના આધારે ઔષધના પ્રમાણના તફાવતના ટકા કાઢવામાં આવે છે અને ફાર્માકોપિયામાં દર્શાવેલા માન્ય ગાળા સાથે તેને સરખાવવાથી ટીકડીઓ અધિકૃત કે બિનઅધિકૃત નક્કી કરી શકાય છે.

જે ટીકડીઓમાં 50 મિગ્રા. કરતાં ઔષધની માત્રા ઓછી હોય તેવી ટીકડીઓ માટે આ કસોટી દર્શાવાયેલી છે, કારણ કે ઔષધની માત્રા ટીકડીના કુલ વજનના પ્રમાણમાં ઓછી હોઈ વજનની એકરૂપતા ઔષધની માત્રાની એકરૂપતા સાથે સરખાવી શકાતી નથી.

અવખંડન (disintegration) : ફાર્માકોપિયામાં વર્ણવેલા સાધનમાં ફાર્માકોપિયામાં દર્શાવેલી સંખ્યામાં ટીકડીઓ લઈને જેટલા સમયમાં ટીકડીનું વિયોજન થાય તે સમય નોંધી ફાર્માકોપિયાના સમય સાથે સરખાવાય છે. દર્શાવેલ સમયની અંદર અવખંડન થાય તો જ ટીકડી અધિકૃત ગણાય છે.

દીર્ઘકાલિક મોચન ટીકડી (sustained release tablet) અને ચાવીને ખાવાની ટીકડી (chewable tablet) માટે આ કસોટી વપરાતી નથી.

વિલયન કસોટી (dissolution test) : ફાર્માકોપિયામાં વર્ણવેલ સાધનમાં, દર્શાવેલી સંખ્યામાં ટીકડીઓ લઈને, યોગ્ય દ્રાવણના માધ્યમમાં મૂકીને ચોક્કસ અંતરે ચોક્કસ માત્રામાં દ્રાવણમાધ્યમ લઈને ટીકડીમાંથી મુક્ત થયેલ ઔષધનું પરિમાણદર્શક પરીક્ષણથી પ્રમાણ નક્કી કરાય છે. આ પરથી વિલયન વેગ (dissolution rate) નક્કી કરી, ફાર્માકોપિયામાંના વિલયન વેગ સાથે સરખાવી ટીકડીને અધિકૃત કે બિનઅધિકૃત દર્શાવાય છે. આ કસોટી મોટાભાગે પાણીમાં અદ્રાવ્ય કે ઓછી માત્રામાં દ્રાવ્ય હોય તેવાં ઔષધોની ટીકડીઓ માટે વપરાય છે.

ઇન્જેક્શન : દેખાવ : ઇન્જેક્શન ઇમલ્શન હોય તો કોઈ પદાર્થ છૂટો પડવો ન જોઈએ અને હલાવ્યા પછી તેનો દેખાવ એકધારો હોવો જોઈએ.

ઇન્જેક્શન નિલંબનરૂપ (suspension) હોય તો તેમાં કણો, મોટા ભાગે નીચે બેસી ગયા હોય છે, પણ હલાવ્યા પછી પાછું એકધારું નિલંબન મળવું જોઈએ અને જોઈએ તેટલા પ્રમાણમાં સિરિંજથી કે બીજી કોઈ રીતે લઈએ ત્યારે એકધારું નિલંબન રહેવું જોઈએ.

ઇન્જેક્શન પાઉડર કે ઘનસ્વરૂપે હોય તો તેમાં યોગ્ય પ્રમાણમાં યોગ્ય પ્રવાહી નાખતાં દ્રાવણ ચોખ્ખું કણ વગરનું અથવા એકધારું નિલંબનરૂપ બનવું જોઈએ.

કણમય વસ્તુ (particulate matter) : ઇન્જેક્શન જો દ્રાવણરૂપ હોય તો નરી આંખે જોઈએ ત્યારે તે સ્પષ્ટ અને રજકણમુક્ત હોવું જોઈએ.

સીલબંધ પાત્રમાં પાઉડર કે ઘનસ્વરૂપે ઔષધ હોય ત્યારે તેમાં યોગ્ય પ્રવાહી નાખી હલાવતાં તેમાં અવશેષ કે અદ્રાવ્ય વસ્તુ ન હોવી જોઈએ.

નિર્જીવાણુકતા (sterility) : ફાર્માકોપિયામાં દર્શાવેલી નિર્જીવાણુકતાની કસોટી મુજબ હોય તો જ ઇન્જેક્શન અધિકૃત ગણી શકાય.

પાઇરોજન : નસનાં ઇન્જેક્શનો કે ફાંટ (infusion) પાઇરોજન (પાઇરોજન એટલે બૅક્ટિરિયાસર્જિત ઝેરી પદાર્થ, જેને લઈને શરીરનું તાપમાન વધે છે, એટલે કે તાવ આવે છે)ની કસોટી મુજબ હોય તે આવશ્યક છે.

બીજા પ્રકારનાં જે ઇન્જેક્શનોમાં 10 મિલી. અથવા વધારે કદ હોય તે પણ પાઇરોજનમુક્ત હોવાં જરૂરી છે.

કદની કસોટી (extractable volume) : એક કોરા અંકિત નળાકારની અંદર ઇન્જેક્શનનું પ્રવાહી નાખવામાં આવે તો તે લેબલ પર લખેલા કદથી ઓછું ન હોવું જોઈએ. તે ઉપરાંત ઇન્જેક્શન પાત્રમાં થોડું ચોંટી જાય અથવા સિરિંજમાં ભરતી વખતે ઇન્જેક્શનનો વ્યય થાય તેથી તેનું કદ થોડું વધુ હોય તેવી ફાર્માકોપિયાની ભલામણ છે.

વજનની એકરૂપતા (weight uniformity) : આ કસોટીમાં 20 ઇન્જેક્શન-પાત્રો લઈ, લેબલ કાઢી, સાફ કરી, સૂકા કરી, દરેકનું વજન કરી, પાત્ર ઉઘાડી, ખાલી કરી, સાફ કરી, 105o સે. પર ગરમ કરીને ફરીથી પાત્રનું વજન કરવામાં આવે છે. આ તફાવત ઇન્જેક્શનની અંદરની ઔષધીય બનાવટનો છે. આ તફાવતને ટીકડીઓના વજનની એકરૂપતાની કસોટી પ્રમાણે ચકાસવામાં આવે છે.

કૅપ્સ્યૂલ : વજનની એકરૂપતા : 20 કૅપ્સ્યૂલ લઈને, દરેકનું વજન ઔષધની બનાવટ ખાલી કરી, સંપુટને સાફ કરી, વજન કરી, તફાવત કાઢી ટીકડીઓના વજનની એકરૂપતા પ્રમાણે ચકાસવામાં આવે છે.

વિયોજન : આ કસોટીમાં ચોક્કસ પ્રકારના સાધનમાં, ચોક્કસ સંખ્યાના સંપુટો મૂકીને, તેનો વિખંડન-સમય શોધી, ફાર્માકોપિયામાં આપેલા પ્રમાણભૂત સમય સાથે સરખાવવામાં આવે છે.

વિલયન : આ કસોટી ટીકડી પ્રમાણે કરવામાં આવે છે.

નેત્રમલમ : તે ફાર્માકોપિયામાં દર્શાવેલ નિર્જીવાણુકતા કસોટી, ઝરવાની કસોટી (leak test) તથા ધાતુના કણોની કસોટી મુજબ હોવો જોઈએ.

ઍરોસૉલ (aerosol) : કણોનું માપ : ઔષધ તથા અન્ય કણોનું માપ 10 (માઇક્રોમિટર)થી ઓછું હોવું જોઈએ.

ઝરવાની કસોટી : પાત્રમાંથી 5 %થી વધુ પ્રમાણમાં પદાર્થ ઝરવો જોઈએ નહિ.

દબાણ કસોટી (pressure test) : ફાર્માકોપિયામાં દર્શાવેલ પદ્ધતિથી દબાણ માપવામાં આવે છે.

મલમ, ક્રીમ, લૉઝેંજ (ચૂસવાની ગોળી), ગોળી (pellet) : આ બધાં જ ઔષધીય રૂપોમાં વજનની એકરૂપતા ટીકડીના વજનની એકરૂપતા પ્રમાણે કરવામાં આવે છે. અન્ય વિશિષ્ટ કસોટીઓ આ રૂપો માટે નથી.

ચૂર્ણ, પાઉડર : બારીકપણાની એકરૂપતા (uniformity of fineness) : ફાર્માકોપિયામાં નિર્દેશિત ચાળણીમાંથી ચૂર્ણ પસાર થવું જોઈએ.

અંત:શ્વસન (inhalation) : ઔષધ અંશની એકરૂપતા : આ કસોટી થોડા ફેરફાર સાથે કૅપ્સ્યૂલ પ્રમાણે કરવામાં આવે છે.

નીચેનાં ઔષધીય રૂપો માટે કોઈ વિશિષ્ટ પ્રકારની કસોટીઓ ફાર્માકોપિયામાં નિર્દેશિત કરી નથી.

લોશન; જેલ; ઇમલ્શન; એલિક્સર; નિષ્કર્ષ; પેસ્ટ; સ્પિરિટ; વર્તિકા (suppository); સિરપ; નિલમ્બન; ટિંક્ચર; ઍરોમૅટિક પાણી; દ્રાવણ; દૂધ.

જૈવિક કસોટીઓ અને પરીક્ષણો (biological test and assays) : આ પરીક્ષણમાં નમૂનાના જીવંત પ્રાણી કે તેના અંગ પર થતી અસરને પ્રમાણિત ઔષધથી થતી અસર સાથે સરખાવવામાં આવે છે. રાસાયણિક કે ભૌતિક પદ્ધતિઓથી જ્યારે ઔષધની કે તેની બનાવટની ગુણકારિતા (potency) યોગ્ય રીતે કાઢી ન શકાય ત્યારે જૈવિક પદ્ધતિ લાગુ પડાય છે. આ પદ્ધતિ કંટાળાજનક, લાંબી અને ખર્ચાળ હોવા ઉપરાંત ઘણાં પ્રભાવક પરિબળોને લીધે તેનાં પરિણામ જોઈએ તેટલાં ચોક્કસ નથી હોતાં.

1. સૂક્ષ્મજીવાણુલક્ષી પદ્ધતિ : (ક) પ્રસરણ (diffusion assays) : આ પદ્ધતિમાં અગાર જેલ(agar gel)માં માઇક્રોબ્સની વૃદ્ધિ અટકાવતા વિસ્તાર (zone of inhibition) માપી પ્રતિજીવીનું પ્રમાણ નક્કી કરી શકાય છે. (ખ) ટર્બિડૉમેટ્રી પરીક્ષણ : આ પદ્ધતિમાં ઍન્ટિબાયૉટિકની હાજરીથી બૅક્ટિરિયાની વૃદ્ધિ ઘટવાથી દ્રાવણની ટર્બિડિટી ઘટે છે, જે ટર્બિડોમિટરથી માપી શકાય છે.

વિટામિનના પરીક્ષણમાં વિટામિનની હાજરીથી બૅક્ટિરિયાની વૃદ્ધિ થાય છે અને ટર્બિડિટી પણ વધે છે, જે માપવાથી વિટામિનનું પ્રમાણ માપી શકાય છે.

2. બીજી જૈવિક પદ્ધતિઓ : આ પદ્ધતિમાં જીવાણુ સિવાયના પ્રાણીઓ અથવા તેનાં અંગો વપરાય છે; દા.ત., ઇન્સ્યૂલિનનું પ્રમાણ સસલાં ઉપર પ્રયોગ કરીને તેમજ ડિકૉક્સિનનું પ્રમાણ કબૂતર ઉપર પ્રયોગ કરીને નક્કી થાય છે.

છેલ્લે, ઔષધની ગુણદર્શક કસોટી, મર્યાદા કસોટી અને પ્રમાણદર્શક કસોટીઓ જુદા જુદા ફાર્માકોપિયામાં સરખી કે જુદી જુદી હોઈ શકે છે; એટલું જ નહિ, પરંતુ એક જ ફાર્માકોપિયાની જુદી જુદી આવૃત્તિઓમાં પણ એક જ કે જુદી જુદી કસોટી હોય તેમ પણ બને.

ઉર્વિશ પાઠક