સૈયદ, આબિદ હુસેન (જ. જુલાઈ, 1896, ભોપાલ, મધ્યપ્રદેશ; અ. ?) : અરબી-ફારસીના વિદ્વાન. તેઓ પોતે કવિ અને લેખક હતા. તેમનું બાળપણનું શિક્ષણ ઘેર બેઠાં કુરાને શરીફ અને અરબી-ફારસીના અભ્યાસથી શરૂ થયું. 1910માં તેઓ ભોપાલની હાઈસ્કૂલમાં જોડાયા અને 1916માં મૅટ્રિક થયા પછી ઉચ્ચ શિક્ષણ માટે અલ્લાહાબાદની કૉલેજમાંથી ફિલસૂફી અને સાહિત્યના વિષય સાથે બી.એ. થયા.
ભોપાલ રાજ્યની શિષ્યવૃત્તિ મેળવી તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં જોડાયા અને બી.એ.ની ડિગ્રી મેળવી. પછી તેઓ જર્મની ગયા. 1925માં તેમણે ફિલસૂફી અને અરબી ભાષા તથા યુરોપના ઇતિહાસના વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ત્યાં તેઓ પ્રો. એડવર્ડ સ્પ્રેન્ગર, ડૉ. ઝાકિર હુસેન, પ્રો. મોહમ્મદ મુજીબ, ડૉ. ખ્વાજા અબ્દુલ હમીદ અને ડૉ. સીલીમુજ્ઝખાનના સંપર્કમાં આવ્યા. જર્મનીમાં ઇન્ડિયન ઍસોસિયેશન તે સૌનું કેન્દ્ર હતું.
જર્મન આવૃત્તિના નામે જાણીતા ગાલિબના કાવ્યસંગ્રહના સંપાદન અને પ્રકાશનમાં તેમનો પ્રશંસનીય ફાળો રહ્યો હતો. તે સંગ્રહ ડૉ. ઝાકિર હુસેનના સહયોગમાં તૈયાર થયો હતો. તેમણે ‘પરદએ-ગફલત’ નામક નાટક જર્મન ભાષામાં લખ્યું હતું. વળી જાણીતા ડચ લેખક ડી-બોઅર(De-Boer)ની કૃતિ ‘હિસ્ટરી ઑવ્ ફિલૉસોફી ઇન ઇસ્લામ’નો સરળ અને પ્રેરણાદાયી અનુવાદ તેમણે કર્યો. 1926માં ડૉ. ઝાકિર હુસેન, પ્રો. મહંમદ મુજીબ સાથે તેઓ ભારત પાછા ફર્યા. તેમણે ત્રણેયે મળીને ‘જામિયા-મિલિયા ઇસ્લામિયા’નું ઘડતર કર્યું. તેઓ ત્રણેય ચુસ્ત ગાંધીવાદી હતા. પ્રારંભમાં તેઓ અંગ્રેજી અખબાર ‘પાયોનિયર’ની અસર નીચે અંગ્રેજો તરફી વલણ ધરાવતા હતા; પરંતુ ‘જલિયાંવાલા બાગ’ની ઘટના પછી ટાગોર અને ગાંધીજીના પ્રભાવ હેઠળ આવીને અસહકારની ચળવળમાં જોડાયા અને ગાંધીવિચારને અંતિમ શ્વાસ સુધી વળગી રહ્યા.
તેમણે ‘મઝામીને આબિદ’, ‘પરદએ-ગફલત’, ‘કવ્મી તહઝીબ કા મસઅલા’ જેવા કેટલાક મૌલિક ગ્રંથો આપ્યા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા