ઔષધો (પશુ) : મુખ્યત્વે પશુરોગોના પ્રતિરોધ અને ઉપચાર સાથે સંકળાયેલી દવાઓ, પશુચિકિત્સાને લગતી આ દવાઓ માનવ-સ્વાસ્થ્ય અને નિમ્ન કક્ષાનાં પ્રાણીઓ વચ્ચેના સંબંધને આવરી લેવા ઉપરાંત, પ્રાણીજન્ય આહારના ઉત્પાદનની ચકાસણી સાથે પણ સંકળાયેલી છે.
પશુ-ચિકિત્સા અને ઉપચાર માનવસંસ્કૃતિ જેટલાં જૂનાં છે. ભારતના પ્રાચીન ગ્રંથોમાં પશુચિકિત્સાના વ્યવસાય વિશે સારી એવી માહિતી છે. પશુ પ્રત્યે આદરભાવ હોવાને લીધે ભારતમાં માનવચિકિત્સા અને શલ્યશાસ્ત્ર સાથે પશુચિકિત્સાનો પણ વિકાસ થવા માંડ્યો હતો. વૈદિક કાળ(ઈ. પૂ. 1800થી 1200)નાં લખાણો પરથી તે વખતના હિંદુઓ, વિવિધ પાલતુ પ્રાણીઓના રોગોનાં નિદાન અને ચિકિત્સા વિશે શાસ્ત્રોક્ત માહિતી ધરાવતા હતા.
પ્રાચીન કાળના સુપ્રસિદ્ધ પશુચિકિત્સક શાલિહોત્રનું નામ હજારો વર્ષોથી ભારતમાં જાણીતું હોવાથી તે સમયના પશુચિકિત્સકોને ‘શાલિહોત્રીયા:’ તરીકે ઓળખવામાં આવતા. ઈ. પૂ. 250 વર્ષે અશોક સમ્રાટે પ્રથમ પશુચિકિત્સાલયની સ્થાપના કરી હતી. ઈ. પૂ. 200 વર્ષો પહેલાં બળદ અને ગધેડાના તબીબોની આચારસંહિતા ‘હેમુરાબીનો બૅબિલોન સંકેત’ એ શીર્ષકથી તૈયાર કરવામાં આવી હતી. ઈ. સ. 300ના અરસામાં ગ્રીસમાં ઘોડો અને બળદ જેવાં પ્રાણીઓની સારવાર માટે પશુચિકિત્સકો હતા. અંગ્રેજીમાં ભારવાહક પશુ એટલે Veterinus; તેના પરથી પશુતબીબો Veterinarians તરીકે ઓળખાતા થઈ ગયા. જોકે મધ્યકાળની શરૂઆતમાં પશુચિકિત્સા-શાસ્ત્રમાં ખાસ પ્રગતિ થઈ શકી નથી.
આશરે એક હજાર વર્ષ સુધી પશુચિકિત્સા પ્રાથમિક તબક્કામાં સ્થગિત થઈ ગઈ. ઈ. સ. 1598માં સૌપ્રથમ પશુ વિશે આધુનિક શાસ્ત્ર પર આધારિત એક ગ્રંથ પ્રસિદ્ધ થયો. આ પુસ્તકના લેખક ઇટાલીના પશુચિકિત્સક કાર્લો સઈની હતા. તેમના પુસ્તકનું નામ હતું ‘Anatomia del carvello’ (અશ્વની શારીરિકી). ત્યારબાદ પશુચિકિત્સાના અભ્યાસને પ્રોત્સાહન મળ્યું. પશુરોગના ઉપચાર માટે અનેક દવાઓની શોધ થઈ. જ્હૉન ધાનીએ 1755માં જાનવરો પર કપૂરનો ઉપયોગ કરી બતાવ્યો. 1776માં પીટર ડેવિસે બેલાડોના વનસ્પતિનો રસ જાનવરની આંખમાં નાખવાથી કીકીનું વિસ્ફારણ થાય છે તેની શોધ કરી. 1785માં વિલિયમ વિથરિંગે મરઘાં અને મનુષ્ય પર ડિજિટાલિસના પ્રયોગો કરીને હૃદયદૌર્બલ્યની ચિકિત્સા માટે એક અગત્યના ઉપચારની જાહેરાત કરી. જલોદર(dropsy)ના ઉપચાર માટે ડિજિટાલિસ અસરકારક છે, તે શોધ્યું. મેજેડિસે ઝેરકોચલામાંથી છૂટું પાડવામાં આવતા સ્ટ્રિકનિનનો ઉપયોગ જાનવરોના કરોડરજ્જુના ઉદ્દીપક તરીકે કરી શકાય તેમ જણાવ્યું, ક્લૉડ બર્નાર્ડ (1813-1878) ક્યુરેરના વપરાશથી પશુઓમાં સ્નાયુશિથિલન (muscle-relaxation) થાય છે તેની સાબિતી આપી.
અઢારમી સદીમાં યુરોપમાં અસંખ્ય જાનવરો પશુમહામારી(rinderpest)થી મૃત્યુ પામ્યાં. તેનાથી લોકો ચોંક્યા અને પશુચિકિત્સા વિશે ખાસ સજાગ બન્યા. ત્યારબાદ પશુચિકિત્સા વ્યવસાયમાં નોંધપાત્ર વિકાસ થયો અને પશુસ્વાસ્થ્ય પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું.
ગ્રામવિસ્તાર અને નાનાં શહેરોમાં પશુવૈદ્યો સામાન્યપણે પોતાના ક્ષેત્રમાં જોવા મળતાં પશુઓના રોગોનું નિદાન કરીને સારવાર કરતા હોય છે, પરંતુ શહેરોમાં અદ્યતન સગવડોથી સુસજ્જ એવાં ચિકિત્સાલયો જોવા મળે છે. એવાં ચિકિત્સાલયોમાં શલ્યકર્મ (surgery), વિકિરણચિકિત્સા (radiology), રુધિરપ્રદાન (blood transfusion), રોગનિદાન, અસંવેદનાત્મકતા (anaesthesia) વગેરે સુવિધાઓ મળી રહે છે.
ઔષધિ-વિજ્ઞાનમાં મૂળ તત્વો મનુષ્ય અને પશુની ચિકિત્સા માટે લગભગ એકસરખાં હોય છે, પરંતુ પશુચિકિત્સામાં ઔષધોની માત્રા અને વિવિધ પશુજાતિ અનુસાર ઔષધિ-પ્રભાવમાં ફેર જોવા મળે છે. આ હકીકતને લક્ષમાં રાખીને ઔષધોનો ઉપયોગ રોગચિકિત્સા અને રોગપ્રતિરક્ષા માટે કરવામાં આવે છે, રોગોપચાર માટે શરીરની વિકૃતિ અને ઔષધિની ક્રિયાને લક્ષમાં રાખીને ઉપચારરૂપ ઔષધિ પસંદ કરવામાં આવે છે. ઍલૉપથી, આયુર્વેદ, હોમિયોપથી, નેચરોપથી, ઍક્યુપંક્ચર વગેરેમાં રોગઉપચાર માટે વપરાતાં ઔષધો પશુરોગચિકિત્સામાં પણ વપરાય છે. આજે માનવની જેમ પશુઓમાં પણ રોગપ્રતિરક્ષા માટે અનેક પ્રકારની રસીઓ, હાઇપરઇમ્યુન સિરમ અને ઍલૉપથિક દવાઓ તૈયાર કરવામાં આવી છે.
માનવચિકિત્સામાં વપરાતા વનસ્પતિજ કે ધાતુજન્ય ઔષધો ઉપરાંત અંત:સ્રાવો, સ્ટીરૉઇડ વગેરેનો ઉપયોગ પણ પ્રાણીસારવારમાં કરવામાં આવે છે. વીસમી સદીમાં પ્રતિજૈવિક (antibiotic) દવાઓનું સંશોધન થયું; હાલમાં માનવઉપચારમાં વપરાતી પેનિસિલીન, સ્ટ્રૅપ્ટોમાયસિન, ક્લૉરોમાયસેટિન અને ક્લૉરઍમ્ફિનિકોલ જેવી દવાઓ પશુઓના ઉપચાર માટે પણ ખૂબ જ અસરકારક નીવડી છે. 1963માં પિરૂમલાચારે દોમાઇસિન, ડર્માયસિન અને ઓરિયો ફનજિન જેવી ફૂગરોધક દવાઓને ચિકિત્સાક્ષેત્રે મૂકી. ઉપરાંત, 1966માં ખાસ પશુ-દવા તરીકે ઍન્ટિઍમિલીનની શોધ કરી. માનવશલ્યચિકિત્સામાં અસંવેદનાત્મક (anaesthetic) તરીકે વપરાતી ક્લૉરલ હાઇડ્રેટ, ઈથર, ક્લૉરોફૉર્મ, બાર્બિટ્યુરેટ જેવી દવાઓને પણ પશુશલ્ય-ચિકિત્સા દરમિયાન વાપરવામાં આવે છે.
બાહ્ય પરોપજીવી (actoparasites) તરીકે જીવન પસાર કરતાં ઝીંગોડાં (ticks), મચ્છર જેવાં અને અંત:સ્થ-પરજીવી (endoparasites) તરીકે જીવતાં ગોળકૃમિ, ચપટાં કૃમિ અને યકૃત કૃમિ જેવાં કૃમિઓને કારણે ઘણાં પશુઓ મૃત્યુ પામે છે. (જુઓ કૃમિજન્ય રોગો, પશુ.) જુદાં જુદાં વિષાણુ(virus)ઓને કારણે પણ સંખ્યાબંધ પશુઓ મૃત્યુ પામે છે. દાખલા તરીકે, માનવ તેમજ કૂતરાં જેવાં પ્રાણીઓ હડકવા(rabies)ને લીધે મૃત્યુ પામે છે. આ રોગનો કોઈ નિશ્ચિત ઉપચાર નથી, પરંતુ હડકવાપ્રતિબંધક રસી મૂકવાથી આ રોગને ટાળી શકાય છે. માનવ ઉપરાંત ગાય, મરઘી, ઘેટાં, બકરી, ભૂંડ જેવાં પ્રાણીઓ શીતળાથી પીડાય છે. તેના વિષાણુઓની પ્રતિરોધક રસી ઉપલબ્ધ છે. તે જ પ્રમાણે મસ્તિષ્કસુષુમ્નાશોથ (encephalomyelitis) બિલાડી, ઘોડો, ભુંડ જેવાં પ્રાણીઓને થાય છે. રસી મૂકવાથી આ રોગને પણ ટાળી શકાય છે. ગાય અને અન્ય વાગોળનારાં પ્રાણીઓને થતો ખરવા અને મોંવાસો (foot and mouth disease) વિષાણુજન્ય જીવલેણ રોગ છે. પ્રાણીઓના મૃતદેહનો તાત્કાલિક નિકાલ કરવાથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય છે.
બૅક્ટેરિયા દ્વારા નીપજતા રોગોમાં ચેપજન્ય ગર્ભપાત ગાય, મરઘી, ઘેટાં, બકરી, ભુંડ જેવાં પ્રાણીઓમાં જોવા મળે છે; જ્યારે માનવ અને ઘોડા જેવાં અન્ય સસ્તનો ધનુર્(tetanus)નો ભોગ બને છે. ક્ષયરોગ પણ માનવ અને અન્ય સસ્તનોમાં પ્રચલિત છે. કેટલાંક ખરજવાં, એક્ઝિમા, કૉલેરા જેવા રોગો પણ બૅક્ટેરિયાજન્ય છે. રસીનો પ્રબંધ કરવાથી તેમજ પ્રતિજૈવી દવાઓના સેવનથી આ રોગોનો પ્રતિરોધ થઈ શકે છે.
ચયાપચયની ખામીને લીધે થતા રોગોમાં હવાનો ભરાવો (bloat-પેટ ફૂલવું) જાનવર અને બકરાંઘેટાંમાં માલૂમ પડે છે. વિટામિનની ઊણપને લીધે મોટાભાગનાં પ્રાણીઓ રતાંધળાં (night-blindness) થાય છે. લોહ(iron)ની ઊણપથી ભુંડ જેવાં પ્રાણીઓ ઍનીમિયાનો ભોગ બને છે. કૅલ્શિયમની ઊણપને લીધે જાનવરોને દૂધિયો-જ્વર (milk fever) થાય છે. ખોરાકમાં રહેલાં કેટલાંક રાસાયણિક દ્રવ્યોને લીધે પણ અમુક રોગોનો ઉપદ્રવ થાય છે. દાખલા તરીકે વિશિષ્ટ જાતના ફર્નના પ્રાશનથી ભુંડ, ગાય-બળદ, ઘોડા જેવાં પશુઓ થાયામિનેઝથી પીડાય છે; જ્યારે રાય-ઘાસ(ryegrass)ને લીધે આ જ પ્રાણીઓને તાણ (convulsion) અને લકવા(paralysis)નો રોગ થાય છે.
પશુચિકિત્સાશાસ્ત્રમાં ઔષધિની વ્યાખ્યાને વ્યાપક બનાવીને ઔષધિક્રિયાશાસ્ત્રમાં ઔષધિનાં ઊગમ, ભૌતિક અને રાસાયણિક પ્રકૃતિ, ઔષધિપ્રતિક્રિયા, વિકાસ, અવશોષણ, વિસ્તરણ, જીવ, રાસાયણિક પરિવર્તન, ઉત્સર્જન, ઔષધિવિષવિજ્ઞાન, ઔષધિચિકિત્સા વગેરે સંબંધિત વિષયોના અભ્યાસનો સમાવેશ થાય છે. ચિકિત્સકને ઔષધનિદર્શન, નિર્માણ, વિનિયોગવ્યવસ્થા, ઔષધમાત્રા અને રોગોપચારિક ઉપયોગ વિશે પૂરતી જાણકારી હોવી આવશ્યક છે. પશુચિકિત્સાશિક્ષણમાં આ બધાં પાસાંને આવરી લેવામાં આવે છે. સાથે સાથે પ્રાયોગિક નિદર્શન અને વિચ્છેદન દ્વારા ઔષધ અને ચિકિત્સાના પાયાના સિદ્ધાંતો સમજાવવામાં આવે છે. તર્કજન્ય ચિકિત્સા માટે આ જ્ઞાન આવશ્યક છે.
દરેક રાષ્ટ્રમાં સરકાર-નિયુક્ત ઔષધ-નિષ્ણાતોની સમિતિ માન્ય ઔષધકોશ (pharmacopea) તૈયાર કરે છે. આવા કોશમાં માન્ય ઔષધો, કેટલાંક પ્રાકૃત દ્રવ્યો, ઔષધસૂત્રો, ઔષધશુદ્ધતા ઓળખવા અંગેના પ્રયોગો વગેરેની નોંધ હોય છે. અધિકૃત ઔષધિકોશ, ઔષધકોશસંહિતા અને આંતરદેશીય કોશ વગેરેમાં ઔષધ અને ઔષધમિશ્રણોનું વિવરણ હોય છે. નિશ્ચિત સમય બાદ આ ઔષધકોશમાં યોગ્ય ફેરફારો કરીને નવી આવૃત્તિ બહાર પાડવામાં આવે છે. વિજ્ઞાનના વિકાસની સાથે નવું જ્ઞાન ઉમેરાતું રહે છે અને નવાં ઔષધોનું સંશોધન થતું રહે છે. તે જ પ્રમાણે આવા કોશમાંથી બિનઅસરકારક પુરવાર થયેલાં ઔષધોને બાકાત રાખવામાં આવે છે.
પશુરોગનિયંત્રણ અને નિરસન(elimination)માં અદ્યતન પ્રવિધિનો ઉપયોગ કરવો અનિવાર્ય છે. માત્ર રોગનિદાન કરીને અથવા દવા આપીને અથવા દૂષિત પશુઓના શબના નિકાલ દ્વારા રોગચાળાને અટકાવી શકાય તેમ નથી. સાથે સાથે રોગવહન કરનાર કીટક જેવા અભિકર્તાઓનો નાશ કરવો, પશુપાલકોનો સહકાર મેળવવો, ચયાપચયની આનુવંશિક ખામીઓથી પીડાતા પશુઓનું વંધ્યીકરણ કરવું અને પ્રાણીજન્ય આહારની તપાસણી અંગેના નિયમોનો કડક રીતે અમલ કરવો ખાસ જરૂરી છે.
મનહર દવે
મ. શિ. દૂબળે