સેલિંજર, જેરૉમ ડેવિડ (. 1 જાન્યુઆરી 1919, ન્યૂયૉર્ક સિટી) : અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તાકાર. બીજા વિશ્વયુદ્ધ બાદ કૉલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ખૂબ વંચાતા લેખક. તેમની નવલકથા ‘ધ કૅચર ઇન ધ રાઇ’(1951)ની વરસે દહાડે અઢી લાખ જેટલી પ્રતોનું વેચાણ થતું. લેખક્ધો મોટી નામના અપાવતી આ નવલકથા તથા તેમની ટૂંકી વાર્તાઓનાં લખાણોનો મધ્યવર્તી વિચાર તત્કાલીન અમેરિકાની એશઆરામી જીવનપ્રણાલીનો સચોટ પડઘો પાડે છે. તેમાં હાઈસ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓની ઊગતી પેઢી પોતાનાં માતાપિતા મુખ્યત્વે ભૌતિક સુખોમાં રાચતાં રહેતાં હોવાથી તત્કાલીન કુટુંબ તેમજ સામાજિક જીવનપ્રણાલીથી વિખૂટી પડી કેવી નિરર્થકતાભર્યા જીવનનો અહેસાસ કરી રહી છે તેનો હૂબહૂ ચિતાર છે. તેમના પિતા યહૂદી અને માતા ખ્રિસ્તી હતા. પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યા પછી થોડો સમય ન્યૂયૉર્ક અને કોલંબિયા યુનિવર્સિટીમાં સિમેસ્ટર ભરેલાં. તે પહેલાં મિલિટરી અકાદમીના સ્નાતક થઈને વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી સેવામાં હતા. આ સેવાના અનુભવમાંથી તેમણે ટૂંકી વાર્તાઓ લખેલી જે ‘ન્યૂયૉર્કર’ અને અન્ય સામયિકોમાં પ્રસિદ્ધ થતી હતી. ‘અ પરફેક્ટ ડે ફૉર બનાના ફિશ’ (1949) પ્રસિદ્ધ થઈ હતી. તેમાં ક્રાંતિકારી યૌવન વ્યતીત કરનારના જીવનમાં દૃષ્ટિગોચર થતા ગૂંચવણભર્યા વ્યક્તિત્વને લેખકે સુરેખ રીતે પ્રગટ કર્યું છે. ‘ધ કૅચર ઇન ધ રાઇ’ના નાયક હૉલ્ડન ક્વૉફિલ્ડને સોળ વર્ષની વયે પેન્સિલવેનિયાની એક શાળામાંથી કાઢી મૂકવામાં આવે છે. માબાપની બીકને લીધે તે એક સસ્તી હૉટલમાં રહેવા જતો રહે છે. તેની બહેન ફોબને મળવાનું તેને મન થાય છે, પણ તે સફળ થતો નથી. એક લિફ્ટ-ઑપરેટર તેને કોઈ વેશ્યા પાસે લઈ જાય છે; પરંતુ પ્રથમ અનુભવે જ તે નાસીપાસ થઈ જતાં તેને ત્યાંથી ભાગવું પડે છે. બીજે દિવસે તે સેલી હેસને મળે છે. બંને જણ બરફ પર સરકતાં ન્યૂ ઇંગ્લૅન્ડ ભાગી જવાનો મનસૂબો કરે છે; જોકે સેલીના નકારાત્મક વલણથી તે ઝઘડી પડે છે. હૉલ્ડન તેને છોડીને ફોબને મળવા ચાલ્યો જાય છે. તેને જે કંઈ પણ થવું હોય તો તે ‘કૅચર ઇન ધ રાઇ’ થવું છે. ખેતરમાં ચોતરફ નાનાં નાનાં બાળકો હોય અને તે બધાંમાં ઉંમરે તે જ મોટો હોય અને કોઈ ઊંચા ખડકની ટોચે ઊભો રહી કોઈ પણ બાળક વાડની પેલે પાર ભાગી ન છૂટે તેની તપાસ રાખતો હોય તેવા ‘કૅચર’ થવાનું પસંદ કરતો હોય – એવું બધું કરવું તેને પસંદ છે. વળી પછી તે પોતાનું ઘર છોડી પોતાના શિક્ષક ઑન્તોલિનીને ત્યાં જાય છે. ઑન્તોલિની સલિંગી છે એટલે નાસીપાસ થાય છે. હૉલ્ડન નિર્દોષતા અને સત્યની શોધમાં નીકળેલો જીવ છે. છેવટે કોઈ માનસશાસ્ત્રીના બાંકડા પર જ તે મૃત્યુ પામે છે. આમ સેલિંજરનું આ પાત્ર ખૂબ જ સચોટ રીતે યુવાનીને ચિત્રિત કરે છે. બુદ્ધિમાન, લાગણીશીલ, કલ્પનાપ્રવણ એવો હૉલ્ડન પોતે પોતાની છલનાભરી કપરી રીતરસમોથી પૂર્ણ વાકેફ છે એવું જાણવા છતાં પોતાની શાળા વિશે જ્યાંત્યાં ગમેતેમ બોલે છે. એક રીતે માર્ક ટ્વેનના ટૉમ સૉયર સાથે સરખાવી શકાય તેવો આ કથાનાયક યુવાવર્ગનો માનીતો બની ગયો છે. પ્રથમ પુરુષ એકવચનમાં લખાયેલી આ નવલકથા એક દૃષ્ટિએ આત્મકથનાત્મક છે.

હેનરી એ. ગ્રુનવૉલ્ડે ‘સેલિંજર’ અ ક્રિટિકલ ઍન્ડ પર્સનલ પૉર્ટ્રેટ (1962) અને વૉરેન ફ્રેન્ચે ‘જે. ડી. સેલિંજર’ના સર્જનની બીજી આવૃત્તિ 1976માં પ્રસિદ્ધ કરેલ છે.

વિ. પ્ર. ત્રિવેદી