સેલિસબરી : ઇંગ્લૅન્ડના વિલ્ટશાયરમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. તે જિલ્લાના મધ્યભાગમાં એવન, બૉર્ન અને નાડેરના સંગમ સ્થળે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 51° 05´ ઉ. અ. અને 1° 48´ પ. રે..

આ શહેર તેનાં જોવાલાયક ઐતિહાસિક સ્થળો માટે જાણીતું છે. એવનના કાંઠા પાસે 123 મીટર ઊંચાઈ ધરાવતું ભવ્ય સેલિસબરી કેથીડ્રલ છે. 1220માં તેનું નિર્માણકાર્ય શરૂ થયેલું. તેનો શિખરભાગ ઇંગ્લૅન્ડમાં ઊંચામાં ઊંચો ગણાય છે. આ શહેરની ઉત્તરે આશરે 3 કિમી.ને અંતરે ઓલ્ડ સૅરમનું માટીકામ સુંદર દૃશ્ય રજૂ કરે છે.

સેલિસબરી કેથીડ્રલ

આ ઓલ્ડ સૅરમ ઇંગ્લૅન્ડનું મુખ્ય આર્થિક અને ધાર્મિક કેન્દ્ર છે. રોમનોની જીત સામે, અત્યારે તો ઓલ્ડ સૅરમના માટીના જૂના અવશેષો રહ્યા છે. આ જિલ્લામાં આવેલું સ્ટોનહેન્જ પણ એક જાણીતું પ્રવાસન-સ્થળ બની રહેલું છે. આખા પશ્ચિમ યુરોપમાં આ સ્ટોનહેન્જ એક વિશાળ પ્રાગૈતિહાસિક ઇમારત ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા