સેલિસબરી, રિચાર્ડ ઍન્ટૉની (. 2 મે 1761, લીડ્સ, ઇંગ્લૅન્ડ; . 1829) : બ્રિટિશ વનસ્પતિવિજ્ઞાની. તેમના પિતાનું નામ રિચાર્ડ માર્ખમ હતું. તેમના અભ્યાસમાં મદદ થઈ શકે તે માટે આર્થિક વ્યવસ્થા ઊભી કરવા તેમનું અંતિમ નામ બદલીને સેલિસબરી રાખ્યું. તેમના દાદીમાના લગ્ન દ્વારા સંબંધિત મિ’સિસ ઍના સેલિસબરી સાથે આ હક્ક કરવામાં આવ્યો હતો; પરંતુ તે દેખીતી બનાવટ હતી.

તેમણે 1796માં કૅરોલિન સ્ટેનિફર્થ સાથે લગ્ન કર્યાં. ત્યારપછી 1797માં બાળકી ઈલી એનોરનો જન્મ થયો. ત્યારબાદ ટૂંકા સમયમાં બંને છૂટાં પડ્યાં. સેલિસબરીએ લગ્નના પ્રસ્તાવ સમયે કૅરોલિનને પોતાની આર્થિક સ્થિતિ વિશે ખોટી માહિતી આપી હતી. તેમની પુત્રીના જન્મસમયે તેઓ ખૂબ દેવાદાર હતા. તેમને ખોટી આર્થિક માહિતી આપવા બદલ જેલ થઈ હતી. 1802માં તેમણે આર્થિક રીતે સધ્ધરતા પ્રાપ્ત કરી અને પોતાનું મકાન ખરીદ્યું.

સેલિસબરીએ લિનિયન પદ્ધતિનો ખૂબ ઉગ્રતાથી વિરોધ કર્યો. તેથી અન્ય વૈજ્ઞાનિકોએ તેમના કાર્યને ધ્યાનમાં લીધું નહિ. તેને પરિણામે તેમણે તેમના મિત્રને નામે હસ્તપ્રત પ્રકાશિત કરી; પરંતુ આ કાર્ય બ્રાઉનના કાર્યની ઉઠાંતરી હતી. બ્રાઉનને સેલિસબરી સાથે મતભેદ હતા.

સેલિસબરી તેમના સમયના ઘણા વૈજ્ઞાનિકોથી દૂર રહેતા, તેમ છતાં તે ખૂબ ચીવટવાળા વનસ્પતિવિજ્ઞાની હતા; જેમણે વિજ્ઞાનને મહત્વનું પ્રદાન કર્યું છે. તેમનાં પ્રકાશિત કાર્યોમાં ‘આયકન્સ સ્ટર્પિયમ રેરિયોરમ’ (1787), ‘પ્રોડ્રોમસ સ્ટર્પિયમ ઇન હોર્ટો એડ ચૅપલ એલર્ટન’ (1796), ‘ડિસર્ટેશિયો બૉટેનિકા દ એરિકા’ (1800) અને ‘જિનરા ઑવ્ પ્લાન્ટ્સ’ (1866) (સંપાદન – જે. ઈ. ગ્રે)નો સમાવેશ થાય છે.

બળદેવભાઈ પટેલ