સેલિબિસ સમુદ્ર : પશ્ચિમ પૅસિફિક મહાસાગરમાં આવેલો ઇન્ડોનેશિયન સમુદ્ર. ભૌગોલિક સ્થાન : તે 3° 00´ ઉ. અ. અને 122° 00´ પૂ. રે.ની આજુબાજુ પથરાયેલો છે. તેની ઉત્તરે સુલુ દ્વીપસમૂહ, સુલુ સમુદ્ર અને મિન્ડાનાઓ ટાપુ; પૂર્વ તરફ સાંગી ટાપુ-શ્રેણી; દક્ષિણ તરફ સેલિબિસ ટાપુ (પુલાઉ સુલાવેસી) તથા પશ્ચિમ તરફ બૉર્નિયો આવેલાં છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ 675 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 832 કિમી. જેટલી તથા કુલ વિસ્તાર આશરે 2,80,000 ચોકિમી. જેટલા છે. નૈર્ઋત્ય તરફ તે મકાસરની સામુદ્રધુની મારફતે જાવા સમુદ્ર સાથે સંકળાયેલો છે. તેનો અડધાથી વધુ વિસ્તાર 4000 મીટરથી વધુ ઊંડો છે. તેની નોંધાયેલી મહત્તમ ઊંડાઈ 6220 મીટર જેટલી છે. તેની ઉત્પત્તિ તે વિભાગમાં થયેલા ભૂસંચલનજન્ય સ્તરભંગથી થયેલી છે, જેને લીધે તેના સમુદ્રથાળાનો તળભાગ સમતળ છે અને બાજુઓ ઉગ્ર ઢોળાવવાળી છે. આમ આ વિભાગનું અવતલન થવાથી આ સમુદ્ર તૈયાર થયેલો છે. તેની સમુદ્રસપાટી પરની બાહ્ય ધારો ઉત્તર સેલિબિસ ટાપુ અને સાંગી ટાપુઓ તરફ જ્વાળામુખી શંકુશ્રેણીથી જ્યારે સુલુ દ્વીપસમૂહ અને મિન્ડાનાઓ તરફ પર્વતોથી બંધાયેલી છે. મિન્ડાનાઓથી દક્ષિણના પૅસિફિક મહાસાગરમાંથી તેના ઊંડાઈવાળા ભાગમાં જળ પ્રવેશે છે, જ્યારે મકાસરની સામુદ્રધુનીમાં થઈને તેનાં જળ નૈર્ઋત્ય તરફ વહે છે. તેની સપાટી પરના સમુદ્ર-પ્રવાહો પણ બરોબર આ જ રીતે વહે છે.

ડચ લોકોએ સત્તરમી સદીની શરૂઆતમાં સેલિબિસ અને સાંગ જૂથના ટાપુઓ પર કબજો જમાવેલો હોવા છતાં તેની આજુબાજુના ટાપુઓનાં વેપારી જહાજોનું તેમજ ચાંચિયાઓનું પ્રભુત્વ લાંબા સમય સુધી રહેલું, તેથી આ ભાગ ઓગણીસમી સદીના અંતિમ ચરણ સુધી તો ત્યાંના વસાહતી કાબૂ હેઠળ આવી શક્યો ન હતો. અહીં આજે મત્સ્યપ્રવૃત્તિ વિકસી છે તથા તેના કંઠારપ્રદેશોનો અને આજુબાજુના ટાપુઓ વચ્ચેનો વેપાર વિકસ્યો છે.

ગિરીશભાઈ પંડ્યા