સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર
January, 2008
સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયર (જ. 25 જુલાઈ 1908, તિરુક્કોડિકાવલ, જિલ્લો તંજાવૂર, તામિલનાડુ; અ. 31 ઑક્ટોબર 2003) : કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે ઓળખાતા દક્ષિણ ભારતીય સંગીતના પ્રયોગશીલ સંગીતકાર. માતાપિતા વતનમાં ખેતી કરતા તથા પ્રસંગોપાત્ત, પિતા મંદિરમાં ભજનો ગાતા. વતનના ગામમાં કે તેની આજુબાજુના દસ કિમી. વિસ્તારમાં શાળા ન હોવાથી તથા દૂરની શાળામાં ભણવા જવા માટે તે સમયે વાહનવ્યવહારની અનુકૂળ સગવડ ઉપલબ્ધ ન હોવાથી ઔપચારિક શિક્ષણ લઈ શક્યા ન હતા. બાળપણથી માત્ર કર્ણાટકી સંગીતનું શિક્ષણ અને તાલીમ મેળવી સમય જતાં ખ્યાતનામ સંગીતકાર બન્યા. તેમણે કર્ણાટકી સંગીતની શિક્ષા મુખ્યત્વે ત્રણ ગુરુઓ પાસેથી મેળવી હતી – નારાયણસ્વામી ઐયર, મહારાજપુરમ્ વિશ્વનાથ ઐયર અને સખારામ રાવ. નારાયણસ્વામી ઐયર તેમના માસીના દીકરાભાઈ અને વિખ્યાત વાયોલિનવાદક હતા.
શ્રીનિવાસ ઐયર સેમ્મનગુડી
તેમની સાથે મંદિરોમાં તથા લગ્નપ્રસંગે યોજાતા સંગીતના કાર્યક્રમોમાં અચૂક હાજરી આપતા. પંદર વર્ષની વયે ગોટુવાદ્યમના વિખ્યાત સખારામ ઐયરના એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપી અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા. 1924માં તેઓ સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરને તેમની માતાની સંમતિથી પોતાની સાથે લઈ ગયા. આ ઘટનાએ તેમના જીવનને નવો વળાંક આપ્યો. સખારામ ઐયરે ગુરુકુલ-પદ્ધતિથી સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરને કર્ણાટકી કંઠ્ય સંગીતની શિક્ષા એવી રીતે આપી કે ટૂંક સમયમાં તેઓ કર્ણાટકી સંગીતમાં જાણીતા થઈ ગયા. સખારામ ઐયરના અન્ય જાણીતા શિષ્યોમાં ડી. નારાયણ ઐયંગાર (વીણાવાદક), જી. નારાયણ ઐયંગાર (ગોટુવાધમના કલાકાર) તથા ગાયકો રામાની ઐયર, સુંદરમ્ ઐયર તથા સખારામ રાવના ભાઈ હરિ રાવનો સમાવેશ થાય છે. ઓગણીસ વર્ષની વયે 1927માં કુંભકોણમ્ ખાતેના નાગેશ્વર મંદિરમાં સેમ્માનગુડી શ્રીનિવાસ ઐયરે તેમનો પ્રથમ જાહેર કાર્યક્રમ પ્રસ્તુત કર્યો. તે જ વર્ષે ચેન્નાઈ ખાતે આયોજિત રાષ્ટ્રીય કૉંગ્રેસના અખિલ ભારતીય વાર્ષિક અધિવેશનમાં પોતાની ગાયનકલા પ્રસ્તુત કરી અને ત્યારથી સ્વતંત્રતાની ચળવળ સાથે સંબંધ ધરાવતા કાર્યક્રમોમાં નિયમિત રીતે પોતાનું ગાયન પ્રસ્તુત કરવા લાગ્યા. આ ઉપરાંત, ચેન્નાઈની રસિક રંજની સભા જેવી માતબર સંસ્થાઓની નિશ્રામાં તેઓ પોતાનું ગાયન પ્રસ્તુત કરવા લાગ્યા અને પ્રશંસા પણ પ્રાપ્ત કરી. તેમના આવા જ એક જાહેર કાર્યક્રમમાં અન્ય ગુણગ્રાહકોની સાથે ભૂતપૂર્વ ત્રાવણકોર (તિરુવનંતપુરમ્) રિયાસતનાં મહારાણી અને વીણાવાદક સેથુપાર્વતીબાઈ ઉપસ્થિત હતાં. સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરના ગાયનથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે તેમને ત્રાવણકોર રિયાસતમાં આવીને સ્વાતિ તિરુનલ મ્યુઝિક કૉલેજમાં સંગીતનું શિક્ષણ આપવાનું આમંત્રણ આપ્યું. ઘણી આનાકાની પછી શ્રીનિવાસ ઐયરે મહારાણીનું આમંત્રણ સ્વીકાર્યું અને ત્યાર પછીનાં વીસ વર્ષ સુધી તેઓ ત્યાં સેવા આપતા રહ્યા. 1940માં ઉપર્યુક્ત કૉલેજના આચાર્યપદે સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરની વરણી થઈ, જ્યાં તેમણે 1963 સુધી કામ કર્યું અને ત્યાર બાદ ચેન્નાઈ પાછા આવ્યા. દરમિયાન ત્રણ વર્ષ (1957-60) આકાશવાણી ચેન્નાઈ કેન્દ્રના કર્ણાટકી સંગીત વિભાગના મુખ્ય નિર્માતા તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી. હકીકતમાં આ અંગેની મૂળ દરખાસ્ત દિલ્હી ખાતેના આકાશવાણી કેન્દ્રના કર્ણાટકી સંગીત વિભાગના મુખ્ય નિર્માતા માટેની હતી, જે તેમણે નકારી કાઢી હતી.
કર્ણાટકી સંગીતના ક્ષેત્રમાં તેમનું યોગદાન અનેક રીતે વિશિષ્ટ પ્રકારનું રહ્યું છે. એક તો તે સારા ગાયક હોવા ઉપરાંત કર્ણાટકી સંગીતનું શાસ્ત્ર તથા તેના પ્રસ્તુતીકરણના દિગ્ગજોમાં તેમની ગણના થાય છે. સ્વાતિ તિરુનલની લગભગ 200થી 300 જેટલી કૃતિઓ તેમણે સંપાદિત કરીને તેમની સુધારેલી (polished) આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં તેમણે સક્રિય મદદ કરી છે, જેથી તે કૃતિઓનું પ્રસ્તુતીકરણ વધુ સારી રીતે થઈ શકે. વળી સ્વાતિ તિરુનલથી માંડીને અંબુજન કૃષ્ણ સુધીના ઘણા રચયિતાઓની મૂળ રચનાઓમાં તેમણે એવી નવીનતા (novelties) દાખલ કરી છે કે જેથી સંબંધિત રાગ વધુ લોકપ્રિય બની શકે. તેમાં રાગ ભાવપ્રિયા, રાગ સલગભૈરવી તથા રાગ નારાયણગૌલ્લાસ વિશેષ ઉલ્લેખનીય છે. કેરળ પ્રદેશમાં કર્ણાટકી સંગીત લોકપ્રિય બનાવવામાં સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરનું યોગદાન નોંધપાત્ર છે. કર્ણાટકી સંગીતનાં શ્રેષ્ઠ ગાયિકા એમ. એસ. સુબ્બુલક્ષ્મી પણ શ્રીનિવાસ ઐયરને પોતાના ગુરુ માનતા હતાં.
સેમ્મનગુડી શ્રીનિવાસ ઐયરને મળેલા માનસન્માનમાં ભારત સરકાર તરફથી ક્રમશ: ‘પદ્મભૂષણ’ તથા ‘પદ્મવિભૂષણ’ના ખિતાબોનો, તામિલનાડુ રાજ્ય સરકાર દ્વારા ઈસાઈ પેરારિગ્નર એવૉર્ડ, મધ્યપ્રદેશ સરકાર દ્વારા ‘કાલિદાસ સન્માન’ તથા કર્ણાટકી સંગીતવિશ્વમાં સર્વાધિક પ્રતિષ્ઠા ધરાવતા ‘સંગીતકલાનિધિ’ એવૉર્ડનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે