સેપિયા (Sepia or Cuttle fish)
January, 2008
સેપિયા (Sepia or Cuttle fish) : મૃદુકાય સમુદાયનું, ખુલ્લા સમુદ્રમાં મુક્ત તરતું, દ્વિપાર્શ્ર્વીય સમરચના ધરાવતું પ્રાણી. સમુદ્રમાં તેની હાજરી ભરતી-ઓટના પાણીમાં તણાઈ આવેલા ‘કટલબૉન’થી જાણી શકાય છે. આ કટલબૉન (cuttle bone) તેનું એકમાત્ર આંતરિક ચૂનાયુક્ત કંકાલ છે. પ્રાણીનો નાશ થતાં કટલબૉન ક્ધિાારે ફેંકાય છે. કટલબૉનને કારણે સેપિયા ‘કટલફિશ’ના નામે પણ ઓળખાય છે. કટલફિશ મત્સ્યાદિ વર્ગની માછલી નથી, પરંતુ તે અપૃષ્ઠવંશી પ્રાણીઓના મૃદુકાય સમુદાયના શીર્ષપાદી (cephalo-poda) વર્ગના ડાયબ્રકિયાટા શ્રેણીનું સમુદ્રનિવાસી પ્રાણી છે.
સેપિયા
બાહ્ય લક્ષણો : સેપિયા સ્પષ્ટ શીર્ષ અને ચપટું લંબગોળ ધડ ધરાવતું પ્રાણી છે. શીર્ષ અને ધડ વચ્ચે પાતળું ગળું આવેલું છે. શીર્ષનો ભાગ કાસ્થિજાત કડક ભાગોથી રક્ષાયેલો હોય છે. શીર્ષના અગ્ર ભાગ સાથે પાંચ જોડ શીર્ષપાદો (cephalic arms) જોડાયેલા હોય છે અને તેના ઉપરથી તેને શીર્ષપાદી વર્ગમાં મૂકવામાં આવ્યું છે. શીર્ષપાદોના વલયની વચ્ચે અગ્ર-પૃષ્ઠ ભાગમાં મુખદ્વાર આવેલું હોય છે. આ છેડાને મૌખીય છેડો કહે છે. શીર્ષના પાર્શ્ર્વભાગમાં બે મોટી ઊપસી આવેલી આંખો જોવા મળે છે. વિકાસની દૃષ્ટિએ સેપિયા અને તેના વર્ગનાં પ્રાણીઓની આંખની રચના અપૃષ્ઠવંશીઓમાં સર્વશ્રેષ્ઠ ગણાય છે. મુખગુહાને ફરતે આવેલાં પાંચ જોડ શીર્ષપાદો માંસલ અને શક્તિશાળી હોય છે. તે પૈકીની ચાર જોડ ઉપર, અંદરની બાજુમાં, હારમાં શોષકો ગોઠવાયેલાં હોય છે, જે ખોરાક/શિકાર પકડવામાં ખૂબ મદદ કરે છે. શીર્ષપાદોના વલયમાં ચોથા ક્રમનો હસ્ત ઉપર જણાવેલા ચાર હસ્તો કરતાં જુદી રચના ધરાવે છે. નર અને માદા બંને સેપિયામાં આ પાંચમી જોડ સૂત્રાંગ જેવી લાંબી હોય છે અને તેના છેડે થોડાક શોષકો આવેલા હોય છે. આ સૂત્રાંગી હસ્ત સંકોચનશીલ હોઈ ખોરાકને દૂરથી પકડી મુખ પાસે લાવવામાં મદદ કરે છે. પ્રજનનકાળમાં માત્ર નર પ્રાણીમાં સામાન્ય પૈકીનો શીર્ષહસ્ત જે વલયમાં પાંચમો હોય છે તેમાં મોટા ફેરફારો થતા જોવા મળે છે. આ ફેરફારની ક્રિયાને ‘હેક્ટોકોટિલિઝેશન’ કહે છે. આ રૂપાન્તરણ દ્વિતીય લૈંગિક લક્ષણ (secondary sexual character) દર્શાવે છે. આ રૂપાન્તરિત હસ્ત દ્વારા નર સેપિયા પ્રજનનકાળમાં પોતાની પ્રાવાર-ગુહામાંથી શુક્રકોષ દંડકો (spermatophores) એકઠા કરી માદાની પ્રાવાર-ગુહામાં દાખલ કરે છે.
શીર્ષની પાછળ ચપટું લંબગોળ કે ત્રિકોણાકાર ધડ આવેલું હોય છે. ધડના પૃષ્ઠભાગમાં ત્વચાવરણ (integument) નીચે સેપિયાનું કટલબોન છુપાયેલું હોય છે. તેને કારણે તેનો પૃષ્ઠભાગ કઠણ લાગે છે. ધડની પાર્શ્ર્વમાં અને પશ્ર્ચ ભાગે લંબાયેલી, પાતળી ત્વચાની ઝૂલ આવેલી હોય છે. આ ઝૂલ તરવામાં મીનપક્ષ જેવું કાર્ય કરે છે. ધડની વક્ષ-અગ્ર સપાટીએ ત્વચાવરણ ઢીલું અને કોથળી જેવું હોય છે. આ માંસલ આવરણને પ્રાવાર કહે છે અને તેની અંદરના પોલાણને પ્રાવાર-ગુહા (mentle cavity) કહે છે. આ પ્રાવાર-ગુહામાંથી એક માંસલ નાળચા જેવી નલિકા બહાર પડે છે, તે ગળા સુધી લંબાય છે. આ નાળચાને બકનળી (siphon) કહે છે. આ બકનળી મૃદુકાય સમુદાયનાં ઇતર પ્રાણીઓમાં જોવા મળતા પગ(foot)નું રૂપાન્તર છે. પ્રાવાર-ગુહામાં સેપિયાનાં અંત:સ્થ અંગો અને તંત્રો સમાયેલાં હોય છે. તેમાં અગ્ર-વક્ષ ભાગમાં મળદ્વારનું છિદ્ર ખૂલે છે, બાજુમાં સેપિયા ઇંકની નલિકાનાં છિદ્રો ખૂલે છે. નર અને માદાનાં પ્રજનન અવયવો પણ આ ભાગમાં ખૂલે છે. શ્વસન માટેની વિશિષ્ટ ઝાલરો (ટેનિડિયા) અને તેની સાથે જોડાયેલાં પરિવહન અને ઉત્સર્જન-તંત્રોના ભાગો પણ આ ગુહા સાથે સંકળાયેલા હોય છે. પ્રાવાર-ગુહામાં પ્રવેશેલા પાણીના પ્રવાહથી ઝાલર શ્વસન કરે છે. પ્રાવારની વક્ષ-અગ્ર ધાર ગળા આગળ કાસ્થિના ઘટકો ધરાવે છે. તે બટન જેવું કાર્ય કરે છે. પ્રાવાર-ગુહાને બંધ કરવા માટે પ્રાવારની ધાર આ બટન જેવા ભાગથી ચુસ્ત રીતે બંધબેસતી (ફિટ) થઈ જાય છે. પ્રાવારમાં પ્રવેશેલું પાણી હવે માત્ર બકનળી મારફત બહાર જઈ શકે છે. બકનળી વાલ્વની રચના ધરાવે છે અને તેથી તેમાંથી પાણી બહાર પડી શકે છે; પરંતુ બહારનું દરિયાઈ પાણી બકનળીમાં પ્રવેશી શકતું નથી. બકનળીની આ વિશિષ્ટતાને કારણે તે પાણીના પ્રવાહનો મરજી મુજબ ઉપયોગ કરે છે. તરતી વખતે બકનળીમાંથી જેટની માફક પાણી બહાર આવતાં સેપિયા વિરુદ્ધ દિશામાં ખસી શકે છે.
અંત:સ્થ અંગો : સેપિયાનાં વિવિધ તંત્રો જેવાં કે પાચનતંત્ર, પરિવહનતંત્ર, શ્વસનતંત્ર, ઉત્સર્જનતંત્ર, ચેતાતંત્ર અને પ્રજનનતંત્ર સુવિકસિત છે. તેમની મૂળભૂત રચના મૃદુકાયનાં અન્ય પ્રાણીઓનાં તંત્રોને મળતી આવે છે. માત્ર ચેતાતંત્ર સેપિયા અને શીર્ષપાદી વર્ગનાં પ્રાણીઓમાં ખૂબ વિકસિત હોય છે. સેપિયાની શરીરગુહામાં અંતરાલીય અંગો રૂપે પાચનતંત્ર જોવા મળે છે. મુખ-હસ્તો(oral arms)ના તળિયાના મધ્યભાગમાં મુખ ખૂલે છે. મુખમાં બે મજબૂત જડબાં અને નીચે રેત્રપટ્ટી(redula)ની દંતપંક્તિ આવેલી હોય છે. લાળગ્રંથિ અન્નનળીમાં ખૂલે છે. અન્નનળી પછી જઠર, અંધાંત્ર અને આંતરડું આવેલાં છે. યકૃત-સ્વાદુપિંડ નલિકા અંધાંત્રમાં ખૂલે છે, જ્યારે શાહીની કોથળી મળદ્વારની બાજુમાં પ્રાવાર-ગુહામાં ખૂલે છે. સેપિયાનો મુખ્ય ખોરાક કરચલાં, જિંગા, ડિંભો, નાની માછલી વગેરે દરિયાઈ જીવોનો છે. ખોરાક પકડવાને તે મુખ-હસ્તો અને સૂત્રાંગનો ઉપયોગ કરે છે. જડબાં વડે ખોરાકનો ભૂકો કરે છે ને ગળે છે.
પરિવહનતંત્ર હૃદય, અંતર્વાહિની શ્વસનશિરા, બહિર્વાહિની શ્વસનશિરા, મહાધમની અને મહાશિરા જેવી રુધિરવાહિનીઓ ધરાવે છે. રુધિર-પરિભ્રમણ : નિલય ક્ષેપક અંતર્વાહિની શ્વસન-શિરા ટેનિડિયા બહિર્વાહિની મહાધમની મહાશિરામાં થઈને નિલયમાં પાછું આવે છે. ઝાલરમાં O2 અને CO2ની આપલે થાય છે. સેપિયામાં શ્વસન ટેનિડિયા નામની વિશિષ્ટ રચના ધરાવતી ઝાલર જોડથી થાય છે. સેપિયા સંપૂર્ણ જળચર પ્રાણી હોઈ પાયલા કે ગોકળગાયની માફક ફુપ્ફુસીય શ્વસનપદ્ધતિ ધરાવતું નથી. ઉત્સર્જન માટે તે મૂત્રપિંડ ધરાવે છે.
સેપિયાનું મગજ શીર્ષમાં કાસ્થિના કડક ભાગોથી રક્ષાયેલું હોય છે. તે મુખ્યત્વે મસ્તિષ્ક-ચેતાકંદોનું બનેલું હોય છે. તેની ઉપરની બાજુ અધિમુખીય (suprabuccal) ચેતાકંદો, બાજુમાં મોટા દૃષ્ટિચેતાકંદો અને પાછળના ભાગમાં મોટા પાર્શ્ર્વ અંતરંગી (pleuro-visceral) ચેતાકંદો જોડાયેલા હોય છે. આ બધા જ ચેતાકંદો કાસ્થિની પેટીમાં ગોઠવાયેલા જોવા મળે છે. શીર્ષના ભાગમાં અધિમુખીય ચેતાકંદ શીર્ષપાદો અને આસપાસોના ભાગોનું ચેતાકરણ કરે છે. દૃષ્ટિચેતાકંદ આંખના વિવિધ ભાગોનું ચેતાકરણ કરે છે જ્યારે પાર્શ્ર્વ અંતરંગી ચેતાકંદ પાચનતંત્ર અને અન્ય ભાગોનું ચેતાકરણ કરે છે. આ ઉપરાંત મગજના ભાગમાંથી એક જોડ પ્રાવાર (pallial) ચેતા નીકળી પ્રાવાર ચેતાકંદ અથવા સ્ટિલેટ ચેતાકંદની રચના કરે છે. પ્રાવાર ચેતાઓ ઝાલરના ભાગોનું ચેતાકરણ કરે છે. અંતરાલીય ચેતાઓ પણ ઝાલરના ભાગોનું ચેતાકરણ કરે છે. મગજમાંથી એક વિશિષ્ટ અનુકંપી ચેતા (sympathetic nerve) નીકળી પશ્ર્ચભાગમાં આંત્રિક ચેતાકંદની રચના કરે છે. સ્ટિલેટ ચેતાકંદ પ્રાવારના ભાગોમાં ચેતાકરણ કરે છે.
સેપિયામાં આંખ અને સ્થિતિકોષ્ટ (statocyst) એ સંવેદનાંગો છે. આંખની રચના એટલી જટિલ છે કે તેને સસ્તન પ્રાણીની આંખ સાથે સરખાવી શકાય. તેના રેટિનામાં શંકુકોષો અને દંડકોષો હોવાથી સેપિયાની આંખ રંગ ઓળખી કાઢવા શક્તિમાન હોય છે.
સેપિયા કે લોલિગો/સ્કિવડના ચેતાતંતુઓ એટલા જાડા હોય છે કે તે ચેતા દ્વારા ઊર્મિવેગના વહનના અભ્યાસ માટે ખાસ વપરાય છે.
પ્રજનનતંત્ર : સેપિયા એકલિંગી પ્રાણી છે. તેનાં પ્રજનન અંગો ગૉનોસિલ તરીકે ઓળખાતી શરીરગુહામાં પેદા થાય છે. નરમાં શુક્રપિંડ નલિકાઓના જૂથ સ્વરૂપે હોય છે. તેમાં માત્ર ડાબી બાજુની શુક્રવાહિની વિકાસ પામેલી હોય છે. બધા જ ડાયબ્રકિયાટામાં જમણી બાજુ તરફની શુક્રવાહિની પેદા થતી નથી. ગૂંચળાદાર શુક્રવાહિની વિસ્તૃત અને ફૂલેલા શુક્રાશય(સેમિનલ વેસિકલ)માં ખૂલે છે. આ વેસિકલના બીજા છેડે પ્રોસ્ટેટ ગ્રંથિ અને નિડહેમ કોથળી (શુક્રકોથળી) મળે છે. શુક્રાશયની કોથળીમાં શુક્રાણુધર (spermatophore) પેદા થાય છે. શુક્રાણુધર કાયટિનની નલિકા ધરાવે છે અને તેમાં શુક્રકોષો ભરેલા હોય છે. શુક્રાણુધરનું પિસ્ટન જેવા સ્પ્રિંગ-એપરેટસથી સ્ફુટન થાય છે ત્યારે શુક્રકોષો છૂટા પડે છે.
માદામાં અંડપિંડ ગૉનોસિલમાં પેદા થાય છે. અંડ, અંડવાહિની મારફત પ્રાવાર-ગુહામાં મળાશયની બાજુમાં ખૂલે છે. શાહીની કોથળીની નલિકાની બંને બાજુએ (જોડમાં) એક નિડામેન્ટલ ગ્રંથિ પણ ખૂલે છે. નિડામેન્ટલ ગ્રંથિના સ્રાવથી અંડસમૂહ એકસાથે ચોંટી રહે છે. નર સેપિયાના વિશિષ્ટ હેક્ટોકૉટિલાઇઝ્ડ હસ્ત વડે માદાની પ્રાવાર-ગુહામાં શુક્રાણુધરનો સ્રાવ થાય છે. તેમાંના નરશુક્રકોષો વડે અંડકોષોનું ફલીકરણ થાય છે. માદા આ ફલિતાંડોનો પાણીમાં સ્રાવ કરે છે અને ત્યાં તેનો આગળ વિકાસ થાય છે.
શીર્ષપાદી વર્ગમાં સેપિયા ઉપરાંત લોલિગો કે સ્કિવડ, ઑક્ટોપસ, નૉટિલસ અને આર્ગોનોટા જેવાં પ્રાણીઓ મળી આવે છે. બેલેમ્નાઇટ એ અશ્મીભૂત ડાયબ્રકિયાટા શ્રેણીનું પ્રાણી જ્યુરેસિક પિરિયડમાં મળી આવતું હતું.
અરુણ ધોળકિયા
રા. ય. ગુપ્તે