સેપીન્ડેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થામ અને હૂકરના વર્ગીકરણમાં આ કુળ ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae) શ્રેણી – બિંબપુષ્પી (Disciflorae) અને ગોત્ર – સેપીન્ડેલ્સમાં મૂકવામાં આવ્યું છે. આ એક મોટા કુળમાં લગભગ 158 પ્રજાતિઓ અને 2230 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનું વિતરણ પ્રાથમિકપણે સર્વાનુવર્તી (pantropical) રીતે થયેલું છે. તે એશિયા અને અમેરિકાના ઉષ્ણ અને અર્ધોષ્ણ પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં વિસ્તરણ પામેલું છે. આ કુળની મોટી પ્રજાતિઓમાં કઠલતાઓ (lianas), Serjania અને Paullinia, જે પ્રત્યેકની 350 જેટલી જાતિઓ અને Cupania(35 જાતિઓ)નો સમાવેશ થાય છે. ભારતમાં તેની 24 પ્રજાતિઓ અને 72 જેટલી જાતિઓ થાય છે. આ કુળની જાણીતી વનસ્પતિઓમાં Litchi chinensis (લીચી), Aesculus indica (હૉર્સ ચેસ્ટનટ ટ્રી), Sapindus mukorossi (અરીઠી), Acer saccharium (સુગર મૅપલ) વગેરેનો સમાવેશ થાય છે.

આ કુળની જાતિઓ સામાન્યત: વૃક્ષ કે ક્ષુપ-સ્વરૂપ ધરાવે છે અથવા કેટલીક જાતિઓ સૂત્રારોહી (tendril-climber) હોય છે. [દા.ત., Cardiospermum halicacabum(કાગડોળિયું)માં સૂત્રશાખિત કે અશાખિત પુષ્પવિન્યાસ અક્ષનું રૂપાંતર છે.] Serjania અને Paullinia પ્રજાતિઓ કઠલતા સ્વરૂપવાળી હોય છે અને તેમના પ્રકાંડમાં અનિયમિત (anomalous) દ્વિતીય વૃદ્ધિ થાય છે. આ કુળમાં ભાગ્યે જ શાકીય સ્વરૂપ જોવા મળે છે. પર્ણો સાદાં એકાંતરિક, ભાગ્યે જ સંમુખ (દા.ત., Acer), સામાન્યત: પીંછાકાર સંયુક્ત (pinnately compound); અનુપપર્ણીય (exstipulate), આરોહી જાતિઓમાં નાનાં અને શીઘ્રપાતી (caclucous) ઉપપર્ણો (stipules) હોય છે. ઘણી વાર પર્ણોમાં ક્ષીર કે રાળકોષોની હાજરી હોય છે.

પુષ્પવિન્યાસ અપરિમિત(racemose)થી માંડી લઘુપુષ્પગુચ્છી (paniculate) એકશાખી (unilateral) પરિમિત (cyme) પ્રકારનો હોય છે. કાગડોળિયામાં દ્વિશાખી (bilateral) પરિમિત પ્રકારનો પુષ્પવિન્યાસ હોય છે. પુષ્પો દ્વિલિંગી કે એકલિંગી [સામાન્ય સ્થિતિમાં વિવિધ પુષ્પી એકલિંગાશ્રયી (polygamodioecius) – દેખીતી રીતે દ્વિલિંગી; પરંતુ કાર્યાત્મક ષ્ટિએ એકલિંગી], નિયમિત કે અનિયમિત, નાનાં, મોટે ભાગે પંચાવયવી, કેટલીક વાર ચતુરવયવી અને અધોજાયી (hypogynous) હોય છે અને વલયાકાર કે એકપાર્શ્ર્વીય બિંબ ધરાવે છે, જેને બાહ્યપુંકેસરીય (extrastaminal) બિંબ કહે છે.

વજ્ર 4 કે 5 વજ્રપત્રોનું બનેલું મુક્ત અથવા વિવિધ રીતે જોડાયેલું અને ઘણી વાર અસમાન હોય છે. તેનો કલિકાન્તરવિન્યાસ (aestivation) મોટે ભાગે કોરછાદી (imbricate) પ્રકારનો હોય છે. દલપુંજ 4 કે 5 દલપત્રોનો બનેલો, મુક્ત, સમાન કે અસમાન હોય છે. નિયમિત પુષ્પમાં પાંચમું પશ્ર્ચ દલપત્ર અવશિષ્ટ બનતાં 4 દલપત્રો જોવા મળે છે. દલપત્રની નીચેની બાજુએ અંદરની સપાટીએ મધુગ્રંથિઓને આવરતા શલ્કો કે રોમસમૂહો હોય છે. કલિકાન્તરવિન્યાસ કોરછાદી પ્રકારનો હોય છે. બિંબ બાહ્યપુંકેસરીય હોય છે; જેમાં ગ્રંથિઓ દલપુંજ સંમુખ આવેલી હોય છે.

સેપીન્ડેસી : (અ) લીચી(Litchi chinensis)ની પુષ્પ સહિતની શાખા, (આ) નર પુષ્પ, (ઇ) નર પુષ્પનો ઊભો છેદ,
(ઈ) માદા પુષ્પનો ઊભો છેદ, (ઉ) ફળ, (ઊ) ફળનો ઊભો છેદ, (ઋ) અરીઠા(Sapindus spp.)નો પુષ્પીય આરેખ.

પુંકેસરચક્ર 8થી 10 પુંકેસરોનું બનેલું, દલપત્રોથી બેગણા, બે ચક્રમાં ગોઠવાયેલા દ્વિવર્ત પુંકેસરી (diplostemanous, બહારનું ચક્ર વજ્ર સંમુખ અને અંદરનું ચક્ર દલપુંજ સંમુખ) હોય છે. કેટલીક જાતિઓ 5 (દા.ત., Turpinia) કે 4 પુંકેસરો અથવા અસંખ્ય (દા.ત., Deinbollia) પુંકેસરો ધરાવે છે. પુંકેસરીય પુષ્પમાં વંધ્ય સ્ત્રીકેસરચક્ર (pistillode) આવેલું હોય છે. પુંકેસરો બિંબની અંદરની બાજુએથી ઉત્પન્ન થાય છે. પરાગાશય દ્વિખંડી હોય છે અને તેમનું સ્ફોટન લંબવર્તી અને અંતર્મુખી (introse) રીતે થાય છે. Erioglossumમાં પુંકેસરો એકપાર્શ્ર્વીય હોય છે. પરાગાશય અને તંતુનું જોડાણ તલસ્થ (basal) કે મધ્યડોલી (versatile) હોય છે. કાગડોળિયામાં પુંકેસરો તલસ્થ ભાગેથી જોડાયેલાં હોય છે. સ્ત્રીકેસરચક્ર સામાન્યત: ત્રિયુક્તસ્ત્રીકેસરી હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને ત્રિકોટરીય અક્ષવર્તી (axile) કે કેટલીક વાર ચર્મવતી (parietal) જરાયુવિન્યાસ ધરાવે છે. પ્રત્યેક કોટરમાં એક કે બે અંડકો આવેલાં હોય છે. Litchiમાં બીજાશય એકકોટરીય હોય છે; જેમાં એક જ અંડક આવેલું હોય છે. પરાગવાહિની મોટે ભાગે એક (ભાગ્યે જ 2-4) હોય છે. પરાગાસન ત્રિશાખિત હોય છે. ફળ મોટે ભાગે શુષ્ક પ્રાવર કે કાષ્ઠફળ અથવા દ્વિ-સપક્ષ (દા.ત., Acer) હોય છે. કેટલીક જાતિઓમાં અનષ્ઠિલ (berry) કે અષ્ઠિલ (drupe) પ્રકારનાં ફળ જોવા મળે છે. બીજ ગોળ કે ચપટાં, ભ્રૂણપોષી (endospermic) કે અભ્રૂણપોષી (non-endospermic) અને ઘણી વાર માંસલ બીજોપાંગયુક્ત (arillate) હોય છે; દા.ત., લીચી.

આર્થિક અગત્યની વનસ્પતિઓ : (1) Litchi chinensis syn. Nephalium litchi (લીચી) સ્વાદિષ્ટ ખાદ્ય ફળ (બીજોપાંગ સ્વાદિષ્ટ) માટે ઉપયોગી છે. (2) Sapindas mukorossi(અરીઠા)ના ફળમાં સેપોનિન હોય છે. તે સાબુના વિકલ્પે વપરાય છે. તેનો સાબુ, શૅમ્પૂ અને ટૂથપેસ્ટ બનાવવામાં ઉપયોગ થાય છે. તે કીટનાશક દવાઓમાં પાયસીકારક (emulsifier) તરીકે પણ ઉપયોગી છે. (3) Acer saccharinum(સુગર મૅપલ)ના પ્રકાંડમાંથી ખાંડનો રસ મળે છે. Acerની કેટલીક જાતિઓ ઇમારતી કાષ્ઠ માટે ઉપયોગી છે. (4) Schleichera trijaga (શ્રીલંકા-ઓક) ઇમારતી કાષ્ઠ માટે ઉપયોગી છે. તેના ગરનો કાગળ બનાવવામાં ઉપયોગ થાય છે. બીજ ખાદ્ય અને તૈલી હોય છે. તેમાંથી મેકેસર તેલ પ્રાપ્ત થાય છે. તેને ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉછેરવામાં આવે છે. (5) Aesculus indica(હૉર્સ ચેસ્ટનટ ટ્રી)નાં ફળો ખાદ્ય હોય છે. ઘોડાને તેના આંત્રમાર્ગના રોગ ઉપર આપવામાં આવે છે. બીજમાંથી પ્રાપ્ત થતું તેલ વા માટે ઉપયોગી હોય છે. તેનાં ફળો ખાદ્ય હોય છે. તે દ્વિતીય કક્ષાનું ઇમારતી કાષ્ઠ આપે છે. (7) કાગડોળિયાનાં મૂળ અને પર્ણો ફેફસાંના રોગોમાં ઉપયોગી છે. (8) જખમી (Dodonea viscosa), Xanthoceras sorbifolia, Koelreuteria paniculata (વાર્નિશ ટ્રી), Euphoria, Melicocca, Ungnadia, Sapindus વગેરે ઉષ્ણ પ્રદેશોની શોભાની વનસ્પતિઓ છે.

બૅન્થામ અને હૂકરે આ કુળને પાંચ ઉપકુળોમાં વર્ગીકૃત કર્યું છે : સેપીન્ડી, એસરીની, ડોડોની, મેલિયેન્થી અને સ્ટેફાઇલી. આ કુળને સેપીન્ડેલ્સ ગોત્રમાં મૂકવામાં આવ્યું છે; જેનો ઉદવિકાસ મેલિયેલ્સ અને રુટેલ્સને સમાંતરે થયેલો છે. તે એનાકાર્ડિયેસી સાથે સામ્ય ધરાવે છે. સંયુક્ત પર્ણો, કુંતલાકાર વલન દર્શાવતી કઠલતાનાં સૂત્રો, સામાન્યત: અનિયમિત પુષ્પ, 5થી વધારે પુંકેસરો, ત્રિયુક્તસ્ત્રીકેસરી બીજાશય, માંસલ બીજોપાંગ ધરાવતાં બીજ વગેરે લક્ષણો દ્વારા આ કુળ એનાકાર્ડિયેસીથી અલગ પડે છે.

બળદેવભાઈ પટેલ