સુંદરગઢ : ઓરિસા રાજ્યના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 35´થી 22° 32´ ઉ. અ. અને 83° 32´થી 85° 22´ પૂ. રે. વચ્ચેનો 9,942 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને ઈશાનમાં ઝારખંડ રાજ્યની સીમા, પૂર્વ તરફ કેન્દુઝાર અને ઝારખંડનો પશ્ચિમ સિંઘભૂમ જિલ્લો, દક્ષિણે ઝારસુગુડા, સંબલપુર અને દેવગઢ જિલ્લા, પશ્ચિમે અને વાયવ્ય તરફ છત્તીસગઢની સીમા આવેલાં છે. જિલ્લામથક જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ-જંગલો : જિલ્લાનું ભૂપૃષ્ઠ અસમતળ છે. તેમાં પહાડી પ્રદેશ, છૂટીછવાઈ ટેકરીઓ, મેદાની વિભાગો, નદીખીણો તેમજ જંગલોનું અનિયમિત વિતરણ થયેલું જોવા મળે છે. જિલ્લામાં બ્રાહ્મણી, ઈબ, શંખ અને કોયેલ નદીઓ વહે છે. ભૂમિઢોળાવ ઉત્તરથી દક્ષિણતરફી છે. ઈબ નદીખીણની ધારે દક્ષિણ તરફનો ભાગ ખેડાણ હેઠળ છે. ત્યાંનો બાકીનો ભાગ અસમતળ ઉચ્ચપ્રદેશ જેવો છે. પશ્ચિમ તરફ 600 મીટર ઊંચી ટેકરીઓ છૂટીછવાઈ વહેંચાયેલી છે. ઉત્તર તરફ જતાં છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ શરૂ થાય છે. અગ્નિ તરફ બોનાઈ ઉપવિભાગનો પ્રદેશ છે, ત્યાંની ભૂમિ 240 મીટરની ઊંચાઈવાળી છે; તેમાં ખાબડખૂબડ જંગલો, કોતરો અને ઘાટ આવેલા છે. અહીં બ્રાહ્મણી અને તેની સહાયક નદીઓની સાંકડી ખીણો પસાર થાય છે. સુંદરગઢ અને નજીકનો પામ્પોશ ઉપવિભાગ 210 મીટરની ઊંચાઈ પર છે. અહીંના પ્રદેશમાં લોહઅયસ્કનો પુષ્કળ જથ્થો રહેલો છે, જે રૂરકેલા સ્ટીલ પ્લાન્ટમાં ઉપયોગમાં લેવાય છે; આ ઉપરાંત અહીં મૅંગેનીઝ અને સીસાનાં ખનિજો તથા ચૂનાખડકના જથ્થા પણ મળે છે.
સુંદરગઢ જિલ્લો
જિલ્લામાં અયનવૃત્તીય સૂકાં ખરાઉ પ્રકારનાં જંગલો આવેલાં છે. તેમાં સાલ, આસન અને કુરમનાં વૃક્ષો જોવા મળે છે. બોનાઈ અને રાજગંગાપુરનો પૂર્વ તરફી અડધો ભાગ સમૃદ્ધ વનસ્પતિવાળો છે. ત્યાંથી વાંસ, લાકડાં અને ટીમરુનાં પાંદડાં મળી રહે છે. આ ઉપરાંત હરડે, મહુડો, રાળ, આમલી, ગુંદર, સાલવૃક્ષનાં બીજ, સબાઈ ઘાસ તથા લાખ મળે છે. કુલ જંગલવિસ્તાર 3,535 ચોકિમી. જેટલો છે. તે પૈકી 75 % અનામત અને 17 % રક્ષિત જંગલો છે. અગાઉ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર વાહનવ્યવહાર માટે અનુકૂળ ન હોઈ માર્ગો વિકસ્યા ન હતા.
ખેતી-પશુપાલન : જિલ્લાની જમીનો ઓછી ફળદ્રૂપ છે. અહીં મિશ્ર રાતી, રાતી રેતાળ, મરડિયાવાળી, પડખાઉ અને કાળી જમીનો જોવા મળે છે. જમીનોમાં લોહતત્વનું પ્રમાણ વિશેષ છે. માત્ર નદીખીણોની જમીનો જ ખેતી માટે ઉપયોગમાં લેવાય છે.
અહીંના મુખ્ય કૃષિપાકોમાં ડાંગર, મકાઈ, જુવાર, તુવેર, મગ, અન્ય કઠોળ, તેલીબિયાં, રાગી, કપાસ, શેરડી અને મગફળી થાય છે. અહીં કોઈ મોટી સિંચાઈ યોજના નથી. કપાસ પૂરતી થોડી સિંચાઈ નહેરો દ્વારા થાય છે, બાકી મોટાભાગની ખેતી વરસાદ આધારિત છે. ખેડૂતો આવકવૃદ્ધિ માટે પશુપાલન કરે છે. ગાય, ભેંસ, ઘેટાંબકરાં, ડુક્કર, ઘોડા, ટટ્ટુ અહીંનાં મુખ્ય પશુઓ છે. આ ઉપરાંત મરઘાં-બતકાંનો ઉછેર પણ થાય છે. વીસમી સદીના છેલ્લા દશકામાં રાજ્ય સરકારે જુદી જુદી સિંચાઈ યોજનાઓ હાથ પર લીધી છે.
ઉદ્યોગ–વેપાર : સુંદરગઢ જિલ્લો ભારત તેમજ રાજ્યના ખનિજ-નકશામાં મોખરાનું સ્થાન ધરાવે છે. અહીં લોહઅયસ્ક, મગેનીઝ, ડોલોમાઇટ, અગ્નિજિત માટી મોટા પ્રમાણમાં મળે છે. આ ઉપરાંત અહીંથી ક્વાર્ટઝ, અબરખ, બૉક્સાઇટ, સીસા-તાંબા-જસતનાં ખનિજો અને ચૂનાખડકો પણ મળે છે. આ બધાં ખનિજોનું ખાણકાર્ય મોટા પાયા પર ચાલે છે. લોહઅયસ્ક, મૅંગેનીઝ અને ચૂનાખડકો રૂરકેલાના લોખંડ-પોલાદ-ઉદ્યોગમાં તથા ચૂનાખડકો સિમેન્ટ-ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે.
ઉદ્યોગોમાં રૂરકેલાનું લોખંડ-પોલાદનું અને ખાતરનું કારખાનું, સિમેન્ટનું કારખાનું મુખ્ય છે. નાના પાયાના ઔદ્યોગિક એકમોમાં ઇજનેરી માલ, ઑટોમોબાઇલના પુરજા, જંગલ-આધારિત અને રાસાયણિક પેદાશો, કીટનાશકો, વીજસાધનો, ઈંટો અને નળિયાં, પગરખાં તથા દોરડાં બનાવવાના એકમોનો સમાવેશ થાય છે. આ સિવાય લુહારીકામ, સુથારીકામ અને રમકડાં બનાવવાના પરંપરાગત ગૃહઉદ્યોગો ચાલે છે.
અહીંના બ્રાહ્મણી અને ઈબ નદીખીણના માર્ગો વર્ષોથી વેપારમાર્ગો છે. જૂના વખતમાં અહીંથી રાજ્યભરમાં, મધ્યપ્રદેશ અને બિહારમાં વેપાર ચાલતો હતો. મોરનાં પીછાં, હાથીદાંત, લાખ, હરડે, મીણ, મધ, રૂ, આરારુટ અને સબાઈ ઘાસ બહાર જતું. મીઠું, ખાંડ, કેરોસીન વગેરેની આયાત થતી. બિસરા, કલુંગા, રૂરકેલા અને પામ્પોશનાં રેલમથકો દ્વારા લાકડાં અને વાંસની હેરફેર થતી. આજે પણ આ જ સ્થિતિ પ્રવર્તે છે. આજે વધુમાં લોહઅયસ્ક, ડોલોમાઇટ, મૅંગેનીઝ, ચૂનાખડકો, લાકડાં, વાંસ, ટીમરુપાન અને મહુડાંની નિકાસ થાય છે; જ્યારે ફેરોમગેનીઝ, ફેરોસિલિકોન, રસાયણો, યંત્રસામગ્રી, પેટ્રોલ, કેરોસીન, ખાદ્યતેલ અને સ્ટેશનરીની આયાત કરવામાં આવે છે. આયાત-નિકાસની હેરફેર રેલમાર્ગો-સડકમાર્ગો મારફતે થાય છે.
ગ્રામીણ વિસ્તારોમાં અઠવાડિયે-પખવાડિયે હાટ ભરાય છે. તેમાં અનાજ, કઠોળ, શાકભાજી, વન્ય પેદાશો અને ગાયો વેચાય છે; જ્યારે ચોખા, ઘઉં, ખાંડ, સિમેન્ટ અને કેરોસીનની આયાત થાય છે. સરકારે ગોદામો અને શીતાગારોની વ્યવસ્થા ઊભી કરી છે. ખેડૂતો, વેપારીઓ વગેરે માટે બકોની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
પરિવહન : વીસમી સદીના ઉત્તરાર્ધમાં અહીં પરિવહનક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. જિલ્લામથકથી 35 કિમી.ને અંતરે આવેલું ઝારસુગુડા રેલમથક ઉપયોગમાં વધુ લેવાય છે. દક્ષિણપૂર્વ રેલવિભાગનો કોલકાતામુંબઈ રેલમાર્ગ આ જિલ્લામાં આશરે 105 કિમી.ના અંતર માટે પસાર થાય છે. રૂરકેલાબિરમિત્રપુરની 28 કિમી.ની એક રેલશાખા, બૉન્ડામુંડાબારસૌનની 68.6 કિમી.ની એક રેલશાખા ખનિજોની હેરફેર માટે વિકસાવી છે. આ ઉપરાંત, બીજા બેત્રણ રેલફાંટા પણ છે.
વર્ષાઋતુ દરમિયાન ઈબ નદીના જળમાર્ગનો પણ ઉપયોગ થાય છે. અન્ય નદીઓ ખડકાળ પટવાળી અને પ્રપાતોવાળી હોવાથી ઉપયોગમાં આવી શકતી નથી. રૂરકેલાનું ત્યાંનાં સ્ટીલ પ્લાન્ટ સંચાલિત ખાનગી નાનું હવાઈમથક પણ છે. જિલ્લામથક સુંદરગઢ અને રૂરકેલા સીધા સડકમાર્ગથી જોડાયેલાં છે. વળી ખાનગી બસો અને વાહનો દ્વારા શહેરો અને ગામડાંઓમાં અવરજવર થતી રહે છે.
પ્રવાસન : રૂરકેલા : 1955 પછી ખાનગી ક્ષેત્રે લોખંડ-પોલાદનું કારખાનું અહીં વિકસાવ્યું હોવાથી ભારતભરમાં એક ઔદ્યોગિક નગર તરીકે તે પ્રસિદ્ધિ પામ્યું છે. તે હરિયાળી ટેકરીઓથી તેમજ નદીઓથી વીંટળાયેલું હોવાથી રમણીય છે. વૈજ્ઞાનિક, તકનીકી અને લોહઅયસ્ક-પરિશોધનને કારણે તે જમશેદપુર કે ભિલાઈની જેમ આગળ આવ્યું છે. ઓરિસા રાજ્યમાં તે મોટું આયોજિત નગર બની રહ્યું છે. અહીંનાં રૂરકેલા લોખંડ-પોલાદનું કારખાનું, ખાતરનું કારખાનું, ઇન્દિરા ગાંધી ઉદ્યાન તથા પ્રાણીસંગ્રહાલય અને સરોવર જોવાલાયક સ્થળો ગણાય છે.
જિલ્લામાં દક્ષિણપૂર્વ રેલવિભાગના સુંદરગઢપામ્પોશ ઉપવિભાગોમાંથી પસાર થતા રેલમાર્ગ પર આ રૂરકેલા મુખ્ય રેલમથક છે. રૂરકેલાને દિલ્હી, ચેન્નાઈ, ટાટાનગર, બોકારો, પુરી તેમજ દેશનાં અન્ય મહત્વનાં શહેરો સાથે સીધા સંપર્કની સુવિધા મળેલી છે.
વર્ષભર રૂરકેલા રાજ્યનાં મહત્વનાં મથકો સાથે પાકા માર્ગે સંકળાયેલું છે. તે ભુવનેશ્વરથી 470 કિમી., કેન્દુઝારગઢ મારફતે સંબલપુરથી 192 કિમી.ના અંતરે આવેલું છે. ઉદ્યોગોથી તે ધમધમતું રહેતું હોવાથી નિયમિત બસોની, ટ્રકોની, રિક્ષાઓની, ખાનગી વાહનોની અવરજવર ચાલતી રહે છે.
વેદવ્યાસ : તે શંખ અને કોયેલ નદીઓના સંગમ પર આવેલું છે. તે ખૂબ જ રમણીય અને ધાર્મિક સ્થળ છે. લોકવાયકા પ્રમાણે આ સંગમસ્થળે જળમાં ડૂબકી મારી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. એમ પણ કહેવાય છે કે મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસ આ સંગમસ્થળે રહેલા. આ સ્થળે ત્રણ મંદિરોબે શિવાલય અને એક રામજીમંદિરઆવેલાં છે. અહીં વૈદિક આશ્રમ અને શાળા પણ છે. પામ્પોશથી 5 કિમી.ના અંતરે તથા રૂરકેલાથી 15 કિમી.ના અંતરે વેદવ્યાસ તરફ ઉજાણીસ્થળ આવેલું છે. રૂરકેલાથી વેદવ્યાસ આવવા માટે નિયમિત બસસેવા ઉપલબ્ધ છે. આ સ્થળે જવા-આવવા માટે પામ્પોશ અને રૂરકેલા નજીકનાં સ્થળો છે.
મંડિરા : શંખ નદી પર આવેલો બંધ. તે રૂરકેલા અને નજીકનાં અન્ય સ્થળોને પાણીપુરવઠો પૂરો પાડવા માટે બાંધવામાં આવેલો છે. જળાશય ખૂબ જ રમણીય છે. પ્રવેશ માટે અહીં અગાઉથી મંજૂરી લેવી પડે છે. વળી તેમાં નૌકાવિહાર માટે પણ અગાઉથી વ્યવસ્થા કરવાની હોય છે. રૂરકેલાથી તે 32 કિમી. દૂર આવેલું છે. રૂરકેલાના અધિકારીઓ રજા ગાળવા અને આનંદ માણવા અહીં આવે છે. અહીં આવવા-જવા માટે નિયમિત બસસેવા તો નથી, પરંતુ ખાનગી વાહનો મળે છે.
ખાંડાધાર : જંગલ વચ્ચે આવેલું આ સ્થળ સુંદર ધોધ ધરાવે છે. કોરાપાની નાલા જ્યાંથી નીકળે છે ત્યાંથી માત્ર થોડેક જ અંતરે આ ધોધ 244 મીટરની ઊંચાઈએથી નીચે ખાબકે છે. ઓરિસા રાજ્યનો આ ઊંચામાં ઊંચો ધોધ છે. ધોધ જોવા જવા-આવવા માટે વર્ષભર વાહનો મળી રહે છે. માત્ર છેલ્લા બે કિમી.નું અંતર ચાલીને જવાનું રહે છે. તે બોનાઈગઢથી 19 કિમી. અંતરે છે. ધોધ એટલો તો રમણીય છે કે તેના દર્શનમાત્રથી થાક ઊતરી જાય છે. અહીંના આદિવાસીઓ અહીં આવેલી દેવીમાતાની પૂજા-અર્ચના કરે છે. આ સ્થળ માટેનું નજીકમાં નજીકનું રેલમથક રૂરકેલા 104 કિમી.ના અંતરે આવેલું છે.
છત્રી ટેકરી : પ્રાચીન કાળનાં વિશિષ્ટ ચિહ્નો માટે આ સ્થળ જાણીતું છે. તે સુંદરગઢથી 60 કિમી.ને અંતરે છે. તે સુંદરગઢરૂરકેલા માર્ગની વચ્ચેથી પડતા ફાંટા પર 20 કિમી.ને અંતરે આવેલું છે.
ઘોગર : ઈબ નદી પર આવેલું કોતર. તે સુંદરગઢથી 13 કિમી.ને અંતરે ઉત્તર તરફ આવેલું છે. તે ઉજાણી-સ્થળ તરીકે જાણીતું છે. વર્ષાઋતુ બાદ ઈબ નદીનાં પાણી ઊતરી જાય ત્યારે છીછરાં નદીજળ પથરાળ તળ પરથી પસાર થાય છે. આ કોતર ખૂબ જ રમણીય શ્ય ઊભું કરે છે. અહીં ઘણા પ્રવાસીઓની અવરજવર રહે છે. નજીકમાં જ કાળા ગ્રૅનાઇટનું સ્વયંભૂ શિવલિંગ છે. અહીં દર વર્ષે શિવરાત્રિટાણે મોટો મેળો ભરાય છે.
દરગીનદેવધારા : રૂરકેલાથી 56 કિમી.ને અંતરે રાષ્ટ્રીય ધોરી માર્ગ 23 પર બ્રાહ્મણી નદી કાંઠે આવેલું ઉજાણી માટેનું સુંદર સ્થળ ‘દરગીન’ નામથી ઓળખાય છે. અહીંથી 2 કિમી.ને અંતરે બ્રાહ્મણી નદીનું દેવધારા નામનું કોતર આવેલું છે.
જૂનાગઢ : જૂનાગઢ એ એક ઐતિહાસિક અને પુરાતત્ત્વીય મહત્વ ધરાવતું ગુફાઓવાળું તાંત્રિક પૂજાસ્થળ છે. તે હેમંગથી 4 કિમી. અને કણિકાથી 15 કિમી. અંતરે આવેલું છે.
જિલ્લામાં વારતહેવારે મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી : 2001 મુજબ સુંદરગઢ જિલ્લાની વસ્તી 18,29,412 જેટલી છે. તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 70 % અને 30 % છે. અહીં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, જૈન અને બૌદ્ધોની ઓછી છે. જિલ્લામાં ઊડિયા, બંગાળી, હિન્દી, તેલુગુ અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. આ જિલ્લો હજી હમણાં સુધી શૈક્ષણિક અને આર્થિક દૃષ્ટિએ પછાત હતો. અહીંની એક લોકવાયકા અનુસાર મહાભારતના રચયિતા વ્યાસમુનિ શંખ અને કોયેલના સંગમસ્થળે જન્મેલા; પરંતુ લોકો તેને માત્ર દંતકથા જ ગણે છે. આજે અહીં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ કૉલેજોનું પ્રમાણ સારું છે. અહીં તબીબી સેવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની દૃષ્ટિએ આ જિલ્લાને 3 ઉપવિભાગો, 7 તાલુકાઓ, 17 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 9 નગરો અને 1744 (56 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ગંગાપુર અને બોનાઈનાં બે દેશી રાજ્યો 1948માં ભારતીય સંઘમાં ભળવાથી તે બંનેને ભેગાં કરીને તેનો સુંદરગઢ જિલ્લો રચવામાં આવેલો છે. જૂના સમયમાં આ પ્રદેશ દક્ષિણ કોશલ સામ્રાજ્યનો એક ભાગ હતો; જોકે ત્યાંના શાસકોના મૂળ વિશે મતમતાંતર પ્રવર્તે છે. આ બંને દેશી રાજ્યો એક વખતે સંબલપુર હેઠળ હતાં; ત્યારે તે વિસ્તાર નાગપુરના મરાઠા રાજાઓની હકૂમત હેઠળ હતો.
નાગપુરના મરાઠા સરદાર રઘુજી ભોંસલેએ દેવગાંવની સંધિ હેઠળ 1803માં આ રાજ્યો બ્રિટિશ સરકારને સોંપી દીધેલાં; પરંતુ 1806માં ફરીથી તેમને સોંપવામાં આવેલાં. 1826માં આ રાજ્યો અંગ્રેજોને આપી દેવાયાં. 1905માં છોટાનાગપુરના કમિશનરના કાબૂ હેઠળથી તે ઓરિસામાં મુકાયાં, ત્યારથી તે ઓરિસામાં છે.
ગિરીશભાઈ પંડ્યા