સુંગ વંશ અને તેનો સમય

January, 2008

સુંગ વંશ અને તેનો સમય : ઈ. સ. 960થી 1279 સુધી ચીનના વિશાળ પ્રદેશ પર શાસન કરનાર રાજવંશ. આ સમયગાળામાં નોંધપાત્ર સાંસ્કૃતિક વિકાસ થયો હતો. આ રાજવંશનો સ્થાપક ચાઓ કુઆંગ-યીન (960-976) ચાઉ વંશનો એક સેનાપતિ હતો. તેણે લશ્કરની મદદથી આકસ્મિક બળવો કરીને સત્તા છીનવી લીધી હતી. તે સુંગ વંશનો પ્રથમ સમ્રાટ બન્યો અને તેણે મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. મજબૂત અને કાર્યક્ષમ વહીવટ માટે તેણે કાર્યદક્ષ અધિકારીઓ નીમ્યા. તે રાજતંત્રના કન્ફ્યુશિયસના સિદ્ધાંતોને અનુસર્યો. વાંગ એન શીહ (1021-86) નામનો આ વંશનો સમ્રાટ ઉદ્દામ સુધારક હતો. તેણે સખત વિરોધ થવા છતાં, ભાવો સ્થિર કરવાનાં પગલાં ભર્યાં. વેપારીઓ તથા ખેડૂતોને લોન આપી અને કટોકટી માટે અનાજનો સંગ્રહ કર્યો. તેના પછીના નબળા સમ્રાટોના સમયમાં મંચુરિયાના જુચેન જાતિના લોકોએ હુમલા કરીને 1127માં સુંગ વંશના શાસકને યાંગત્સેની ઉત્તરમાંથી દક્ષિણમાં હાંકી કાઢ્યો. દક્ષિણ ચીનમાં સુંગ વંશના સમ્રાટોએ હંગચાઉ પાટનગર રાખીને 1279 સુધી રાજ્ય કર્યું. તે વર્ષે મોંગલોએ સુંગોની સત્તા ફગાવી દઈને યુઆન વંશ સ્થાપ્યો.

સુંગ વંશના શાસન દરમિયાન વેપારનો ઘણો સારો વિકાસ થયો હતો. તે સમયે વેપારી શ્રેણીઓ રચવામાં આવી અને કાગળના ચલણનો મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો. સમુદ્ર તથા નદીકિનારે કેટલાંક મોટાં શહેરો વિકસ્યાં હતાં. તે સમયે કન્ફ્યુશિયસના ઉપદેશ વિશેના શિષ્ટ ગ્રંથો પ્રગટ થયા હતા. 11મી સદીમાં સાહિત્ય અને શિક્ષણનો ખૂબ ફેલાવો થયો હતો. રાજ્યની સિવિલ સર્વિસની પરીક્ષા વાસ્તે શાળાઓમાં મોટી સંખ્યામાં સ્નાતકો તૈયાર થતા હતા. દેશના શ્રેષ્ઠ કવિઓ અને ચિત્રકારોને રાજ્યાશ્રય આપવામાં આવ્યો હતો. ઉત્તરના સામ્રાજ્યનું પાટનગર પિનચિંગ સુંદર મહેલો, મંદિરો, પૅગોડા વગેરેથી શોભતું હતું. સુંગ યુગમાં પૅગોડા 110 મીટર જેટલા ઊંચા અને છ કે આઠ બાજુવાળા બંધાવ્યા હતા. મીફેલ, મા યુઆન અને સિયા કુઅલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારો કુદરતી દૃશ્યો ચીતરવામાં શ્રેષ્ઠ હતા. ત્યાંનાં ચીની માટીનાં વાસણો જગપ્રસિદ્ધ હતાં. તેની નિકાસ પણ કરવામાં આવતી હતી. આ સમયે કાવ્યો ઘણાં લખાયાં અને કાવ્યસંગ્રહો પ્રગટ થયા હતા. લોકો નાટકોમાં ખૂબ રસ લેતા હતા. સુંગ સમ્રાટોએ સંગીતને પ્રોત્સાહન આપ્યું હતું. તે સમયે પ્રાચીન સંગીતને પુનર્જીવિત કરવામાં આવ્યું. તે સમયે પ્રગટ થયેલા સાહિત્યમાં સંગીતને ઘણું મહત્વ અપાયેલું જણાય છે. સાહિત્યમાં ટૂંકી વાર્તાઓ લખાતી. મોઢે વાર્તા કહેવાની તાલીમ માટે સ્કૂલો ચાલતી. આમ સુંગ યુગમાં સાંસ્કૃતિક વિકાસ નોંધપાત્ર થયો હતો.

જયકુમાર ર. શુક્લ