કૌવે ઔર કાલા પાની (1983) : નિર્મલ વર્મા-રચિત હિન્દી વાર્તાસંગ્રહ. સાત વાર્તાઓનો તેમાં સમાવેશ થાય છે.
સંગ્રહમાંની કેટલીક વાર્તાઓ ભારતીય પરિવેશની તો કેટલીક યુરોપના જીવનનો પરિચય આપે છે; બધી વાર્તાઓમાં માનવીય સંવેદના તો સર્વત્ર સમાન છે. લેખકે મધ્યમવર્ગના જીવનનું નિરૂપણ કર્યું છે, વાર્તાઓમાં માનવવ્યવહારમાં ર્દષ્ટિગોચર થતી ઉદાસીનતા, ઉષ્માહીનતા, લાચારી અને કિંકર્તવ્યવિમૂઢતા વાચકના હૃદયને સ્પર્શી જાય છે.
‘ધૂપ કા એક ટુકડા’માં એક નારીની હૃદયવેદના આત્મકથન રૂપે રજૂ થઈ છે. ‘દૂસરી દુનિયા’માં લંડનના નિમ્ન મધ્યવર્ગની દયનીય દરિદ્રતાનું ચિત્રણ છે. ત્રીજી વાર્તા ‘ઝિન્દગી યહાં ઔર વહાં’ દિલ્હીના યુગલ ફેન્ટી ઇરાને લગતી છે, ‘સુબહ કી સૈર’ કર્નલ નિહાલચન્દ્રના જીવનનો કરુણાન્ત વર્ણવે છે, જેનો પુત્ર પરદેશમાં અને પત્ની પરલોકમાં છે. ‘આદમી ઔર લડકી’માં આ દુનિયામાં એકાકી જીવન જીવતી પુસ્તકવિક્રેતાની દુકાનમાંની ટાઇપિસ્ટ છોકરીના જીવનમાં એક પ્રૌઢ પ્રવેશે છે તેની વાત છે. ‘કૌવે ઔર કાલા પાની’ સંસારત્યાગી વ્યક્તિના જીવનનો પરિચય આપે છે, જે દસ વર્ષથી સંન્યાસ લીધા છતાં પરિવાર પ્રત્યેના અનુરાગથી બંધાયેલ છે. જે પહાડ પર તે રહે છે ત્યાં એવી માન્યતા છે કે તે ક્ષેત્રમાં મરનાર કાગડાનો અવતાર લે છે અને પછી મોક્ષ પામે છે. અંતિમ વાર્તા ‘એક દિન કા મેહમાન’ એક ભારતીય દંપતીની કથા છે.
વાસુદેવ યાજ્ઞિક