કૉંદૉર્સે – મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા – માર્કિવસ દ
January, 2008
કૉંદૉર્સે, મારી-ઝાં-ઍન્ટૉની-નિકોલાસ દ કૅરિતા, માર્કિવસ દ (જ. 17 સપ્ટેમ્બર 1743, રૉબેમૉન્ટ, ફ્રાન્સ; અ. 29 માર્ચ, 1794, બોર્ગલા-રાઈન) : ફ્રેન્ચ દાર્શનિક, ગણિતશાસ્ત્રી તથા શિક્ષણ-સુધારણાના પ્રખર હિમાયતી. પ્રાચીન કૅરિટાટ કુટુંબના વંશજ. ડાઉફાઇન કાઉન્ટીના કૉંદૉર્સે નગર પરથી કુટુંબનું નામ પડ્યું. રીમ્સ ખાતેની જેસ્યુઇટ કૉલેજ તથા પૅરિસની કૉલેજમાં શિક્ષણ દરમિયાન ગણિતશાસ્ત્ર પ્રત્યે અભિરુચિ થતાં તેમાં નૈપુણ્ય પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો. 1769માં અકાદમી ઑવ્ સાયન્સીઝના સભ્ય બન્યા તથા ગણિતશાસ્ત્ર અને અન્ય વિષયો પર સંશોધનલેખો લખ્યા. ફ્રેન્ચ ભાષામાં વિશ્વકોશ તૈયાર કરવાના કાર્યમાં સક્રિય ભાગ લીધો. 1777માં વિજ્ઞાન અકાદમીના તથા 1782માં ફ્રેન્ચ અકાદમીના કાયમી મંત્રી બન્યા. 1785માં સંભાવના સિદ્ધાંત (Theory of Probability) પર લખેલા નિબંધના પ્રકાશન સાથે ગણિતજ્ઞ તરીકે નામના મેળવી. સંભાવનાશાસ્ત્રમાં એ તેમનું મહત્વનું પ્રદાન ગણાય છે. પાછળથી તેમના આ સિદ્ધાંતની સુધારેલી આવૃત્તિ પ્રકાશિત થઈ (1805) જેણે પછીના વિકાસમાં ઐતિહાસિક ભૂમિકા ભજવી. 1792માં શિક્ષણના વિકાસ અને વિસ્તરણ અંગે તેમણે એક વિસ્તૃત યોજના રજૂ કરી હતી.
ફ્રેન્ચ રાજ્યક્રાન્તિના સમયગાળામાં તેઓ રાજકારણમાં સક્રિય બન્યા, દેશની વિધાનસભામાં પૅરિસ મતદાર વિસ્તારમાંથી ચૂંટાયા, ફ્રેન્ચ રાજ્યક્રાન્તિની જાહેર હિમાયત કરી, વિધાનસભાના સેક્રેટરી બન્યા, રાજાને પદભ્રષ્ટ કરવાના પગલાની તરફેણ કરતું તથા રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન બોલાવવા માટેનું ઘોષણાપત્ર ઘડી કાઢ્યું તથા દેશ માટે નવું બંધારણ ઘડી કાઢવા માટે નિમાયેલી સમિતિના સભ્ય બન્યા. સોળમા લૂઈને મૃત્યુદંડની સજા આપવાનો તેમણે વિરોધ કર્યો હોવાથી ઉદ્દામવાદી ક્રાન્તિકારી જૂથમાં અપ્રિય બન્યા. પરિણામે તેમને ભૂગર્ભમાં જવું પડ્યું. માર્ચ, 1794માં તેમની ધરપકડ કરવામાં આવી અને બે દિવસ પછી કારાવાસમાં તેમનો મૃતદેહ સાંપડ્યો. કદાચ તેમણે આપઘાત કર્યો હોય તેવું માનવામાં આવે છે.
ભૂગર્ભમાં હતા તે દરમિયાન ‘સ્કેચ ફૉર અ હિસ્ટૉરિકલ પિક્ચર ઑવ્ ધ પ્રોગ્રેસ ઑવ્ ધ હ્યુમન માઇન્ડ’ નામનો ગ્રંથ લખ્યો (1775), જેનું અંગ્રેજીમાં 1955માં ભાષાંતર પ્રકાશિત થયું છે. આ ગ્રંથમાં કૉંદૉર્સે ઐતિહાસિક ભૂમિકાને આધારે માનવીની ભાવિ પ્રગતિની આગાહી કરી છે તથા તેમાં શિક્ષણનું મહત્વ, વિચારો તથા મંતવ્યોનો મુક્ત વિનિમય, પ્રજાસત્તાક શાસનપ્રણાલી, નિયંત્રિત અર્થવ્યવસ્થા, સ્ત્રીસ્વાતંત્ર્ય તથા ચોક્કસ અર્થ ધરાવતા શબ્દભંડોળ પર આધારિત ભાષાના વિકાસના મહત્ત્વ પર પોતાના ક્રાંતિકારી વિચારો રજૂ કર્યા છે. ધાર્મિક સહિષ્ણુતા, ન્યાયપાલિકાની સુધારણા તથા ગુલામીની પ્રથાની નાબૂદીના તેઓ પ્રખર હિમાયતી હતા.
તેમણે ફ્રેન્ચ ભાષામાં ઘણા ગ્રંથો લખ્યા છે જેમાં તેમના મિત્રોનાં જીવનચરિત્રોનો પણ સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે