સુલોચના રાણી પદદનાપુડી (શ્રીમતી)
January, 2008
સુલોચના રાણી, પદદનાપુડી (શ્રીમતી) (જ. 2 એપ્રિલ 1939, કજા, જિ. કૃષ્ણા, આંધ્રપ્રદેશ) : તેલુગુ નવલકથાકાર તથા વાર્તાકાર. તેઓ કોકિલા ઑડિયો મૅગેઝિનનાં નિર્માત્રી; ‘વિણ’ નામક મહિલા સંગઠનનાં સ્થાપક-સેક્રેટરી અને રેડક્રોસ સોસાયટીનાં સભ્ય રહ્યાં હતાં.
તેમણે તેલુગુમાં 70 જેટલા ગ્રંથો આપ્યા છે. ‘આરાધના’ (1960); ‘સેક્રેટરી’ (1965); ‘મીના’ (1967); ‘જીવન તરંગલુ’ (1968); ‘કીર્તિ કિરીતલુ’ (1973); ‘સીતાપતિ’ (1980); ‘નિશાંત’ (1984); ‘કૃષ્ણ લોહિતા’ (1986) અને ‘આયક્તમ્’ તેમની ઉલ્લેખનીય નવલકથાઓ છે; જ્યારે ‘સંયુક્તા’ અને ‘અનુરાગ તોરણમ્’ તેમના જાણીતા વાર્તાસંગ્રહો છે.
તેમની ઘણી નવલકથાઓ પરથી ફિલ્મો અને ટેલિવિઝન શ્રેણીઓનું નિર્માણ કરાયું છે. તેમની કૃતિઓ તમિળ, મલયાળમ અને કન્નડમાં અનૂદિત કરાઈ છે.
તેમને 1962માં નવોયા સાહિતી સમિતિ તરફથી બેસ્ટ સ્ટોરી ઍવૉર્ડ; ફિલ્મો માટે આંધ્રપ્રદેશ સરકાર સ્ટેટ ઍવૉર્ડ; મદ્રાસ ફિલ્મ ફ્રેન્સ ઍસોસિયેશન ઍવૉર્ડ (બે વખત); 1978માં આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; આંધ્રપ્રદેશ સરકાર દ્વારા 1984માં નાન્દી ઍવૉર્ડ – તથા 1989માં ઉગડી ઍવૉર્ડ; 1992માં બેસ્ટ ડાયલૉગ-રાઇટર ઍવૉર્ડ આપવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા