સુલોચના, મદિરેડ્ડી (. 1933, શમ્શાબાદ, હૈદરાબાદ, આંધ્રપ્રદેશ; . 1984) : તેલુગુ નવલકથાકાર. હૈદરાબાદની બી.વી.આર. રેડ્ડી વિમેન્સ કૉલેજમાં અભ્યાસ કર્યો અને ઑસ્માનિયા યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની પદવી મેળવી. ત્યારબાદ તેઓ મદ્રાસાઅલી ખાતે રસાયણશાસ્ત્રનાં શિક્ષિકા તરીકે જોડાયાં તથા હૈદરાબાદમાં સેંટ જૉન ગર્લ્સ હાઈસ્કૂલમાં પણ તેમણે અધ્યાપનકાર્ય કર્યું.

તેમની નોંધપાત્ર નવલકથા ‘શિક્ષા’ અને ‘પ્રેમલુ પેલ્લિલ્લુ’ પરથી તેલુગુમાં ફિલ્મનું નિર્માણ કરાયું હતું. તેમણે ઈથિયોપિયા અને ઝામ્બિયાની મુલાકાત પરથી ‘સજીવ સ્મૃતુલુ’ નામક નવલકથા પ્રગટ કરી, જેનું વિષયવસ્તુ વસિરેડ્ડી સીતાદેવીની ‘વૈતરણી’ની કથા જેટલું આકર્ષક અને અસરકારક છે, પણ તેની અનુકૃતિ નથી. આ બંને નવલકથાઓમાં સમકાલીન સામાજિક સમસ્યાઓનું ચિત્રાંકન કરાયું છે. તેમણે સંખ્યાબંધ વાર્તાઓ પણ લખી છે. તેમનાં લખાણોમાં તૈલંગણ બોલીનો આકર્ષક રીતે વિનિયોગ થયો છે.

બળદેવભાઈ કનીજિયા