સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering)
January, 2008
સુરક્ષાલક્ષી ઇજનેરી (Safety Engineering) : કામદારો, કારીગરો કે કર્મચારીઓની જ્યાં જે સાધનો – મશીનો વડે કાર્ય થઈ રહ્યું હોય ત્યાં સુરક્ષાની બાબતોને આવરી લેતી ઇજનેરી. કર્મચારીઓ અને સાધનોની સલામતી જાળવવી એ જે તે સંસ્થા કે કારખાનાની જવાબદારી છે. ‘સલામતી પ્રથમ’ (safety first) એ મુદ્રાલેખ હવે સર્વત્ર સ્વીકારાયો છે; તેમ છતાં અકસ્માતોથી મોટા પ્રમાણમાં જાનહાનિ, માલહાનિ અને સમયહાનિ થાય છે. આ હાનિ માનવસમાજની બેદરકારીની દ્યોતક છે.
સલામતી મહત્ત્વની બે બાબતો(category)માં જાળવવાની થાય છે : એક છે ધંધાકીય સલામતી એટલે કે કારખાનાં, ઑફિસો, દુકાનો જેવાં કાર્યસ્થળોમાં કાર્ય કરતા માનવીઓની સલામતી અને બીજી છે જાહેર સલામતી; જેમાં ધંધાકીય કાર્યસ્થળ સિવાયની બધી સ્થિતિ જેવી કે ઘેર રસોડામાં ગૃહિણી કામ કરતી હોય કે મુસાફરી દરમિયાન કે બાગ-બગીચામાં કે અન્ય આનંદપ્રમોદ માટે ટહેલતા હોઈએ તેવી સર્વ પ્રકારની સ્થિતિમાં સલામતી.
પહેલી સ્થિતિમાં કારખાનાંઓમાં થતા અકસ્માતો વિશેષ પ્રમાણમાં હોય છે જ્યારે બીજી સ્થિતિમાં મુસાફરી દરમિયાન થતા અકસ્માતો; જેમાં માર્ગ, રેલવે અને હવાઈ મુસાફરી દરમિયાન થતા અકસ્માતોનો સમાવેશ થાય છે. માર્ગ પર થતા અકસ્માતોની સંખ્યા સૌથી વધુ છે. માટે માર્ગ સલામતી એ સલામતી અંગેનો સૌથી વધુ ચિંતાનો (સાવચેતીનો) વિષય બની ગયો છે.
ટૅક્નૉલૉજીના વિકાસે અવનવાં અને અટપટાં મશીનો આપ્યાં છે. તેની સાથોસાથ સલામતી પણ જળવાઈ રહે તે જોવું જરૂરી બને છે.
સલામતી બાબતમાં, જે કોઈ અકસ્માતો થાય છે તેના અભ્યાસ પરથી એ તારણ મળ્યું છે કે 90 %થી પણ વધુ અકસ્માતો અસલામત કાર્યકરણી(unsafe act)ને કારણે થતા હોય છે, નહિ કે અસલામત પરિસ્થિતિ(unsafe conditions)ને લીધે. માર્ગો પર થતા અકસ્માતો આનું મોટું ઉદાહરણ છે. આનો અર્થ એ કે અકસ્માત થતા અટકાવવામાં કાર્યકરોને (ઑપરેટરોને) કામ કરવાની યોગ્ય રીત માટેની તાલીમ તેમજ એક વખત કાર્યપદ્ધતિ નક્કી થઈ ગયા પછી તે પ્રમાણે જ કાર્ય કરવામાં આવે અને તેમાં ગફલત ન થાય તે માટેનો આગ્રહ મોટોભાગ ભજવી શકે. અકસ્માતો એ મુખ્યત્વે સંબંધિત વ્યક્તિઓએ એક યા બીજી રીતે કરેલ ભૂલનું જ પરિણામ હોય છે. આ માટે સલામતીની બાબતમાં ‘વ્યક્તિ’ (human being) કેન્દ્રમાં રહે છે. જેટલા પ્રમાણમાં વ્યક્તિ પોતે સલામતીની બાબતમાં જાગ્રત રહે તેટલા પ્રમાણમાં જ સલામતી મેળવી શકાય.
સલામતી ઇજનેરીમાં સલામતી અંગેની બાબતો જુદા જુદા સ્તરે નીચે પ્રમાણે આવરી લેવાય છે :
(I) વસ્તુ/સાધનની ડિઝાઇન તૈયાર કરતી વખતે.
(II) વસ્તુ-ઉત્પાદન કરતી વખતે.
(III) વસ્તુ/સાધનોનો ઉપયોગ કરતી વખતે.
I. વસ્તુની ડિઝાઇન (આલેખન) તૈયાર કરતી વખતે જ સલામતીને લગતી બધી બાબતો ધ્યાનમાં લઈ વસ્તુ જે પદાર્થોની બનાવવાની હોય તે નક્કી થાય, દરેક ભાગોનાં પરિમાણો નક્કી થાય તેમજ વસ્તુ તૈયાર થયા બાદ તેની ચકાસણી થાય. આનો અર્થ એ છે કે વસ્તુ કે સાધનમાં સલામતી તેની ડિઝાઇન વખતે જ નક્કી થાય છે અને ખરેખર મળતી સલામતી તે સાધન બનાવવામાં અને પછી તેનો ઉપયોગ કરવામાં લેવાતી કાળજીથી નક્કી થાય છે. અકસ્માત થાય પછી કાળજી રાખવાને બદલે અકસ્માત થાય જ નહિ તેની કાળજી વસ્તુ/સાધનની ડિઝાઇન નક્કી કરતી વખતે રાખવી વધુ યોગ્ય છે. ડિઝાઇન નક્કી કરતી વખતે જ જે તે ભાગ જ્યારે ઉપયોગમાં મુકાય ત્યારે સંભવિત નિષ્ફળતાઓની અસરનું વિશ્લેષણ (failure mode and effect analysis) કરવામાં આવે છે, જેને Design FMEB કહેવાય છે. વિશ્લેષણની આ રીત ખૂબ પ્રચલિત થઈ રહી છે.
કોઈ પણ સાધન કે મશીન ચલાવતી વખતે જે તે ઑપરેટર ઉપર શારીરિક અને માનસિક તણાવ – ભાર (load) ઓછો રહે તે બાબતને સાધનની ડિઝાઇન કરતી વખતે જ ધ્યાનમાં લેવામાં આવે છે. ડિઝાઇનની આ શાખાને ‘એરગોનૉમિક્સ’ (ergonomics) કહેવાય છે. કંટ્રોલ સ્વિચ, ડીસપ્લે બૉર્ડ, બેઠક (seat), કાર્યઊંચાઈ એમ અનેક બાબતો ‘એરગોનૉમિક્સ’માં આવરી લેવાય છે. કોઈ પણ વસ્તુની ગુણવત્તા (quality) પણ તેની ડિઝાઇનમાં જ નક્કી થાય છે. ગુણવત્તા અને સલામતીનું સ્તર ડિઝાઇનમાં નક્કી થાય અને જળવાય (મળે) તેની બનાવટ (manufacturing) અને ઉપયોગ(operation)માં. ઉદાહરણ રૂપે લઈએ તો રેફ્રિજરેટર, ઇલેક્ટ્રિક મોટર, મોટરકાર, રસ્તા, પુલો, બંધો વગેરેમાં ગુણવત્તા અને સલામતી તેની ડિઝાઇનમાં નક્કી થશે અને મળશે તેની રચના અને ઉપયોગમાં કાળજી રાખવાથી. મોટરકારની ડિઝાઇનમાં સલામતીની બધી બાબતો લક્ષમાં લેવાઈ હોય, પરંતુ મોટરની બનાવટમાં ત્રુટિ હોય કે મોટર ચલાવવામાં ખામી હોય તો અકસ્માત થાય. વસ્તુની ડિઝાઇનમાં હવે વસ્તુની વિશ્વાસપાત્રતા (reliability) પણ નક્કી કરવામાં આવે છે. વીજાણુ સાધનો મોટાં, મહત્ત્વનાં અને કીમતી મશીનો ચલાવવાના (ઑપરેશનના) નિયમનમાં વપરાય છે. બહુ કીમતી અને મહત્ત્વનાં મશીનોનું ઘણુંખરું સંચાલન સ્વસંચાલન અને સ્વનિયમન (autocontrol) પર ચાલે છે. આવી સ્થિતિમાં સ્વનિયમન કરતાં સાધનોની વિશ્વસનીયતા ખૂબ ઊંચી હોવી જોઈએ. આવા વીજાણુ- સાધનની ડિઝાઇન જ એવી હોવી જોઈએ કે તે સાધનનો કોઈ પણ ભાગ નિષ્ફળ જાય નહિ કે તેનો ઉપયોગ કરવામાં ભૂલ થાય નહિ અને તેને પરિણામે અકસ્માત પણ થાય નહિ. આને ‘inbuilt safety factors in the product design’ કહેવાય. પ્રોડક્ટ-ડિઝાઇનમાં આ બાબત પર ખૂબ ભાર મૂકવામાં આવે છે. ઉપભોક્તાની સલામતી જળવાઈ રહે તે માટે ઉપભોગ્ય વસ્તુ સલામતી ધારાઓ (Consumer Product Safety Acts) પણ જુદા જુદા સ્વરૂપે હોય છે. આ ઉપરાંત ઉત્પાદકે ઉપભોક્તાને પોતાના સાધનની અમુક સમય સુધીની ખાતરી (warranty) આપવાની થતી હોય છે, જેમાં ઉત્પાદક પોતાની ઉત્પાદન-સામગ્રીની નિશ્ચિત સમય માટેની જવાબદારી સ્વીકારે છે.
II. વસ્તુ/સાધનની ડિઝાઇન થયા પછી તેને બનાવવા માટે પ્રક્રિયાઓનું આયોજન (process planning) કરવામાં આવે છે. વસ્તુ/સાધન અનેક નાનામોટા જુદા જુદા ભાગોને ભેગા કરી તૈયાર કરવામાં આવે. આવા ભાગોને કારખાનાંમાં તૈયાર કરવા માટે અનેક પ્રક્રિયાઓ અને મશીનોનો ઉપયોગ કરવો જરૂરી બને છે. આ ઉત્પાદનક્રિયામાં સલામતી જાળવવી, સલામતી જળવાઈ રહે તે માટે વ્યવસ્થા અને આયોજન કરવું એ સલામતી ઇજનેરીનું બીજું અગત્યનું પાસું છે. અહીં મશીન પર કારીગરો કામ કરતા હોય તે દરમિયાન અકસ્માત ન થાય તે જોવાની બાબત છે. મશીન પર કાર્ય કરવાની પદ્ધતિ નક્કી થઈ હોય પરંતુ કામદાર કોઈ પણ પ્રકારે બેકાળજી રાખે તો અકસ્માત થતા હોય છે. મશીન અને મશીન પર વપરાતાં ઓજારો એવાં હોય કે જેથી કારીગરથી ભૂલ થાય નહિ. એટલે કે મશીન અને તેનાં સાધનો/ઓજારોમાં અંતર્ગત સુરક્ષા (inbuilt safety) છે, એમ કહેવાય. મશીનની કાર્યપદ્ધતિમાં આ પ્રકારની સલામતી ઉપર ભાર મૂકવામાં આવે છે. વળી મશીન ચાલુ-બંધ કરતાં કે ચાલતું હોય તે દરમિયાન શી કાળજી લેવાની છે તે અંગેનું ‘ચેકલિસ્ટ’ તૈયાર કર્યું હોય છે અને તેનું ચુસ્તપણે પાલન કરવાથી અકસ્માતો નિવારી શકાય છે. હવે ઉત્પાદનક્રિયામાં ‘zero defect’ અને ‘zero accident’ – એ અશક્ય બાબત નથી, તે મેળવી શકાય એવી બાબત છે તેમ સ્વીકારાયું છે અને અનેક જગ્યાએ આ લક્ષ્ય હાંસલ કરાયું છે. આમાં ભૌતિક સાધનો અને સુવિધાઓ ઉપરાંત સંબંધિત બધી વ્યક્તિઓનું વલણ (attitude) મોટો ભાગ ભજવે છે.
મશીન પરના કાર્ય દરમિયાન સલામતી અને મશીનની જાળવણી (maintenance) તેમજ તેની દુરસ્તી (repair) એ ગાઢ રીતે સંકળાયેલ બાબતો છે. જ્યાં મોટા પાયા ઉપર સતત પ્રક્રિયા દ્વારા ઉત્પાદન થતું હોય, ખાસ કરીને રાસાયણિક કારખાનાંઓ જેવાં કે સિમેન્ટ, સોડાઍશ, ખાતરો, રિફાઇનરીઓ, દવાઓ તેમજ અનેક પ્રકારનાં રસાયણો બનાવતાં કારખાનાંઓમાં મશીનોની જાળવણી, દુરસ્તી તેમજ સલામતી ઉપર ખૂબ ભાર મૂકવામાં આવે છે, કારણ કે અહીં અકસ્માતોની સંભાવના તેમજ જોખમો (hazards) વધુ હોય છે; એટલું જ નહિ, પરંતુ સતત અને એકધારી રીતે બધી પ્રક્રિયાઓ એકબીજીને સતત આદાન-પ્રદાનના ધોરણે ચાલતી હોઈ, કોઈ એક જગ્યાએ અકસ્માતને લીધે કાર્ય બંધ થાય તો બધી જગ્યાએ તેની તુરત અસર થતી હોઈ નુકસાન (ઉત્પાદન-વ્યય) વધુ થાય. મોટાં રાસાયણિક કારખાનાંઓમાં ‘પ્લાન્ટ મેઇન્ટેનન્સ ઍન્ડ સેફ્ટી એન્જિનિયરિંગ’નું આગવું સ્થાન હોય છે.
ઉત્પાદનક્ષેત્રે પ્લાન્ટમાં બધી પ્રક્રિયાઓ અને મશીનોમાં સલામતી જળવાઈ રહે, મશીન બંધ ન રહે, ઉત્પાદન વ્યય (production loss) નહિવતથી શૂન્ય થાય, અકસ્માતો ન થાય વગેરે માટે નીચે પ્રમાણેનાં અનેકવિધ સુરક્ષા-પગલાં લેવાં જરૂરી બને છે :
(1) દરેક પ્રક્રિયા માટેની પદ્ધતિ નક્કી કરવી તેમજ પ્રમાણો (standards) નક્કી કરવાં.
(2) જરૂરિયાત પ્રમાણે સમયાંતરે પ્રમાણો અને પ્રક્રિયાઓમાં ફેરફાર કરવા.
(3) કારીગરોને તેમના સંબંધિત કાર્ય અંગે પૂરી સમજણ અને તે માટે અવારનવાર તાલીમ આપવી; તાલીમનું આયોજન કરવું.
(4) સંબંધિત દરેક સ્તરે જે તે વ્યક્તિની ફરજ અને જવાબદારી નક્કી કરવી અને દરેકનું કાર્યમૂલ્યાંકન કરવું.
(5) દરેક ક્રિયા માટેનાં મશીનો, સાધનો માટેનું ચેકલિસ્ટ તૈયાર કરવું અને તેનું ચુસ્ત રીતે પાલન કરવું.
(6) કારીગરોના શારીરિક રક્ષણ માટે જરૂરિયાત પ્રમાણે હાથમોજાં, પગમોજાં, બૂટ, હેલ્મેટ, અવાજથી કાનને રક્ષવા માટેનાં સાધન, જ્યાં રાસાયણિક વાયુઓનું પ્રદૂષણ હોય ત્યાં યોગ્ય રેસ્પિરેટરો વગેરે અનેકવિધ સાધનો આપવાં તેમજ તેમનો બરોબર ઉપયોગ થાય તે માટે આગ્રહ જરૂરી છે. ઘણાં સ્થળોએ આવાં સાધનો ઉપલબ્ધ હોય છે, પરંતુ તેમના ઉપયોગ માટે કામદારો પૂરતા પ્રમાણમાં જાગ્રત હોતા નથી, બેદરકાર હોય છે.
(7) મશીન-જાળવણી અને દુરસ્તી માટે જુદી જુદી પદ્ધતિઓનું સુવ્યવસ્થિત આયોજન અને તેનો ચુસ્ત અમલ. મશીન બંધ રહે નહિ અને અકસ્માત થાય નહિ તે માટે ‘આગોતરી જાળવણી’ (preventive maintenance) અને પૂર્વાનુમિત જાળવણી (predictive maintenance) કાર્યક્રમોનું આયોજન અને અમલ જરૂરી છે. એ વાસ્તવિકતા છે કે આ પ્રકારની જાળવણીમાં ઘણી વાર પ્રમાદ – આંખમીંચામણાં જેવું થતું હોય છે, એટલે કે તેના ખરેખર અમલમાં કચાશ રહી જતી હોય છે. આ સર્વથા અક્ષમ્ય ગણાવું જોઈએ. જેમ મશીનમાં ‘in-built safety measures’નું મહત્ત્વ છે તેમ ‘એન્જિનિયરિંગ સિસ્ટમ’માં આ બાબતો ‘in-built’ બની રહે તેવી ‘મૅનેજમેન્ટ સિસ્ટમ’ જરૂરી છે.
(8) સેફટી-મેન્યુઅલ તૈયાર કરવા અને તે પ્રમાણે પાલન કરવું.
(9) સલામતી-નીતિ (safety policy) નક્કી કરવી અને દરેક કર્મચારીને આ નીતિથી વાકેફ કરવો.
(10) મોટાં કારખાનાંમાં અને ખાસ કરીને રસાયણનાં કારખાનાંઓમાં તેમજ ખાણોમાં જ્યાં અકસ્માતથી મોટું નુકસાન થવાનો ખતરો હોય ત્યાં સલામતી માટે ચાલુ વિભાગ ઉપરાંત સલામતી સમિતિ (safety council/committee) સ્થાપવી, જે સલામતી અંગેની નીતિવિષયક બાબતો નક્કી કરે, માર્ગદર્શન આપે તેમજ ભલામણો કરે.
વિવિધ પ્રકારનાં જોખમો (hazards) તેમજ દોષો નિવારવા માટે તૈયાર કરાતી તપાસ-નામાવલિઓ (ચેકલિસ્ટ) :
(1) રાસાયણિક ક્રિયાઓને લીધે વિપરીત અસરો ચકાસવા માટેનું ચેકલિસ્ટ; જેમાં ‘લિકેજ’, તાપમાન, હવામાં/વાતાવરણમાં ભેજનું પ્રમાણ વગેરે બાબતો મુખ્ય છે.
(2) ઇલેક્ટ્રિકલ મશીનોને લગતું ચેકલિસ્ટ; જેમાં શોર્ટસર્કિટ, ઇલેક્ટ્રિકલ શૉક, મશીન બહુ ગરમ થઈ જવું, ‘આયર્ન લૉસ’, વાયરોનું ખામીયુક્ત જોડાણ, મશીનોના ‘અર્થિંગ’માં ખામી, ફ્યૂઝ ઊડી જવા, અપૂરતું ઇન્સ્યુલેશન વગેરે બાબતો મુખ્ય છે.
(3) સ્ફોટકો (explosives) અને ધડાકા(explosions)ને લગતું ચેકલિસ્ટ; જેમાં વિદ્યુતપ્રવાહ, ગરમી, ‘ઇલેક્ટ્રૉ મૅગ્નેટિક રેડિયેશન’ વગેરે કારણે સ્ફોટક પદાર્થો સળગી ઊઠે નહિ તે અંગે સાવચેતી; હવામાં સળગી ઊઠે તેવાં રજકણો, પાણી સાથે સંવેદનશીલ પદાર્થો જેવા કે સોડિયમ, પોટૅશિયમ, લિથિયમ અંગે સાવચેતી.
(4) પ્રજ્જ્વલતા (flamability) અને આગ(fire)ને લગતાં ચેકલિસ્ટ; જેમાં પેટ્રોલ, ડીઝલ, ગૅસ જે સહેલાઈથી સળગી ઊઠે તેની યોગ્ય સ્થળે જાળવણી; રબર, પ્લાસ્ટિક, સુતરાઉ ગાભા વગેરે કચરાના સ્વરૂપમાં હોય તેને યોગ્ય સ્થળે રાખવા અંગે સાવચેતી; આર્ક-સ્પાર્ક આપતા હોય તેવા સ્રોતોને પ્રજ્જ્વલિત પદાર્થોથી દૂર રાખવા અંગે કાળજી વગેરે.
(5) ઉષ્મા અને તાપમાનને લીધે વિપરીત અસર નિવારવા માટેની સાવચેતીનાં ચેકલિસ્ટ; જેમાં એન્જિનો, કૉમ્પ્રેસરો, વિદ્યુતથી ગરમી ઉત્પન્ન કરવાનાં સાધનો; વેલ્ડિંગ, કટિંગ વગેરે ક્રિયા થતી હોય તેવી જગ્યાઓ વગેરે કારણોસર કામદાર દાઝી ન જાય કે આગ ફાટી ન નીકળે તે માટે સાવચેતી.
(6) યાંત્રિક કારણોને લીધે થતું નુકસાન અટકાવવા માટેનાં ચેકલિસ્ટ; જેમાં મશીનોને ગાર્ડ, ઇન્ટરલૉકિંગ વ્યવસ્થા, ધારવાળા ખૂણાઓ-છેડાઓ, બરછટ સપાટીઓ, ભાંગેલા-લટકતા ભાગો, ઉપરથી પડી જાય/પડી શકે તેવા ભાગો, વધારે પડતું વજન ઊંચકવું પડે તેવી પરિસ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે.
(7) દબાણને લીધે થતું નુકસાન અટકાવવા માટેનાં ચેકલિસ્ટ; જેમાં રેગ્યુલેટર કામ કરતું બંધ થવાથી વધી પડતું દબાણ, બંધ સર્કિટમાં વધુ પડતી ગરમીને લીધે થતું દબાણ, ‘પ્રેસર રીલિફ વાલ્વ’ને લીધે વધતું દબાણ, લિકેજ, જરૂરિયાત કરતાં દબાણ ઓછું થઈ જવું, દબાણમાં વારંવાર બિનજરૂરી ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે.
(8) કિરણોત્સર્ગ/વિકિરણ(radiation)ને લીધે ઉદ્ભવતા પ્રશ્નોના નિયમન માટેનાં ચેકલિસ્ટ; જેમાં ‘આયોનાઇઝેશન’, ‘માઇક્રોવેવ’, ‘ઇન્ફ્રારેડિયેશન’, ‘અલ્ટ્રાવાયોલેટ લાઇટ’ વગેરેને લીધે થતી વિપરીત અસરો અટકાવવાની બાબતો સમાવાય છે. વિકિરણને લીધે ચામડીની બળતરા, આંખમાં ઝાંખપ, અમુક પદાર્થોમાં સામર્થ્યનો ક્ષય વગેરે થવા સંભવ છે.
(9) ઝેરી વાયુના લિકેજથી થતી અસરોના નિયમન માટેનાં ચેકલિસ્ટો; જેમાં લિકેજ ચુસ્તપણે અટકાવવા માટેની બધી કાળજીઓનો સમાવેશ થાય છે.
(10) ધ્રુજારી અને અવાજના પ્રદૂષણને અટકાવવા માટેનાં ચેકલિસ્ટો; જેમાં અનિયમિત ગતિએ ફરતા ભાગો, બેરિંગમાં ખામી, મશીનો અને તેના ભાગો ચુસ્તપણે ફિટ ન થયાં હોય, મશીનોના જોડાણમાં ખામી (misalignment), ધ્રુજારી નિવારવા માટે વપરાતા ‘આઇસોલેટરો’માં ખામી, મશીનમાંથી નીકળતા અવાજને ઓછો કરવા વપરાતાં ‘સાઇલેન્સરો’ વગેરેનો સમાવેશ થાય છે.
III. વસ્તુઓ/સાધનો બનાવતાં કારખાનાંઓમાં સલામતી જળવાય એ સલામતી ઇજનેરીનું એક બહુ મોટું ક્ષેત્ર છે; પરંતુ ઉત્પન્ન થતી મોટાભાગની વસ્તુઓ/સાધનો/ઉપકરણો વ્યક્તિગત અને ઘરગથ્થુ (domestic) ઉપયોગ માટે બહોળા પ્રમાણમાં વપરાય છે. સાદા પાણીનાં હીટર, ગૅસચૂલા, પ્રેસરકૂકરો, ડોમેસ્ટિક મિક્સ્ચરો, રેફ્રિજરેટરો, ઍરકૂલરો, ઍરકંડિશનરો, સ્કૂટરો, મોટરસાઇકલો, મોટરકારો, ઇલેક્ટ્રિક સ્વિચો, વિદ્યુત્ પંખા – એમ અનેકવિધ સાધનો વપરાય છે. આ બધાંમાં વધતે થોડે અંશે અકસ્માત અને તેને લીધે અસલામતીની પરિસ્થિતિ ઊભી થતી હોય છે. અમુક અકસ્માતો જીવલેણ કે કાયમી ખોડ ઊભી કરે તેવી તીવ્રતાવાળા પણ હોય છે. સલામતી ઇજનેરીનું આ ત્રીજું મહત્ત્વનું પાસું છે. સાધનોની ડિઝાઇન અને બનાવટ સારાં હોવા છતાં તેની વપરાશમાં પૂરતી કાળજી ન રખાય તો અકસ્માત થાય. વસ્તુના ઉત્પાદક જે તે સાધનના ઉપયોગમાં શી કાળજી રાખવી તે લેખિતમાં (ચોપાનિયાં, પુસ્તિકા દ્વારા) આપે છે. જરૂર જણાય તો સાધનનો ઉપયોગ શરૂ કરાય તે પહેલાં જરૂરી સમજણ/તાલીમ પણ આપવામાં આવે છે.
સાધનની ગુણવત્તા અને સલામતી અંગે વપરાશકારને ખાતરી થાય તે માટે દરેક દેશમાં રાષ્ટ્રીય સ્તરે માનક સંસ્થા (National Standards Institute) હોય છે. ભારતમાં ઇન્ડિયન બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝ છે. આ સંસ્થા જે તે વસ્તુની ડિઝાઇન, બનાવટની રીતો, વપરાતા પદાર્થો તેમજ તેની ગુણવત્તા અંગે પૂરી તપાસ તેમજ ચકાસણી કરી પ્રમાણપત્ર આપે છે અને ISI માર્ક લગાવે છે. આ સંસ્થા વપરાશકાર જે વસ્તુઓ કે સાધનો વાપરે તેને ISI માર્ક આપવા પૂરતી સીમિત નથી, પરંતુ અનેક ઉત્પાદનની પ્રક્રિયાઓ માટે પણ પ્રમાણો (standards) નક્કી કરે છે. તેનો ઉદ્દેશ આવી પ્રક્રિયાઓ દરમિયાન સલામતી જળવાઈ રહે તે જોવાનો છે. ‘મશીનરી’, વપરાશી વસ્તુઓ (consumer products), ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રૉનિક્સ, ટ્રાન્સપૉર્ટેશન, બાંધકામ, આગ-સુરક્ષા, વ્યક્તિ-સુરક્ષા, પર્યાવરણ-સુરક્ષા – એમ અનેક ક્ષેત્રોમાં તેને સારી સંખ્યામાં ભારતીય પ્રમાણો (Indian Standards – IS) બહાર પાડ્યાં છે.
જ્યાં IS પ્રમાણે કામ થતું હોય તેમજ IS-પ્રમાણિત માલસામાન વપરાતો હોય ત્યાં સલામતીનું સ્તર ઊંચું હોય છે. દરેક ISને તેનો નંબર, તે કયા વર્ષમાં પ્રસ્થાપિત થયું તે દર્શાવ્યું હોય છે. વપરાશકાર ISI માર્કવાળી વસ્તુઓની વિશ્વસનીયતા વધુ હોઈ તેને પસંદગી આપે છે. આંતરરાષ્ટ્રીય સ્તરના માનકો (International Standards) અને સંસ્થાઓ પણ કાર્યરત છે. બહુ ઉચ્ચ સ્તરની સલામતીની જરૂર હોય તેવા પદાર્થો, વસ્તુઓ કે પ્રક્રિયાઓ માટે ઘણી વાર ગ્રાહક/વપરાશકાર ‘ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડ્ઝ’નો આગ્રહ રાખે છે.
સલામતી અંગેની તાલીમની જરૂરિયાત માત્ર કારીગરો પૂરતી જ નથી. સુપરવાઇઝરો, ઇજનેરો તેમજ તેથી પણ ઉચ્ચ સ્તરે તે જરૂરી છે. ભારતમાં, મુંબઈમાં રાષ્ટ્રીય સ્તરની ‘ભારતીય રાષ્ટ્રીય સલામતી કાઉન્સિલ’ (National Safety Council of India) આવેલી છે. આ સંસ્થા સલામતી અંગેનાં બધાં ક્ષેત્રોની તાલીમ આપે છે. તે ઉપરાંત ‘સલામતી પ્રમાણો’ (safety standards) પ્રસ્થાપિત કરવા, દેશમાં સલામતી અંગેનું સ્તર કેટલું છે તેનું મૂલ્યાંકન, કારખાનાંઓની સલામતી-તપાસણી (safety audit) કરવી, અકસ્માતોનું વિશ્લેષણ, સલામતી ઇજનેરીમાં થયેલ વિકાસ તેમજ તેને લગતા અન્ય સાહિત્યનું પ્રકાશન – એમ અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. રાષ્ટ્રકક્ષાએ સલામતી માટેની આ મહત્ત્વની સંસ્થા છે.
રાજ્ય સ્તરે રાજ્યના પ્રોત્સાહનથી, પરંતુ બિનસરકારી એવી સેફ્ટી કાઉન્સિલ પણ કાર્યરત હોય છે. આ કાઉન્સિલ રાજ્યના ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ આ પ્રકારના કાર્યમાં રસ લેતી બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓની બનેલી હોય છે. આ કાઉન્સિલનો ઉદ્દેશ સલામતી અંગે જનજાગૃતિ લાવવાનો છે. તે પ્રદર્શનો, સેમિનાર, તાલીમવર્ગો વગેરેનું આયોજન કરે છે.
વળી, રાજ્યકક્ષાએ, દરેક રાજ્યમાં શ્રમ અને રોજગાર (labour and employment) ખાતામાં મુખ્ય બૉઇલર-નિરીક્ષક અને મુખ્ય કારખાના-નિરીક્ષકની કચેરીઓ છે. કારખાનામાં ઉપયોગમાં લેવાતાં બૉઇલરો અને તેમને લગતી સલામતીની બાબતો અંગે પૂરતી કાળજી લેવાય છે કે નહિ તે જોવાની જવાબદારી મુખ્ય બૉઇલર-નિરીક્ષકની છે. બૉઇલર-ઍક્ટને લીધે મુખ્ય બૉઇલર-નિરીક્ષકને કાનૂની સત્તા અને જવાબદારી મળે છે. કારખાનાના કામદારોની સુખાકારી, સુવિધાઓ, ન્યૂનતમ સવલતો, કારખાનામાં હવા-ઉજાસ, ઇલેક્ટ્રિક અને મિકેનિકલ સાધનોના વપરાશથી ઈજા ન થાય તે માટે જરૂરી બધી વ્યવસ્થા, રસાયણો અને અવાજનું પ્રદૂષણ થતું અટકાવવું વગેરે અનેક બાબતો કારખાના-નિરીક્ષકના ક્ષેત્રમાં સમાવવામાં આવી છે. આ બધા મુદ્દાઓ ફૅક્ટરી-ઍક્ટમાં વિગતવાર સમાવેલા હોય છે. કારખાનાના જવાબદાર માલિક/મૅનેજર દોષિત ઠરે તો દંડ/સજા થઈ શકે તેની કાયદાકીય જોગવાઈઓ પણ બૉઇલર-ઍક્ટ અને ફૅક્ટરી-ઍક્ટમાં છે. આ બંને નિરીક્ષકોએ કારખાનામાં સલામતી જાળવણીમાં અસરકારક ભાગ ભજવવાનો થાય છે.
દરેક સ્તરે પૂરી સલામતી જળવાઈ રહે અને શક્ય તેટલું અકસ્માતનું પ્રમાણ ઓછું રહે તે માટે કેન્દ્રસરકારે મહત્ત્વનો અને અસરકારક ભાગ ભજવવાનો થાય છે અને તે કારણે અનેકવિધ કાયદાઓ (acts) ઘડાયા છે; જેમાં મુખ્ય કાયદાઓ નીચે પ્રમાણે છે :
(1) ધ ફૅક્ટરી ઍક્ટ, 1948; જે નીચે જે તે રાજ્ય સલામતી અંગેના નિયમો ઘડે છે.
(2) ધ માઇન્સ ઍક્ટ, 1952; જે નીચે વિવિધ પાસાંને લગતા અનેક નિયમો અને ધારાઓ ઘડાયા છે.
(3) ધ ડૉક વર્કર્સ (સેફ્ટી, હેલ્થ ઍન્ડ વેલ્ફૅર) ઍક્ટ, 1986
(4) ધ મોટર ટ્રાન્સપૉર્ટ વર્કર્સ ઍક્ટ, 1961
(5) ધી ઇન્ડિયન ઍક્સપ્લૉઝિવ ઍક્ટ, 1984
(6) ધ પેટ્રોલિયમ ઍક્ટ, 1934
(7) ધી ઇન્સેક્ટિસાઇડ ઍક્ટ, 1968
(8) ધી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી ઍક્ટ, 1910 (ધી ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રુલ્સ, 1956)
(9) ધી ઇન્ડિયન બૉઇલર્સ ઍક્ટ, 1923; જે નીચે જે તે રાજ્ય પોતાના નિયમો ઘડે છે.
(10) ધી ઍન્વિરોન્મેન્ટ (પ્રોટેક્શન) ઍક્ટ, 1986; જે નીચે અનેકવિધ બાબતોમાં ધારાઓ (જુદાં જુદાં વર્ષોમાં) ઘડાયા છે.
(11) ધ પબ્લિક લાયેબિલિટી ઇન્સ્યૉરન્સ ઍક્ટ, 1991
(12) ધ મોટર વેહિકલ ઍક્ટ, 1988 તેમજ મોટર વેહિકલ (સેન્ટ્રલ) રુલ્સ, 1989
(13) ધ ડેન્જરસ મશીન્સ (રેગ્યુલેશન) ઍક્ટ, 1983
(14) ધી ઍટમિક ઍનર્જી ઍક્ટ, 1962; ધી ઍટમિક ઍનર્જી (ફૅક્ટરીઝ) રૂલ્સ, 1996
(15) ‘ધ બિલ્ડિંગ ઍન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ ઍક્ટ, 1996
(16) ‘ધ શૉપ્સ ઍન્ડ કૉમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ ઍક્ટ્સ, જે જે તે રાજ્યોએ ઘડ્યા છે.
આ બધા કાયદાઓના વિગતવાર પાલન માટે ધારાઓ અને નિયમો ઘડાયા હોય છે; જેમાં જે તે ક્ષેત્રને લગતી સલામતી અંગેની બાબતો આવરી લેવાઈ છે. અકસ્માત-નિવારણમાં મહત્ત્વની બાબત હવે વિશેષ કાયદા ઘડવાની નહિ, પરંતુ ચુસ્ત અમલની છે.
સલામતીની જાળવણી માટે ખર્ચ થાય. તે અંગેના ખર્ચનાં અનેક પાસાં છે. સલામતી-ખર્ચનાં અંગો :
(i) સલામતી માટે ખાસ વસાવાતાં સાધનો, ઉપકરણો.
(ii) સલામતી માટે કામ કરતા કર્મચારીઓ, અધિકારીઓનું ખર્ચ.
(iii) સલામતી માટે ખાસ અપાતી તાલીમનું ખર્ચ.
(iv) સલામતીના પ્રચાર માટેના સાહિત્યનું ખર્ચ.
સલામતીના ઉપર્યુક્ત ખર્ચથી અકસ્માતોનું નિવારણ થાય અને તે નિવારણથી અનેક પ્રકારનો નુકસાની ખર્ચ/વ્યય બચાવી શકાય.
અકસ્માતથી થતાં ખર્ચ નીચે મુજબ છે :
(i) મશીનને થતું નુકસાન અને તેને લીધે થતું ખર્ચ.
(ii) કારીગરને શારીરિક અને માનસિક તકલીફથી થતું પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચ; જેમાં કામદારને શારીરિક ઈજા અને તેને લીધે ખોડ થઈ હોય તો કામદાર વળતર ધારા પ્રમાણે જે વળતર આપવાનું થાય તેનો પણ સમાવેશ થાય છે.
(iii) અકસ્માતને લીધે ઉત્પાદન બંધ થતાં ઉત્પાદન-ખોટ(production loss)ને લીધે થતું ખર્ચ.
(iv) મોટા અકસ્માત અને જાનહાનિને લીધે કર્મચારીઓમાં ભય અને બિનસલામતીની લાગણીને લીધે વિપરીત માનસિક અસર (demoralisation). – ઉપરના ત્રણ ખર્ચોની ગણતરી માંડી શકાય, પરંતુ આ નુકસાન આંકડામાં માંડી શકાય તેવું (tangible) નથી; તેમ છતાં તેની અસર મોટી હોય છે; કારણ કે ઘણી વખત કર્મચારીઓની સંચાલકો ઉપરની વિશ્વસનીયતા ડગી જાય છે.
ઉપર્યુક્ત બંને પ્રકારના ખર્ચાઓને ધ્યાનમાં લઈ સલામતીના કાર્યક્રમો અને તેનું સ્તર નક્કી થાય છે. નીચે આકૃતિમાં સલામતી-ખર્ચ વધારતાં અકસ્માત(નુકસાની)-ખર્ચ સામાન્ય રીતે કેવી રીતે (કેટલા પ્રમાણમાં) ઘટે છે તે દર્શાવ્યું છે :
સલામતી-ખર્ચ વધે એટલે કે સલામતી માટેનાં સાધનો, તે માટેની તાલીમ, તે માટેની પદ્ધતિ વગેરે વધારીએ તો અકસ્માતોનું પ્રમાણ ઘટે – અકસ્માત-ખર્ચ ઘટે. અમુક મર્યાદાથી સલામતી-ખર્ચ વધારવાથી અકસ્માત-ખર્ચમાં ઘટાડો થાય નહિ. સલામતી-ખર્ચ (अ)થી વધારીએ તો અકસ્માત-ખર્ચ ઘટશે નહિ, પરંતુ કુલ ખર્ચ વધશે.
અકસ્માતોની તીવ્રતા કેટલી છે, તેની ગણતરી માટે તીવ્રતા-આંકની ગણતરી કરાય.
આ આંકોની તુલનાથી કારખાનાંઓની સલામતી-સરખામણી કરાય છે.
જેમ કારખાનાંઓનો નાણા-હિસાબ (finance audit), ગુણવત્તા-હિસાબ (quality audit) કરાય છે, તેમ સલામતી-હિસાબ (safety audit) પણ કરાય છે. તેના દ્વારા બધી કાર્યપદ્ધતિઓની સલામતી અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી ચકાસણી કરાય છે અને ત્રુટિઓ શોધી જરૂરી ફેરફાર માટે ભલામણ કરાય છે. સલામતીનું સ્તર કેટલું છે તેનું ગુણાત્મક અંકન કરાય છે. કારખાનામાં સલામતી અંગે અનેક પ્રોગ્રામો ઘડાયા હોય, પરંતુ તેનું અમલીકરણ થાય છે કે કેમ તે આ પ્રકારના હિસાબ(ઑડિટ)થી જાણી શકાય છે. ‘નૅશનલ સેફ્ટી કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા’ આ પ્રકારનો હિસાબ કરે છે.
છેવટે, એમ કહેવાય કે સાવચેતી એ સલામતીની ગુરુચાવી છે.
ગાયત્રીપ્રસાદ હી. ભટ્ટ