સુયૂતી, અલજલાલુદ્દીન [. ઑક્ટોબર 1445, સુયૂત (અસ્સિયૂત), ઇજિપ્ત; . 1505, રવઝાહ] : પૂરું નામ જલાલુદ્દીન અબ્દુર-રેહમાન બિન કમાલુદ્દીન અબૂબકર, બિનમુહમ્મદ; બિનઅબૂબકર અલ-ખુદેરી, અલ-સુયૂતી, તેમનાં બે કૌટુંબિક નામ છે : અલ-ખુદેરી અને અલ-સુયૂતી. અલ-ખુદેરી નામ જ્યાં તેમના પૂર્વજ અલ-હુમામ રહેતા હતા તે બગદાદના જિલ્લા અલ-ખુદેરિયાહ પરથી અને તેમના જન્મસ્થળ સુયૂત પરથી ‘અલ-સુયૂતી’ નામ ઊતરી આવેલ છે. અલ-ખુદેરિયાહમાંથી તેમનો પરિવાર સુયૂતમાં આવીને વસ્યો હતો. તેમના પૂર્વજ ઈરાની હતાં, પરંતુ તેમના માતા તુર્કી-ગુલામ હતાં. અલ-સુયૂતીનો જન્મ તેમના પિતાના ગ્રંથાલયમાં થયો હતો અને તેથી તેમનું હુલામણું નામ ‘ઇબ્ન કુતુબ’ એટલે કે ‘પુસ્તકોનો પુત્ર’ પડ્યું હતું. તેમના પિતાનું અવસાન માર્ચ, 1451માં થયું ત્યારે સુયૂતી માંડ પાંચ વર્ષના હતા.

તેમનું શિક્ષણ કુરાનના અભ્યાસથી શરૂ થયું અને તેઓ આઠ વર્ષના થયા ત્યાં સુધીમાં તો તેમણે એ ગ્રંથ મોઢે કરી લીધો હતો. પાછળથી તેમને કાયદાશાસ્ત્રના પાયારૂપ અલ-જમાઈલીનું ‘ઉમદતુલ અહ્કામ’, અલ-નવાવીનું ‘મિનહાજુત-તાબિલીન’, અલ-બેદાવીનું ‘મિનહાજુલ ઉસૂલ’ અને ઇબ્ન-માલિકનું અરબી વ્યાકરણનું પુસ્તક ‘આલ્ફિયાહ’ કંઠસ્થ કરી લીધાં હતાં. 1459માં તે જમાનાના મોટા ગજાના પંડિતો દ્વારા તેમની પરીક્ષા લેવાઈ હતી. આ પરીક્ષામાં સફળ થયા બાદ તેમણે ગંભીર વિષયોનો અભ્યાસ શરૂ કર્યો. પોતાની અપ્રતિમ મહેનત અને સુવિખ્યાત ગુરુઓના માર્ગદર્શન હેઠળ તેઓ થોડા સમયમાં અરબીના સારા પંડિત બની શક્યા. પોતાના સમયના 150 જેટલા પંડિતોના હાથ નીચે તેમણે અભ્યાસ કર્યો હતો. કુરાન જેવા ધર્મગ્રંથનું અર્થઘટન અને વિવરણ હદીસ ફિકહ, અરબી ભાષા, એમાંના રૂઢ ધાર્મિક ખ્યાલો, વાગ્મિતા અને તર્કશાસ્ત્ર, ગણિત, ફરાઇદ, મીકાત (તિથિઓની ગણતરી અને નમાજના સમય વગેરે) અને કેટલીક ઔષધિઓ વગેરે વિશે તેમણે સઘન અભ્યાસ કર્યો હતો.

17 વર્ષની ઉંમરે તેમણે લેખનકાર્ય (ઈ. સ. 1462) શરૂ કર્યું. 1463માં તેમની નિમણૂક શિક્ષક તરીકે થઈ ત્યારે તેમની વય માત્ર 18 વર્ષની હતી. 1464માં તેમણે હજની યાત્રા કરી. મક્કામાં તેઓ અનેક વિદ્વાનોના સંપર્કમાં આવ્યા અને તેમની પાસેથી જ્ઞાન પામ્યા. 1465ની શરૂઆતમાં તેઓ ઇજિપ્ત પાછા ફર્યા. 1466ના ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન તેમણે દમિયેત્તા અને ઍલેક્ઝાન્ડ્રિયાની મુલાકાત લીધી અને જે હદીસોનાં પ્રસારણ માટે તેમની અધિકૃતતા માન્ય થયેલી તેનું પ્રસારણ તેમણે કર્યું અને સ્વરચિત પુસ્તકોનું અધ્યાપન કર્યું. આ મુસાફરી પછી તેમણે અધ્યાપનને કાયમી વ્યવસાય તરીકે સ્વીકાર્યું. 1467ની શરૂઆતમાં તેમણે પયગંબરસાહેબનાં કથનોને મોટેથી બોલીને લખાવવાનું કામ ઇબ્ન તૂલૂનની મસ્જિદમાં કર્યું, જ્યાં બીજા વિષયોનું પણ અધ્યાપનકાર્ય કર્યું હતું. અલ-દાઉદીના કથન મુજબ 1468-69માં તેમણે હજયાત્રા બીજી વાર કરી. જર્જી ઝયદાન જેવાં આધુનિક લેખકોના જણાવ્યા મુજબ તેમણે જ્ઞાનની પિપાસા બુઝાવવા સીરિયા, યમન, હિંદ તથા મઘરિબ (ઉત્તર આફ્રિકા) અને ટકર્રનો પ્રવાસ ખેડ્યો. તેમણે શયખુની મસ્જિદમાં ફિકહનું અધ્યાપન કર્યું. 1486માં તેમની નિમણૂક હદિથના શેખ તરીકે શયખૂનિયાહમાં કરવામાં આવી હતી. 1486માં બેબરસિયાહના શેખ તરીકે તેમની નિમણૂક થઈ. કેરોની તે જગ્યા સૂફીઓને તેમના ધાર્મિક ક્રિયાકાંડ માટે ખૂબ અનુકૂળ હતી. 1501માં સૂફી પંડિતોના માનદ વેતનમાં ઘટાડો કરવામાં તેઓ નિમિત્ત બન્યા, તેથી તેમની સામે બળવો થયો અને પરિણામે બેબરસિયાહના શેખના પદેથી તેમને રુખસદ આપવામાં આવી. તેમણે શેયખૂનિયાહના ‘શેખ’ના પદ પરથી પણ રાજીનામું આપી દીધું. પછી નાઇલમાં આવેલ રવઝાહના ટાપુ પર લગભગ એકાંકી જીવન વિતાવવા લાગ્યા. બરબરસિયાહ શેખની જગ્યા ખાલી પડી ત્યારે તે સ્વીકારવા માટે મે, 1504માં તેમને વિનંતી થઈ પરંતુ તેનો સ્વીકાર કરવાનો તેમણે ઇનકાર કરી દીધો.

તેમણે 500થી વધુ પુસ્તકો, નિબંધો અને પત્રો લખ્યાં છે. તે જમાનામાં પ્રચલિત અરબી ભાષાના લગભગ તમામ વિષયો વિશે તેમનાં લખાણો છે. તેમના 200 નોંધપાત્ર ગ્રંથોમાં ‘અલ-ઇત્તકાન ફિ’ ઉલૂમિલ’ (કુરઆન, કુરઆનનું વિવરણ); ‘તફસીરુલ-જલાલૈન’ (બે જલાલના કુરઆન પરની આલોચના, જે જલાલુદ્દીન અલ-મહલ્લીએ શરૂ કરેલું અને અલ-સુયૂતીએ પૂરું કર્યું.); ‘અલ-મુઝહિર ફિ’ ઉલૂમિલ – લુધાહ’ (ભાષા-વિજ્ઞાન પરનો મહાનિબંધ); ‘હુસનુલ-મુહાદરાહ ફિ’ અખબારી મિસ્ર વલ કાહિરાહ’ (ઇજિપ્તનો ઇતિહાસ) અને ‘તારીખુલ ખુલફા’(ખલીફાઓનો ઇતિહાસ)નો સમાવેશ થાય છે.

તેમના ગ્રંથોમાં મૌલિકતાનો અભાવ છે તોપણ ઇસ્લામ વિશે વિપુલ સાહિત્ય રચનારા લેખકોમાં તેમનું નામ આદર સાથે લેવામાં આવે છે.

મકસુદ એહમદ

અનુ. વિ. પ્ર. ત્રિવેદી