સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના.
પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે.
સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના બારવ્રતના અતિચાર સંબંધી અહીં અનેક કથાઓ આપી છે; જેમાં કલાકૌશલ, બુદ્ધિપ્રભા, આદિનું સરળ પ્રભાવોત્પાદક શૈલીમાં દિગ્દર્શન કરાવીને, લૌકિક અને સામાજિક રીતરિવાજ, રાજકીય પરિસ્થિતિ અને નૈતિક હવામાનનું સુરેખ ચિત્ર રજૂ કર્યું છે. કુલોમાં શ્રાવકકુલ, પ્રવચનોમાં નિર્ગ્રંથ પ્રવચન, દાનોમાં અભયદાન અને મરણોમાં સમાધિમરણને શ્રેષ્ઠ બતાવ્યું છે. બીજાને પીડા ન ઉપજાવવી એ જ સાચો ધર્મ કહ્યો છે. રાત્રિભોજન ત્યાગનાર સો વર્ષ જીવે છે અને તેને પચાસ વર્ષના ઉપવાસનું ફળ મળે છે તેમ કહ્યું છે. મોહરૂપી નિદ્રામાંથી જે જગાડે તે મિત્ર અને જે જાગતાં રોકે તે અમિત્ર – એમ પણ કહ્યું છે.
સુપાર્શ્ર્વનાથના પૂર્વભવોનું નિરૂપણ પણ છે. અંતભાગમાં તેમની નિર્વાણગતિનું નિરૂપણ કરેલ છે.
મલૂકચંદ ર. શાહ