સુદાસ : ઋગ્વેદના સમયમાં ભરતો તરીકે ઓળખાતા લોકોનો રાજા. એ સમયે ભરતોનો વસવાટ સરસ્વતી અને યમુના નદી વચ્ચેના પ્રદેશમાં હતો. સંસ્કૃત ભાષાના સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઋગ્વેદ’માં ‘દાશરાજ્ઞ વિગ્રહ’નો ઉલ્લેખ અને વર્ણન આવે છે. આ ‘દાશરાજ્ઞ વિગ્રહ’ એક તરફ ભરતોના તૃત્સુ પરિવારના રાજા સુદાસ અને બીજી તરફ દશ રાજાઓના સંયુક્ત લશ્કર વચ્ચે પરુષ્ણી (સંભવત: અર્વાચીન રાવી) નદીના કિનારે લડાયો હતો. ભારતની ધરતી ઉપર લડાયેલું આ સૌપ્રથમ મોટું યુદ્ધ હતું. ઈ. પૂ. 6000થી 5000 વચ્ચે આ યુદ્ધ લડાયું હોવાની શક્યતા છે.
રાજા સુદાસના પુરોહિત તરીકે ભરતોના કુશિક પરિવારના વિશ્વામિત્ર હતા. એમની નેતાગીરી નીચે સુદાસને વિપાશ અને સુતુદ્રી નદીના કિનારે વિજયો મેળવ્યા હતા; પરંતુ એ પછી વિશ્વામિત્ર કરતાં વસિષ્ઠ વધારે જ્ઞાની હોવાથી સુદાસે વિશ્વામિત્રને દૂર કરીને પોતાના પુરોહિત તરીકે વસિષ્ઠની નિમણૂક કરી. વિશ્વામિત્રને દૂર કરવાથી તેઓ સુદાસ અને વસિષ્ઠ ઉપર ગુસ્સે થયા. સુદાસ ઉપર વેર લેવા વિશ્વામિત્રે પુરુ, યદુ, તુર્વશ, અનુ અને દ્રુહ્યુ – એ પાંચ સુખ્યાત જાતિઓ અને અલિન, પકથ, ભલાણ, શિવ તથા વિશાણિન – એ પાંચ અલ્પખ્યાત જાતિઓ એમ કુલ દસ જાતિઓના રાજાઓને સંયુક્ત રીતે સુદાસ ઉપર આક્રમણ કરવા ઉશ્કેર્યા. આમ, એક તરફ સુદાસ અને બીજી તરફ દસ રાજાઓ વચ્ચે પરુષ્ણી નદીના કિનારે ભયંકર યુદ્ધ થયું, જે ‘દાશરાજ્ઞ વિગ્રહ’ (દસ રાજાઓના યુદ્ધ) તરીકે ઓળખાય છે. આ યુદ્ધમાં દસ રાજાઓનો પરાજય અને સુદાસનો વિજય થયો હતો.
એ પછી અજ, શિગૃ અને યક્ષુ નામની ત્રણ અનાર્ય જાતિઓએ ભેદ નામના રાજાની સરદારી નીચે સુદાસ ઉપર આક્રમણ કર્યું. યમુના નદીના કિનારે થયેલી આ લડાઈમાં પણ સુદાસનો વિજય થયો. આમ, બે મોટાં યુદ્ધોમાં વિજય મેળવીને સુદાસ શક્તિશાળી રાજા તથા લશ્કરી નેતા પુરવાર થયો. સુદાસ એક શ્રેષ્ઠ રાજા અને સેનાપતિ હોવા ઉપરાંત વિદ્વાન અને કવિ હતો. એણે કેટલીક ઋચાઓની રચના કરી હતી. સુદાસના પિતાનું નામ પિજવન અને એના એક પૂર્વજનું નામ દિવોદાસ હતું. ભરતોના વસવાટને લીધે આ દેશનું નામ ‘ભારત’ પડ્યું એવી એક માન્યતા છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી