સુદિરમાન હારમાળા

January, 2008

સુદિરમાન હારમાળા : ન્યૂ ગિનીના ઊંચાણવાળા મધ્યભાગની પેગનઉંગન હારમાળાનો પશ્ચિમ વિભાગ. જૂનું નામ નસાઉ હારમાળા. તે ન્યૂ ગિનીના ઇન્ડોનેશિયન ભાગમાં આવેલી છે. ‘ઇરિયન જય’ તરીકે ઓળખાતી આ હારમાળાની બાહ્ય સપાટી અસમતળ ભૂપૃષ્ઠ લક્ષણોવાળી છે. અહીં 4,000 મીટરથી ઓછી ઊંચાઈવાળા ઘાટ જોવા મળતા નથી. આ ટાપુનું સર્વોચ્ચ સ્થળ માઉન્ટ જય (જય પર્વત) (જૂનું નામ પંતજક સુકર્ણ અને માઉન્ટ કર્ત્સેન્ઝ) 4,950 મી.ની ઊંચાઈ ધરાવે છે. અંગાપિલિમસિત ખાતે 4,725 મીટર ઊંચાઈવાળો માઉન્ટ ઇતેનબર્ગ પર્વત આવેલો છે. આ હારમાળા વોગેલકૉપ દ્વીપકલ્પની તળેટીથી જયવિજય હારમાળા સુધી 320 કિમી.ની લંબાઈમાં વિસ્તરેલી છે.

જાહનવી ભટ્ટ