કોહેન, સ્ટેન્લી (જ. 17 નવેમ્બર 1922, ન્યૂયૉર્ક, યુ.એસ.; અ. 5 ફેબ્રુઆરી 2020, નેશવિલે, યુ. એસ.) : રીટા લેવી-મૉન્ટાલ્સિનીની સાથે 1986નું શરીરક્રિયાશાસ્ત્ર અથવા તબીબી વિદ્યાશાખાનું નોબેલ પારિતોષિક મેળવનાર તબીબ. બંનેએ શરીરના અપક્વ કોષોના પૂર્ણ વિકસનમાં જરૂરી એવો સૌપ્રથમ વૃદ્ધિકારક ઘટક (growth factor) શોધી કાઢ્યો. 1951માં લેવી-મૉન્ટાલ્સિનીએ સૌપ્રથમ ચેતાકોષોની વૃદ્ધિ અને વિકાસ માટે કોઈ એક રસાયણ છે એવું તારવ્યું અને 1952માં પ્રયોગ દ્વારા સૌપ્રથમ તે દર્શાવ્યું.
કોહેને સૌપ્રથમ આ રાસાયણિક દ્રવ્ય(પ્રોટીન)ને શુદ્ધ સ્વરૂપમાં અલગ તારવી બતાવ્યું. આમ સૌપ્રથમ ચેતાવૃદ્ધિકારક ઘટક શોધાયો. ત્યાર બાદ કોહેને અલગ સંશોધનકાર્ય કરીને અધિત્વકીય (epidermal) વૃદ્ધિકારક ઘટક પણ શોધ્યો. અધિત્વકીય વૃદ્ધિકારક ઘટક ચામડીના ઉપલા પડની વૃદ્ધિ અને વિકાસ કરે છે. તેમણે કોષની સપાટી પર આ વૃદ્ધિકારક ઘટકના સ્વીકારક(receptor)ની પણ શોધ કરી. તેમની આ શોધે જનીની ખામી અંગેની માહિતી માટે તથા કૅન્સરની સારવાર માટે નવી ક્ષિતિજો ઉઘાડી.
હરિત દેરાસરી
શિલીન નં. શુક્લ