સીરાટોફાઇલમ : દ્વિદળી વર્ગમાં આવેલા સીરાટોફાઇલેસી કુળની એકમાત્ર પ્રજાતિ. તે જલજ શાકીય વનસ્પતિઓ સ્વરૂપે સમશીતોષ્ણ અને ઉષ્ણ પ્રદેશોમાં થાય છે. તેની ત્રણ જાતિઓ સર્વત્ર થાય છે.
Ceratophyllum desmersum Linn. (ગુ. લીલી શેવાળ; બં. શેયોયાલ; હિં. સીવાર; મ. શેવાલ; ક. નવાલ; ત. વેલામ્પાસી; તે. નસુ; અં. હૉર્નવર્ટ, કૂન્ટેઇલ.) પાતળી, બહુશાખિત, મૂળરહિત શાકીય જાતિ છે. તે છીછરા સ્થિર પાણીમાં કે ધીમેથી વહેતા પાણીમાં થાય છે. તે 20થી 90 સેમી. લંબાઈ ધરાવે છે. પર્ણો ચક્રાકારે ગોઠવાયેલાં, યુગ્મશાખી (dichotomous), અનુપપર્ણી (estipulate) અને અદંડી હોય છે. તેઓ તંતુરૂપ (filiform) કે રેખીય ખંડો અને દંતુર (serrate) કિનારી ધરાવે છે.
પુષ્પો લીલાશ પડતા સફેદ, એકલિંગી, એકગૃહી (monoecious), નિયમિત અને ખૂબ નાનાં હોય છે. દરેક ગાંઠ ઉપરથી એક જ પુષ્પ ઉત્પન્ન થાય છે. નરપુષ્પમાં ચપટા પુષ્પાસન ઉપર 10થી 15 પુંકેસરો કુંતલાકારે ગોઠવાયેલાં હોય છે. માદા પુષ્પ એકસ્ત્રીકેસરી હોય છે. ફળ ચર્મફળ (achene) પ્રકારનું અને એકબીજમય હોય છે. બીજ અભ્રૂણપોષી (non-endospermic) હોય છે અને મોટો ભ્રૂણ ધરાવે છે.
આકૃતિ : સીરાટોફાઇલમની શાખા
ભારતના મોટાભાગનાં તળાવો અને સરોવરોમાં આ જાતિ થાય છે. આ વનસ્પતિમાં પ્રોટીન પુષ્કળ (24.6 %) હોય છે. તે કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ પણ ધરાવે છે. તેનો ચારા તરીકે ઉપયોગ થાય છે.
છોડમાં ફેરેડૉક્સિન અને પ્લાસ્ટોસાયનિન હોય છે. તે રેચક અને કાલિકજ્વરરોધી (antiperiodic) છે અને પિત્તાધિકતા(bilious-ness)માં ઉપયોગી છે. છોડનો નિષ્કર્ષ Mycobacterium smegmetis, Candida albicans અને Fusarium sambucinum syn. F. roseum સામે સક્રિયતા દાખવે છે. વીંછીના કરડવા ઉપર તે ઉપયોગી છે.
બળદેવભાઈ પટેલ