સીદી સઈદ (. ? હબ્શા, એબિસિનિયા, આફ્રિકા; . 24 ડિસેમ્બર 1576) : ગુજરાતની મુઝફ્ફરી સલ્તનતના અંતકાળનો વિદ્યાઉપાસક અમીર. જેમણે સુલતાન મહમૂદશાહ ત્રીજા (1536-1553) અને સુલતાન અહમદશાહ બીજા(1560-1573)નો સમય જોયો હતો. તેમણે અમદાવાદમાં પ્રખ્યાત જાળીવાળી મસ્જિદ બંધાવી હતી. સીદી સઈદ હબ્શાથી યમન આવીને તુર્કોની ફોજમાં જોડાયા હતા અને મુસ્તફાખાન રૂમી નામના તુર્ક સરદારની સાથે ગુજરાત આવીને અહીં કાયમી નિવાસ કર્યો હતો. રૂમીખાન પછી તે સુલતાન મહેમૂદ ત્રીજાની સેવામાં દાખલ થયા અને ‘સુલતાની’નો ઇલકાબ મેળવ્યો. સુલતાન મહેમૂદ ત્રીજાની હત્યા (1553) પછી સીદી સઈદ ઝુઝારખાન નામના સીદી સરદાર સાથે જોડાઈ ગયા અને ગુજરાતના સીદી સરદારોની અંદરોઅંદરની લડાઈઓમાં ભાગ લીધો. તેઓ કેટલોક સમય મુહમ્મદ ઉલૂઘ ખાન નામના ગુજરાતી સરદારની સેવામાં પણ રહ્યા હતા. આ પછી તેમના જીવનમાં પલટો આવ્યો. તેમણે ફોજી સેવાનો ત્યાગ કર્યો. ઝુઝારખાને તેમની વફાદારીના બદલામાં પચાસ લાખ ટંકાની આવકવાળું એક ગામ જાગીરમાં આપ્યું. જાગીરની આવક મોજમજામાં ઉપયોગમાં લેવાને બદલે તેમણે ધર્માદાનાં ઘણાં કામ કર્યાં. તેમણે ગરીબો માટે આવાસોનું નિર્માણ કર્યું; જરૂરતમંદો માટે ભથ્થાં બાંધી આપ્યાં, ગુલામોને સહાય આપી અને પોતાના ઘર પાસે એક લંગરખાનું સ્થાપ્યું; જ્યાંથી રોજ ગરીબો, ભિખારીઓ, સાધુ-સંતો તથા નિરાધારોને ભોજન પૂરું પાડવામાં આવતું હતું. શિયાળામાં તેઓ ગરમ વસ્ત્રો પ્રતિષ્ઠિત લોકોને ભેટમાં અને ગરીબોને ભીખમાં આપતા હતા. તેઓ મોટેભાગે વિદ્વાનોની સોબતમાં રહેતા અને તેમની મજલિસોમાં જ્ઞાની લોકો ભેગા થયા હતા, જેમની પાસેથી તેમણે વિવિધ જ્ઞાન-વિજ્ઞાનોનું શિક્ષણ મેળવ્યું હતું. સીદી સઈદની વિદ્યા-ઉપાસનાએ એટલી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી કે મદીના(અરબસ્તાન)ના એક હદીસ-શાસ્ત્રી હમીદ બિન કાઝી અબ્દુલ્લાહ સિંધીએ પોતાની એક કૃતિનું નામ સીદી સઈદના શુભ નામ ઉપરથી ‘અલ જામે અલસઈદી ફી તબ્વીબ અલ હમીદી’ રાખ્યું હતું. સીદી સઈદે અપ્રાપ્ય પુસ્તકો એકત્ર કરીને અમદાવાદમાં એક પુસ્તકાલય સ્થાપ્યું હતું. તેમણે નવાં નવાં પુસ્તકો લાવવા માટે એક ખાસ વહાણ તૈયાર કરાવી નાખુદા ખ્વાજા સલામતુલ્લાહ શાતિર મઘરિબીને મિસર મોકલ્યા હતા. આ વહાણ પુસ્તકો લઈને પાછું ફરી રહ્યું હતું ત્યારે ઘોઘા બંદર પાસે સમુદ્રી તોફાનમાં ફસાઈ આડું થઈ જતાં કેટલાંક પુસ્તકો નષ્ટ થઈ ગયાં. બચી ગયેલાં પુસ્તકોને અમદાવાદના પુસ્તકાલયમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓ પોતાના જીવનનાં અંતિમ વર્ષોમાં પોતાના વહાણ ઉપર સદાચારી લોકોની મંડળીને સવાર કરીને મક્કા-મદીનાની હજ-ઝિયારત યાત્રા માટે લઈ ગયા હતા. શહેનશાહ અકબરે ગુજરાત ઉપરના વિજય પછી સીદી સઈદને હાજીઓના અમીર બનાવી મક્કા-મદીના મોકલ્યા હતા.

સીદી સઈદની ખ્યાતિ તેમણે અમદાવાદમાં બાંધેલી અને ‘જાળીવાળી મસ્જિદ’ નામે વિશ્વવિખ્યાત થયેલી પથ્થરની ઇમારતને લઈને ફેલાઈ છે. ગુજરાતના અરબી ઇતિહાસ ‘ઝફરૂલ વાલેહ બિ મુઝફ્ફર વ આલિહી’ના કર્તા અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર અલમક્કી, અલ-આસિફી ઉલૂઘખાની જે સીદી સઈદના મિત્ર હતા તેમણે સીદી સઈદના અવસાન નિમિત્તે એક અરબી-કાવ્ય રચ્યું હતું, જેની છેલ્લી પંક્તિ —

અમરા અલ-જામે’ લિલાહ;

આમરા જાઆ સઈદ.

— (અનુવાદ : ‘અલ્લાહને માટે એક જામે (મસ્જિદ) (કોણે) બાંધી ? (ઉત્તર મળ્યો કે) બનાવનાર ‘સઈદ’ છે.) ઉપરથી હિજરી વર્ષ 980 (= ઈ. વર્ષ 1572) નીકળે છે, જે બાંધકામનું વર્ષ છે.

સીદી સઈદને તેમણે બંધાવેલી મસ્જિદમાં દફનાવવામાં આવ્યા હતા. સીદી સઈદની એક દીકરી હતી, જેનો ઉલ્લેખ આસિફીએ કર્યો છે અને તેના લગ્નનું વર્ષ ‘ખેર ઝુફાફ’ શબ્દો ઉપરથી હિ. સં. 978 (ઈ. 1570) હોવાનું જણાવ્યું છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી