સીદી સઈદની મસ્જિદ : જાળીકામ માટે આંતરરાષ્ટ્રીય ખ્યાત અમદાવાદની મસ્જિદ. લાલ દરવાજા પાસે આવેલી આ મસ્જિદ ભારતના કલાત્મક નમૂનાઓમાં સ્થાન પામેલી છે. આ મસ્જિદને ‘સીદી સૈયદની મસ્જિદ’ તરીકે ઓળખવામાં આવે છે તે ખોટું છે; વાસ્તવમાં ‘સીદી સઈદ’ છે. તે સલ્તનતકાલની છે. રાણી સિપ્રીની મસ્જિદની જેમ તે નાની પરંતુ આકર્ષક છે.

સીદી સઈદની જાળી

તેનો કુલ વિસ્તાર 1078.25 ચો.મીટર છે. તેનું બાંધકામ અધૂરું રહેલું જણાય છે. તેના લિવાનની દક્ષિણ અને પશ્ચિમ તરફથી દીવાલોમાં કમાનાકાર મોટી ગવાક્ષાકાર બારીઓમાં સુંદર જાળીકામ કરેલું છે. પશ્ચિમ બાજુના ત્રણ કમાનાકાર ગવાક્ષ ખાલી છે. આ મસ્જિદની રચનાપદ્ધતિ અમદાવાદની સારંગપુરની મસ્જિદ સાથે ઘણી મળતી આવે છે. આ મસ્જિદ 157-273 દરમિયાન શેખ સઈદ (જે ભૂલથી સૈયદ તરીકે ઓળખાય છે) સુલતાની નામના ઉમરાવે મુઝફ્ફર ત્રીજા(156-173 A.D.)ના સમયમાં બાંધી હતી. અંદરથી મસ્જિદનો વિસ્તાર 20.73 મી.  10.97 મી.નો છે. લિવાનમાં આઠ સ્તંભો છે. દક્ષિણની દીવાલની જાળીઓમાં ભૌમિતિક આકૃતિઓનું પ્રાધાન્ય છે જ્યારે પશ્ચિમની દીવાલમાં વનસ્પતિજન્ય (floral) આકૃતિઓ છે. તેમાં ખજૂરીના વૃક્ષ અને ફૂલવેલનું સંયોજન આકર્ષક છે. સાદા રેતિયા પથ્થરમાં સૂક્ષ્મ કોતરકામ પ્રશંસનીય છે. લિવાનની બંને બાજુના મિનારા બુરજ (buttresse) જેવા લાગે છે. કમાનની રચના અને છતની રચના જોતાં તે 16મી સદીના મધ્યની લાગે છે. પાછળના સમયમાં આ મસ્જિદ પ્રત્યે બેદરકારી રાખવામાં આવી હતી. અંગ્રેજોના સમયમાં તો તે વહીવટીકર્તાના કાર્યાલય તરીકે પણ વપરાતી હતી.

થૉમસ પરમાર