સીઝર, જુલિયસ (જ. 12 જુલાઈ, ઈ. પૂ. 100, રોમ; અ. 15 માર્ચ, ઈ. પૂ. 44, રોમ) : પ્રાચીન રોમનો સુપ્રસિદ્ધ સેનાપતિ, સરમુખત્યાર અને રાજપુરુષ. તેનો જન્મ રોમના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. 17 વર્ષની વયે તે લુસિયસ કૉર્નેલિયસ સિનાની પુત્રી કૉર્નેલિયા સાથે પરણ્યો. તે ઈ. પૂ. 68માં અવસાન પામી. લગ્ન પછી તેણે ગ્રીસ જઈને વક્તૃત્વકલા અને તત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. સીઝરે રોમ આવીને લોકોની જાહેર બાબતોમાં રસ લેવા માંડ્યો અને તેણે લોકોમાં પ્રિય થવાના પ્રયાસો આદર્યા. ઈ. પૂ. 62માં સીઝર પ્રીટર બન્યો. તે હોદ્દો કૉન્સલ પછીનો હતો. તેની રાજકીય કારકિર્દીને નુકસાન કરવાનો પ્રયાસ કરનારા ફાવી શક્યા નહિ. ઈ. પૂ. 60માં સીઝરે, ક્રેસસ અને પૉમ્પી સાથે જોડાણ કરીને ત્રણનું શાસકજૂથ રચ્યું. રોમમાં આ જૂથ ઘણું સત્તાધીશ બન્યું હતું. ત્યાંના રૂઢિચુસ્તો સીઝરને ધિક્કારતા હતા. ઇટાલીની ઉત્તરના ત્રણ પ્રાંતોના પ્રોકૉન્સલનો હોદ્દો તેને આપવામાં આવ્યો હતો. ઈ. પૂ. 59માં સીઝરની પુત્રી જુલિયા સાથે પૉમ્પીએ લગ્ન કર્યાં. સીઝર રાજપુરુષ ઉપરાંત સૈનિક પણ હતો. તે જાણતો હતો કે ખૂબ પ્રસિદ્ધિ મેળવવા વાસ્તે લશ્કરી વિજયો મેળવવા જોઈએ. ઈ. પૂ. 59માં સીઝર કૉન્સલ ચૂંટાયો. ઈ. પૂ. 58માં સીઝરે ફ્રાંસમાં ગૉલનો પ્રદેશ જીતવા ચડાઈ કરી. તેમાં તેની લશ્કરી પ્રતિભા પ્રગટી. ગૉલમાં નવ વર્ષ દરમિયાન સીઝર માત્ર બે લડાઈઓમાં હાર્યો હતો. રહાઇન નદીની પૂર્વનો બધો પ્રદેશ તેણે જીતી લીધો, જર્મનોને ગૉલ પ્રદેશની બહાર હાંકી કાઢ્યા. તેણે ઈ. પૂ. 55 અને ઈ. પૂ. 54માં – એમ બે વાર બ્રિટન પર હુમલા કર્યા. તેના વિજયોને માટે જાહેરમાં તેને સન્માનવાનો પ્રસંગ રોમમાં ઊજવવામાં આવ્યો હતો; પરંતુ તેના વિજયોથી રોમના બધા લોકો ખુશ થયા નહોતા. સીઝરની સફળતાઓ જોઈને પૉમ્પી ભયભીત થયો હતો. પૉમ્પી સીઝર ઉપર વધુ ને વધુ વહેમાતો હતો. તેથી પૉમ્પીએ રૂઢિચુસ્તો સાથે જોડાણ કર્યું. ઈ. પૂ. 49માં રૂઢિચુસ્તોએ સિઝરને તેનું લશ્કર સોંપી દેવા હુકમ કર્યો. સીઝર તેનું લશ્કર સોંપી દઈને રક્ષણહીન બનવા માગતો ન હતો. ઇટાલીથી તેના પ્રાંતોને અલગ કરતી રૂબીકોન નદી તરફ તેના 5,000 સૈનિકોને તે દોરી ગયો. આ વિરોધી કાર્ય કર્યા બાદ, પાછા ફરવાનું શક્ય ન હતું. સીઝરને આંતરવિગ્રહ માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. સીઝર દક્ષિણ તરફ આગળ ધસી ગયો પણ તેનો કોઈએ વિરોધ ન કર્યો. પૉમ્પીના લશ્કરે શરણાગતિ સ્વીકારી અને પૉમ્પીએ નાસી જવું પડ્યું. જે રૂઢિચુસ્તોએ સીઝરને લશ્કર સોંપી દેવાનો હુકમ કર્યો હતો તેઓ પણ પૉમ્પીની સાથે નાસી ગયા.
જુલિયસ સીઝર
સાઠ દિવસમાં સીઝર સમગ્ર ઇટાલીનો સંપૂર્ણ સત્તાધીશ બન્યો; પરંતુ પૉમ્પી અને તેના અનુયાયીઓને પૂરેપૂરા જીતી લેતાં સીઝરને લગભગ પાંચ વર્ષ લાગ્યાં. ઈ. પૂ. 49માં સીઝર સરમુખત્યાર અને કૉન્સલ બન્યો. ઈ. પૂ. 48માં ગ્રીસના ફાર્સેલસમાં તેણે પૉમ્પીના લશ્કરને હરાવ્યું. પૉમ્પી ઇજિપ્ત નાસી ગયો. ત્યાં તેનું ખૂન કરવામાં આવ્યું. ત્યાં તેને ક્લિયોપૅટ્રા મળી. ક્લિયોપૅટ્રાને ઇજિપ્તની શાસક બનાવવા સીઝરે ત્યાં લડાઈ કરી અને તેમાં જીત્યો. પછી સીઝર ક્લિયોપૅટ્રાને રોમ લઈ ગયો. તે પછી ઈ. પૂ. 47માં પોન્ટસના રાજા ફાર્નેસિસ 2જા સામે તેણે વિજય મેળવીને રોમની સેનેટને સંદેશો મોકલ્યો, ‘‘હું આવ્યો, મેં જોયું અને મેં જીતી લીધું.’’ તે પ્રદેશ તુર્કીની વાયવ્યમાં આવેલ હતો.
પૉમ્પીના મૃત્યુ બાદ, તેનાં સૈન્યો પુન:સંગઠિત થયાં; પરંતુ ઈ. પૂ. 46માં ઉત્તર આફ્રિકામાં થેસ્પસમાં સીઝરે તેને નિર્ણાયક પરાજય આપ્યો. ઈ. પૂ. 45માં સ્પેનમાં આવેલ મુંડા પાસે સીઝરે પૉમ્પીના બે પુત્રોને હરાવ્યા. આ સીઝરની છેલ્લી લડાઈ હતી.
સીઝર હવે રોમન સામ્રાજ્યનો અવિવાદાસ્પદ માલિક બની ગયો. પૉમ્પીના અનુયાયીઓને તેણે માફી બક્ષી. લોકોએ તેના નેતૃત્વ તથા વિજયોને સન્માનવા તેને 10 વર્ષ માટે સરમુખત્યારની સત્તાઓ આપી. પાછળથી તેને આજીવન સરમુખત્યાર બનાવવામાં આવ્યો. એક જાહેર સમારંભમાં સીઝરને તાજ અર્પણ કરીને માર્ક ઍન્ટનીએ લોકલાગણીની કસોટી કરી. રોમનો રાજાને ધિક્કારતા હોવાથી, સીઝરે તાજ સ્વીકારવાનો ઇનકાર કર્યો.
સીઝરે તાજ પહેરવાનો ઇનકાર કર્યો, છતાં કેટલાક રોમનો શંકા સેવતા હતા કે સીઝર ક્યારેક રાજા બનવાનો ઇરાદો રાખે છે. ફાર્સેલસની લડાઈ પછી સીઝરે માફી બક્ષી હતી તે માકર્સ બ્રુટસ અને ક્રેસિયસ – બંનેએ સરમુખત્યારની હત્યા કરવાના કાવતરાની આગેવાની લીધી.
ઈ. પૂ. 44ની 15મી માર્ચ(ધ ઈડીઝ ઑવ્ માર્ચ)ના રોજ સીઝર સેનેટમાં પ્રવેશતો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી. તેણે જેની તરફેણ કરી હતી અને તે જેમને પોતાના મિત્રો માનતો હતો, તેમના 20થી વધારે ઘા તેણે પોતાના શરીર પર ઝીલ્યા.
સીઝરે તેને મળેલી સત્તાનો શાણપણથી ઉપયોગ કરીને મહત્વના સુધારા કર્યા હતા. રોમની મધ્યસ્થ અને પ્રાંતિક સરકારોમાં થતાં અપ્રમાણિક કાર્યો નિયંત્રિત કરવાના તેણે પ્રયાસો કર્યા. તેણે સેંકડો વર્ષોથી ચાલતી આવતી કૅલેન્ડરની ગૂંચવણ દૂર કરી. ઇટાલીમાં નગરોની સરકારના પુનર્ગઠન માટે તેણે યોજના ઘડી. તેના વિરોધીઓને શાંત પાડવા તેણે તેઓને જાહેર હોદ્દા પર નીમ્યા. જીતેલા પ્રાંતોમાં રહેતા અનેક લોકોને તેણે રોમનું નાગરિકત્વ આપ્યું. ગરીબોને મફત અનાજ વહેંચવાની પ્રથા તેણે ચાલુ રાખી. સીઝર રોમના વિશાળ પ્રદેશો પર શાસન કરવાને લાયક હતો, એમ તેણે પુરવાર કર્યું. તેણે સેનેટને માત્ર સલાહકાર સમિતિ જેવી બનાવી દીધી અને તે બાબતનો સેનેટના સભ્યોને રોષ હતો. તેણે સરમુખત્યારનો હોદ્દો સ્વીકાર્યો તેથી ઘણા રોમનો નારાજ અને દુ:ખી થયા હતા. સીઝર લેખક તરીકે પણ પ્રખ્યાત છે. ‘કૉમેન્ટરીઝ ઑન્ ધ ગૉલિક વૉર’ (ઈ. પૂ. 5251) પુસ્તકમાં ગૉલમાંના તેના વિજયોનું વર્ણન કરવામાં આવ્યું છે.
જયકુમાર ર. શુક્લ