સિંહ, નામવર (જ. 1 મે 1927, જીવણપુર, વારાણસી, ઉત્તરપ્રદેશ) : હિંદીના વિવેચક અને લેખક. તેમના વિવેચનગ્રંથ ‘કવિતા કે નયે પ્રતિમાન’(1968)ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1971ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. ખેડૂત કુટુંબમાં જન્મ. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદી સાથે એમ.એ. (1951) તથા પીએચ.ડી. (1956). બનારસ તથા સાગર યુનિવર્સિટીમાં અધ્યાપન. નવી દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના સેન્ટર ઑવ્ ઇન્ડિયન લૅંગ્વેજિઝમાં હિંદીના પ્રાધ્યાપક તથા અધ્યક્ષ (1974-92); રાજા રામમોહન રાય લાઇબ્રેરી ફાઉન્ડેશનના અધ્યક્ષ (1992-96); સાહિત્યિક ત્રૈમાસિક ‘આલોચના’ના સંપાદક (1967-91); કેન્દ્રીય સાહિત્ય અકાદમીના હિંદી માટેના સલાહકાર બોર્ડના સભ્ય (1978-82) તથા તેની કારોબારી સમિતિના સભ્ય (1998-2002). તેમને મળેલા ઇનામ-પુરસ્કારમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1971) ઉપરાંત દિલ્હીની હિંદી અકાદમી તરફથી શલાકા સન્માન (1991), અલ્લાહાબાદની હિંદુસ્તાન અકાદમીનું સન્માન (1997) મુખ્ય છે.
તેમણે 10 પ્રકાશનોમાં ‘હિંદી કે વિકાસ મેં અપભ્રંશ કા યોગ’ (1952), ‘પૃથ્વીરાજ રાસો કી ભાષા’ (1956) એ બંને ભાષાશાસ્ત્ર-વિષયક કૃતિઓ; ‘બાક્લામ બુદ’ (1951) એ નિબંધસંગ્રહ; ‘આધુનિક સાહિત્ય કી પ્રવૃત્તિયાં’ (1954), ‘છાયાવાદ’ (1955), ‘કહાની નયી કહાની’ (1964), ‘કવિતા કે નયે પ્રતિમાન’ (1968), ‘દૂસરી પરંપરા કી ખોજ’ (1982) એ તમામ વિવેચનગ્રંથો તથા ‘વાદ વિવાદ સંવાદ’ (1991) વિવેચનલક્ષી નિબંધોનો સમાવેશ થાય છે.
તેમણે રશિયા, યુ.કે., ફ્રાન્સ, જર્મની, હંગેરી, બલ્ગેરિયા, વિયેતનામ, કંબોડિયા, નેપાળ તથા મૉરિશિયસ વગેરેનો પ્રવાસ કર્યો છે.
તેમની આ પુરસ્કૃત કૃતિ ‘કવિતા કે નયે પ્રતિમાન’ સાહિત્યિક વિવેચનની અદ્યતન કૃતિ છે. તેમાં હિંદીમાં નવી કવિતાની ચળવળ અંગેનો સર્વગ્રાહી અભ્યાસ છે. તે કવિતાનું મૂલ્યાંકન કરવા નવા માપદંડની જરૂરિયાત પર ભાર મૂકે છે. દૂરદર્શિતાની સ્પષ્ટતા અને પૃથક્કરણની વિચક્ષણતાને લીધે આ કૃતિ તત્કાલીન હિંદી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
મહેશ ચોકસી