શ્રૉક, રિચાર્ડ આર. (Shrock, Richard R.) (જ. 4 જાન્યુઆરી 1945, બર્ન, યુ.એસ.) : અમેરિકન રસાયણવિદ અને 2005ના રસાયણવિજ્ઞાન માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. શ્રૉકે 1971માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1975માં તેઓ મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)ના શિક્ષણગણમાં જોડાયા. તેમણે ટેન્ટલમ, ટંગસ્ટન અને અન્ય ધાતુઓ ધરાવતા ઉદ્દીપકોની વ્યવસ્થિતપણે ચકાસણી કરી જોઈ કે જેથી કઈ ધાતુ ઉદ્દીપક તરીકે ઉપયોગમાં લઈ શકાય અને તે કેવી રીતે કાર્ય કરે છે તેની સમજૂતી મળી શકે. 1990માં શ્રૉક અને તેમના સાથી સંશોધકોએ મોલિબ્ડિનમ ધાતુ ધરાવતા કાર્યક્ષમ સ્થાનફેર (metathesis) ઉદ્દીપકોનો સમૂહ વિકસાવી એક મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી. જોકે આ નવા ઉદ્દીપકો હવા અને પાણી પ્રત્યે સંવેદી હતા અને તેમની સક્રિયતા મંદ પડી જતી હતી.
આ પછી વૈજ્ઞાનિકોએ વિશિષ્ટ (specific) ઉપયોગ માટેના નવા સ્થાનફેર ઉદ્દીપકો વિકસાવવાના પ્રયત્નો કર્યા છે. તેમનાં સંશોધનો પૈકીનું એક તો ક્ષેત્ર કુદરતમાં મળી આવતા અને વૈદક (medicine) અને અન્ય રીતે ઉપયોગી એવાં સંયોજનોનું સંશ્લેષણ કરવાનું હતું. આ કુદરતી પેદાશો સામાન્ય રીતે જટિલ (સંકીર્ણ, complex) સંરચના ધરાવતી હોય છે અને પ્રયોગશાળામાં તેમનું સંશ્લેષણ કરવું મુશ્કેલ હોય છે.
શ્રૉક અને અન્ય રસાયણવિદ ગ્રુબ્સની શોધ દ્વારા આવા ઉદ્દીપકો થોડા સમયગાળામાં જ પ્રાપ્ય બનતાં તેમની ઉપયોગિતા વધી ગઈ છે. તેને લીધે ‘હરિત રસાયણ’ (green chemistry) તરીકે ઓળખાતા એક નવા ક્ષેત્રનો વિકાસ થયો છે. આને કારણે એવી પ્રવિધિઓ અને પેદાશોનું અભિકલ્પન (design) કરવાનું શક્ય બન્યું છે કે જેમાં હાનિકારક પદાર્થોની હાજરી અથવા તેમને અલગ પાડવાની જરૂરિયાત ઘણી ઘટી જતી હોય આવા ઉદ્દીપકો એવા પદાર્થો બનાવવા વાપરી શકાય તેમ છે કે જેમને માટેની પ્રક્રિયાઓ સામાન્ય તાપમાને અને દબાણે ઓછા તબક્કાઓમાં સામાન્ય ઘટકો વાપરીને થઈ શકે છે.
કાર્બનિક રસાયણમાં અગત્યની એવી સ્થાનફેર પ્રકારની પ્રક્રિયાઓ વિકસાવવા બદલ શ્રૉક, ચોવિન અને ગ્રુબ્સને 2005ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
પ્ર. બે. પટેલ