શ્રોફ, ચંદાબહેન (જ. 27 ફેબ્રુઆરી 1933, માંડલ, ગુજરાત) : કચ્છના પરંપરાગત ભરતકામના કસબને આર્થિક પગભરતાનું સાધન બનાવતી પ્રથમ શ્રુજન (ચંદાબહેનની બે પુત્રવધૂઓનાં ‘શ્રુતિ’ અને ‘રંજન’ નામોમાંથી અનુક્રમે ‘શ્રુ’ તથા ‘જન’ લઈને બનાવેલું નામ) સંસ્થાના સ્થાપક અને મૅનેજિંગ ટ્રસ્ટી, અભિયાન સંસ્થાનાં ટ્રસ્ટી અને આખાય કચ્છનાં ‘કાકી’.
માતા સકરીબહેન. પિતા સકરચંદભાઈ પૂરા ગાંધીવાદી, સંનિષ્ઠ કૉંગ્રેસ કાર્યકર હતા. આખુંય કુટુંબ ગાંધીવિચારસરણી અને રાષ્ટ્રીયતાના રંગે રંગાયેલું હતું, તેવા કુટુંબમાં નાનકડી ચંદાનો ઉછેર. બાળપણથી જ માટીનાં રમકડાં બનાવવાં; ચિત્રકામ, ભરતકામ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિ તરફ શાળાકીય શિક્ષણ કરતાં વધુ લગાવ. બાળપણથી ગાંધીજીની સ્વાવલંબનની વાતો ચંદાના માનસ પર અંકિત થયેલી. આથી રાજકોટ અને ભાવનગરમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ વડોદરાની વલ્લભ કન્યાવિદ્યાલયમાં દશમા ધોરણ સુધી અભ્યાસ કરી તેને તિલાંજલિ આપી અને સ્વાવલંબન મેળવી શકાય તેવા હુન્નર શીખવા તરફ વળ્યાં. 19461952ના ગાળામાં ટેલરિંગ અને ઍમ્બ્રૉઇડરીમાં ડિપ્લોમા, ઇન્ટરમીડિએટ ડ્રૉઇંગ; એલ્ફિન્સ્ટન ટૅક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાં ક્રાફ્ટ ટીચરનો કોર્સ અને બે વર્ષ મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. ત્યારબાદ પ્રાપ્ત કરેલ આવડત અને આંતરિક કલાસૂઝથી માટીનાં પાત્રો પર ચિત્રકામો કર્યાં જે ઘણાં પ્રશંસનીય રહ્યાં. વળી ફિલ્મના સેટનું પેઇન્ટિંગ અને ડિઝાઇનિંગ કરવું, જૂના ફર્નિચરનું સમારકામ કરી નવી ડિઝાઇન બનાવવી તેમજ લગ્નમંડપ સજાવવા જેવાં વિવિધ સર્જનાત્મક કાર્યો પણ કર્યાં.
1957માં ઉદ્યોગપતિ કાંતિસેન શ્રોફ સાથે લગ્ન. શ્વસુરગૃહ પણ સુસંસ્કૃત આચારસંહિતાને વળગી રહેનાર, કૃષિક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ અપનાવી ક્રાંતિકારી શોધ-સંશોધનના પ્રણેતા એવા કુટુંબમાં ચંદાબહેને હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી નિવાસસ્થાનની અગાસીમાં વિપુલ પ્રમાણમાં સફળ રીતે શાકભાજી ઉગાડ્યાં. આમ, કૃષિક્ષેત્રે આ અતિઉપયોગી શોધનો વ્યાવહારિક દાખલો ચંદાબહેને સમાજમાં બેસાડ્યો.
1969ની સાલમાં સતત ત્રીજા વર્ષે કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતિ સર્જાયેલી હતી. રાજકોટના રામકૃષ્ણ મિશનના સ્વામી આત્મસ્થાનંદે તે સમયે કચ્છમાં પડેલ દુષ્કાળમાં પીડિતો માટે ધાળોટી ગામમાં રસોડું શરૂ કર્યું અને તેને માટે ચંદાબહેન અને કાંતિસેનભાઈને મદદ માટે બોલાવ્યાં. કચ્છની મહિલાઓમાં ભરતકલાનો હુન્નર હતો તો એને જ આવકનું સાધન બનાવવાનો વિચાર ચંદાબહેનને આવ્યો અને સાડાત્રણ દાયકાઓમાં કચ્છનાં 100 જેટલાં ગામોમાં અને બનાસકાંઠાના થરાદ ગામમાં 3000થી વધુ બહેનોમાં તેમનો એ વિચાર શ્રુજન સંસ્થા દ્વારા ફેલાયો. શરૂઆતમાં ગાંઠના રૂ. 5000ના રોકાણથી શરૂ કરેલું શ્રુજનનું કામ પછી સારી પેઠે વિકાસ પામ્યું. આમ જે કામ ફક્ત દુષ્કાળના દિવસો પૂરતું હતું તે એક કાયમી ગૃહઉદ્યોગ બની રહ્યો.
આજે ગામડાની 7 બહેનો એન્ટ્રપ્રિન્યોર બની છે અને શ્રુજન સાથે વેપાર કરે છે.
1997માં કચ્છી ભરતની 16 શૈલીઓનું સંગ્રહાલય અને રિસોર્સ સેન્ટર બને તેમજ કેટલીક લુપ્ત થયેલી ભરતશૈલીઓને બચાવવાનું અને સંવર્ધન કરી આ કલાના કસબીઓની વ્યક્તિગત ઓળખ ઊભી થાય તેવું કરવા માટે દોરાબજી ટાટા ટ્રસ્ટ અને એક્સેલ ગ્રૂપ ઑવ્ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મળેલ રૂ. દોઢ કરોડની આર્થિક સહાયથી ‘ડિઝાઇન સેન્ટર ઑન વ્હિલ્સ’ શરૂ કરવામાં આવ્યું. આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન 1200થી વધુ ઉત્તમ નમૂના 525 બહેનોએ અલગ અલગ 16 શૈલીઓમાં બનાવ્યા. આ સંગ્રહ ગામડાંઓમાં લઈ જઈને ત્યાંની બહેનોને બતાવતાં તેમના માટે તે પ્રેરણા અને માર્ગદર્શનરૂપ બની રહે છે.
આજે અનેક લોકો શ્રુજનમાં તેની કાર્યપદ્ધતિનો અભ્યાસ કરવા આવે છે. અનેક ડિઝાઇનરો દેશ-વિદેશથી એ જોવા-જાણવા આવે છે કે કેવી રીતે સોયથી ચાલતી પ્રવૃત્તિ વિશ્વના ઊંબરે પહોંચે એવી કલારૂપે સિદ્ધ થઈ શકી. શ્રુજન દ્વારા પ્રાપ્ત થયેલ આર્થિક નિર્ભરતાની અસર સ્ત્રીના સશક્તીકરણમાં પણ જોઈ શકાય છે.
આ કાર્ય માટે ચંદાબહેનને 2006માં લાયન્સ ઇન્ટરનૅશનલ દ્વારા ‘બેસ્ટ વુમન’નો ઍવૉર્ડ એનાયત થયો. આ ઉપરાંત 2005માં મુંબઈના સ્વામી વિવેકાનંદ કૃતજ્ઞતા નિધિ તરફથી માનવસેવા પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યાં હતાં.
સોનલ મણિયાર