શ્રોફ, કાંતિસેન (. 3 જાન્યુઆરી 1923, માંડવી  કચ્છ) : ભારતના જાણીતા ઔદ્યોગિક પ્રતિષ્ઠાન ‘એક્સેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, ઍન્વાયરન્મૅન્ટ ઍન્ડ મૅનેજમેન્ટ’ના ધ્યેયવાદી ચૅરમૅન તથા ગુજરાતના કચ્છ પ્રદેશની કાયાપલટ કરવા પ્રતિબદ્ધ સામાજિક કાર્યકર. પિતાનું નામ ચતુર્ભુજ કરસનદાસ. તેઓ વ્યાવસાયિક કારકિર્દીના આરંભમાં વતન માંડવી ખાતે અને ત્યાર બાદ મુંબઈમાં કાપડનો વેપાર કરતા હતા. માતાનું નામ ગોકીબાઈ, જેઓ સંતાનોના આદર્શ ઉછેર પ્રત્યે સભાન અને સક્રિય હતાં. કાંતિસેનનું પ્રાથમિક શિક્ષણ પરિવારના પરિસરમાં જ થયું હતું. સમયાંતરે તેમને મુંબઈની એક ગુજરાતી શાળામાં ચોથા ધોરણમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1937માં ત્યાંની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાંથી મૅટ્રિક થયા, પરંતુ કૉલેજના ઔપચારિક અને ચીલાચાલુ શિક્ષણના કરતાં વ્યવહારમાં ઉપયોગી નીવડે એવા શિક્ષણમાં તેમને વધુ રસ હોવાથી તેઓ વિખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝના શિષ્ય તરીકે ચિત્રકલાના અભ્યાસાર્થે શાંતિનિકેતનમાં જોડાયા. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં સક્રિય ભાગ લીધો અને ધરપકડ વહોરી. કારાવાસમાં મહારાષ્ટ્રના વિખ્યાત સ્વાતંત્ર્યસેનાની, રચનાત્મક કાર્યકર અને અગ્રણી ગાંધીવાદી વિચારક અણ્ણાસાહેબ સહસ્રબુદ્ધેના સંપર્કમાં આવ્યા. તેમનું માર્ગદર્શન કારકિર્દીના આયોજનમાં ઉપયોગી નીવડ્યું. સાથોસાથ વિનોબા ભાવે તથા જયપ્રકાશ નારાયણ પાસેથી પણ તેમણે પ્રેરણા પ્રાપ્ત કરી.

કાંતિસેન શ્રોફ

કારાવાસમાંથી મુક્ત થયા બાદ કાંતિસેન પરિવારની માલિકીના એક્સેલ ઔદ્યોગિક એકમમાં જોડાયા, જ્યાં તેમના બંને મોટા ભાઈઓ ચાંપરાજભાઈ અને ગોવિંદભાઈ કાર્યરત હતા. ઉપર્યુક્ત કારખાનામાં કૃષિક્ષેત્ર માટે ઉપયોગી કૃષિરસાયણો તથા ઔદ્યોગિક રસાયણોનું ઉત્પાદન અને નિકાસ કરવામાં આવતાં. આ કારખાનાની સ્થાપના ચાંપરાજભાઈએ 1941-42ના અરસામાં મુંબઈના જોગેશ્વરી પરામાં એક ઢોરવાડામાં કરી હતી. 1941-42થી 1968 સુધી તેનું સંચાલન ચાંપરાજભાઈએ અને ત્યારબાદ 1968થી 1996 દરમિયાન ગોવિંદભાઈએ કર્યું હતું, જોકે 1968માં કાંતિસેન તેના સંયુક્ત મૅનેજિંગ ડિરેક્ટર (JMD) અને 1985માં મૅનેજિંગ ડિરેક્ટર (MD) નિમાયા હતા. 1996થી એક્સેલ ઉપરાંત તેની ભગિની કંપનીઓ પંજાબ કેમિકલ્સ અને ‘ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રીના સંચાલનની સમગ્ર જવાબદારી તેમને જ શિરે આવી પડી હતી. એક્સેલ કૃષિક્ષેત્રને ઉપયોગી સાધનોનું ઉત્પાદન કરતું કારખાનું હોવાથી તેની અંતર્નિહિત મર્યાદાઓ(in-built limitations)ને કારણે અન્ય ભગિની કંપનીઓની સરખામણીમાં તેની નાણાકીય સ્થિતિ ક્રમશ: નબળી પડતી જતી હતી. છતાં દેશના તેના જેવા અન્ય ઘટકોના મુકાબલે બજારમાં તેનું સ્થાન પ્રમાણમાં મજબૂત હતું. તે માટેનો જશ કાંતિસેનને ફાળે જાય છે.

અત્યાર સુધીના કાર્યકાળ (1968-2006) દરમિયાન એક્સેલને ઘણા ઍવૉર્ડ મળ્યા છે; જેમ કે, (1) કેટલાંક રસાયણોનું ઉત્પાદન દેશમાં શક્ય બનાવવા માટે 1969-70માં આયાત અવેજીકરણ સુવર્ણ શિલ્ડ; (2) ઇકૉનૉમિક ટાઇમ્સ – હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ ઍવૉર્ડ; (3) ગુડ કૉર્પોરેટ સિટિઝન ઍવૉર્ડ; (4) 1983માં કેમટેક ફાઉન્ડેશનનો ઍન્વાયરમૅન્ટાલિસ્ટ ઑવ્ ધ યિઅર ઍવૉર્ડ; (5) 1996માં ઍન્વાયરન્મૅન્ટ લાઇફ-ટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ; (6) પી. સી. રે ઇન્ડિયન કેમિકલ મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન ઍવૉર્ડ (1991-92); (7) ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ (‘ફિક્કિ’) ઍવૉર્ડ ફૉર રુરલ ડેવલપમેન્ટ, જે કાંતિસેન દ્વારા સ્થાપિત શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટૅક્નૉલૉજી ઇન્સ્ટિટ્યૂટ(VRTI)ને વર્ષ 1992-93 માટે એનાયત થયેલ.

આ બધું હતું તેની સાથે કાંતિસેન શ્રોફને તેમના વતન કચ્છની સામાજિક અને આર્થિક કાયાપલટ કરવામાં વધુ રસ હતો. તેઓ મુંબઈ રહેતા હતા ત્યારે પણ સામાજિક કાર્ય પ્રત્યે તેમને રુચિ હતી જ અને તેના જ પરિણામ સ્વરૂપ તેમણે નૉર્થ મુંબઈના સ્કાઉટ્સ ઍન્ડ ગાઇડ્સના કમિશનર તરીકે લાંબા સમય સુધી સેવાઓ આપેલી, જેના માટે ભારતના રાષ્ટ્રપતિએ તેમનું સન્માન પણ કર્યું હતું. કૃષિઊપજ માટે લાયક હોય તેવી કચ્છ પ્રદેશની જમીનને વધુ ઉત્પાદક બનાવવા માટે તથા ખેતીની અવનવી પદ્ધતિઓ વિકસાવવામાં કાર્યરત થવા માટે વીસમી સદીના છેલ્લા દાયકાથી તેઓ કચ્છમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને ત્યાં સ્થાનિક સંસ્થાઓ, ખેડૂતમંડળીઓ અને ખેડૂત પરિવારોને તે અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. 1978માં તેમણે પોતાના વતન માંડવી ખાતે પચીસ એકર જમીન પર શ્રી વિવેકાનંદ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ(VRTI)ની સ્થાપના કરી છે અને તેના દ્વારા તે પ્રદેશના લોકોને પ્રાકૃતિક અને માનવસર્જિત આપદાઓ વખતે પોતાનું અને પોતાની અસ્કામતોનું રક્ષણ કરવાનું પ્રશિક્ષણ આપી રહ્યા છે. તે માટે તેમણે તે અગાઉ 1973-78ના ગાળા દરમિયાન સમગ્ર જિલ્લાનો અભ્યાસપ્રવાસ ખેડ્યો હતો અને તેના ભાગ તરીકે પ્રદેશની ભૂગોળ, ભૂગર્ભમાં પાણીની સપાટી, સિંચાઈની ઉપલબ્ધતા અને ગર્ભિત શક્તિ જેવી બાબતોનો ઊંડાણથી અભ્યાસ કર્યો હતો. તેને આધારે કેટલાક પ્રકલ્પોની રૂપરેખા નિર્ધારિત કરી તેને કાર્યાન્વિત કરવાની યોજનાઓ તેમણે ઘડી કાઢી હતી. કચ્છ જિલ્લાના ગાંધીગ્રામને એક નમૂનારૂપ ગામ બનાવવાની ઝુંબેશ પણ તેમણે ઉપાડી છે. કચ્છ જેવા સૂકા પ્રદેશને ફળદ્રૂપ બનાવવા માટે તેમણે ગ્રામવિકાસનો જે અભિગમ સ્વીકાર્યો છે તેને લીધે પ્રદેશના ઝડપી આર્થિક અને સામાજિક ઉત્થાનની કાયાપલટ આવશે એવી તેમની પૂર્ણ શ્રદ્ધા છે.

કાંતિસેનનાં પત્ની ચંદ્રાબહેનના સક્રિય પ્રયાસોથી ભુજ નગરની જોડેના ભુજડી ગામમાં ‘શ્રુજન’ નામની સંસ્થા સ્થાપવામાં આવી છે જેના દ્વારા પરંપરાગત હુન્નરોને પુનર્જીવિત કરવામાં અને વીસ હજાર જેટલી પ્રદેશની મહિલાઓને ઉત્પાદક રોજગારી પૂરી પાડવામાં સફળતા મળી છે. વ્યક્તિમાં શ્રદ્ધા, એકાગ્રતા, સહિયારું કામ કરવાની વૃત્તિ અને આત્મસન્માનની ભાવના જેવા ગુણો હોય તો વ્યક્તિ કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ વટાવી જીવનમાં સફળ થઈ શકે છે એવી શ્રદ્ધા સાથે પતિ-પત્ની બંને તે પ્રદેશમાં કામ કરી રહ્યાં છે.

છેલ્લાં ત્રણ વર્ષના ગાળા(2003-06)માં કાંતિસેને        ‘પુરા’(Providing Urbanisation to Rural Areas  PURA) નામના અભિનવ અભિગમ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઉપરાંત, નાનાભાઈ ભટ્ટના ડેન્માર્કની લોકશાળાના અનુભવોને પુનર્જીવિત કરવા માટે પણ તેઓ સક્રિય છે. ‘શીખો અને અમલ કરો’ (Learn and Practice)  આ બંનેના મેળાપ વગર બેરોજગારીની સમસ્યાનો ઉકેલ આવી શકશે નહિ એવી કાંતિસેનની શ્રદ્ધા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે