શેલી, પર્સી બૅશી (જ. 4 ઑગસ્ટ 1792, ફિલ્ડ પ્લેસ, સસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 8 જુલાઈ 1822, લિવૉર્નો દરિયો, ટ્સ્કૅની, ઇટાલી) : અપ્રતિમ અંગ્રેજ રોમૅન્ટિક કવિ, નાટ્યકાર અને વિવેચક. પિતા બૅરોનેટ ટિમોથી શેલી ધનિક અને વ્હિગ પક્ષના. પોતાનો સૌથી મોટો પુત્ર પર્સી પાર્લમેન્ટમાં રાજકીય નેતૃત્વ પ્રાપ્ત કરે તેવી પિતાની મહેચ્છા હતી. સાયૉન હાઉસ એકૅડેમી, ઈટનની સુપ્રસિદ્ધ શાળા અને ઑક્સફર્ડની યુનિવર્સિટી કૉલેજમાં શિક્ષણ લીધું. તેમના ઉછેરમાં કંઈક ખામી હશે એટલે શૈશવકાળથી જ અંતરથી દુ:ખી અને બાહ્ય વર્તણૂકમાં બળવાખોર સ્વભાવના હતા. સાથે ભણનારા વિદ્યાર્થીઓ તેમની વિડંબના કરતા. ‘મૅડ’ શેલી કહી તેમને ચીડવતા. તેમનું બીજું નામ ‘ઈટનનો નાસ્તિક’ પાડ્યું હતું. જોકે તેમની બહેનો તેમને અનહદ પ્રેમ કરતી.
પોતે જે કંઈ લખે તે છપાવવાની ઘેલછામાં શેલી ભયંકર ઘટનાઓવાળી સુદીર્ઘ વાર્તાઓ અને કાવ્યો મિત્રોમાં વહેંચતા. આમાં ‘ઝેસ્ટ્રોઝી’ (1810), ‘ઓરિજિનલ પોએટ્રી બાય વિક્ટર ઍન્ડ કૅઝિર’ (1810, પોતાની બહેન ઇલિઝાબેથની સાથે), ‘સેંટ ઇરવિન ઑર ધ રોઝિક્રુસિયન’ (1811) મુખ્ય છે. ગૉડવિન, પેન, કૉન્ડૉર્સેટ જેવા ક્રાંતિકારી લેખકોનો અભ્યાસ તેમણે ઑક્સફર્ડમાં કર્યો. તરંગી અને ચક્રમ કહી શકાય તેવા વેશ-પરિધાનમાં લાપરવા વર્તણૂકનું ચરમબિંદુ તો ત્યારે આવ્યું કે જ્યારે યુનિવર્સિટીની વસ્તીમાં તેમણે ‘ધ નેસેસિટી ઑવ્ એથિઝમ’ (1811) નામનું ચોપાનિયું ખાનગી વાચન તરીકે ફરતું કર્યું. આ લખાણમાં તેમને પોતાના જિગરી મિત્ર ટી. જે. હૉગનો સાથ મળેલો. આ ચોપાનિયામાં લેખકોએ તેમનાં નામ ગુપ્ત રાખેલાં.
ઈશ્વરમાં માનવાની શ્રદ્ધાનાં છોતરાં તર્કબદ્ધ રીતે તેમણે કાઢી નાખેલાં. કૉલેજના સત્તાવાળાઓ અને પાદરીઓએ તેના લેખકોનો ખુલાસો માગ્યો, પણ તેનો સાનુકૂળ પ્રત્યુત્તર ન મળતાં બંને મિત્રોને લાગલા જ યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવાની સજા કરી હતી. ત્યારબાદ પર્સીએ પિતા સાથે પણ ઝઘડો કર્યો. આ જાણે પૂરતું ન હોય તેમ 16 વર્ષની વયની હેરિયેટ વૅસ્ટબ્રૂક સાથે સ્કૉટલૅન્ડ ભાગી જઈને એડિનબર્ગમાં તેમણે લગ્ન કર્યું. નાની રકમનું પેન્શન મંજૂર કરી પિતાએ તેમના વારસ તરીકે તેમને રુખસદ આપી. ત્રણ વર્ષ રઝળપાટમાં ગયા. ‘ઍન ઍડ્રેસ ટુ ધી આઇરિશ પીપલ’(1812)માં આયર્લૅન્ડના સુધારકમંડળોને ઉદ્દેશીને પ્રગટ કરેલા વિચારો છે. આ દરમિયાન તેમણે તત્વચિંતક ગૉડવિન સાથે પત્રવ્યવહાર કર્યો. શાકાહાર વિશે તેમને પ્રબળ લાગણી હતી. વિચારની અભિવ્યક્તિ માટેની સ્વતંત્રતાના તેઓ હિમાયતી હતા. ‘અ લેટર ટુ લૉર્ડ એડિનબરો’(1812)માં આ મુદ્દાઓને તેમણે વણી લીધા છે. ‘અ ડિક્લેરેશન ઑવ્ રાઇટ્સ’ માટે તેમના સેવકની ધરપકડ થઈ હતી. ક્રાન્તિકારી વિચાર ધરાવનારાઓનાં મંડળોને લિનમાઉથ, ડેવૉન અને ટ્રૅમૅડૉકમાં તેમણે સક્રિય બનાવ્યાં હતાં. ‘ક્વીન મેબ’(1813)માં તેમણે પોતાના શરૂઆતના ચિંતનને વ્યક્ત કર્યું છે. 21મે વર્ષે શેલીએ આ કાવ્ય નવ સર્ગોમાં બ્લૅન્ક વર્સમાં લખ્યું છે. પરીઓની રાણી મેબ, મૃત્યુ અને તેના ભ્રાતા ‘ઊંઘ’ સાથે આવે છે. તે પછી રાજાશાહી, યુદ્ધ, વ્યાપારી વૃત્તિ, ધર્મ વિશે કવિએ પોતાના વિચારો પ્રગટ કર્યા છે. અહીં લોકશાહી, મુક્તપ્રેમ, નિરીશ્વરવાદ અને શાકાહાર પરત્વે શેલીનું ક્રાન્તિકારી ચિંતન છે. તેનાં પરિશિષ્ટોમાં ગદ્યમાં નોંધ છે : આ બધામાં ઈશુ ખ્રિસ્ત, પરમપિતા ઈશ્વર, રાજા, ધર્મગુરુ અને લગ્ન અને ‘માત્ર સેતાન જાણે કે બીજું શું શું’ (શેલીના શબ્દોમાં) વિશે નિબંધ પ્રકારનું લખાણ છે. શેલીનું ગદ્ય તેના પદ્યથી જરાય ઊતરતું નથી. આમાં મુક્ત પ્રેમવિષયક કવિના વિચારો પર હ્યુમ, ગૉડવિન, વૉલ્સ્ટનક્રાફટ અને રૂસોની અસર સ્પષ્ટ દેખાય છે.
બે બાળકોના જન્મ પછી શેલીનું હેરિયેટ સાથે થયેલું લગ્ન લગભગ ભાંગી પડ્યું. મિત્ર પિકૉકે તેને લગ્નના ભંગાણને અટકાવવા પ્રયત્ન કર્યો પણ તે વ્યર્થ ગયો. ત્યારપછી શેલી મૅરી ગૉડવિન અને તેની 15 વર્ષની ઉંમરની સાવકી બહેન જેન ક્લેર સાથે ભાગી ગયા. આઠ વર્ષ સુધી ત્રણેય સાથે રહ્યાં. ‘ધી ઍસેસિન્સ’(1814)માં આના ઉલ્લેખો છે. ‘હિસ્ટરી ઑવ્ અ સિક્સ વીક્સ ટૂર’ (1817) નામના સામયિકમાં એ ત્રણેય જણે પોતાના આ સમયના હર્ષ-ક્લેશ શબ્દસ્થ કર્યા છે. લંડનમાં પાછા ફર્યા બાદ વરસે એક હજાર પાઉન્ડના વર્ષાસનની સાથે જીવનની ચડઊતર જોતાં તેમણે મૅરી સાથે રહેવા માટે વિંડસર ગ્રેટ પાર્કની નજીક એક ઘર લીધું. ‘એલેસ્ટર’ (1816) બિનરાજકીય કાવ્ય છે, જેમાં કવિની હાજરી અને પ્રભાવના આવિષ્કાર સાથે વારે-વારે સૌન્દર્ય પ્રગટે છે. એલેસ્ટર એટલે દુષ્ટ આત્મા કે એકાંતનું ભૂત. શેલીની પાછળ આ ભૂત પડ્યું છે અને કવિ પોતે પોતાની આદર્શ પ્રેયસીની શોધમાં પર્શિયાથી છેક કૉકેસસની કોઈ નદીના તીરે થાકેલો પાકેલો હતાશામાં મૃત્યુ પામે છે. ‘ઑન લવ’ અને ‘ઑન લાઇફ’ નામના બે નિબંધોમાં આ વિચારોનું કવિએ વિશ્લેષણ કર્યું છે. આ ગાળા દરમિયાન તેના પુત્ર વિલિયમનો જન્મ થાય છે. 1816નો ગ્રીષ્મકાળ કવિ બાયરન સાથે લેક જિનીવામાં ગાળે છે. ઈશ્વર વગરના વિશ્વમાં પોતાના શૈશવને અને મૉન્ટ બ્લાન્કને સ્મરીને તે બે ઊર્મિકાવ્યોનું સર્જન કરે છે.
1816ના પાનખરમાં હેરિયેટ સર્પેન્ટાઇનમાં પાણીમાં ડૂબી જઈને આપઘાત કરે છે. આ પછી શેલી તરત જ મૅરી સાથે લગ્નગ્રંથિથી જોડાય છે. જોકે અદાલત કવિને બે બાળકોને સોંપવાનો ઇનકાર કરે છે. આના આઘાતમાંથી પ્રગટ થયેલ હતાશા અને તીવ્ર દુ:ખની લાગણી તે ‘ઇન્વોકેશન ટુ મિઝરી’, ‘લાઇન્સ’ અને ‘ટુ ધ લૉર્ડ ચાન્સેલર’માં પ્રગટ કરે છે. જોકે આ સમયમાં લી હન્ટ, કીટ્સ, હેઝલિટ જેવા નવા મિત્રો સાંપડે છે. થેમ્સ નદીને કાંઠે શેલી ‘હરમિટ ઑવ્ માર્લો’, ‘એસે ઑન ક્રિશ્ચિયાનિટી’ જેવા નિબંધો અને ‘લાઑન ઍન્ડ સિથ્ના’ જેવું કાવ્ય લખે છે. આ કાવ્યમાંથી ‘ધ રિવૉલ્ટ ઑવ્ ઇસ્લામ’ (1818) લખાય છે.
લેણદારોની કનડગત અને સમાજનો દ્વેષ તથા નાદુરસ્ત તબિયતને કારણે શેલી 1818ની વસંતમાં ઇંગ્લૅન્ડને અલવિદા કરી ઇટાલીમાં રહેવા ચાલ્યા ગયા. કેટલુંક દેવું પણ ચૂકવવાનું બાકી હતું. ઇટાલીના લુકામાં તેમણે પ્લૅટોના ‘સિમ્પોઝિયમ’નો અનુવાદ કર્યો અને ‘ઑન ધ મૅનર્સ ઑવ્ ધી એન્શ્યન્ટ ગ્રીક્સ’ નામનો નિબંધ લખ્યો. વેનિસ અને ઈસ્ટમાં ‘જુલિયન ઍન્ડ મેડાલૉ’ (1818, 1824), ‘એ કૉન્વર્સેશન’ સંવાદની શૈલીમાં સુદીર્ઘ કાવ્ય રચ્યું. આમાં જુલિયન કવિ શેલી છે અને મેડાલૉ કવિ બાયરન છે. માનવના અંતરંગની તીવ્ર લાગણી અને આશાનું અહીં ઝીણામાં ઝીણું કાંતણ થયું છે. બ્રાઉનિંગના ડ્રામૅટિક મૉનોલૉગ્ઝ પર આની પ્રબળ અસર થઈ હતી. નેપલ્સમાં શિયાળો ગાળતી વખતે કવિએ ‘સ્ટાન્ઝાઝ રિટન ઇન ડિજેક્શન’ લખ્યું. અહીં કદાચ પોતાના ગેરકાયદેસર બાળક એલીના એડલેડને તેમણે દત્તક લીધેલું.
વેનિસમાં કવિનાં પુત્રી ક્લેરાનું મૃત્યુ અકાળે થયું હતું અને હવે તેમની લાડકી વિલમાઉસનું પણ રોમમાં અવસાન થતાં શેલી અને મેરી લગભગ ભાંગી પડ્યાં. બંને જણ ટસ્કેનીમાં અને પાછળથી ફ્લૉરેન્સ અને છેવટે પિસામાં રહેવા ચાલ્યા ગયાં.
1819માં ‘ધ માસ્ક ઑવ્ એનાર્કી’, ‘ઑડ ટુ ધ વેસ્ટ વિન્ડ’, ‘પીટર બેલ’ લખાયાં. 1820માં ‘ટુ લિબર્ટી’ અને ‘ટુ નેપલ્સ’ રચાયાં. આ જ અરસામાં ‘લેટર ટુ મારિયા ગિસ્બૉર્ન’ અને ‘પિચ ઑવ્ એટ્લાસ’ પ્રસિદ્ધ થયાં. આમાંનું છેલ્લું ‘ઓટાવા રિમા’ છંદમાં 78 કડીઓમાં લખાયું છે. આમાં વિચ એપૉલોની પુત્રી કાવ્ય અને મસ્તી-તોફાનની દેવી છે. ‘યન્ગ પાર્સન રિચર્ડ્ઝ’, ‘સૉન્ગ ટુ ધ મૅન ઑવ્ ઇંગ્લૅન્ડ’ અને ‘સૉનેટ : ઇંગ્લૅન્ડ 1819’ કવિનાં અન્ય સર્જનો છે. આમાં ‘ટુ અ સ્કાયલાર્ક’ અને ‘ધ ક્લાઉડ’નું સ્થાન તેમનાં ઉત્તમ ઊર્મિકાવ્યોમાં છે. ‘ધ સેન્સી’ પદ્યનાટક છે. રોમના ઉમરાવ ફ્રાન્સેસ્કો સેન્સીની પુત્રી બિયેટ્રિસે પોતાના પિતાનું 1599માં રોમ શહેરમાં ખૂન કરેલું તે હકીકત આ નાટકમાં રજૂ થઈ છે. અહીં શેક્સપિયરની સ્પષ્ટ અસર દેખાય છે. જોકે આ કૃતિઓ ઇંગ્લૅન્ડમાં પ્રસિદ્ધ થઈ નહિ તે વાતનું શેલીને દુ:ખ હતું. કવિનો એકમાત્ર આનંદ તે આ અરસામાં જન્મેલો પુત્ર પર્સી ફ્લોરેન્સ હતો.
‘અ ફિલોસૉફિકલ વ્યૂ ઑવ્ રિફૉર્મ’ (1820), ‘એસે ઑન ધ ડેવિલ’ અને ‘ડિફેન્સ ઑવ્ પોઇટ્રી’ (1821) કવિનાં ગદ્યલખાણો છે. મૂળ તો પોતાના મિત્ર પીકૉકના ‘ધ ફોર એજીઝ ઑવ્ પોઇટ્રી’ની દલીલોનું અહીં ખંડન થયું છે. આમાં ગ્રીસ અને યુરોપના સાહિત્યની પશ્ચાદ્ભૂમિકામાં કાવ્ય અને પ્રેરણા વિશે શેલીએ પોતાના મૌલિક વિચારો પ્રગટ કર્યા છે. કાવ્યનો સીધો સંબંધ સામાજિક સ્વાતંત્ર્ય અને પ્રેમ સાથે છે તેમ કહી સાચી કવિતાને જીવનની કવિતા કહી બિરદાવે છે. અંતે કવિઓ વિશેનું તેમનું દર્શન ‘પોએટ્સ આર ધી અનએક્નૉ-લેજ્ડ લેજિસ્લેટર્સ ઑવ્ ધ વર્લ્ડ’ની અભિવ્યક્તિમાં પરિણમે છે. ‘ધ ટુ સ્પિરિટ્સ’, ‘ટુ ધ મૂન’, ‘ધી ઍઝિયોલા’ અને ‘ઇવનિંગ : પોન્ટ અલ મેર પિસા’ નોંધપાત્ર કાવ્યો છે.
‘એડોનેસ’ (1921) પોતાના મિત્ર કીટ્સના અકાળ અવસાન નિમિત્તે 55 સ્પેન્સેરિયન કડીઓમાં લખાયેલું દીર્ઘ કરુણપ્રશસ્તિ (elegy) કાવ્ય છે. એડોનેસ સૌન્દર્ય અને ફળદ્રૂપતાનો દેવ કીટ્સ પોતે જ છે. કીટ્સના મૃત્યુ નિમિત્તે શેલીએ પોતાની લાગણીઓને વ્યક્ત કરી છે. અંતિમ પંક્તિ ‘ઇટ્સ ડેથ ધૅટ ઇઝ ડેડ, નૉટ હી’માં કવિ નરસિંહરાવ દિવેટિયાની ‘મૃત્યુ મરી ગયું રે લોલ’નું સ્મરણ થાય છે. ‘એપિસાઇચિડિયોન’ (1821) પિસામાં લખાયું. પૂર્ણ સૌન્દર્યની શોધમાં શેલીએ પત્નીઓ, રક્ષિતો અને સ્ત્રીજાતિની પાછળ વર્ષો વિતાવ્યાં. આમાં હેરિયેટ વેસ્ટબ્રૂક, મેરી શેલી, ક્લેર ક્લેરમન્ટ અને એમિલિયા વિવિયાનીનાં નામ ગણાવી શકાય. આ કાવ્યમાં ચીલાચાલુ લગ્ન પરત્વે શેલીએ ટીકાત્મક પ્રહાર કર્યો છે. અહીં મુક્ત પ્રેમની વાત છે. સ્પેન્સરના લગ્નગીત ‘એપિથાલેમિયમ’ને શેલીએ પોતાના કટાક્ષનું નિમિત્ત બનાવ્યું છે.
1821માં લી હન્ટ, ટ્રેલૉની વગેરે સાથે ‘ધ લિબરલ’ સામયિક શરૂ કર્યું. ‘હેલાસ’ (1822) શેલીના જીવનમાં સૌથી છેલ્લું પ્રકાશન છે. આ પદ્યનાટકમાં ગ્રીસના તુર્કો સામેના સ્વાતંત્ર્યવિગ્રહની વાત છે. આમાં ક્રાઇસ્ટ, મહમ્મદ પયગંબર અને યહૂદી અહાસ્યુરસનાં પાત્રો છે. આમાં આવતાં કોરસમાં ‘ધ વર્લ્ડ્ઝ ગ્રેટ એજ બિગિન્સ અ ન્યૂ’ પંક્તિવાળું ઊર્મિગીત પણ આવે છે. આ કાવ્ય માટે શેલીએ લખેલું પુરોવચન (preface), રાજકીય સ્વાતંત્ર્યની પછવાડે શેલીનો ગ્રીસ પ્રત્યેનો અહોભાવ (philhellenism) ‘વી આર ઑલ ગ્રીક્સ’ કથનમાં દૃષ્ટિગોચર થાય છે.
1822માં મૅરીની કસુવાવડ, બાળકી એલેગ્રાનું અકાળે અવસાન, ક્લેરાનો ક્રોધાગ્નિ અને દરિયામાં જોયેલા બાળકનો આત્મા વગેરેથી કવિ હચમચી ઊઠેલા. ‘ધ ટ્રાયમ્ફ ઑવ્ લાઇફ’ (1822) કવિનું અધૂરું રહેલું ટર્ઝા રિમા છંદમાં લખાયેલું કાવ્ય છે. જીવનના રથમાં, પ્લૅટો, ઍલેક્ઝાન્ડર કે નેપોલિયન જેવા મહાન માણસોનાં સ્વપ્ન અને આદર્શના ચૂરેચૂરા ઉડાવી દેતી જિંદગી ખરેખર ભયંકર છે. વૃદ્ધાવસ્થાના આગમનના વિષાદનું એમાં કલાત્મક વર્ણન છે. આમાં રૂસોનો આત્મા, મહાકવિ દાન્તેને જેમ વર્જિલની જેમ કવિ શેલીને દોરે છે. આ કાવ્યમાં દરિયાનાં અનેક પ્રતીકો છે. 1822ના ઑગસ્ટમાં શેલી દરિયામાં તેમના મિત્ર એડવર્ડ વિલિયમ સાથે એક હોડી(yacht)માં તણાઈ જાય છે.
શેલી શિષ્ટ ગ્રંથોના, તત્વજ્ઞાન અને વિજ્ઞાન વિષયના મહાન વાચક હતા. તેમણે ગ્રીક, લૅટિન, સ્પૅનિશ અને જર્મન ભાષાઓમાંથી અનુવાદો કર્યા છે. જોકે અંગ્રેજ રોમૅન્ટિક કવિઓમાં શેલીનું નામ અમર, આશાવાદ અને વધારે સુંદર દુનિયાની શ્રદ્ધા માટે યાદગાર રહ્યું છે. 1964માં એફ. એલ. જોન્સે બે ગ્રંથોમાં તેમના પત્રોનું સંપાદન કર્યું છે. કે. એન. કેમરોનનું ‘યંગ શેલી : જેનિસિસ ઑવ્ અ રેડિકલ’ (1951) અને ‘શેલી : ધ ગોલ્ડન યર્સ’ (1974) નોંધપાત્ર ગ્રંથો છે. હેરોલ્ડ બ્લૂમ (1959), નેવિલ રોજર્સ (1967), જ્યુડિથ ચેરનેક (1972), ટિમોથી વેબ (1976) અને પી. એમ. ડાઉસન (1980) વગેરેએ શેલી વિશે આધુનિક વિવેચનાત્મક ગ્રંથો આપ્યા છે. ટિમોથી વેબે શેલીનાં કાવ્યોનું સરસ સંપાદન 1977માં કરી આપ્યું છે. ટ્રેલોની, પીકોક અને હૉગે શેલી સાથેનાં સંસ્મરણો લખ્યાં છે. મૅરી શેલીએ ‘નોટ્સ’ લખી છે તે શેલીની ઑક્સફર્ડ સ્ટાન્ડર્ડ આવૃત્તિમાં ‘કલેક્ટેડ પોઇમ્સ’માં છપાઈ છે. ચરિત્રલેખક આન્દ્રે મોરવાએ શેલીના જીવનકવનને સર્જનાત્મક રીતે ‘એરિયલ’(1935)માં પ્રસિદ્ધ કર્યું છે.
વિ. પ્ર. ત્રિવેદી