શૅરબજાર

શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત માન્ય, સુસંગઠિત, સ્વાયત્ત સંસ્થા. તેનો હેતુ શૅરો અને જામીનગીરીઓના વ્યવસાયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને રોકાણકારો વચ્ચે કડીરૂપ બની તેના વિનિમય તથા હસ્તાંતર માટે યોગ્ય ભૂમિકા અને સુવિધા પૂરી પાડવાનો છે. તે કાર્ય માટે કેટલાંક શૅરબજારોએ જાહેર લિમિટેડ કંપનીઓ, ગૅરંટી સાથેની લિમિટેડ કંપનીઓ અને સ્વાયત્ત મંડળોની સ્થાપના કરી છે. શૅરબજાર સમાજની બચત અને ઔદ્યોગિક મૂડીરોકાણ વચ્ચે મહત્વની કડી બની નાણાંની તરલતા પૂરી પાડે છે.

ભારતમાં સૌથી વધુ પ્રવૃત્તિશીલ મનાતું મુંબઈનું શૅરબજાર

ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં રાજાઓ, સામંતો, જમીનદારો વગેરે શાહુકારો પાસેથી નાણાં ઉછીનાં લેતા હતા, ત્યારબાદ સત્તરમી સદીમાં યુરોપના રાજાઓએ યુદ્ધસામગ્રી અને સામાજિક વિકાસનાં કાર્યો માટે જનતા પાસેથી ઋણ લેવાનો પ્રારંભ કર્યો હતો. આ પ્રથા પ્રચલિત બનતાં અને ઋણ આપનાર શાહુકારોને નાણાંની જરૂરિયાત મહેસૂસ થતાં તેઓ મૂડીરોકાણ પરત મેળવવાની આકાંક્ષા રાખતા હતા; પરંતુ તે માટે પ્રથમ મૂડીરોકાણની માલિકી પુરવાર કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. તેથી રાજાઓ અને ઉદ્યોગોએ ઋણના બદલામાં જામીનગીરી પ્રમાણપત્રો પ્રસ્તુત કરવાની પ્રથાનો આરંભ કર્યો હતો. આવાં પ્રમાણપત્રોના વિનિમયમાં દલાલો પ્રવૃત્ત થયા હતા; પરંતુ તે માટે યોગ્ય ફલક અને વ્યવસ્થાપનની આવશ્યકતા હતી. તેથી ઈ. સ. 1773માં કેટલાક શૅરદલાલોએ હાલના લંડનના શૅરબજાર નજદીક એક કૉફીગૃહમાં જામીનગીરીઓના વિનિમય માટે નિયમિત મળી કૉફીગૃહ શૅરબજારનો આરંભ કર્યો હતો. ઈ. સ. 1802માં તે જ સ્થળે લંડનનું શૅરબજાર બાંધવામાં આવ્યું હતું. આ અરસામાં ન્યૂયૉર્કના વૉલ સ્ટ્રીટમાં અને યુરોપના સઘળા દેશોમાં ક્રમશ: શૅરબજારોની સ્થાપના કરવામાં આવી હતી.

ભારતમાં શૅરબજારનો આરંભ અઢારમી સદીના ઉત્તરાર્ધમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શૅરોની તબદીલીથી થયો હતો. ઈ. સ. 1830 સુધીમાં કાપડની મિલોની સ્થાપના અને આર્થિક વિકાસને વેગ આપવા જનતા પાસેથી લીધેલ ઋણના બદલામાં આપવામાં આવેલ શૅરોના વિનિમય માટે મુંબઈ, અમદાવાદ અને કોલકાતામાં અનૌપચારિક શૅરબજારોનો આરંભ થયો હતો. 1875માં મુંબઈમાં સ્વદેશી શૅર અને શૅરદલાલોના મંડળ(Native Share and Shareholder’s Association)ની સ્થાપના થઈ હતી. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિપુલ સંખ્યામાં સંગઠિત કંપનીઓની સ્થાપના સાથે શૅરો પ્રસ્તુત થતાં ચેન્નાઈ, દિલ્હી, નાગપુર, કાનપુર, હૈદરાબાદ અને બૅંગલોરમાં પણ શૅરબજારો શરૂ થયાં હતાં. આ સઘળાં શૅરબજારો શૅરદલાલો દ્વારા સંચાલિત સ્વાયત્ત સંસ્થાઓ હતી. તેના પર કાયદાનું કોઈ પણ નિયંત્રણ ન હતું. તેમની પ્રવૃત્તિઓ મહદંશે સટ્ટાલક્ષી રહેતી હતી. તેથી ઈ. સ. 1925માં મુંબઈ રાજ્યમાં શૅરો અને જામીનગીરીઓના વિનિમયને સુવ્યવસ્થિત તેમજ નિયંત્રિત કરી તેના પર અંકુશ રાખવા માટે મુંબઈ જામીનગીરી નિયંત્રણ કરાર કાયદો (Bombay Securities Contract Act) અમલમાં મૂકવામાં આવ્યો હતો; પરંતુ તે નિયંત્રણ રાખવામાં અસફળ નીવડ્યો હતો.

ઈ. સ. 1951માં એ. ડી. ગોરવાલાના અધ્યક્ષપદ નીચે નિમાયેલ કમિટીનાં સૂચનોને અનુલક્ષીને ભારત સરકારના નાણાકીય ખાતાના શૅરબજાર વિભાગ હેઠળ શૅરબજારોની કાર્યવહી પર દેખરેખ રાખવા જામીનગીરી કરાર નિયંત્રણ ધારો 1956 (Securities Contract Regulation Act 1956) ઘડવામાં આવ્યો હતો. તેનો હેતુ (1) દેશનાં વિવિધ શૅરબજારોના બંધારણને માન્યતા અને તેમની કાર્યવહીનું નિયંત્રણ, (2) શૅરો તથા જામીનગીરીઓના કરારોને માન્યતા તેમજ સોદાઓમાં વિકલ્પની વ્યવસ્થા, (3) જાહેર કંપનીઓના શૅરો તથા જામીનગીરીઓની ફરજિયાત નોંધણી અને (4) શૅરો, જામીનગીરીઓ, ડિબેન્ચરો વગેરેની ફાળવણી તેમજ તબદીલી માટે મુક્ત વ્યવસ્થાપનનું આયોજન કરી તેના પર નિયંત્રણ રાખવાનો હતો. તેના અમલ માટે કેન્દ્ર સરકારે જામીનગીરી કરારો(નિયમો, 1957)નું જાહેરનામું બહાર પાડ્યું હતું, જે સઘળાં શૅરબજારોને લાગુ પડતું હતું. તેનું કાર્ય શૅરબજારોની કાર્યપ્રણાલીને ઉચિત, પારદર્શક અને સફળ બનાવી તેની ગુણવત્તા સુધારવાનું હતું. વળી શૅરદલાલો દ્વારા થતા સોદાઓનું નિયંત્રણ કરી અનિચ્છનીય સટ્ટાબાજી રોકવાનું અને શૅરબજારોની બહાર થતા સોદાઓને નિરુત્સાહ કરવાનું હતું. આ કાયદો પણ શૅરબજારો પર અંકુશ રાખવામાં અસફળ નીવડ્યો હતો.

શૅરો અને જામીનગીરીઓના ભાવોની અસ્પષ્ટતા, છદ્માવરણ (camouflage), સોદાની રકમની અનિયમિત ચુકવણી, બનાવટી સહીઓની સહાયથી શૅરોની તબદીલી, સટ્ટાગીરી વગેરેને કારણે રોકાણકારોનાં હિતોની વારંવાર અવજ્ઞા થતી રહી હતી; તેથી કેન્દ્ર સરકારે 1985માં શ્રી જી. એસ. પટેલ કમિટી, 1991માં શ્રી ફેરવાણી કમિટી અને 1995માં ફરીથી શ્રી જી. એસ. પટેલ કમિટીની નિમણૂકો કરી શૅરબજારોના ઉચિત અને પારદર્શક વ્યવહાર માટે સૂચનો આવકાર્યાં હતા. કમિટીની ભલામણોને અનુલક્ષીને 12 એપ્રિલ, 1988ના દિવસે કેન્દ્ર સરકારે ભારતીય જામીનગીરી નિયંત્રણ મંડળ(Securities and Exchange Board of India – SEBI)ની સ્થાપના કરી હતી. 4 એપ્રિલ, 1992ના રોજ તેને કાયદાકીય સ્વરૂપ બક્ષી શૅરબજારોની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ અને અંકુશ રાખવાની સત્તા આપવામાં આવી હતી. તેનું સંચાલન ચૅરમૅન, કેન્દ્ર સરકારના નાણાખાતાના, કાયદા ખાતા તથા રિઝર્વ બૅંકના પ્રતિનિધિઓ અને બીજા બે નિમાયેલ સભ્યોના મંડળને સોંપવામાં આવ્યું હતું. તેનું ધ્યેય શૅરબજારોનો વિકાસ તેમજ નિયમન અને નિયંત્રણ દ્વારા રોકાણકારોનાં હિતોની રક્ષા કરવાનું હતું. તેનું કાર્ય શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત સંસ્થાઓ અને વ્યક્તિઓ જેવી કે શૅરદલાલો, બૅંકરો, નાણાકીય સંસ્થાઓ, પારસ્પરિક ભંડોળો, ટ્રસ્ટીમંડળો, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (Flls), ઋણપત્રોના અધિકારીઓ, જામીનગીરીના સંરક્ષકો, સાહસ-મૂડી ભંડોળો (venture capital funds), ટ્રસ્ટીમંડળો, ગૌણ દલાલો, નાણાકીય સલાહકારો વગેરેની નોંધણી કરી માન્યતા બક્ષી, શૅરબજારો અને તેની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ સઘળી પ્રવૃત્તિઓ પર અંકુશ રાખી મૂડીબજારને પ્રોત્સાહન આપવાનું હતું. આ ઉપરાંત શૅરબજારના વિનિમય તેમજ સંચાલનકાર્યોને અલગ પાડી તેમને શૅરદલાલોની પકડમાંથી મુક્ત કરવા માટે શ્રી કણિયા કમિટીનાં સૂચનોને અનુલક્ષીને સઘળાં શૅરબજારોનું અલગ સ્વાયત્ત સંસ્થાઓમાં પરિવર્તન કરવાનો 29 નવેમ્બર, 2002ના દિવસે સેબીએ નિર્ણય કર્યો હતો. તેમાં શૅરબજારના સંચાલન માટે શૅરદલાલોના (40 %થી ઓછો હિસ્સો), જનતાના તેમજ સેકરા અને સેબીના પ્રતિનિધિઓનું સંચાલન-મંડળ રચવાનું આયોજન હતું; જ્યારે તેના વહીવટ માટે પ્રમુખ, ઉપપ્રમુખ, વહીવટી અધિકારી વગેરેની નિમણૂક કરવાની વ્યવસ્થા હતી. દરેક શૅરબજારે તેનું બંધારણ, સંચાલક-મંડળની રચના, કાયદા, નિયમનો, સભ્યોની લાયકાતો, વર્ગીકરણ, સંખ્યા, કર્મચારીઓ, સંચાલકોની સત્તા અને ફરજો વગેરે માટે સેકરા તેમજ સેબીની પૂર્વમંજૂરી મેળવવી આવશ્યક છે. સેબીને તેમાં પરિવર્તન કરવાની સત્તા છે. દરેક શૅરબજારે સેબીને લવાજમ ભરી માન્યતા મેળવવી ફરજિયાત છે. વળી તેમણે તેમની પ્રવૃત્તિઓનો ઑડિટ-રિપોર્ટ તેમજ મુશ્કેલીઓ વગેરેની માહિતી સમયાંતરે સેબીને પ્રસ્તુત કરવી ફરજિયાત બની રહે છે. તેમના કાર્યથી સંતોષ ન થાય તો સેબી શૅરબજારને દંડ અથવા તેની માન્યતા રદ કરવાની સત્તા ધરાવે છે. તે સંચાલક-મંડળને બરતરફ પણ કરી શકે છે.

દેશના વિવિધ ભાગોમાં સ્થપાયેલ શૅરબજારોની કાર્યપદ્ધતિનું એકીકરણ કરવા અને તેમની વચ્ચે સંકલન સાધી રાષ્ટ્રીય સ્તર પર વિનિમયની તકો પૂરી પાડવા માટે ઑક્ટોબર, 1997માં સેબીએ આંતરસંયોજિત શૅરબજાર (Inter-Connected Stock Exchange) સ્થાપવાનું આયોજન કર્યું હતું. ભારતનાં 14 પ્રમુખ શૅરબજારો દ્વારા પુરસ્કૃત આ સંસ્થાની કંપની રચવાની વ્યવસ્થા કરવામાં આવી છે. રોકાણકારોને રાષ્ટ્રીય સ્તર પર શૅરોના અવિરત સોદાઓ માટે એક હવાલા-બૅંક(clearing bank)ની યોજના પણ વિચારણા હેઠળ છે. શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત દરેક સંસ્થા કે વ્યક્તિએ સેબી પાસે નોંધણી કરાવી માન્યતા મેળવવી આવશ્યક છે. તેવી જ રીતે શૅરો અને જામીનગીરીઓની નોંધણી રાષ્ટ્રીય સ્તર પર પ્રસ્થાપિત કરવા માટે પ્રાદેશિક શૅરબજારોના સહયોગથી એક કેન્દ્રીય નોંધણી ઑથોરિટી(Central Listing Authority)ની સ્થાપના કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેનું ધ્યેય કંપનીઓની નોંધણી માટેનાં ધોરણો નિશ્ચિત કરી, તેની ઝીણવટભરી તપાસ કરી, અયોગ્ય કંપનીઓ માટે અવરોધરૂપ બની રોકાણકારોનો વિશ્વાસ સંપાદન કરવાનું છે.

વિવિધ શૅરબજારોની કાર્યપદ્ધતિ ઉચિત, પારદર્શક અને ગતિશીલ બની રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરે તેવા સેકરા અને સેબીનાં નિયમનો વિશે માહિતગાર થયા પછી બજારમાં જેનો વિનિમય થાય છે તે શૅરો, જામીનગીરીઓ, ડિબેન્ચરો વિશે જાણકારી નીચે આપી છે :

જામીનગીરીઓ, શૅરો અને ડિબેન્ચરો : કેન્દ્ર, રાજ્યસરકારો, રિઝર્વ બૅંક ઑવ્ ઇન્ડિયા, જાહેર સંસ્થાઓ વગેરે જનતા પાસેથી લીધેલ ધિરાણ સામે ઋણ જામીનગીરીઓ (debt-securities) પ્રસ્તુત કરે છે. કંપનીઓ અને જાહેર સંસ્થાઓ શૅર પ્રસ્તુત કરે છે; જેમાં રોકાણના પ્રમાણમાં કંપનીની અસ્કામતોમાં માલિકી-હક્ક પણ પ્રદાન કરવામાં આવે છે, જ્યારે પ્રેફરન્સ શૅરોમાં રોકાણકાર ઋણ-દાતા તેમજ માલિકીના હક્કો ભોગવે છે. ડિબેન્ચરો નિશ્ચિત સમય માટે નિશ્ચિત વ્યાજદર સાથે લીધેલ ઋણનો સ્વીકાર છે. વિવિધ પ્રકારનાં ડિબેન્ચરોની માહિતી નીચે સંક્ષિપ્તમાં આપી છે :

(1) સહભાગી ડિબેન્ચર (participating debenture) કંપનીના નફામાં હક્ક ધરાવતી અરક્ષિત જામીનગીરીઓ છે. (2) વિકલ્પસહિત પરિવર્તનીય ડિબેન્ચરો (convertible debenture with options) વ્યુત્પાદિત પરિવર્તનીય જામીનગીરીઓ છે, જેમાં રોકાણકાર કે કંપનીને કરારમાંથી યોગ્ય લાગે ત્યારે મુક્ત થવાનો વિકલ્પ આપવામાં આવે છે. (3) તૃતીય પક્ષ પરિવર્તનીય ડિબેન્ચર(third  party convertible debenture)માં રોકાણકારને ત્રીજી કંપનીના શૅરોમાં વિશિષ્ટ કિંમતે અથવા બજારભાવે રોકાણ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે. તેનો વ્યાજદર સામાન્ય વ્યાજદર કરતાં નીચો હોય છે. (4) પરિવર્તનીય પ્રતિદેય પ્રીમિયમ ડિબેન્ચર (convertible redeemable debenture at a premium) મૂળ કિંમતે ઇસ્યૂ કરેલ પરંતુ કંપનીને પ્રીમિયમ કિંમતે પરત કરવાના વિકલ્પ સાથે આપવામાં આવે છે.

(5) ઋણ ઇક્વિટી બદલા ડિબેન્ચરો (debt-equity swaps debenture) કંપનીએ ભવિષ્યમાં શૅરોમાં પરિવર્તન કરવાના વચન સાથે પ્રસ્તુત કરેલ હોય છે. (6) શૂન્ય કૂપન પરિવર્તનીય નોંધ(zero coupon convertible note)વાળાં ડિબેન્ચરોમાં ચઢેલ વ્યાજને જતું કરીને શૅરોમાં પરિવર્તિત કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોય છે. (7) સુરક્ષિત પ્રીમિયમ સાથેના વિયોજ્ય વૉરંટ (secured premium note with detachable warrants) 4થી 7 વર્ષના ગાળામાં વટાવી શકાય તેવાં ડિબેન્ચરોમાં ઇક્વિટી શૅરોના હક્ક મેળવવાની સવલત સાથે આપવામાં આવે છે. (8) વિયોજ્ય ઇક્વિટી શૅરોના હક્કો સાથેના અપરિવર્તનીય ડિબેન્ચરો (non-convertible debentures with detachable equity warrants) ધરાવનાર રોકાણકાર નિશ્ચિત સમયમાં નક્કી કરેલ કિંમતે ચોક્કસ આંકડાના શૅરો મેળવવા હક્કદાર બને છે. રોકાણકાર નિશ્ચિત સમયમાં તેનો લાભ ન લે તો કંપની તે શૅરો બીજાને વેચી શકે છે. (9) શૂન્ય વ્યાજ પૂર્ણ પરિવર્તનીય ડિબેન્ચરોને (zero interest fully convertible debentures) નિશ્ચિત સમયે ફરજિયાત ઇક્વિટી શૅરોમાં પરિવર્તિત કરવામાં આવે છે. (10) સુરક્ષિત શૂન્ય વ્યાજ આંશિક પરિવર્તનીય વેચાણકારક ડિબેન્ચરો (secured zero interest partly convertible debentures with detachable and separate tradeable warrants) બે વિભાગમાં પ્રસ્તુત કરવામાં આવે છે : એક વિભાગમાં નિશ્ચિત સમયે અને કિંમતે તેની સામે ઇક્વિટી શૅરો આપવામાં આવે છે; જ્યારે બીજા ભાગમાં નિશ્ચિત સમયે રોકાણકારોને તેમની મૂડી પરત કરવામાં આવે છે. (11) પૂર્ણ પરિવર્તનીય વ્યાજના વિકલ્પ સાથેનાં ડિબેન્ચરો(fully convertible debentures with optional interest)માં નિશ્ચિત કરેલ સમય દરમિયાન કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પરંતુ તે સમય બાદ રોકાણકારોને પ્રીમિયમ ઇક્વિટી શૅરો વધારાની કિંમત આપ્યા સિવાય આપવામાં આવે છે. પહેલા પરિવર્તનીય સમયથી બીજા પરિવર્તનીય સમય સુધીના ગાળા માટે નિશ્ચિત દરે વ્યાજ અથવા ઇક્વિટી શૅરો આપવામાં આવે છે.

પ્રેફરન્સ અને ઇક્વિટી શૅરો : પ્રેફરન્સ (preferance) શૅરો સામાન્ય ઇક્વિટી શૅરોની સરખામણીમાં અગ્રાધિકાર ભોગવે છે. તેમાં રોકાણકારને નિશ્ચિત ડિવિડન્ડ આપવામાં આવે છે. તેનો ડિવિડન્ડ તેમજ કંપની સમેટી લેવાની પરિસ્થિતિમાં પહેલો હક્ક હોય છે. (1) સંચયી (cumulative) પ્રેફરન્સ શૅરોમાં કોઈ વર્ષમાં કંપનીએ નફો ન કર્યો હોય તો બાકી રહેલ નિશ્ચિત ડિવિડન્ડ બીજા વર્ષ સુધી મુલતવી રાખી કંપની નફો રળે ત્યારે સાગમટે ચૂકવવામાં આવે છે. (2) બિનસંચયી (non-cumulative) પ્રેફરન્સ શૅરોમાં નફો થાય તો જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. (3) પ્રતિદેય પ્રેફરન્સ શૅરો- (redeemable preferance shares)માં કંપની કાયદા અનુસાર મૂડી પરત કરવાની અવધિ મહત્તમ 20 વર્ષની રાખી શકાય છે. દરેક કંપની પોતાને અનુકૂળ સમયગાળો નિશ્ચિત કરી શકે છે. પૂર્ણ ભરાયેલ પ્રેફરન્સ શૅરોનું જ મૂડીરોકાણ પરત કરવામાં આવે છે. તેને કંપનીની શૅરમૂડીના એક ભાગ રૂપે સ્વીકારવામાં આવે છે. (4) પૂર્ણ પરિવર્તનીય સંચયી પ્રેફરન્સ શૅરો(fully convertible cumulative preferance shares)માં એક ભાગનું શૅરોની ફાળવણી થતાં જ ઇક્વિટી શૅરોમાં પરિવર્તન કરવામાં આવે છે, જ્યારે બીજા ભાગનું નિશ્ચિત સમય પૂરો થયે ઇક્વિટી શૅરોમાં પરિવર્તન કરવામાં આવે છે, જેની કિંમત ઇક્વિટી શૅરોના છેલ્લા છ મહિનાની સરેરાશ કિંમત કરતાં 30 ટકા ઓછી રાખવામાં આવે છે; જ્યારે નિશ્ચિત કરેલ ડિવિડન્ડ શૅરના અપરિવર્તનીય ભાગ પર જ આપવામાં આવે છે. (5) અધિકારપત્રો સહિતના પ્રેફરન્સ શૅરો (preferance share with warrants attached) સાથે સહાયરૂપ કિંમતે (at subsidised price) ત્રીજા અને પાંચમા વર્ષના સમયગાળામાં ઇક્વિટી શૅરો માટે અરજી કરવાનો અધિકાર આપવામાં આવે છે. રોકાણકાર સમયસર અરજી કરવામાં નિષ્ફળ જાય તો ઇક્વિટી શૅરો મેળવવા હક્કદાર રહેતો નથી. આ પ્રેફરન્સ શૅરોની તબદીલી થઈ શકતી નથી; પરંતુ તે ઇક્વિટી શૅરોના સઘળા હક્કો ભોગવે છે.

ઇક્વિટી શૅરો (Equity Shares) રોકાણકારને કંપનીની અસ્કામતોમાં મૂડીરોકાણના પ્રમાણમાં માલિકી-હક્ક બક્ષે છે. પ્રેફરન્સ શૅરો અને જામીનગીરીઓની સરખામણીમાં તેને કંપનીની અસ્કામતો તથા નફામાં નિમ્નતમ પ્રાથમિકતા આપવામાં આવે છે; પરંતુ તેને માટે ડિવિડન્ડ રળવાની અને શૅરભાવમાં વૃદ્ધિ માટે અસીમ તકો રહેલી હોય છે. કંપનીના ઠરાવો પર મત આપવાનો તેમનો અધિકાર હોય છે. શૅરોના પ્રમાણપત્ર પર રોકાણકાર ડિવિડન્ડ, હક્કના શૅરો, બોનસશૅરો વગેરે માટે હક્કદાર બને છે.

પ્રારંભિક બજાર (Primary market) : જાહેર સંસ્થાઓ અને વિવિધ સંગઠનો તેમની પરિયોજના માટે આવશ્યક મૂડી આકર્ષવા જનતા સમક્ષ શૅરો, ડિબેન્ચરો, બૉન્ડ વગેરે પ્રથમ વાર પ્રસ્તુત કરે તે પ્રારંભિક શૅર તરીકે ઓળખાય છે. જનતા સમક્ષ પ્રસ્તુત થતાં પહેલાં કંપનીએ કંપની કાયદા મંડળ (Company Law Board) તેમજ સેબીની પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત છે. તે માટે કંપનીના સંચાલકોએ સેબીને કંપનીની પરિયોજનાની વિગતવાર માહિતી, સંચાલકો વિશે માહિતી, યોજનાની નફાકારકતા, કંપનીમાં પુરસ્કર્તાઓનો ફાળો, સંસ્થાકીય રોકાણકારોનું મૂડીરોકાણ તેમજ નિષ્ણાતોના અભિપ્રાયો, જનતા પાસેથી અપેક્ષિત ભરણાંની માહિતી વગેરે પ્રસ્તુત કરી તેની મંજૂરી મેળવવી આવશ્યક છે. આ ઉપરાંત ઇસ્યૂની દરખાસ્તનું સંચાલન કરનાર સેબી માન્ય વ્યાપારી બૅંકર, તેના અગ્રસંચાલકો, વિવિધ વિતરણ-કેન્દ્રો, તેમાં સક્રિય થનાર શૅરદલાલોની કંપનીઓ, પ્રારંભિક ખર્ચની વિગતો, શૅરોના વેચાણની બાંયધરી, ઇસ્યૂ પ્રસ્તુત કરવાની તથા બંધ થવાની તારીખો, શૅરફાળવણીની પદ્ધતિ વગેરે સેબી સમક્ષ પ્રસ્તુત કરી તેની પૂર્વમંજૂરી મેળવવી ફરજિયાત બની રહે છે. કંપનીના માહિતીપત્ર(prospectus)માં આ સઘળી માહિતી આપવી ફરજિયાત છે. 1994માં સેબીએ કરેલ માર્ગદર્શન અનુસાર પ્રસ્તુત કરવામાં આવનાર કુલ શૅરોની કિંમતના 20 % પારસ્પરિક ભંડોળો, 24 % વિદેશી સંસ્થાકીય રોકાણકારો, 20 % નાણાકીય સંસ્થાઓ અને કર્મચારીઓ માટે 10 % ફાળવણી કરી શકાય છે; જ્યારે જાહેર જનતા માટે 25 % શૅરો અનામત રાખવામાં આવે છે. ક્વચિત્ વ્યાપારી બૅંકો, ઇસ્યૂના પ્રયોજકો વગેરેને કંપની સાથે થયેલ સમજૂતી અનુસાર મહત્તમ શૅરો સંસ્થાઓ ખરીદી લે છે, જે કંપનીને જાહેર ઇસ્યૂ માટે કરવા પડતા ગણનાપાત્ર ખર્ચમાં બચત કરી આવશ્યક મૂડી કિફાયત ખર્ચે ઝડપથી મેળવી આપે છે. વિશેષ કરીને નાની કંપનીઓ માટે આ વ્યવસ્થા આવકારદાયક બની રહે છે.

ગૌણ બજાર (Secondary Market) : ઉપર દર્શાવેલ પ્રારંભિક કે પ્રાથમિક ઇસ્યૂમાં શૅરદલાલો કે તેમની સંસ્થાઓ કંપનીનું શૅરભરણું આકર્ષવા માટે તેમના ગ્રાહકોને પ્રોત્સાહિત કરી તેમની દલાલી રળે છે; પરંતુ સામાન્ય અર્થમાં જેને શૅરબજાર તરીકે ઓળખવામાં આવે છે તેનું મુખ્ય કાર્ય વિદ્યમાન શૅરો, ડિબેન્ચરો તેમજ જામીનગીરીઓનાં વિનિમયનું છે; જેમાં રોકાણકારો અને શૅરધારકો ખરીદ-વેચાણ કરી શકે છે.

સેબીના કાયદા અનુસાર શૅરબજાર વ્યક્તિઓ દ્વારા રચવામાં આવેલ સંસ્થાપિત કે બિનસંસ્થાપિત સ્વાયત્ત લિમિટેડ સંસ્થા કે સભ્યોનું મંડળ છે. તેનું કાર્ય શૅરો અને જામીનગીરીઓના વિનિમયમાં નિયમન અને નિયંત્રણો દ્વારા રોકાણકારોનું હિત જાળવવાનું છે. દરેક શૅરબજારે કંપની કાયદા 1956, આવકવેરા કાયદો 1961 અને વિદેશી મુદ્રા વ્યવસ્થાપન કાયદો 1999ના અધિનિયમો હેઠળ કાર્ય કરવું આવશ્યક છે.

શૅરબજાર રોકાણકારોને મુક્ત રીતે શૅરોના સોદા કરવા માટે વ્યવસ્થિત બજારની ભૂમિકા પૂરી પાડે છે. વિશાળ સંખ્યામાં ખરીદનારા અને વેચનારાની હાજરીમાં શૅરોની હરાજી ખરીદ-વેચાણના સિદ્ધાંતો અનુસાર વાજબી ભાવની ખાતરી પૂરી પાડે છે. વળી નવીન શૅરો માટે મૂડી આકર્ષવા વિકાસશીલ બજાર સક્રિય ભાગ ભજવે છે. સક્રિય અને સક્ષમ શૅરબજાર મૂડીરોકાણની તકો તેમજ સંગઠનોને મૂડી આકર્ષવા માટે યોગ્ય ભૂમિકા પૂરી પાડે છે.

શૅરદલાલો : શૅરોના વિનિમયમાં પ્રવૃત્ત વ્યક્તિ, કંપની કે સંસ્થાએ શૅરોની દલાલી કરવા માટે સેબી તેમજ માન્ય શૅરબજારમાં નોંધણી કરાવી તેની માન્યતા મેળવવી આવશ્યક છે. શૅરદલાલે કુશળતા, ઇમાનદારી, ગતિશીલતા, ઔચિત્ય, કાળજી અને મહેનતથી વ્યવસાય કરી રોકાણકારના હિતમાં સક્રિય રહેવું જોઈએ. વળી ચાલાકી, અપ્રામાણિકતા, છેતરપિંડી અને અફવાઓ ફેલાવવાથી દૂર રહેવું જરૂરી છે. સેબીનાં તેમજ શૅરબજારનાં નિયમનોને આધીન રહીને ગ્રાહકોને સંતોષકારક સેવા પ્રદાન કરવાની તેમની ફરજ બની રહે છે. વળી ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ કરી નિશ્ચિત સમયમાં તે માહિતી સેબીને પ્રસ્તુત કરવી આવશ્યક બને છે. દરેક શૅરદલાલે પોતાની તેમજ ગ્રાહકની મૂડી માટે અલગ અલગ બૅંક ખાતાં રાખવાં ફરજિયાત છે. તેવી જ રીતે શૅરબજારે નક્કી કરેલ નિશ્ચિત સમયમાં સોદાની ચુકવણી કે શૅરોની સોંપણી કરવી જરૂરી છે. શૅરદલાલે સેબી તેમજ જે શૅરબજાર સાથે નોંધાયેલ હોય તે સંસ્થાને નિયમિત નોંધણી-ફી અને લવાજમ ભરવું આવશ્યક છે.

ગૌણ શૅરદલાલો (sub-brokers) : શૅરદલાલના પ્રતિનિધિરૂપ બની સેબીનું પ્રમાણપત્ર મેળવી વ્યવસાય કરી શકે છે. પરંતુ તેઓ શૅરબજારનું સભ્યપદ મેળવવાની લાયકાત ધરાવતા નથી. સેબીને યોગ્ય લાગે ત્યારે તેમના વહીવટ તેમજ હિસાબોની તપાસ કરાવી શકે છે. અપ્રામાણિક કે વાંધાજનક સોદાઓમાં સેબી તેમને દંડ કરી શકે છે અથવા તેમની માન્યતા પણ રદ કરી શકે છે. તાજેતરમાં સેબીએ ગૌણ શૅરદલાલોને દલાલીના વ્યવસાયમાંથી બાકાત રાખવાની જાહેરાત કરી છે.

ગોપનીય માહિતી દ્વારા વ્યાપાર (insider trading) : ક્વચિત્ શૅરદલાલો કંપનીના સંચાલકો કે હોદ્દેદારો સાથેના અંગત સંબંધોને પરિણામે મેળવેલી કંપનીની સંવેદનશીલ ગોપનીય માહિતી(જેવી કે નફો, ડિવિડન્ડ, બોનસ, નવા શૅરો, નવીન સાહસ વગેરે)નો ઉપયોગ શૅરબજારમાં અંગત અનુચિત લાભ મેળવવા માટે કરે છે અથવા તો તે માહિતી બીજાને આપે છે; જેને પરિણામે દલાલને અનુચિત લાભ અને બીજાને નુકસાન થાય છે. આવી ગોપનીય માહિતીના ઉપયોગને ડામવા અથવા તેવું કરનારને નિરુત્સાહી કરવા માટે સેબીએ સંવેદનશીલ ગોપનીય માહિતીના ઉપયોગ કે તેનું પ્રસારણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવી પ્રવૃત્તિમાં સંડોવાયેલ દલાલ સામે ફરિયાદ મળતાં સેબી અનુચિત રીતે મેળવેલ લાભ પર પ્રતિબંધ લાદી શકે છે તેમજ તે માહિતી બીજાને ન આપવા સૂચના આપી શકે છે. સેબી કસૂરવાર વ્યક્તિને રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ કે સજા પણ કરાવી શકે છે.

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કાર્યરત શૅરદલાલોથી ધમધમતું શૅરબજાર (ન્યૂયૉર્ક)

શૅરબજારની કાર્યપદ્ધતિ : શૅરબજારમાં ભાવોની વૃદ્ધિની અપેક્ષા રાખનાર દલાલો તેજીવાળા કે ખરીદનાર તરીકે અને ઘટાડાની અપેક્ષા રાખનાર મંદીવાળા અથવા વેચાણકાર તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે શૅરોના સોદા હરાજી તેમજ ખરીદ-વેચાણ પદ્ધતિથી કરવામાં આવે છે.

(1) હરાજી પદ્ધતિમાં એક વિશિષ્ટ દલાલ (market-maker or jobber) એક વર્તુળ(ring)માં ગોઠવાયેલા શૅરદલાલોની વચમાં મેજ પર ઊભો રહી શૅરોના ખરીદ-વેચાણના મૌખિક બોલાતા ભાવો સાંભળે છે. તેમાંથી ખરીદી અને વેચાણ કરનારના સમકક્ષ ભાવોની સરખામણી કરી સોદા પાકા કરવામાં આવે છે. શૅરદલાલોની આ પરસ્પર સમજૂતીઓમાં બીજા દલાલો પ્રવૃત્ત થતા નથી. આવશ્યકતા જણાય તો વિશિષ્ટ દલાલો ભાવો નક્કી કરવામાં સહાયરૂપ બની શકે છે. કેટલાક દલાલો તેમની પસંદગીના સોદામાં જ પ્રવૃત્ત રહે છે. તેમને તે શૅરોના વિશિષ્ટ દલાલ તરીકે ઓળખવામાં આવે છે. તેમનું કાર્ય પસંદગીના શૅરોના ખરીદ તેમજ વેચાણ બંનેના ભાવો પ્રસ્તુત કરી શક્ય તેટલા ઊંચા ભાવે મહત્તમ સંખ્યામાં શૅરોના વેચાણ માટેની ભૂમિકા તૈયાર કરવાનું હોય છે. તેમને સાચા અર્થમાં વ્યાવસાયિક વેચાણકાર (market-maker) કહી શકાય. શૅરોના ભાવોના ગાળા(margin)નાં નિયમનો તેમને લાગુ પડતાં નથી. રાષ્ટ્રીય શૅરબજાર, મુંબઈ શૅરબજાર વગેરેમાં કમ્પ્યૂટર પર અવિરત ભાવો દ્વારા સરળતાથી સોદા કરવાની પદ્ધતિ દાખલ થતાં હરાજી પદ્ધતિ ક્રમશ: નામશેષ થઈ જાય તો નવાઈ પામવા જેવું નથી.

(2) ખરીદ-વેચાણ પદ્ધતિમાં વેચનાર કે ખરીદનાર યોગ્ય લાગે તે ભાવે, સમયે અને સ્થળે શૅરો તથા જામીનગીરીઓનો વિનિમય તેમજ બીજી વ્યક્તિઓને શૅરોનું સીધું વેચાણ કરી શકે છે; પરંતુ સીધા સોદાઓમાં સમયસર નાણાંની ચુકવણી કે શૅરોની સોંપણી ન થવાનો અંદેશો રહે છે; જ્યારે શૅરબજાર દ્વારા થતા સોદાઓમાં શૅરબજારની પદ્ધતિ જ કસૂરવાર દલાલો સામે ગૅરંટી આપે છે; પરંતુ આ પ્રથા બજારને પ્રોત્સાહિત કરવા માટે પૂરતી નથી; તેથી સેબી બજારને પ્રોત્સાહિત કરનાર મુકાદમો(market-maker)ની પ્રથાને પ્રોત્સાહન આપવા ઉત્સુક છે. તેને માટે મુંબઈ શૅરબજારમાં નોંધાયેલ ન હોય તેવી 500 કંપનીઓના શૅરોમાંથી કોઈ પણ પાંચ કંપનીમાંથી દરેકના 30,000 શૅરો લઈને અંદાજે રૂ. બે લાખ સુધીના સોદાઓ કરવા માટે મુકાદમોને પ્રોત્સાહન આપવામાં આવે છે. દરેક શૅરમાં એક જ મુકાદમની નિમણૂક કરવામાં આવે છે. તેમને એક સોદાની પતાવટ પછી જ બીજા સોદાની મંજૂરી આપવામાં આવે છે. તેમને માટે શૅરબજારમાં ખાસ વ્યવસ્થા રાખવામાં આવે છે. આ સોદાઓમાં ભાવોનો ગાળો રાખવામાં આવતો નથી, પરંતુ મુકાદમે શૅરબજાર તેમજ સેબીના સઘળા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આવા શૅરોના બજારને પ્રોત્સાહન આપવા રિઝર્વ બકે વર્ગીકૃત બૅંકોને મુકાદમોને વિશિષ્ટ  ધિરાણ પૂરું પાડવા સૂચના આપી છે.

દેશનાં મહત્વનાં શૅરબજારો વિશેની માહિતી નીચે આપી છે :

મુંબઈ શૅરબજાર (Bombay Stock Exchange BSE) : દેશના આ સૌથી પુરાણા શૅરબજારનો આરંભ 1875માં કરવામાં આવ્યો હતો. કમ્પ્યૂટર પર સોદાપદ્ધતિનો આરંભ થયો તે પહેલાં ભારતના કુલ શૅરવિનિમયનો 75 % હિસ્સો મુંબઈ શૅરબજારનો અંદાજવામાં આવતો હતો. તેનું સંચાલન નહિ નફો નહિ ખોટના ધોરણે સભ્યો દ્વારા રચાયેલ સ્વાયત્ત મંડળ સેબીના નિયમનો અનુસાર કરે છે. તેમાં શૅરદલાલોના પ્રતિનિધિઓનો હિસ્સો 40 %થી વધુ રાખવામાં આવતો નથી. તેના સંચાલક-મંડળમાં સેકરા, સેબી તેમજ જનતાના પ્રતિનિધિઓનો સમાવેશ કરવામાં આવે છે; જ્યારે તેનો રોજબરોજનો વહીવટ એક નિમાયેલ વહીવટી નિયામક અને કર્મચારીઓ કરે છે. શૅરોના વિનિમય માટે ત્રણ વિભાગો પાડવામાં આવે છે : (1) વિશિષ્ટ શૅરવિભાગ : જે કંપનીની નિમ્નતમ નિર્ગમિત મૂડી (issued capital) રૂ. 75 કરોડ હોય, બજારમાં મૂડીરોકાણ આશરે બેથી ત્રણ ગણું હોય, જનતા પાસે રૂ. 4થી 5 કરોડના શૅરો અને ડિવિડન્ડ મેળવનાર નિમ્નતમ 20,000 શૅરધારકો હોય તેવી કંપનીના શૅરોને વિશિષ્ટ શૅરો તરીકે ઓળખવામાં આવે છે. આવી વિશાળ કંપનીઓની સંખ્યા નાની હોવા છતાં પણ શૅરબજારના કુલ વિનિમયમાં વિશિષ્ટ શૅરોનો હિસ્સો 50 %થી વધુ અંદાજવામાં આવે છે. (2) બાકી રહેલ કંપનીઓનાં ઇક્વિટી શૅરો અને ડિબેન્ચરો અને (3) વિષમ જથ્થા(odd lots)ના શૅરો, જેમાં પ્રેફરન્સ શૅરોનો પણ સમાવેશ થાય છે.

આ બજારમાં સામાન્ય રીતે ચાર પ્રકારના સોદાઓ થાય છે : (1) પ્રત્યક્ષ સોંપણી (spot delivery), જેમાં લેણદેણની તે જ દિવસે પતાવટ કરવામાં આવે છે. (2) હસ્તાંતર સોંપણી(hand delivery)માં 14 દિવસમાં સોદાની ચુકવણી અને શૅરોની સોંપણી કરવામાં આવે છે. (3) વિશિષ્ટ સોંપણી(special delivery)માં 14 દિવસ પછી વલણ ચૂકવવામાં આવે છે અને (4) શૅરોના વલણ ચૂકવવાના દફતર દ્વારા સોદાની પતાવટ કરવામાં આવે છે. ક્વચિત્ 14 દિવસનો ગાળો પરસ્પર સમજૂતીથી 90 દિવસ સુધી લંબાવી શકાય છે. તે વાયદાના સોદા તરીકે પણ પ્રચલિત છે.

ગાળો (margin) : શૅરોના વિનિમયમાં સંભાવ્ય ખોટની કાળજી લેવા માટે શૅરદલાલો પાસેથી એકત્ર કરવામાં આવેલ રકમ ગાળો કે તફાવત તરીકે પ્રચલિત છે. ગાળા ત્રણ પ્રકારના હોય છે :

દિવસ દરમિયાન વિશિષ્ટ શૅરોના પતાવટ ન થયેલ સોદાઓ પર લેવામાં આવતો તફાવત દૈનિક ગાળા તરીકે ઓળખાય છે. દિવસ દરમિયાન પતાવટ ન થયેલ સોદાઓની સરેરાશ રકમની ટકાવારી (5 %થી 25 %) અનુસાર શૅરદલાલ પાસેથી તે રકમ જમા લેવામાં આવે છે. કેટલાક વિશિષ્ટ શૅરોમાં તે ગાળો 50 % સુધીનો રાખવામાં આવે છે. તેજીવાળા બજારમાં મંદીવાળાનો ગાળો તેજીવાળા કરતાં અડધો (50 %) હોય છે, જ્યારે મંદીના બજારમાં પરિસ્થિતિ ઊલટી થઈ જાય છે. આ ગાળામાં ગ્રાહકો માટે કરેલ સોદાઓનો સમાવેશ કરવામાં આવતો નથી; પરંતુ દલાલો અને ગ્રાહકો વચ્ચે થયેલ સોદાઓ પર ગાળાની રકમ જમા કરવી આવશ્યક બને છે. ક્વચિત્ એક શૅરના સોદાના ગાળાને બીજા શૅરોના સોદાના ગાળા સાથે સમતલ કરવામાં આવે છે. સોદાની ચુકવણીમાં ઘટ વરતાય તો દલાલે 2 % રકમ જમા કરાવવી જરૂરી હોય છે. ગાળાની ચુકવણીનો સમય એક ગાળાથી બીજા ગાળા સુધી લંબાવવામાં આવે ત્યારે સોદાની રકમના ત્રણ ટકા ગાળા તરીકે ચૂકવવા પડે છે. તેજીના બજારમાં ખરીદી પર અને મંદીના બજારમાં વેચાણ પર 5 %થી 25 %નો ગાળો રાખવામાં આવે છે; જે દૈનિક ગાળા કરતાં ઓછો હોય છે. ક્ષમતા કરતાં વધુ વ્યાપાર કરનાર દલાલે આકસ્મિક ગાળો (adhoc margin) ભરવો આવશ્યક છે. મુંબઈ શૅરબજારમાં રૂ. 3 કરોડની બાકી ચુકવણી દર્શાવતા દલાલોએ તેમની નિશ્ચિત સીમાની રકમ કરતાં વધુ રકમના વિનિમય પર 10 % રકમ જમા કરાવવી આવશ્યક છે. જ્યારે ભાવોની વધુ પડતી વધઘટ(ચઢઊતર)ના સમયમાં વધારાનો આકસ્મિક ગાળો પણ એકત્ર કરવામાં આવે છે. જોકે આ રકમ ગ્રાહક પાસેથી વસૂલ કરી શકાય છે. ગણનાપાત્ર જથ્થામાં શૅરોના ભાવોમાં તીવ્ર વધઘટના સમયમાં બજારને સ્થિરતા બક્ષવા માટે બાકીની રકમની સરેરાશ ચુકવણી માટે રૂ. 3 કરોડ અને કોઈ પણ એક સમય માટે રૂ. 5 કરોડની સીમા નિશ્ચિત કરવામાં આવી છે. અસ્થિર બજારમાં ગાળાની ટકાવારીમાં પણ ફેરફાર કરવામાં આવે છે.

1995માં મુંબઈ શૅરબજારમાં દૈનિક એક લાખ સોદાઓની સરેરાશ કિંમત રૂ. 30 કરોડથી વધુ અંદાજવામાં આવી હતી. વિપુલ જથ્થામાં સોદાની પતાવટ અને શૅરોના હસ્તાંતરનું કાર્ય નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવું લગભગ અશક્ય બન્યું હતું. ક્વચિત્ એકત્રિત થયેલ કાર્યને પૂરું કરવા બજાર પણ બંધ રાખવું પડતું હતું. તેનું નિરાકરણ લાવવા માટે 19 જાન્યુઆરી, 1995ના દિવસે મુંબઈ શૅરબજારે કમ્પ્યૂટર દ્વારા અવિરત સોદાપદ્ધતિ(Bombay on line trading – BOLT)નો આરંભ કર્યો હતો. આ પદ્ધતિમાં કમ્પ્યૂટર પર 24 કલાક શૅરોના છેલ્લામાં છેલ્લા ભાવો મળી રહે છે, જે શૅરદલાલો તેમજ ગ્રાહકોને સોદા કરવા માટે ખૂબ અનુકૂળ રહે છે. તેમાં વેચનાર કે ખરીદનાર પોતાના ભાવોની દરખાસ્ત રજૂ કરી સોદો નિશ્ચિત કરે છે. આ સોદાની નોંધ તુરત જ કમ્પ્યૂટરમાં થઈ જાય છે. તે ઉપરાંત સોદાની પતાવટ કયા તબક્કામાં છે તેની પણ માહિતી કમ્પ્યૂટરમાંથી મળી રહે છે. આ ઉપરાંત કમ્પ્યૂટરમાં નોંધાયેલ દરેક કંપનીનું સંચાલન, નાણાકીય પરિસ્થિતિ  નફાકારકતા, ભવિષ્યનું આયોજન, શૅરોના ભાવોની વધઘટ, અલગ અલગ દલાલો સાથે થયેલ સોદાઓની વિગતવાર માહિતી, નોંધાયેલ સઘળા શૅરોના ભાવોની સૂચિ વગેરે રોકાણકારોને અવિરત પૂરી પાડે છે.

ભારતનાં બીજાં શૅરબજારો સાથે સહયોગ સાધીને બોલ્ટે (BOLT) 1997 સુધીમાં 1,600 કેન્દ્રોની સ્થાપના કરી હતી. તે વર્ષમાં તેનો દૈનિક વ્યાપાર રૂ. 85 કરોડ નોંધાયેલ હતો. તેનું આયોજન 4,000 કંપનીઓના શૅરોની નોંધણી કરી દૈનિક વ્યાપાર રૂ. 400 કરોડ સુધી લઈ જવાનું છે.

આ અવિરત ભાવ દર્શાવવાની પદ્ધતિ શૅરબજારને વિસ્તૃત અને સઘન બનાવે છે. વળી તે વિવિધ સ્થળો વચ્ચેના શૅરોના ભાવોનો તફાવત નિમ્નતમ કરી દેશભરમાં ભાવોની સમાનતા જાળવવા પ્રયત્નશીલ રહે છે. રોકાણકાર ભાવોની દરખાસ્ત રજૂ કરીને સોદો નક્કી કરી શકે છે. આ રીતે વેચાણની પ્રક્રિયા પારદર્શક અને ગતિશીલ બને છે. વિવિધ શૅરબજારો વચ્ચેની હૂંડી-પ્રથા (arbitrage) સરળ બનાવે છે. રોકાણકારો ટૂંક સમયમાં સરળતાથી  સોદા કરી શકે છે. જેને પરિણામે તેને વ્યાપારમાં વૃદ્ધિ કરવાનું પ્રોત્સાહન મળે છે.

રાષ્ટ્રીય શૅરબજાર (National Stock Exchange NSE) : ભારતનાં સઘળાં શૅરબજારો સેકરા અને સેબીનાં નિયંત્રણો હેઠળ હોવા છતાં તે સ્વાયત્ત સંસ્થાઓ મહદંશે પ્રાદેશિક બજારોને મહત્વ આપતી હોવાથી તેમની વચ્ચે ગાઢ સંકલનનો અભાવ હતો. દેશના વિવિધ ભાગોમાં રહેતા રોકાણકારોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર શૅરો અને જામીનગીરીઓના વિનિમયની સવલતની ઊણપ દૂર કરવા માટે આંતરરાષ્ટ્રીય જામીનગીરી પરામર્શન, હૉંગકૉંગ-(International Security Consultancy, Hongkong)ની સહાયથી રાષ્ટ્રીય શૅરબજારનું આયોજન કરવામાં આવ્યું હતું. નવેમ્બર, 1992ના દિવસે ભારતીય વિકાસ બૅંક(IDBI)ની પુરસ્કૃતિ નીચે નાણાકીય સંસ્થાઓ, વ્યાપારી બૅંકો, જીવનવીમા નિગમ અને બીજાં વીમાનિગમો, વિકાસબૅંકો, રાષ્ટ્રીય બૅંકો, ભારતીય શૅરધારક કૉર્પોરેશન, આંતરમાળખાકીય ભાડાપટ્ટા અને નાણાસેવા વગેરે દ્વારા રૂ. 25 કરોડની શૅરમૂડીથી રાષ્ટ્રીય શૅરબજારની મુંબઈમાં સ્થાપના કરવામાં આવી હતી. તેનું ધ્યેય રોકાણકારોને રાષ્ટ્રીય સ્તર પર કમ્પ્યૂટર પદ્ધતિ દ્વારા નિમ્નતમ ખર્ચે સક્ષમ, પારદર્શક અને ગતિશીલ અવિરત સોદાની સવલત પૂરી પાડી મૂડીબજારમાં વ્યવસાયીકરણ પ્રસ્તુત કરવાનું હતું. આ શૅરબજાર બે વિભાગમાં વહેંચાયેલું છે :

(1) જથ્થાબંધ ઋણબજાર : વિશાળ જથ્થામાં ગણનાપાત્ર રકમની સરકારી તેમજ જાહેર ક્ષેત્રની જામીનગીરીઓ, હાજર બિલો, યુનિટો, જમાપ્રમાણપત્રો વગેરેની સીધી જ પતાવટ કરવાની ક્ષમતા ધરાવતી સંસ્થાઓ આ બજારનું સભ્યપદ મેળવી શકે છે. નાણાકીય સંસ્થાઓ તેની સભ્ય ન હોવા છતાં પણ માન્ય સભ્યો દ્વારા સોદા કરી શકે છે. સેકરા અને સેબી નિશ્ચિત સર્વગ્રાહી પદ્ધતિથી તેના સભ્યોની પૂરતી ચકાસણી બાદ પસંદગી કરે છે. નાણાકીય વહીવટ અને શૅરબજારનો નિશ્ચિત કરેલાં વર્ષોનો અનુભવ ધરાવનાર સંચાલકો અને નિમ્નતમ રૂ. 2 કરોડની મૂડી ધરાવતી સંસ્થાઓ સભ્યપદ માટે અરજી કરી શકે છે. સભ્યપદનું વાર્ષિક લવાજમ પણ ભરવું આવશ્યક છે.

(2) મૂડીબજાર વિભાગ : મૂડીબજારનો અને નાણાકીય વહીવટનો નિશ્ચિત અનુભવ ધરાવનાર સંસ્થા, ભાગીદારી પેઢી તથા વ્યક્તિ તેનું લવાજમ ભરીને સભ્યપદ મેળવી શકે છે. આ સભ્યોએ શૅરબજાર નક્કી કરે તેટલી રકમ પણ જમા કરાવવી આવશ્યક છે. સોદાઓની રકમ અનુસાર જમા રકમમાં ફેરફાર કરવામાં આવે છે.

રાષ્ટ્રીય શૅરબજારનું મુખ્ય મથક મુંબઈમાં હોવાથી બહારગામના દલાલોએ સોદા માટે મુંબઈમાં દફતરની વ્યવસ્થાની ગોઠવણ કરવી ફરજિયાત બને છે. આ રાષ્ટ્રીય બજારમાં સામાન્ય સંજોગોમાં સોદા સાત દિવસના કરવામાં આવે છે. તેની પતાવટ દર સોમવારે સાંજે 5 પહેલાં કરવામાં આવે છે. તે જ સમયે નાણાંની ચુકવણી અને શૅરોનું હસ્તાંતર કરવું આવશ્યક છે. સોદાની પતાવટ નિશ્ચિત સમયમાં ન થાય તે શૅરોની હરાજી બોલાવવામાં આવે છે. તેમાં ઘટ પડે તો કસૂરવાર દલાલે તે સરભર કરવી પડે છે. અસફળ સોદાઓની માહિતી શુક્રવાર સુધીમાં પ્રસ્તુત કરી બીજા સોમવારે સુલઝાવવી ફરજિયાત છે. રાષ્ટ્રીય શૅરબજાર દેશનું પ્રથમ નંબરનું બજાર ગણાય છે.

ભારતીય વિસ્તૃત શૅરબજાર (Over The Counter Exchange of India OTCEI) : લઘુઉદ્યોગો અને નાના રોકાણકારોને દેશના અંતરિયાળ પ્રદેશોમાં મૂડી આકર્ષવા માટે તેમજ મૂડીરોકાણ કરવા માટેની સુવિધા પૂરી પાડવા માટે આ શૅરબજારની કંપની ધારા હેઠળ સ્થાપના કરવામાં આવી હતી. તેને યુ.ટી.આઈ., આઇ.સી.આઇ.સી.આઇ.; આઇ.એફ.સી.આઇ., જીવનવીમા નિગમ, સ્ટેટ બૅંક મૂડીબજાર લિમિટેડ, નાણાકીય સંસ્થાઓ વગેરેએ પુરસ્કૃત કરી હતી. આ કંપનીની 1990માં કંપની ધારા હેઠળ નોંધણી થઈ હતી. સપ્ટેમ્બર, 1992માં સેકરા અને સેબીએ તેને માન્યતા બક્ષી કાર્યરત કરી હતી. આ શૅરબજારે દેશના મહત્વનાં 20 શહેરોમાં પોતાનાં દફતરો શરૂ કર્યાં હતાં. ફેબ્રુઆરી, 1994માં તેણે અમેરિકાની નાસ્ડાક (NASDAQ) સાથે ધંધાના વિકાસ માટે સહયોગ કર્યો હતો. તેનું ધ્યેય લઘુઉદ્યોગો અને ઓછા રોકાણવાળી કંપનીઓને નિમ્નતમ ખર્ચે મૂડી આકર્ષવામાં સહાયરૂપ બનવાનો અને મૂડીબજારમાં રોકાણ કરવાની ઇચ્છા ધરાવતા નાના રોકાણકારોને સક્ષમ અને વિશ્વાસપાત્ર મૂડીરોકાણની તક પૂરી પાડવાનો હતો. તેમાં રૂ. 10 કરોડથી ઓછું શૅરમૂડીરોકાણ ધરાવતી સંસ્થાઓ નોંધણી કરાવી શકે છે. આ શૅરબજારમાં નિમ્નતમ રૂ. 30 લાખનું શૅરમૂડીરોકાણ અને જાહેર જનતા સમક્ષ નિમ્નતમ રૂ. 20 લાખના શૅરો પ્રસ્તુત કરતી સંસ્થા, રૂ. 30 લાખથી રૂ. 3 કરોડ સુધીનું મૂડીરોકાણ ધરાવતી અને ઇસ્યૂ મૂડીના 25 ટકા અથવા તો રૂ. 20 લાખમાંથી જે રકમ વધુ હોય તેટલા શૅરો જાહેર જનતા સમક્ષ પ્રસ્તુત કરતી કંપનીઓ નોંધણી કરાવી શકે છે. રૂ. 3 કરોડથી વધુ મૂડીરોકાણ ધરાવતી કંપનીઓ બીજાં શૅરબજારોની નોંધણીનાં ધોરણોને અનુસરીને નોંધણી કરાવી શકે છે. આ સઘળી કંપનીઓ બીજાં શૅરબજારો સાથે નોંધાયેલ કંપનીઓ સમકક્ષ મોભો ભોગવે છે; પરંતુ તે બીજાં શૅરબજારો સાથે નોંધણી કે વિનિમય કરી શકતી નથી.

આ શૅરબજારમાં ત્રણ પ્રકારના સોદા કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે : (1) નોંધાયેલ શૅરો અને જામીનગીરીઓ, (2) પરવાનગીદાર શૅરો અને જામીનગીરીઓ, જે બીજાં શૅરબજારોમાં નોંધાયેલ હોય છે પરંતુ આ શૅરબજારમાં તેમને સોદા કરવાની પરવાનગી આપવામાં આવી હોય છે અને (3) વણનોંધાયેલ કંપનીઓના શૅરો તથા જામીનગીરીઓ, જેમને બજારના નીતિનિયમો અનુસાર સોદા કરવાની મંજૂરી બક્ષવામાં આવે છે.

જાહેર નાણાકીય સંસ્થાઓ, વર્ગીકૃત બૅંકો, પારસ્પરિક ભંડોળો, ગૌણ બૅંકો, સાહસ-મૂડીભંડોળો, સેબીમાન્ય વ્યાપારી બૅંકો વગેરે તેનું સભ્યપદ મેળવી શકે છે. કંપનીના શૅરોને બજારમાં પ્રસ્તુત કરવાની મંજૂરી આપતાં પહેલાં તેની પરિયોજના, નફાકારકતા, નાણાકીય સધ્ધરતા, વ્યવસ્થાપન, બજાર વગેરેનું વિશ્લેષણ કરી  સફળ બનવાની ક્ષમતા ધરાવતી પરિયોજના પ્રસ્તુત કરતી કંપનીઓને જ સભ્યપદ માટે લાયક ગણવામાં આવે છે. વળી નાણાકીય સંસ્થાઓનો અનુભવ, બજારની પ્રવૃત્તિઓથી માહિતગાર અને નાણાકીય સધ્ધરતા માટે બૅંકનો રિપૉર્ટ રજૂ કરી શકનાર સંસ્થાઓ પણ દલાલ તરીકે નોંધણી કરાવી શકે છે.

ઓટીસી બજારમાં નોંધાયેલ સઘળા શૅરોનું પ્રતિરસીદ(counter-receipt)માં પરિવર્તન કરવામાં આવે છે. પ્રતિરસીદ દ્વારા જ સભ્યો સોદા કરી શકે છે. આ શૅરબજારમાં ત્રણ પ્રકારની રસીદો આપવામાં આવે છે : (1) પ્રાથમિક પ્રતિરસીદ (initial counter-receipt), જેની સાથે વેચનારે પ્રસ્તુત કરેલ વેચાણપત્ર રજૂ કરવામાં આવે છે. (2) કાયમી પ્રતિરસીદ (permanant counter-receipt), જે શૅરોના પુનર્વેચાણ સમયે ખરીદનારના નામ સાથે પ્રસ્તુત કરવામાં આવે છે; પરંતુ કંપનીના રજિસ્ટરમાં તેની નોંધણી થઈ ન હોવાથી નામ ફેરબદલો કરી શકાતો નથી અને (3) કાયમી પ્રતિરસીદ, જે કંપનીના રજિસ્ટરમાં નામ-ફેરબદલાની નોંધણી પછી આપવામાં આવે છે.

આ શૅરબજારની પ્રવૃત્તિઓ વિશે જાહેર જનતામાં માહિતીનો અભાવ, કંપની તેમજ તેમની પરિયોજનાઓની તેમજ પુરસ્કર્તાઓની વધુ પડતી ચકાસણી, બીજાં શૅરબજારો સાથે વિનિમયની સીમિત તકો વગેરેને પરિણામે આ બજારની આકાંક્ષા રાખી હતી તેવો વિકાસ થઈ શક્યો નથી.

વાયદાબજાર (forward trading) : શૅરબજારમાં તરલતા (liquidity), ભાવોનું સાતત્ય (continuity) અને મુક્ત વ્યાપારને ઉત્તેજન આપવા માટે બદલાપદ્ધતિ તરીકે પણ જાણીતી વાયદા-પદ્ધતિનો ઉપયોગ પ્રચલિત હતો; પરંતુ તેને સટ્ટાલક્ષી ગણીને સરકારે તેના પર 1969માં પ્રતિબંધ મૂક્યો હતો, જેને પરિણામે શૅરબજારમાં લાંબા સમય સુધી મંદી રહી હતી. ત્યારબાદ શૅરદલાલોએ કાયદાની સીમામાં રહીને વાયદા-બજારને જીવંત રાખ્યું હતું. પાછળથી તેની અગત્ય સમજાતાં 1983માં સરકારે ‘વિશિષ્ટ શૅરોના સોદાના’ સ્વરૂપમાં પુન: શરૂ કરવાની મંજૂરી આપી હતી. આ વાયદા-પદ્ધતિએ જ શૅરબજારના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. ન્યૂયૉર્ક અને ટૉકિયોનાં શૅરબજારોમાં પણ વાયદા-પદ્ધતિને અગ્રતા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં શૅરોના બદલા, શૅરો ઉછીના આપવા તેમજ નાણાંની ઉધારી કરી સોદાની પતાવટ એક ગાળાથી બીજા ગાળા સુધી લંબાવી શકાય છે. તે માટે દલાલે ફક્ત ભાવોના તફાવત અનુસાર લેવડદેવડ કરવાની રહે છે; જે તેમને નાની રકમની સવલતમાં મોટા સોદાઓ કરવાની તક પૂરી પાડે છે. શૅરો હોવા છતાં પણ તેની સોંપણીની ઉધારણી ઉધારીકરણ (stock lending) તરીકે પ્રચલિત છે. આ પ્રથા રોકાણકારને નાણાંની તરલતા પૂરી પાડે છે તેમજ બજારમાં ભાવોની તીવ્ર વધઘટને અંકુશમાં રાખે છે. ક્વચિત્ સક્રિય સભ્યો બીજા સભ્યોને ખરીદી માટે એક સમયગાળા પૂરતાં નાણાં ધીરે છે અને તેની પતાવટ બીજા સમયગાળા સુધી લંબાવે છે. રાષ્ટ્રીય શૅરબજાર (NSE) અને મુંબઈ શૅરબજાર (BSE) એકથી ત્રણ મહિના સુધીના વાયદાના સોદાઓને માન્ય કરે છે. ઈ. સ. 2003ના વર્ષ દરમિયાન વાયદા બજારનો દૈનિક વ્યાપાર રૂ. 1500 કરોડનો અંદાજવામાં આવ્યો હતો.

ભવિષ્યમાં ભાવની વધઘટ થવાની અપેક્ષાએ વસ્તુ, ચલણ કે જામીનગીરીઓની નિશ્ચિત સમયે, સ્થળે અને ભાવે ખરીદ કે વેચાણ કરવાના કરાર પણ વાયદા-બજાર(derivatives trading)માં આવી જાય છે. આ કરાર વેચનાર તેમજ ખરીદનાર બંનેને બંધનકર્તા હોય છે. આ વ્યાપારમાં મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સંગઠનો વધુ સક્રિય ભાગ લે છે.

આકસ્મિક સોદા (kerb trading) : શૅરબજારના નિશ્ચિત સમયની બહાર થયેલા સોદાઓ આકસ્મિક સોદાઓ તરીકે પ્રચલિત છે. આ સમય બહારના સોદાઓને વ્યવસ્થિત કરવા માટે રાષ્ટ્રીય શૅરબજારે બજાર શરૂ થતાં પહેલાંના (સવારે 9-00થી 10-30 સુધી) 90 મિનિટના સમયગાળામાં શૅરોના સોદાઓને પ્રોત્સાહન આપવાનો આરંભ કર્યો છે. આ સોદાઓની કમ્પ્યૂટરમાં નોંધણી કરવામાં આવે છે, જે ભાવોએ સોદા પડ્યા હોય તેને તે દિવસના બજારના આરંભના ભાવો ગણવામાં આવે છે.

ડબ્બાબજાર (dabba trading) : કેટલાક શૅરદલાલો દ્વારા નિયંત્રિત અન્-અધિકૃત નિયંત્રણ કે નિયમનો વગરના આ બજારમાં મુક્ત રીતે ગાળો રાખ્યા વિના શૅરોના સોદા કરી શકાય છે. તેનું સંચાલન કરતા દલાલો ભાવો પ્રસ્તુત કરી બીજા દલાલો પાસે હરાજી બોલાવે છે. તેમાંથી શૅરોના ભાવો નક્કી થાય છે. સંચાલક દલાલ અને હરાજી બોલનાર દલાલો વચ્ચેના ભાવોના તફાવતની રકમની પાંચ દિવસ પછી (દર શુક્રવારે) ચુકવણી કરવામાં આવે છે.

શૅરો અને જામીનગીરીઓનાં વિનિમયમાં પ્રવૃત્ત વિવિધ પ્રકારના શૅરદલાલોની ઓળખાણ આ પ્રમાણે છે : (1) નિશ્ચિત દલાલી લઈને શૅરબજારમાન્ય શૅરદલાલો સાથે વિનિમય કરતા દલાલો કમિશન-દલાલ (commission broker) તરીકે ઓળખાય છે. (2) શૅર-દલાલોનાં નાનાંમોટાં કામો કરીને રળતા દલાલો ફ્લોર-બ્રૉકર (floor broker) તરીકે પ્રચલિત છે. (3) ગ્રાહકોની ઇચ્છા અનુસાર નાની બહુ જાણીતી નહિ તેવી કંપનીઓના ખરીદ-વેચાણ સાથે સંકળાયેલ દલાલ તારવણીવાળા (taravaniwala) તરીકે ઓળખાય છે. તે બજાર સાથે સંકળાયેલ ન હોય તેવા ગ્રાહકોની ઇચ્છા અનુસાર ખરીદ-વેચાણ કરે છે. (4) બજારમાં સક્રિય ન હોય તેવા શૅરો તથા જામીનગીરીઓની પોતાને યોગ્ય લાગે તે ભાવે ખરીદ-વેચાણ કરનાર દલાલ નિષ્ક્રિય શૅરોના દલાલ તરીકે ઓળખાય છે. તેમના ભાવો બજારભાવ કરતાં અલગ હોય છે. (5) વિનિમય માટે નિશ્ચિત થયેલ જથ્થા કરતાં પણ ઓછા જથ્થાના શૅરોના સોદા માટે જાણીતા દલાલ અસમ જથ્થાના દલાલ (odd lot dealers) તરીકે ઓળખાય છે. તેઓ અસમ જથ્થાના શૅરો નીચા ભાવે ખરીદી, એકત્ર કરી નિશ્ચિત જથ્થામાં બજારમાં ઊંચા ભાવે વેચે છે. (6) વિવિધ શૅરબજારોમાં પ્રવર્તતા ભાવોના તફાવતનો લાભ લેવાના હેતુથી કરવામાં આવતો હૂંડી-વિનિમય-વ્યવસાય કરનાર દલાલ લવાદ-દલાલ (arbitrageur) તરીકે ઓળખાય છે. આવા સોદાઓ ક્વચિત્ શૅરબજારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. (7) કેન્દ્ર, રાજ્યસરકારો, જાહેર સંસ્થાઓની સરકારી જામીનગીરીઓનાં વિનિમયમાં પ્રવૃત્ત જામીનગીરી-દલાલો સામાન્ય રીતે મેજ પર જ સોદા કરે છે. તેમના દરેક સોદાના ખરીદ તથા વેચાણના ભાવો અલગ હોય છે. તેઓ રિઝર્વ બૅંક, વ્યાપારી બૅંકો, નાણાકીય નિગમો વગેરે સાથે સતત સંપર્કમાં રહી તેમની ઇચ્છા અનુસાર સોદા કરી દલાલી રળે છે.

વિભૌતિકીકરણ (dematerialisation) : શૅરો અને જામીનગીરીઓને, વેચાણ થતાં, નામમાં ફેરબદલ માટે ખરીદનાર અને વેચનાર એક સંયુક્ત માહિતીપત્રક ભરી, આવશ્યક સ્ટૅમ્પ-ડ્યૂટી ભરીને કંપનીને તેના રજિસ્ટરમાં નામમાં ફેરબદલાની નોંધ માટે મોકલી આપે છે. આ પ્રક્રિયામાં શૅરોને ભૌતિક રીતે કંપનીને પહોંચાડવાના હોય છે. આ પ્રક્રિયામાં ત્રણથી છ મહિનાનો સમય વ્યતીત થતો હતો. ક્વચિત્ સહીઓમાં તફાવત જણાતાં શૅરો પાછા ફરતાં વધુ વિલંબ થતો હતો. કેટલીક વાર બનાવટી સહીઓ દ્વારા તેનો ફેરબદલો કરવામાં આવતો હતો. આ ભૌતિકીકરણની પ્રક્રિયામાં શૅરોનાં હસ્તાંતરમાં થતા ભારે વિલંબને ટૂંકાવવા અને અપ્રામાણિકતાને ડામવા માટે ભારતીય શૅર હોલ્ડિંગ કૉર્પોરેશન(Stock Holding Corporation of India)ની રચના કરવામાં આવી. મુંબઈ શૅરબજારે બૅંક ઑવ્ ઇન્ડિયાના સહયોગથી બૅંક ઑવ્ ઇન્ડિયા શૅરમાલિકી લિમિટેડ નામની કંપનીની સ્થાપના કરી હતી. 22 સપ્ટેમ્બર, 1995ના દિવસે ભારત સરકારે વટહુકમ દ્વારા શૅરો તથા જામીનગીરીઓના વિભૌતિકીકરણને કાયદાકીય માન્યતા આપી હતી. તેને પરિણામે શૅરોને બદલે શૅરોના માહિતીપત્રકને માન્યતા બક્ષવામાં આવી હતી. આ વ્યવસ્થામાં શૅરોને કબજેદાર/સંરક્ષક (custodian) તરીકે બૅંકો, નાણાકીય સંસ્થાઓ, શૅરદલાલો વગેરેને વિભૌતિકીકરણના કાર્ય માટેના ભંડાર (depository) તરીકે કાર્ય કરવાની સેબીએ માન્યતા આપી હતી. આ પ્રક્રિયામાં શૅરધારક પોતાના શૅરોની માન્ય કબજેદાર સંસ્થામાં નોંધણી કરાવે છે અને પોતાના શૅરોનો કબજો તેમને સોંપે છે. કબજેદાર સંસ્થા આ શૅરોને કંપનીમાં મોકલી વિભૌતિકીકરણની નોંધ કરાવે છે. ત્યારબાદ શૅરધારક જ્યારે પણ શૅરોનું વેચાણ કરે ત્યારે શૅરોનું ભૌતિક હસ્તાંતર કરવાને બદલે કબજેદાર સંસ્થા દ્વારા વેચાણની માહિતી કંપનીને પ્રસ્તુત કરે છે અને કંપની તેના પત્રકમાં વેચાણકારના નામને બદલે ખરીદનારના નામની નોંધ કરે છે. આ રીતે શૅરોના ભૌતિક હસ્તાંતરની ક્રિયાને વિભૌતિકીકરણ દ્વારા સરળ, ગતિશીલ અને પારદર્શક બનાવવામાં આવી છે. વિભૌતિકીકરણ પછી પણ શૅરધારકો શૅરો પર મળતા સઘળા હક્કો (ડિવિડન્ડ, બોનસ, હક્કના શૅરો વગેરે) ભોગવી શકે છે. શૅરોની માલિકીની તકરારમાં કંપની લૉ બૉર્ડનો સંપર્ક કરી શકે છે. ફક્ત તબદીલીનું પત્રક ભરીને શૅરોનું હસ્તાંતર કરી શકાય છે.

ભારતનાં શૅરબજારો : 1875માં ભારતના પ્રથમ શૅરબજારની મુંબઈમાં સ્થાપના બાદ 1908માં કોલકાતા અને ચેન્નાઈ, 1894માં અમદાવાદ અને 1947માં દિલ્હીમાં શૅરબજારોની સ્થાપના કરવામાં આવી હતી. ક્રમશ: દેશમાં 23 શૅરબજારો અસ્તિત્વમાં આવ્યાં હતાં. તેમાં 15 જાહેર લિમિટેડ કંપનીઓ, 5 ગૅરંટીથી સીમિત કંપનીઓ અને 3 સ્વૈચ્છિક સંસ્થાઓ હતી. આ સઘળાં શૅરબજારોમાં મહદંશે સમાન બંધારણ હોય તેવી ખાતરી સરકાર માન્યતા બક્ષતાં પહેલાં રાખે છે. તેમાંથી 8ને કાયમી માન્યતા અને બાકીનાને વાર્ષિક માન્યતા આપવામાં આવી છે. આ શૅરબજારોનું સંચાલક-મંડળ એક પ્રમુખ, ઉપપ્રમુખ, વહીવટી સંચાલક, ચૂંટાયેલા સભ્યો, જાહેર જનતાના પ્રતિનિધિઓ તેમજ સરકારે નીમેલ સભ્યોનું બનેલું હોય છે. તેમનું કાર્ય નીતિવિષયક નિર્ણયો લેવાનું અને શૅરબજારને સરળતાથી કાર્યશીલ રાખવાનું હોય છે, જ્યારે વહીવટી કાર્યોનું વહીવટી સંચાલક કે મંત્રી દ્વારા પરિવીક્ષણ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર સેકરા કાયદા (SCR Act) 1956 અને સેકરા કાયદા (SCR Act) 1957 દ્વારા શૅરબજારો પર નિયમન-અંકુશ રાખે છે તેમજ રોકાણકારોનાં હિતોની હિફાજત કરે છે; તેવી જ રીતે સેબી શૅરબજારોના પ્રોત્સાહન, વિકાસ તેમજ નિયમન દ્વારા વિનિમય પર દેખરેખ રાખી રોકાણકારોનાં હિતોની રક્ષા કરે છે. દરેક શૅરબજારે કંપની કાયદો 1956, આવકવેરા કાયદો 1961 અને વિદેશી હૂંડિયામણ વ્યવસ્થાપન કાયદા 1999 નીચે કાર્યવહી કરવી આવશ્યક બને છે.

ભારતનાં શૅરબજારોનું બંધારણ, નોંધણીવર્ષ તેમજ સભ્યસંખ્યાની માહિતી નીચેની સૂચિ 1માં આપી છે.

સૂચિ 1 : ભારતનાં માન્ય શૅરબજારો

શૅરબજારનું નામ સ્થાપના/ નોંધણીવર્ષ બંધારણ સભ્યસંખ્યા
1. મુંબઈ 1875 નહિ નફો, નહિ ખોટવાળું સભ્યોનું સ્વાયત્ત મંડળ 540
2. કોલકાતા 1908 જાહેર લિમિટેડ કંપની 650
3. ચેન્નાઈ 1908 જાહેર લિમિટેડ કંપની 168
4. અમદાવાદ 1894 નહિ નફો, નહિ ખોટવાળું 299
સભ્યોનું સ્વાયત્ત મંડળ
5. દિલ્હી 1947 જાહેર લિમિટેડ કંપની 321
6. હૈદરાબાદ 1943 ગૅરંટી સાથેની જાહેર 111
લિમિટેડ કંપની
7. મધ્યપ્રદેશ (ઇન્દોર) 1930 નહિ નફો, નહિ ખોટવાળું સભ્યોનું સ્વાયત્ત મંડળ 184
8. બૅંગલુરુ 1957 જાહેર લિમિટેડ કંપની 126
9. કોચીન 1978 જાહેર લિમિટેડ કંપની 476
10. ઉત્તરપ્રદેશ (કાનપુર) 1982 જાહેર લિમિટેડ કંપની 445
11. પુણે 1982 ગૅરંટીવાળી જાહેર લિમિટેડ કંપની 69
12. લુધિયાણા 1983 જાહેર લિમિટેડ કંપની 220
13. ગૌહત્તી 1984 જાહેર લિમિટેડ કંપની 184
14. કેનેરા 1985 જાહેર લિમિટેડ કંપની 74
15. મગધ 1986 ગૅરંટીવાળી જાહેર લિમિટેડ કંપની 189
16. જયપુર 1984 જાહેર લિમિટેડ કંપની 500
17. ભુવનેશ્વર 1989 ગૅરંટીવાળી જાહેર લિમિટેડ કંપની 87
18. સૌરાષ્ટ્ર-કચ્છ 1989 ગૅરંટીવાળી જાહેર લિમિટેડ કંપની 300
19. ઓટીસી (OTCEI) 1989 જાહેર લિમિટેડ કંપની N.A.
20. વડોદરા 1990     N.A. 176
21. કોઇમ્બતુર 1991     N.A. N.A.
22. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) 1992 જાહેર લિમિટેડ કંપની 1009
23. ICSFL 1998     N.A.   N.A.

આ સૂચિ પરથી જાણી શકાશે કે નૅશનલ સ્ટૉક એક્સચેન્જની સભ્યસંખ્યા 1009 છે. ત્યારબાદ કોલકાતા 650, મુંબઈ 540, જયપુર 500, કાનપુર 445 અને અમદાવાદ 299 સૌથી વધુ સભ્યો ધરાવતાં શૅરબજારો છે.

સ્વાતંત્ર્ય મળ્યું ત્યારે ભારતમાં 7 શૅરબજારો હતાં. તેની સાથે 1125 કંપનીઓ નોંધાયેલ હતી. તેની શૅરમૂડીની બજારકિંમત રૂ. 971 કરોડ હતી. ઈ. સ. 2000ના વર્ષ સુધીમાં શૅરબજારોની સંખ્યા 23 થઈ હતી. તેની સાથે 9871 કંપનીઓ નોંધાયેલ હતી, જેની શૅરમૂડીની બજાર કિંમત રૂ. 6,86,066 કરોડ અંદાજવામાં આવી હતી. આ માહિતી સૂચિ 2માં પ્રસ્તુત કરવામાં આવી છે.

સૂચિ 2 : ભારતનાં શૅરબજારોનો વિકાસ

1946 1961 1971 1980 1995 2000
1. શૅરબજારોની સંખ્યા 7 7 8 9 22 23
2. નોંધાયેલ કંપનીઓ 1,125 1,203 1,599 2,268 9,477 9,871
3. નોંધાયેલ કંપનીઓના શૅર-ઇસ્યૂ (stock issue) 1,506 2,111 2,883 3,697 14,185 N.A.
4. નોંધાયેલ કંપનીઓની મૂડી (કરોડ રૂપિયામાં) 270 753 1,812 3,973 1,74,819 N.A.
5. નોંધાયેલ કંપનીઓની શૅરમૂડીની બજાર-કિંમત 971 1,292 2,675 6,750 6,39,575 6,86,066 (જુલાઈ 1999)
6. નોંધાયેલ કંપનીદીઠ મૂડી (કરોડ રૂપિયામાં) 24 63 113 175 1,925 N.A.
7. નોંધાયેલ કંપનીદીઠ 86 107 167 298 7,046 6,920
બજારકિંમત (લાખ રૂપિયામાં)

ભારતનાં 23 શૅરબજારો શૅરો તથા જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત રહે છે. 1999-2000ના વર્ષ દરમિયાન તેમણે કરેલા વિનિમયની માહિતી સૂચિ 3માં આપી છે:

સૂચિ 3 પરથી માહિતી મળે છે કે નૅશનલ સ્ટૉક એક્સચેન્જ રૂ. 8,39,052 કરોડ રૂપિયાના વિનિમય સાથે ભારતનાં શૅરબજારોનાં વિનિમયનો 40.49 ટકા હિસ્સો ધરાવતું અગ્ર શૅરબજાર હતું. ત્યારબાદ મુંબઈ શૅરબજારનો વિનિમય રૂ. 6,85,028 કરોડ (30.49 %), કોલકાતા રૂ. 3,57,166 (16.79 %), દિલ્હી રૂ. 93,239 કરોડ (5.6 %) અને અમદાવાદ રૂ. 37,566 કરોડ (2.91 %) અંદાજવામાં આવ્યો હતો.

ભારતનાં શૅરબજારો તેમજ મૂડીકરણ-વિકાસનો અંદાજ કુલ રાષ્ટ્રીય કાચી પેદાશ (gross national product) અને શૅરમૂડીની બજારકિંમત પરથી થઈ શકશે. (જુઓ સૂચિ 4.)

સૂચિ 3 : ભારતનાં શૅરબજારોનો વિનિમય (1999-2000)

શૅરબજારનું નામ વિનિમય (કરોડ રૂ.માં) બજારહિસ્સો (ટકાવારીમાં)
1. નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) 8,39,052 40.49
2. મુંબઈ (BSE) 6,85,028 30.49
3. કોલકાતા 3,57,166 16.79
4. દિલ્હી 93,239 5.06
5. અમદાવાદ 37,566 2.91
6. ઉત્તરપ્રદેશ 24,048 1.82
7. પુણે 6,087 0.73
8. લુધિયાણા 7,740 0.58
9. બગલોર 11,147 0.66
10. વડોદરા 159
11. મગધ
12. કોઇમ્બતુર 38
13. ચેન્નાઈ 250
14. જયપુર 2
15. કોચી
16. ગૌહત્તી
17. હૈદરાબાદ 1,237
18. સૌરાષ્ટ્ર
19. મેંગલોર 9
20. ભુવનેશ્વર 70
21. ઓટીસી (OTCEI) 3,588 0.17
22. મધ્યપ્રદેશ 10
કુલ 20,67,031

સૂચિ 4 : શૅરમૂડીની બજારકિંમત અને કાચી રાષ્ટ્રીય પેદાશ

વર્ષ કાચી રાષ્ટ્રીય પેદાશ (રૂ. કરોડમાં ચાલુ કિંમતે) નોંધાયેલ શૅરમૂડીની બજારકિંમત (રૂ. કરોડમાં) ટકાવારી
1986-87 2,58,225 0,22,159 08.6
1990-91 4,70,269 0,82,110 17.6
1991-92 5,42,691 3,05,987 56.4
1992-93 6,18,969 2,52,845 40.8
1994-95 8,43,294 6,39,575 75.8
1998-99 16,70,000 (અંદાજિત) 5,74,064 35.5

આ સૂચિ દર્શાવે છે કે કુલ રાષ્ટ્રીય પેદાશની વૃદ્ધિ સાથે શૅરમૂડીની બજારકિંમતમાં પણ ગણનાપાત્ર વૃદ્ધિ થઈ હતી. કેન્દ્ર તથા રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્ર તેમજ સંગઠિત કંપનીઓના વિકાસ માટે જનતા પાસેથી વધુ મૂડી આકર્ષી તેમની બચતના રોકાણમાં ગણનાપાત્ર ફાળો આપ્યો હતો. 1946માં નોંધાયેલ કંપનીઓની શૅરમૂડી રૂ. 270 કરોડથી વૃદ્ધિ પામીને 1999-2000માં રૂ. 1,74,819 કરોડ થઈ હતી. તે જ સમયગાળા દરમિયાન શૅરમૂડીની બજારકિંમત રૂ. 971 કરોડથી વધીને રૂ. 6,86,066 કરોડ થઈ હતી.

સેકરા તથા સેબીનાં નિયમનો અનુસાર શૅરો તથા જામીનગીરીઓના વિનિમયમાં પ્રવૃત્ત દરેક સંસ્થા કે વ્યક્તિએ તેની સાથે નોંધણી કરાવી તેની માન્યતા મેળવવી આવશ્યક છે. તેવી જ રીતે તેમણે જે તે શૅરબજારો સાથે પણ નોંધણી કરી તેનું સભ્યપદ મેળવવું જરૂરી બની રહે છે. 1999-2000ના વર્ષમાં સેબી સાથે તેમજ વિવિધ શૅરબજારો સાથે નોંધાયેલ માન્ય સંસ્થાઓ અને સભ્યોની માહિતી સૂચિ 5માં આપી છે.

સૂચિ 5 : સેબી અને શૅરબજારો સાથે નોંધાયેલ શૅરદલાલોની યાદી (1999-2000)

શૅરબજારનું નામ કૉર્પોરેટ સભ્યો અન્ય સભ્યો કૉર્પોરેટ સભ્યો ટકાવારીમાં
1. નૅશનલ સ્ટૉક
એક્સચેન્જ (NSE) 861 991 86.8 %
2. ઓટીસી (OTCEI) 668 890 75 %
3. કોઇમ્બતુર 62 198 31.3 %
4. ચેન્નાઈ 67 200 33.5 %
5. અમદાવાદ 118 301 39.2 %
6. બૅંગાલુરુ 103 241 42.7 %
7. દિલ્હી 201 392 51.3 %
8. લુધિયાણા 70 284 24.6 %
9. મુંબઈ 385 631 61.0 %
10. હૈદરાબાદ 102 310 22.9 %
11. પુણે 45 200 22.5 %
12. કોલકાતા 159 949 16.8 %
13. સૌરાષ્ટ્ર 64 445 14.4 %
14. કોચી 67 491 13.7 %
15. વડોદરા 65 321 20.2 %
16. મેંગલોર 14 146 9.6 %
17. ભુવનેશ્વર 15 234 6.4 %
18. મધ્યપ્રદેશ 28 187 15.0 %
19. ઉત્તરપ્રદેશ 86 514 16.7 %
20. મગધ 15 199 7.5 %
21. જયપુર 16 593 2.7 %
22. ગૌહત્તી 5 206 2.7 %
કુલ 3,316 9,192 36.1 %

સામૂહિક રોકાણયોજનાઓ : 14 ઑક્ટોબર, 1999ના દિવસે સેબીના કાયદા અને નિયમનો અનુસાર કોઈ પણ જાતની મિલકતની યોજનામાં રોકાણકારોને મૂડીરોકાણ તેમજ મિલકતના વ્યવસાયમાંથી મળતા નફાની વહેંચણી સિદ્ધાંત પર આધારિત સામૂહિક મૂડીરોકાણ યોજના(collective investment scheme)ને માન્યતા બક્ષવામાં આવી હતી. આ યોજનામાં સોદા કરી શકાય તેવા શૅરો અને બીજી જામીનગીરીઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. સેબી કંપની કાયદા 1956 નીચે નોંધાયેલ કંપનીઓને જ માન્યતા બક્ષે છે. તેને માટે નોંધણી કરવામાં આવેલ સંસ્થાઓનું એક ટ્રસ્ટ તેમજ સામૂહિક મૂડીરોકાણ વ્યવસ્થાપન કંપનીની આવશ્યકતા છે. તેનું પ્રારંભિક મૂડીરોકાણ નિમ્નતમ રૂ. 2 કરોડથી વધારીને રૂ. 5 કરોડ કરવાનું આયોજન છે. આવી યોજનાઓએ સેબી તેમજ માન્ય શૅરબજારમાં નોંધણી કરાવવી આવશ્યક છે. તેને વીમાયોજના હેઠળ આવરી લેવામાં આવે છે. આ સંસ્થાઓ આયોજનના મૂલ્યાંકન પરથી વળતરનો અંદાજ આપી શકે છે, પરંતુ વળતરની ગૅરંટી આપી શકતી નથી.

કેન્દ્રીય સંકલન અને પરિવીક્ષક સમિતિ (Central Co-ordination and Monitoring Committee) : આ સમિતિની રચના નિયમનોનું પાલન કરવામાં સહકાર ન આપતી અને જેમની ઑફિસો પણ મળતી નથી તેવી કંપનીઓ સામે પગલાં લેવા માટે કરવામાં આવી છે; જેથી રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે અને બજારની શાખ પણ સચવાઈ જાય. સમિતિએ 2001ના વર્ષ સુધીમાં 61 કંપનીઓ અને 275 સંચાલકોને મૂડીબજારની પ્રવૃત્તિઓથી દૂર રહેવા સૂચનાઓ આપી હતી તેમજ રાજ્યસરકારોને રોકાણ સુરક્ષા કાયદા હેઠળ શિક્ષાત્મક પગલાં લેવાની ભલામણ પણ કરી હતી.

રોકાણકારફરિયાદ અને માર્ગદર્શનવિભાગ (Investor Grievance and Guidance Division) : સેબીએ રોકાણકારોની ફરિયાદના નિકાલ માટે આ વિભાગ શરૂ કર્યો છે. તેમાં ડિવિડન્ડ, બોનસ શૅરો, હકના શૅરો, શૅર-પ્રમાણપત્રો, શૅરોનું હસ્તાંતર વગેરેની ફરિયાદો અંગે સહાય તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. તેના સંકલન માટે કેન્દ્ર-સરકારનું નાણાકીય ખાતું, રિઝર્વ બૅંક, કંપનીવિભાગ, સેબી વગેરે માટે રોકાણકાર ફરિયાદ નિવારણકેન્દ્ર(investor redressal grievance cell)ની રચના કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય મૂડીબજાર નિયંત્રણ કમિશન (International Organisation of Securities Commission) : વિશ્વના વિવિધ મૂડીબજારોના ગતિશીલ પ્રવાહે ભારતના મૂડીબજારને પણ આવરી લીધું છે. 100થી વધુ દેશોની મૂડીબજાર નિયંત્રણ સંસ્થાઓએ તેમજ ભારતે પણ તેનું સભ્યપદ મેળવ્યું છે. 15 ઑક્ટોબર, 1997ના દિવસે સેબી અને અમેરિકાની જામીનગીરી અને શૅરકમિશન વચ્ચે રોકાણકારોનો વિશ્વાસ જાળવવા માટે માહિતી-સહકાર, તકનીકી સહાય તેમજ નિયમનોના પાલન માટે એક સમજૂતીકરાર (MOU) કર્યો હતો. તેવી જ રીતે સેબીએ બીજા દેશો સામે સમજૂતીકરારો કર્યા છે. તેમાં ભારતીય કંપનીઓને બીજા દેશોનાં ચલણોમાં મૂડી આકર્ષવાની સવલત આપવામાં આવી છે. ડિસેમ્બર, 2003 સુધીમાં 517 વિદેશી મૂડીરોકાણકાર સંસ્થાઓએ (FIIS) સેબી સાથે નોંધણી કરાવી ભારતમાં 23 અબજ ડોલરનું મૂડીરોકાણ કર્યું હતું.

શાખમૂલ્યાંકન (credit-rating) : બજારમાંથી ઋણ લેવાની ઇચ્છા ધરાવતી કંપનીઓએ સેબીમાન્ય શાખ-મૂલ્યાંકન સંસ્થાઓ પાસેથી પ્રમાણપત્ર મેળવવું આવશ્યક હોય છે. આ સંસ્થાઓમાં મુખ્યત્વે (1) શાખ-મૂલ્યાંકન-માહિતીસેવા લિમિટેડ (credit rating information services of India limited – CRISIL), (2) ભારતીય મૂડીરોકાણ માહિતી અને શાખ-મૂલ્યાંકન સંસ્થા લિમિટેડ (investment information and credit rating agency of India limited – ICRA), (3) શાખવિશ્લેષણ અને સંશોધન લિમિટેડ (credit analysis and research ltd. – CARL) અને ભારતીય ડફ અને ફેલ્પ્સ શાખ-મૂલ્યાંકન લિમિટેડ (Duff and Phelps credit rating India pvt. ltd. – DPCR India) ગણાય છે. આ સંસ્થાઓ કંપનીનું મૂલ્યાંકન કરતી નથી, પરંતુ કંપનીનાં સઘળાં પાસાંની ચકાસણી કરી જોખમના પ્રમાણમાં શાખનું મૂલ્યાંકન કરે છે; પરંતુ તે રોકાણકારોને વ્યાજ અને મૂડી પરત કરવાની જોખમ સામેની ગૅરંટી હોતી નથી. એક જ કંપની માટે વિવિધ સંસ્થાઓનું શાખ-મૂલ્યાંકન અલગ અલગ હોઈ શકે છે.

શૅરબજારમાં શૅરોના દૈનિક ભાવમાં ચઢાવ-ઉતારને દર્શાવતો આંક શૅરભાવસૂચકાંક (share price index) તરીકે જાણીતો છે, જે આપણે ટેલિવિઝન તેમજ અખબારોમાં રોજ વાંચીએ છીએ તે શું છે તેની સંક્ષિપ્ત માહિતી નીચે આપી છે :

(1) નિફ્ટી (NIFTY) : રાષ્ટ્રીય શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલ 50 (પચાસ) અગ્ર શૅરોના ભાવની સરેરાશનો સૂચકાંક નિફ્ટી તરીકે પ્રચલિત છે.

(2) મુંબઈ શૅરબજારમાં નોંધાયેલ શૅરોમાંથી પસંદ કરેલા 30 શૅરોના ભાવોનો સૂચકાંક બીએસઇન્ડેક્સ (BSE) તરીકે જાણીતો છે. તેવી જ રીતે ન્યૂયૉર્ક શૅરબજાર (NYSE), લંડન શૅરબજાર (LSE), જાપાન શૅરબજાર, નાસ્ડાક (NASDAQ) વગેરેના ભાવોના સૂચકાંક રોજ ટેલિવિઝન તેમજ અખબારોમાં વાંચવા મળે છે; જે શૅરોના ભાવોની વધઘટનો અંદાજ આપે છે.

અમેરિકામાં નાની કંપનીઓના શૅરબજારમાં ન નોંધાયેલ હોય તેવા શૅરોના સોદા મહદંશે મેજ પર થાય છે. આ વ્યવસાયમાં કાર્યશીલ 50,000થી વધુ શૅરદલાલો તેમના શૅરોના વિનિમયની માહિતી રાષ્ટ્રીય જામીનગીરી દલાલોના સ્વનિયંત્રિત ભાવ મંડળ(national association of security dealers automatic quotation service  NASDAQ)ને પહોંચાડે છે. તેના પરથી તૈયાર કરવામાં આવેલ શૅરભાવ સૂચકાંક નાસ્ડાક તરીકે પ્રચલિત છે. તેવી જ રીતે અમેરિકાની ડાઉ જોન્સ કંપની દેશના વિવિધ ઉદ્યોગોના પસંદ કરેલ 30 કંપનીના શૅરોની કિંમતના ભાવોનો સૂચકાંક ડાઉ જોન્સ સૂચકાંક (Dow Jones Index) તરીકે જાણીતો છે.

મનુષ્ય સામાન્ય રીતે બચત કરવા માટે સ્થાવર (જમીન, મકાન), જંગમ (જર, ઝવેરાત), શૅર તથા જામીનગીરીઓ અને રોકડમાં નાણાંનું રોકાણ કરે છે. અનુભવ પરથી જાણવા મળે છે કે લાંબા ગાળે (આશરે 20થી 25 વર્ષ) શૅરોમાં કરેલ રોકાણ મહત્તમ વળતર આપે છે.

જિગીષ દેરાસરી