શેખ, એહમદ સરહિંદી (જ. 26 જૂન 1564, સરહિંદ શરીફ, ઉત્તર ભારત; અ. 10 ડિસેમ્બર, 1624) : ઇસ્લામી વિદ્યાના વિદ્વાન અને સૂફી સંત. તેઓ હજરત ઉંમર ફારુકે-આઝમ અમીરૂલ મોમિનના વંશજ હતા. એ રીતે કાબૂલના શ્રેષ્ઠ ખાનદાનના એ હતા. ખાનદાની રિવાયત પ્રમાણે તેઓ પશ્ચિમ પાકિસ્તાનના મશહૂર સૂફી સંત હજરત બાબા ફરીદગંજ શકરના કુળના હતા.
તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ પિતા મખદૂમ અબ્દુલ અહદ અને સરહિંદના બીજા વિદ્વાનો પાસેથી પ્રાપ્ત કર્યું હતું. 17 વર્ષની વયે કુરાને-મજીદ કંઠસ્થ કર્યું. સિયાલકોટમાં શેખ એહમદે અલ્લાયા કમાલુદ્દીન કશ્મીરીના શિષ્ય મુલ્લા અબ્દુલ હકીમ પાસેથી અઝદી અને બીજાં મુશ્કેલ પુસ્તકો વિશે જ્ઞાન પ્રાપ્ત કર્યું. હદીસ શરીફમાં તેમના ગુરુ શેખ યાકૂબ સર્ફી કશ્મીરી હતા. કાજી બહલૂલ બદખશાની પાસેથી તેઓ તક્સીર, અહાદીસ, ફકીહ જેવી ઇસ્લામી વિદ્યાઓમાં નિપુણતા મેળવી.
તેમના પિતા તેમના આધ્યાત્મિક ગુરુ હતા. તેમની પાસેથી વિદ્યાઓ શીખવા સાથે ચિશ્તીમાં અને કાદરિયા સિલસિલામાં મુરીદ પણ થયા હતા. એહમદનાં કૌશલ્યો ખુદાદાદ (દૈવી) હતાં. તેમનાં ઘણાં કૌશલ્યો નક્શબંટીયા બાબતમાં હજરત બાકી બિલ્લાહથી પ્રભાવિત થયા બાદ જાહેરમાં આવ્યા. તેમના સમગ્ર જીવન દરમિયાન તેઓ ત્રણ સૂફીઓમાં એક તેમના પિતા, બીજા હઝરત ખ્વાજા બાકી બિલ્લાહ કુદુસ સિર્યહ અને ત્રીજા શેખ યાકૂબ સર્ફી કશ્મીરીથી ખૂબ પ્રભાવિત થયા હતા.
તેઓ જાહેરી અને આધ્યાત્મિક વિદ્યા પૂરી કર્યા બાદ કેટલોક સમય અધ્યાપન કાર્ય કર્યા બાદ આગ્રામાં સ્થાયી થયા, જ્યાં તેમની મુલાકાત ઘણીવાર અકબર બાદશાહના વિદ્વાનો અબુલ ફઝલ અને અબુલ ફૈઝી સાથે થઈ હતી. અબુલ ફઝલ સાથેની ચર્ચા બાદ તેમણે ‘ઇસ્બાતૂનનુબુવ્વત’ નામનું પુસ્તક લખ્યું જે સૌથી પ્રાચીન છે. તેની કેટલીક કૃતિઓમાં ‘તૈહકીકુનનુબુવ્વત’ 44 પાનાંની નાની પુસ્તિકા છે. તેમાં પ્રથમ ચર્ચા ‘નુબુવ્વત’ના અર્થના સંશોધન સંબંધી છે તો બીજી ચર્ચા ‘મોઅજીઝા’ના સંદર્ભમાં કરવામાં આવી છે. તેમની અન્ય કૃતિઓમાં ‘અસ્નાએ તહસીલે ઉલ્ફેમ જાહીર મેં’; ‘તહલિલિયા’; ‘રિસાલએ રદ્દેશિયા’ અને ‘રિશાલએ રદ્દે રવાફીઝ’ ઉલ્લેખનીય છે.
આ ઉપરાંત તેમણે 526 પત્રો લખ્યા છે, જેની તસવ્વુફની શ્રેષ્ઠ કૃતિઓમાં ગણના થાય છે. તે ભારતમાં અને ભારત બહાર પણ લોકપ્રિય છે. તેનું સંપાદન ત્રણ ભાગમાં થયું હતું. 313 પત્રોનો પ્રથમ ભાગ ‘દુર્રૂલ મઆરેશી’; બીજો ભાગ 99 પત્રોનો ‘નૂરૂલ ખલાઇક’ નામક 1619માં સંપાદિત થયો; 30 પત્રોનો ત્રીજો ભાગ ‘મઆરે ફતુલહકાઇક’ છે અને બાકીનાં 124 પત્રોનું સંપાદન 1622માં કરાયું.
સમગ્ર ઇસ્લામી દુનિયા તેમને ઇમામે રબ્બાની મુજદ્દીદે અલ્ફેસાની તરીકે ઓળખે છે. ‘મુજદ્દીદે અલ્ફેસાની’નો ખિતાબ તેમને અબ્દુલ હકીમ સિયાલકોટીએ આપ્યો હતો. શેખ એહમદે અકબર બાદશાહ અને જહાંગીર સામેના પડકારો પણ ઝીલ્યા હતા. ઇસ્લામી આજ્ઞાઓની અવગણના કરતાં તેમણે તેમને ચેતવ્યા છતાં ન માન્યા તો તેમણે તેમની જાતે બરબાદી વહોરી લીધી.
ઝહીરમોહંમદ જાનમોહંમદ શેખ