શેખ, ઇબ્ન અરબી (. 1165, મુરસિયહ, સ્પેન; . 1240, દમાસ્કસ) : ઇસ્લામ અને ગ્રીકશાસ્ત્રના વિદ્વાન અને અરબી કવિ. તેઓ અબૂ બક્ર મુહિયુદ્દીન મુહમ્મદ ઇબ્ન અલી, ઇબ્ન અલ-અરબી અથવા ઇબ્ન અરબીના નામે ઓળખાતા હતા. 8 વર્ષની વયે તેમણે સ્પેનના ઇસ્લામી વિદ્યાના તત્કાલીન સૌથી મોટા કેન્દ્ર ઇશબિલિયામાં 30 વર્ષ સુધી ઇસ્લામી અને ગ્રીક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. 1202માં 38 વર્ષની ઉંમરે તેઓ પૂર્વના દેશોના પ્રવાસે ઊપડી ગયા. મિસ્ર (ઇજિપ્ત) બાદ મધ્યપૂર્વ, એશિયા માયનોરનો વ્યાપક પ્રવાસ ખેડ્યો. પછી બયતુલ મિક્સદ (જેરૂસલેમ), મક્કા, બગદાદ, હલ્બ વગેરે સ્થળોની મુલાકાત લઈને દમાસ્કસમાં સ્થિર થયા.

ઈશ્વર અને સૃદૃષ્ટિ વચ્ચેના સંબંધ વિશેના તેમના વહદતુલ વજૂદ-(ઈશ્વર સર્વવ્યાપી છે.)ના વિચારે એક તરફ તેમને લોકપ્રિય બનાવ્યા અને તેમને અસંખ્ય શિષ્યો મળ્યા; તો બીજી તરફ મધ્ય યુગના મુસ્લિમ ચિંતકો અને લેખકોમાં સૌથી વધુ વિવાદાસ્પદ વ્યક્તિ પણ ઠર્યા. તેમના સૂફીવાદી વિચારો અને ઉચ્ચ કોટિનાં લખાણો પરથી મવલાના મુજદુદ્દીન ફિરોઝાબાદી, ઇમામ ફખ્ર રાઝી તથા જલાલુદ્દીન સુયૂતી જેવાઓએ તેમની પ્રશંસા કરી.

તેમણે બધી ઇસ્લામી વિદ્યાઓ  હદીસ, તફસીર, ફિકહ વગેરે ઉપરાંત તસવ્વુફ (સૂફીવાદ) પર વધુ ધ્યાન આપ્યું છે. તેમણે કુલ 100થી વધુ ગદ્ય-પદ્ય કૃતિઓ આપી છે. તેમાં 4 વધુ ઉલ્લેખનીય છે : ‘ફૂતૂહાતે મક્કીયા’; ‘ફુસુસુલ હિક્મ’; ‘મફાનીહુલ ગૈયબ’ અને ‘રિસાલાત અલ-ખલવા’.

સૂફી ફિલૉસોફર તરીકે તેમણે ભારતીય પરંપરાની વધુ નજીક એવો એક નવીન વિચાર મૂક્યો કે ઈશ્વરે જે સૃદૃષ્ટિનું સર્જન કર્યું છે તેનું મૂળ તત્ત્વ તે પોતે છે. સમગ્ર સૃદૃષ્ટિ ઈશ્વરનો પડછાયો છે અને તે સૃદૃષ્ટિની પાછળ છુપાયેલો છે. આમ સૂફીવાદ ઈશ્વર (સત્ય) અને સૃદૃષ્ટિ વચ્ચે ઐક્ય સાધે છે. તેમનો આ વિચાર પૂર્વના દેશોમાં બહુ સ્વીકાર્ય બન્યો; પરંતુ ઇસ્લામની પરંપરાગત માન્યતા તેનો સ્વીકાર કરી ન શકી અને તેમના પર અધર્મી હોવાનો આક્ષેપ મૂક્યો.

તેમણે ગ્રીક વિચારધારાઓ The Logos અને Perfect man વિશે પણ પોતાના વિચારો સ્પષ્ટ રીતે વ્યક્ત કર્યા હતા. તેમના મત પ્રમાણે જે વ્યક્તિમાં ઈશ્વરી ગુણ પ્રગટ થાય તે perfect man (ઇન્સાને કામિલ) કહી શકાય. બધા નબીઓ, અવતારો અને સંતો ઇન્સાને કામિલ હોય છે. તે ઈશ્વરનું પ્રતિબિંબ હોય છે. આ વિચાર ઇસ્લામી પરંપરાથી અલગ પડતાં તેમના વિશે ગેરસમજ પેદા થઈ હતી. તેઓ એક સ્વપ્નશીલ સૂફી હોવાથી તેમનાં સ્વપ્નોમાંથી પ્રેરણા મેળવતા. તેમણે ભારતના સૂફીઓને ખૂબ પ્રભાવિત કર્યા. અબ્દુલ કરીમ જિલ્લી, અબ્દુલ રઝ્ઝાક કાશાની જેવા અરબ-ઈરાની સૂફીઓ તથા ઇરાકી, શબિસ્તરી અને જામી જેવા કવિઓ પર પણ તેમનો સારો એવો પ્રભાવ પડ્યો હતો.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી