કૉર્નફોર્થ જ્હૉન વૉરકપ

January, 2008

કૉર્નફોર્થ, જ્હૉન વૉરકપ (જ. 7 સપ્ટેમ્બર 1917, સિડની, ઑસ્ટ્રેલિયા; અ. 8 ડિસેમ્બર 2013, સસેક્સ, ઇગ્લૅન્ડ) : નોબેલ પારિતોષિકના સહભાગી બ્રિટિશ રસાયણજ્ઞ. 1937માં તેમણે સિડની યુનિવર્સિટીમાંથી સ્નાતકની અને 1941માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટની પદવી મેળવી. એ જ અરસામાં રીશ હારાડેન્સ નામનાં વિદુષી સાથે લગ્ન કર્યાં. તેમની સાથે પ્રયોગશાળામાં સંશોધન-સહકાર્યકર્તા તરીકે રીશે સારી સેવા આપી.

જ્હૉન વૉરકપ કૉર્નફોર્થ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે પેનિસિલીનના આંતરિક અણુનું બંધારણ નક્કી કર્યું. 1946 સુધી ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અને ત્યાર પછી 1962 સુધી લંડનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચમાં કાર્ય કર્યું. કેન્ટની શેલ રિસર્ચ મિલસ્ટેડ લૅબોરેટરી ઑવ્ કેમિકલ એન્ઝાયમૉલૉજીમાં સહ-ડિરેક્ટર (1962-68) અને ડિરેક્ટર (1968-75) તરીકે કાર્ય કર્યું. 1965-1971 દરમિયાન વૉરવિકમાં સહાયક પ્રાધ્યાપક અને 1975 સુધી સસેક્સ યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1975થી ’82 દરમિયાન સસેક્સ યુનિવર્સિટીની સ્કૂલ ઑવ્ મૉલિક્યૂલર સાયન્સીસમાં સંશોધન પ્રાધ્યાપક તરીકે જોડાયા. ત્રિપરિમાણી રસાયણશાસ્ત્રમાં અને ખાસ કરીને ઉત્સેચક દ્વારા ઉદ્દીપ્ત થયેલ રાસાયણિક પ્રક્રિયામાં અને મુખ્યત્વે યકૃતમાં મૅવેલોનિક ઍસિડમાંથી સ્કેવલેન કેવી રીતે બને છે અને છેવટે તેમાંથી કોલેસ્ટરૉલ કેવી રીતે બને છે તે શોધી કાઢ્યું. ત્રિપરિમાણી રસાયણશાસ્ત્રના અભ્યાસ માટે તેમને વ્લાડિમિર પ્રિલોગ સાથે 1975માં નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત તેમણે આલ્કિન્સ, ઓક્સેઝોલ અને વનસ્પતિ ઉત્સેચક પર પણ સંશોધનકાર્ય કર્યું છે.

પ્રવીણસાગર સત્યપંથી