કોર્તોના પિયેત્રો

January, 2008

કોર્તોના, પિયેત્રો (જ. 1 નવેમ્બર 1596; અ. 16 મે 1669) : ઇટાલિયન બરોક ચિત્રકાર અને સ્થપતિ. બાર્બેરિની પરિવાર માટે તેમણે કામ કર્યું. તેમણે ચીતરેલું ચિત્ર ‘ડિવાઇન પ્રોવિડન્સ, ઍન્ડ બાર્બેરિની પાવર’ તેમનો ‘માસ્ટરપીસ’ ગણાયો છે. 1633થી 1639 સુધીનાં છ વરસ આ ચિત્ર પાછળ ખર્ચાયાં હતાં. આ ચિત્ર બરોક શૈલીની લાક્ષણિક ‘સોતો ઇન સુ’ લઢણે ચીતરાયું છે, જેમાં સમગ્ર ર્દશ્ય, એ ર્દશ્યમાં આલેખિત માનવ કે પશુ-આકૃતિઓને તળિયેથી આરંભી ઉપરની દિશામાં એટલે કે પગ-બૂટ-ખરી આદિના ભાગેથી ઉપલા ભાગે જોતાં-પહોંચતાં ફૂલતાં-ફૂલતાં બતાવ્યાં છે. એ રીતના ર્દષ્ટિકોણથી ચીતરાયેલી આકૃતિઓ હવામાં તરતી દેખાય છે. તેથી સ્વાભાવિક રીતે જ પગ અને પેટ પહોળાં, મોટાં દેખાય છે તથા છાતી અને માથાં સાંકડાં, નાનાં દેખાય છે. ચિત્રમાં કેન્દ્રસ્થાને આકાશ દેખાય છે. કોર્તોનાએ રોમમાં પણ આ લઢણથી ચિત્રો ચીતર્યાં છે. 1652માં તેમણે ચિત્રકલા ઉપર એક ભાષ્ય પણ લખ્યું હતું.

અમિતાભ મડિયા