કૉર્ટિસોન : C21H28O5; ગ.બિં. 215° સે. અધિવૃક્કગ્રંથિ(adrenal)ના બાહ્યક અથવા કોટલા(cortex)માંથી સ્રવતો સ્ટીરૉઇડ અંત:સ્રાવ (hormone). રાસાયણિક ર્દષ્ટિએ તે 17-હાઇડ્રૉક્સિ-11-ડીહાઇડ્રોકૉર્ટિકોસ્ટેરોન છે.
અધિવૃક્કગ્રંથિમાંથી કૉર્ટિસોન સૌપ્રથમ 1935માં અલગ કરવામાં આવ્યું હતું. તે જાતીય વિકાસ સાથે સંકળાયેલ છે. તેના નિર્માણ ઉપર પીયૂષિકા(pituitary)ના અગ્રભાગ(anterior)માંથી સ્રવતા એડ્રીનો-કૉર્ટિકોટ્રૉપિક હૉર્મોન(ACTH)નો અંકુશ હોય છે. ACTH હૉર્મોન એ લગભગ ~20,000 અણુભારવાળા પ્રોટીન પ્રકારનો સંયોજનસમૂહ છે. કૉર્ટિસોન વિભાગીય સંશ્લેષણથી મેળવવામાં આવે છે. તેમાં પ્રાણીઓના પિત્તરસમાંથી મળતા ડિઑક્સિકૉલિક ઍસિડ તથા ડાયોસ્જેનીન નામનું સૅપોનીન દ્રવ્ય વપરાય છે. કૉર્ટિસોન અને એડ્રીનોસ્ટેરોન બંને જાતીય જીવન ઉપર અસર કરે છે. એડ્રીનોસ્ટેરોનમાં C17 ઉપર માત્ર O (C = O તરીકે) હોય છે.
ગ્લુકોકૉર્ટિકોઇડ તરીકે કૉર્ટિસોન કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. તણાવ હેઠળ ACTH અધિવૃક્કને વધુ ક્રિયાશીલ બનાવે છે જેથી વધુ પ્રમાણમાં કૉર્ટિઝોનનો સ્રાવ થતાં ગ્લાયકોજન-લયનથી ગ્લુકોઝના અણુઓ છૂટા પડવા ઉપરાંત, પ્રોટીન ગ્લુકોઝમાં ફેરવાય છે. ગ્લુકોઝના વિઘટનથી કાર્યશક્તિ મુક્ત થતાં શરીર તણાવનો સામનો કરવા સમર્થ બને છે.
1949માં મેયો ક્લિનિકના બે ડૉક્ટર ડૉ. હેન્ચ તથા ડૉ. કેન્ડૉલે રૂમૅટૉઇડ તથા સંધિશોધ (arthritis) ઉપર કૉર્ટિસોનની ચમત્કારિક અસર શોધી કાઢી. પરિણામે વર્ષો સુધી પથારીવશ રહેલા દર્દીઓ એક જ અઠવાડિયામાં ચાલતા થઈ શક્યા. રોજના 100 મિગ્રા. જેટલું કૉર્ટિસોન આ રોગનું શમન કરે છે. પણ તેને કાયમી મટાડી શકાતો ન હોવાથી ઔષધ જીવનભર લેવું પડે છે. તેના વધુ સેવનથી ખીલ થાય છે અને ચામડી ખરબચડી બને છે. સંધિશોથ ઉપરાંત દમ, સોજો તથા ઍલર્જી માટે પણ કૉર્ટિસોન ઉપયોગી છે. જોકે સંધિશોથ માટે હવે પ્રેગ્નિનોલૉન તથા આર્ટિઝોન નામનાં બે વધુ અસરકારક ઔષધો મળ્યાં છે, તેના બંધારણમાં C11 ઉપર ઑક્સિજન ગેરહાજર હોય છે.
જ. પો. ત્રિવેદી
બળદેવભાઈ પટેલ