શિલાહાર રાજ્યો : દક્ષિણ ભારતમાં આવેલાં શિલાહાર વંશનાં રાજ્યો. શિલાહાર વંશનાં ત્રણ રાજ્યો કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણ પ્રદેશમાં આવેલાં હતાં. આ ત્રણેય રાજ્યોની સ્થાપના રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં થઈ હતી અને તેઓ રાષ્ટ્રકૂટોના સામંતો તરીકે સત્તા ભોગવતા હતા. શિલાહાર વંશના બધા રાજાઓએ ‘તગરપુર વરાધીશ્વર’નો ઇલકાબ ધારણ કર્યો હતો; તેથી ભૂતકાળમાં તેમના પૂર્વજો તગરપુરમાં રાજ્ય કરતા હશે એમ માની શકાય. કોલ્હાપુરના શિલાહાર રાજ્યમાં કોલ્હાપુર (પન્હલ) ઉપરાંત મીરજ અને કરહાદનો સમાવેશ થતો હતો.
કોલ્હાપુરના રાજવંશે ઈ. સ. 912-13થી 13મી સદીની શરૂઆત સુધી રાજ્ય કર્યું હતું. વિદ્યાધર જીમૂતવાહન એમનો મૂળ પૂર્વજ હતો, જેના પિતાએ બલિદાન આપીને નાગ વંશના રાજા સનચૂડને ગરુડના હુમલામાંથી બચાવ્યો હતો. આ વંશના રાજાઓ શરૂઆતમાં જૈન હતા અને એમનાં કુળદેવી મહાલક્ષ્મી હતાં. તેઓ પોતાને ‘શ્રીમન્ મહાલક્ષ્મી લબ્ધવર પ્રસાદ’ તરીકે ઓળખાવતા હતા. આ વંશના પાછળના રાજાઓ પૌરાણિક અને વૈદિક ધર્મના અનુયાયી બન્યા તથા બ્રાહ્મણો અને જૈનો બંનેને આશ્રય આપતા. આ વંશના રાજાઓ ‘સુવર્ણ ગરુડધ્વજ’ ધારણ કરતા હતા.
આ વંશનો મારસિંહ નામનો રાજા ઈ. સ. 1058-59માં રાજ્ય કરતો હતો. આ મારસિંહ કિલિગલમાં રહેતો અને પોતાને ‘મહામંડલેશ્વર’ તરીકે ઓળખાવતો; પરંતુ એ કયા રાજાનો ‘મહામંડલેશ્વર’ હતો એ જાણવા મળતું નથી. તેની પુત્રી ‘ચંદલાદેવી’ અથવા ‘ચંદ્રલેખા’ ખૂબ સ્વરૂપવાન હતી અને કલ્હણે ‘રાજતરંગિણી’માં તેનો ઉલ્લેખ કર્યો છે. આ ચંદલાદેવી અથવા ચંદ્રલેખાએ કર્ણાટકના રાજા પરમાંદી (1121-25) સાથે લગ્ન કર્યાં હતાં. મારસિંહ પછી ગન્દરાદિત્ય, વિજયાદિત્ય અને ભોજ-2 નામના રાજાઓ થયા. ગન્દરાદિત્યે મીરજ જિલ્લામાં ‘ગન્દસમુદ્ર’ નામનું મોટું સરોવર બંધાવ્યું હતું અને એના કિનારે શિવ, બુદ્ધ તથા જૈન પ્રતિમાઓની સ્થાપના કરી હતી. દક્ષિણના યાદવ રાજા સિંઘણે ભોજ-2ને હરાવીને એનું રાજ્ય પોતાના પ્રદેશ સાથે જોડી દીધું હતું.
ઉત્તર કોંકણના શિલાહાર રાજ્યમાં અત્યારના મુંબઈ પાસેના થાણા અને કોલાબા જિલ્લાના પ્રદેશોનો સમાવેશ થતો હતો. એના પાટનગર તરીકે ધારાપુરી (મુંબઈ પાસેનું વર્તમાન એલિફન્ટા) હતું. થાણા પણ એમના રાજ્યનું શહેર હતું. કન્હેરીના એક અભિલેખમાંથી જાણવા મળે છે કે રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ1એ (ઈ. સ. 815877) કોંકણનો પ્રદેશ પુલ્લશક્તિને રાજ્ય કરવા માટે આપ્યો હતો. આ શિલાહાર રાજ્યમાં કુલ 1,400 ગામોનો સમાવેશ થતો હતો. ‘શિલાહાર’ શબ્દનો ઉલ્લેખ એક પ્રાચીન અભિલેખમાં ‘શિલાર’ તરીકે અને બીજા કેટલાક અભિલેખોમાં ‘શિયાલા’ અથવા ‘શિયાલારા’ તરીકે થયેલો જોવા મળે છે. આ વંશના છેલ્લા રાજાઓ નિર્બળ હોવાથી તેમનું રાજ્ય દેવગિરિના સિંઘણે જીતી લીધું. આ વંશમાં કુલ 20 રાજાઓએ રાજ્ય કર્યું હતું.
દક્ષિણ કોંકણના શિલાહાર રાજવંશની સ્થાપના સનફુલ્લ નામના રાજાએ કરી હતી. તેણે સહ્યાદ્રિ પર્વતથી સમુદ્ર સુધીનો પ્રદેશ જીતી લીધો હતો. એમાં કૃષ્ણ નામના એક રાજાએ એને મદદ કરી હતી. સનફુલ્લનું પૂરું નામ સનફુલ્લ સ્ત હતું. આ રાજ્યની પ્રથમ રાજધાની ગોવામાં અને એ પછી ખરગપટ્ટણમાં હતી. આ વંશના રાજાઓએ સને 1100 સુધી રાષ્ટ્રકૂટોની સત્તા નીચે અને એ પછી ચૌલુક્યોની સત્તા નીચે રહીને રાજ્ય કર્યું હતું. ખરગપટ્ટણના દાનપત્રમાંથી એવી માહિતી મળે છે કે ઈ. સ. 1008-09માં સ્ત વંશનો 10મો રાજા રાજ્ય કરતો હતો. આ 10 રાજાઓમાંથી દરેકનો રાજ્યસમય સરેરાશ 25 વર્ષનો ગણીએ તો સનફુલ્લે ઈ. સ. 783થી 808 સુધી રાજ્ય કર્યું હોવાની શક્યતા ગણાય.
આમ, શિલાહાર રાજવંશ દક્ષિણ ભારતનો એક નોંધપાત્ર રાજવંશ હતો અને તેની ત્રણ શાખાઓએ કોલ્હાપુર, ઉત્તર કોંકણ અને દક્ષિણ કોંકણનાં ત્રણ અલગ રાજ્યો સ્થાપી ત્યાં રાજ્ય કર્યું હતું.
મુગટલાલ પોપટલાલ બાવીસી