શિલાવરણ (lithosphere)

January, 2006

શિલાવરણ (lithosphere) : ખડકોથી બનેલું આવરણ. પૃથ્વીનો પોપડો કે જે વિવિધ પ્રકારના ખડકોથી બનેલો છે તેને શિલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તેની નીચેની સીમા ભૂમધ્યાવરણ (mantle) અને ઉપરની સીમા જલાવરણ, જીવાવરણ અને વાતાવરણથી આવૃત છે. જલાવરણ અને વાતાવરણની સરખામણીએ જોતાં આ આવરણ ઘનદ્રવ્યથી બનેલું છે. મોટાભાગના અભ્યાસીઓ શિલાવરણને પોપડાના સમાનાર્થી પર્યાય તરીકે ઘટાવે છે. તે પોપડાનો બહારનો દૃઢ વિભાગ છે જે ‘સિયલ’ (sial) અને ‘સિમા’ (sima) તરીકે જાણીતા બે જુદા જુદા પ્રકારના બંધારણવાળા ખડકોથી બનેલો હોય છે. સિમાનો નિમ્ન વિભાગ પ્રમાણમાં નબળો હોવાથી તેની અપેક્ષાએ શિલાવરણનો બાહ્ય પોપડો વધુ ક્ષમતાવાળો, સખત અને દૃઢ ગણાય છે. (જુઓ : સિયલ, સિમા).

અગત્યનાં લક્ષણો દર્શાવતું ખડકચક્ર

‘શિલાવરણ’ શબ્દનો બહોળો અર્થવિસ્તાર કરતાં, વાસ્તવમાં તો તે ખડકોથી બનેલું આવરણ કહેવાતું હોવાથી, પૃથ્વીની સપાટીથી ભૂકેન્દ્રીય વિભાગ સુધીના બધા જ ઘનદ્રવ્યનો સમાવેશ કરી શકે; પરંતુ પૃથ્વીના પોપડાના ભાગ માટે તે રૂઢ થઈ ગયેલો છે. પૃથ્વીનાં જુદાં જુદાં આવરણો માટે વિશિષ્ટ વિભાગીય નામો ઉપયોગમાં લેવાય છે. એ સંદર્ભમાં, સમગ્ર પૃથ્વીના ગોળાને પોપડો, ભૂમધ્યાવરણ અને ભૂકેન્દ્રીય વિભાગોમાં વહેંચી નાખવામાં આવેલો છે. આ ઉપરાંત, શિલાવરણ તેમાં જોવા મળતા નિક્ષેપોથી, કણજન્ય જળકૃત ખડકોથી, વિકૃત અને અગ્નિકૃત ખડકોથી બનેલું છે. તેમાં જાતજાતનાં, આર્થિક દૃષ્ટિએ ઉપયોગી ખનિજો-ધાતુખનિજો પણ રહેલાં છે; તેમાં ભૂગર્ભજળ, ખનિજતેલ અને કુદરતી વાયુ પણ છે. તે જુદી જુદી ઘણી ભૂતકતીઓ(tectonic plates)થી બનેલું હોય છે. તેમાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, ખીણપ્રદેશો જેવાં વિવિધ ભૂમિસ્વરૂપો તૈયાર થયેલાં છે. શિલાવરણના ખડકો પર વિવિધ પાર્થિવ અને આંતરિક પરિબળો અને પ્રતિબળો ક્રમિક કે સતત કાર્યશીલ રહી તેને જાતજાતના ફેરફારોને ગ્રાહ્ય બનાવે છે, જે ઉપરની ચક્રાકૃતિ પરથી સ્પષ્ટ બની રહે છે.

ગિરીશભાઈ પંડ્યા