શિલોંગ : ભારતના પૂર્વભાગમાં આવેલા મેઘાલય રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 25° 34´ ઉ. અ. અને 91° 53´ પૂ. રે.. તે કોલકાતાથી ઈશાનમાં 480 કિમી.ના અંતરે આવેલું છે. રાજ્યના મધ્ય-પૂર્વ ભાગમાં આવેલા ‘ઈસ્ટ ખાસી હિલ્સ’ જિલ્લાનું તે વડું વહીવટી મથક છે.

ભૂપૃષ્ઠ-જળપરિવાહ-આબોહવા : આ શહેર ખાસીની ટેકરીઓથી બનેલા શિલોંગના ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી 1,470 મીટરની ઊંચાઈએ વસેલું છે. શિલોંગથી દક્ષિણે 5 કિમી.ને અંતરે આવેલું ‘શિલોંગ પૉઇન્ટ’ અહીંનું સર્વોચ્ચ શિખર છે. શિલોંગના ઉચ્ચપ્રદેશમાંથી નીકળતી ઉમિખેમ, ઉમિયામ અને ઉમસિયાંગ નદીઓ બ્રહ્મપુત્ર કે સુરમા નદીને મળે છે.

અહીંનો આખોય પ્રદેશ ગરમ-ભેજવાળી આબોહવા ધરાવે છે. પ્રમાણમાં ગરમ તાપમાન ધરાવતા આ વિસ્તારમાં બંગાળના ઉપસાગર પરથી વાતા ભેજવાળા પવનો વર્ષાઋતુ દરમિયાન પુષ્કળ વરસાદ આપે છે.

શિલોંગ

શિલોંગ ભારતનાં ઈશાની રાજ્યોમાં આવેલાં બધાં જ શહેરો પૈકીનું સૌથી મોટું શહેર છે. અગાઉ આસામ રાજ્યનું તે પાટનગર હતું, ત્યારે તેનું મહત્વ વધારે હતું. આજે તે અહીંના વિસ્તારનું ખેતપેદાશોનું મથક બની રહેલું છે. ભારતનો 40 નંબરનો રાષ્ટ્રીય ધોરી માર્ગ આ શહેરમાંથી પસાર થાય છે.

આ શહેરમાં અનેક હોટેલો તેમજ ગૉલ્ફનું મેદાન આવેલાં છે. અહીં ડેરીની પેદાશો, ફળો તથા રેશમનું ઉત્પાદન થાય છે. જંતુનાશક દવાઓનો વેપાર પણ અહીં વિકસ્યો છે. આજુબાજુના પહાડી ભાગોમાં કોલસો, ચૂનાખડકો અને અમુક પ્રમાણમાં લોહઅયસ્કનો જથ્થો મળે છે. આ શહેર ખાતે સિમેન્ટનાં કારખાનાં, કાંડાઘડિયાળ (HMT), દવાઓ, વીજળીનાં સાધનો તથા વિદેશી દારૂ બનાવવાના એકમો સ્થપાયાં છે. ઇમારતી લાકડાં, ખાદ્ય પાકો અને બટાટાનું મુખ્ય બજાર પણ અહીં વિકસ્યું છે.

શિલોંગ અને તેની આજુબાજુનો પ્રદેશ ‘સ્કૉટલૅન્ડ ઑવ્ ઈસ્ટ’ તરીકે જાણીતો બન્યો છે. શહેરથી 19 કિમી. દૂર ઉમિયામ જળવિદ્યુત મથક ઊભું કરવામાં આવ્યું છે. વિવિધ વિદ્યાશાખાઓને આવરી લેતી યુનિવર્સિટી અહીં આવેલી છે. શહેરમાં ચિકિત્સાલયો સહિતની તબીબી સુવિધા પણ ઉપલબ્ધ છે. 1897માં થયેલા પ્રચંડ (તીવ્રતા 8.7વાળા) ભૂકંપથી અહીંનો સમગ્ર પ્રદેશ ધ્રૂજી ઊઠેલો, પરિણામે આખુંય શિલોંગ શહેર ધરાશાયી થઈ ગયેલું. 1991 મુજબ શિલોંગ શહેરની વસ્તી 2,22,000 જેટલી છે.

નીતિન કોઠારી