કોરો, જ્યાઁ બાપ્તિસ્તે કેમિલે (Corot, Jean-Baptiste Camille) (જ. 16 જુલાઈ 1796, પૅરિસ; અ. 22 ફેબ્રુઆરી 1875, પૅરિસ; ફ્રાંસ) : નિસર્ગચિત્રો ચીતરવા માટે જાણીતા ‘બાર્બિઝોન’ કલાજૂથના ચિત્રકાર. વાતાવરણ-પ્રધાન તેમનાં ચિત્રો બ્રિટિશ ચિત્રકારો ટર્નર અને જોન કૉન્સ્ટેબલનાં ચિત્રો સાથે હવે પછીના પ્રભાવવાદી ચિત્રકારો માટે પ્રેરણારૂપ બની રહેલાં. એ રીતે એ બે બ્રિટિશ ચિત્રકારો સાથે કોરો પ્રભાવવાદના અગ્રયાયી ચિત્રકાર છે.
પૅરિસના એક ધનાઢ્ય કુટુંબમાં કોરોનો જન્મ થયેલો. માતા સ્વિસ હતી, પિતા ફ્રેંચ હતા. ભણવામાં અસફળ કોરોને પિતાના કાપડના ધંધામાં પણ ફાવ્યું નહિ. આખરે એમની પચીસ વરસની ઉંમરે માબાપે થાકીને એમને જે કરવું હોય તે કરવાની છુટ્ટી આપી.
દિવસો સુધી લુવ્ર મ્યુઝિયમમાં ચિત્રો અને શિલ્પો સામે તાકી રહીને કોરોએ કલાનો અભ્યાસ શરૂ કર્યો. બે નવપ્રશિષ્ટ ચિત્રકારો એશિલ-એત્ના મિશાલો (Achille-Etna Michallon) અને જ્યૉ-વિક્તો બર્તી (Jean-Victor Bertin) પાસેથી તેમણે થોડા કલા-પાઠ મેળવ્યા. પહેલેથી જ સ્ટુડિયોમાં પુરાઈને ચિત્રકામ કરવાને બદલે કોરોએ ખુલ્લામાં બહાર કુદરતમાં બેસીને ‘ઓપન-ઍર’ ચિત્રો ચીતરવાનું શરૂ કર્યું.
1825માં કોરો રોમ ગયા અને ત્યાં તેમણે ત્રણ વરસ વિતાવ્યાં. નેપલ્સ, વેનિસ અને ઈશિયા(Ischia)ની મુલાકાતો લીધી. ઇટાલીનાં આ નગરો તેમજ નિસર્ગર્દશ્યોને તેમણે ચિત્રોમાં આલેખિત કર્યાં. ફ્રાન્સ પાછા ફરીને તેઓ પૅરિસ નજીક આવેલા ફૉન્તેનેબ્લા જંગલમાં સ્થિર થયા. તેમણે ત્યાંની વનશ્રીની આજુબાજુના પૂરા વાતાવરણ સાથે મનોહર ચિત્રશ્રેણી ચીતરવી શરૂ કરી. તેમનાં આવાં બે નિસર્ગચિત્રો ફ્રાંસના સામૂહિક ચિત્રપ્રદર્શન સાલોંમાં 1827માં અને 1833માં પ્રદર્શન માટે સમાવેશ પામ્યાં હતાં. 1834માં તેઓ ફરીથી ઇટાલી ગયા અને વૉલ્તેર, ફ્લૉરેન્સ, પિસા, જિનોઆ, વેનિસનાં નગરર્દશ્યો ચીતર્યાં. આ ઉપરાંત તેમણે 1936માં ફ્રાંસના અંતરિયાળ પ્રદેશો ખૂંદીને નિસર્ગર્દશ્યો આલેખ્યાં. વળી, 1842માં સ્વિટ્ઝર્લૅન્ડ, 1843માં ફરી અને છેલ્લી વાર ઇટાલી, 1854માં નેધરર્લૅન્ડ્ઝ તથા 1862માં બ્રિટનની યાત્રાઓ તેમણે કરી. પરંતુ ફૉન્તેનેબ્લોં જંગલ, બ્રિટની અને નૉર્મન્ડી-તટ તેમના પ્રિય વિસ્તારો બની રહ્યા.
1950 પછી ફ્રેંચ ધનાઢ્ય લોકો અને કલાના વેપારીઓ કોરોનાં નિસર્ગચિત્રોને મોં-માંગી કિંમતે ખરીદતા થયા. 1885ના સાલોં પ્રદર્શનમાં સમ્રાટ નેપોલિયોં ત્રીજાએ કોરોના પ્રદર્શિત ચિત્રને એ વરસના સાલોં પ્રદર્શનનાં શ્રેષ્ઠ ચિત્ર તરીકે સર્વોચ્ચ પદથી નવાજ્યું અને ઊંચી કિંમતે ખરીદી લીધું. 1867માં ફ્રાંસના સર્વોચ્ચ દ લેજ્યોં દ’ઓનોર પદથી તેમનું (The legion of Homer) સન્માન કરવામાં આવ્યું. પછી તો તેમનાં ચિત્રોની માંગ અમેરિકામાં પણ એટલી બધી વધી પડી કે ચિત્રો ખૂટી પડ્યાં પણ ઘરાકો વધતા ગયા ! એ માંગ પૂરી કરવા માટે નકલી ચિત્રો બજારમાં કોરોની બનાવટી સહી સાથે વેચાવા માંડ્યાં. પરિણામે એક ઉક્તિ પ્રચલનમાં આવી : ‘કોરોએ એક હજાર ચિત્રો ચીતર્યાં, જેમાંથી પંદરસો ચિત્રો અમેરિકામાં છે !’
બાર્બિઝોંન શૈલીના બીજા ચિત્રકારો મિલે (Millet), રૂસો (Roussean), દોમિયે (Daumier) વગેરેને કોરો પૂરી નાણાકીય મદદ કરતા. અન્ય કલાકારોને પણ તેઓ હંમેશાં મદદરૂપ થતા. પ્રભાવવાદી ચિત્રકારોમાંથી પિસારો, મોરિસો વગેરેને તેઓ કલાના પાઠ ભણાવતા હતા.
જીવનના અંતકાળે તેમણે સ્ટુડિયોમાં બેસીને ફળફળાદિ, પુષ્પો કે વાંજિત્ર પકડીને બેઠેલી યુવતીઓને આલેખિત કરી; પરંતુ નિસર્ગ-ચિત્રણામાં તેની કલા શ્રેષ્ઠ પુરવાર થઈ. અત્યંત મધુર અને શાંત અને ગમગીન નિસર્ગચિત્રોના આલેખનમાં કોરોની પીંછી ચિત્તને અભિભૂત કરી મૂકવાની ક્ષમતા ધરાવે છે.
અમિતાભ મડિયા