કોરેલી આર્કાન્યેલો

January, 2008

કોરેલી, આર્કાન્યેલો (જ. 1653, બોલોન્યા, ઇટાલી; અ. 1713, રોમ, ઇટાલી) : ઇટાલિયન સંગીતકાર અને સ્વરનિયોજક. તેમણે બોલોન્યામાં જ સંગીતની તાલીમ લીધી. 1675માં રોમમાં સ્થિર થયા. ઇટાલિયન વાદ્યસંગીતના વિકાસમાં તેમણે મહત્વનો ભાગ ભજવ્યો. 1681માં તેમણે સ્વરચિત વાદ્યસંગીતનું પ્રથમ પુસ્તક છપાવ્યું. બે વરસ પછી બે વાયોલિન, એક વાયોલા અને એક હાર્પિસ્કોર્ડ એમ ચાર વાજિંત્રોના ક્વાર્ટેર માટેના સૉનાટાઓ લખ્યા અને પુસ્તક રૂપે છપાવ્યા. તેમના વાદ્યસંગીતના પાંચમા પુસ્તકમાં સૉનાટાનું માળખું એકથી વધુ કાઉન્ટપૉઇન્ટ વડે રચાતા સાચા ફ્યુગ(Fugue)ની સમીપ જઈ પહોંચે છે. ઍમ્સ્ટરડેમમાં મરણોત્તર, 1714માં પુસ્તક રૂપે પ્રકાશિત થયેલા તેમના બાર કન્સર્ટી ગ્રોસી (Concerti grossi) કોરેલીની શ્રેષ્ઠ રચનાઓ ગણાય છે. તેમના જીવનનાં છેલ્લાં ત્રીસ વરસ આ રચનાઓ તૈયાર કરવામાં પસાર થયેલાં. (ચારપાંચ વાજિંત્રોની બાકીના ઑર્કેસ્ટ્રા સાથેની સામૂહિક જુગલબંધ ‘કન્સર્ટી ગ્રોસી’ કહેવાય છે.) આ બાર કન્સર્ટી ગ્રોસીમાંથી પહેલા આઠનો ભાવ ગમગીનતાનો; દુ:ખ તથા કરુણતાનો છે અને છેલ્લા ચારનો ભાવ ઉલ્લાસ, ઉત્સાહનો અને મોજમસ્તીનો છે.

આર્કાન્યેલો કોરેલી

એક ઉત્તમ સ્વરનિયોજક હોવા ઉપરાંત કોરેલી સર્વ દેશકાળના સર્વોત્તમ વાયોલિનવાદકોમાં પણ સ્થાન ધરાવે છે. વાયોલિન વગાડવા તકનીકના વિકાસમાં પણ તેમનું મોટું યોગદાન રહેલું છે. એમના બે શાગીર્દ જેમિનિયાની અને લોકોતેલીએ પણ વાયોલિન વગાડવાની તકનીકનો વધુ વિકાસ કર્યો. અઢારમી સદીના ઉત્તરાર્ધના બ્રિટિશ સંગીત-ઇતિહાસકાર ડૉ. ચાર્લ્સ બર્નીના મતાનુસાર કોરેલીના વાજિંત્ર-મિશ્રણોની તોલે બીજા કોઈનું પણ વાદ્યસંગીત આવી શકે એવું નથી.

અમિતાભ મડિયા