શિયૉપ્સનો પિરામિડ : ઇજિપ્તના પિરામિડ સ્થાપત્યમાં અગ્રગણ્ય પિરામિડ. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે મેમ્ફિસ નામના સ્થળેથી થોડે દૂર ગીઝે આવેલું છે. આ સ્થળે આવેલા પિરામિડોમાં શિયૉપ્સનો પિરામિડ નોંધપાત્ર છે. તે ઇજિપ્તના ફેરોહ ખુફુનો પિરામિડ હોવાથી ખુફુના પિરામિડ તરીકે પણ જાણીતો છે. માનવસર્જિત સ્થાપત્યમાં આ સૌથી વિશાળ સ્થાપત્ય છે. તેનો સમચોરસ પાયો (base) દરેક બાજુ 236 મીટર લાંબો છે. આ વિશાળ સ્થાપત્ય 53 હેક્ટર જમીનને આવરી લે છે. મૂળમાં તેની ઊંચાઈ 147 મીટર (480 ફૂટ) હતી. હાલ તેની ઊંચાઈ 138 મી. (450 ફૂટ) છે. ચૂનાના પાષાણખંડો વડે આ ઇમારતનું બાંધકામ થયું છે. આવા કુલ 2,30,00,000 પાષાણખંડો તેના બાંધકામ માટે વપરાયા છે. દરેક પાષાણનું વજન 2,540 કિલોગ્રામ (અઢી ટન) હતું. આ બધા પાષાણ નાઇલની પૂર્વે આવેલી ટેકરીઓમાંથી ખોદીને લાવવામાં આવ્યા હતા. સૌપ્રથમ અણઘડ રીતે ખોદાયેલા પથ્થરને નાઇલમાં જ્યારે વધુ પાણી હોય ત્યારે હોડીઓમાં વહાવીને સામે પશ્ચિમ કાંઠે લઈ જવાતા. તે પછી ચોક્કસ માપ અને આકારમાં તેમને કાપીને સુઘડ કરવામાં આવતા. આ પથ્થરો ચોકસાઈથી એકબીજાની ચપોચપ ગોઠવેલા છે. એમ કહેવાય છે કે બે પથ્થર વચ્ચેના સાંધામાંથી ટાંકણી કે પીંછું પણ જઈ શકતું નહિ. ગ્રીક ઇતિહાસકાર હિરોડૉટ્સે ઈ.પૂ. 450માં ઇજિપ્તની મુલાકાત લીધી
હતી. તેના જણાવ્યા પ્રમાણે નાઇલ નદીના કાંઠેથી બાંધકામના સ્થળે પથ્થરો લઈ જવા માટેનો માર્ગ તૈયાર થતાં 10 વર્ષ થયાં હતાં, જ્યારે પિરામિડનું બાંધકામ પૂરું થતાં 20 વર્ષ થયાં હતાં. તેના બાંધકામ માટે એક લાખ માણસો રોકાયા હતા. વર્ષના ત્રણ જ મહિના તેઓ તનતોડ મહેનત કરતા. 480 ફૂટની ઊંચાઈએ અઢી ટન વજનની આ શિલાઓ કેવી રીતે ચઢાવી હશે એ પ્રશ્ર્ન છે. ખુફુએ 23 વર્ષ શાસન કર્યું હતું. તે જ્યારે ગાદીએ બેઠો ત્યારે પિરામિડનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. પથ્થરની શિલાઓ વડે બનેલા પિરામિડની બહારની બાજુએ પૉલિશ કરેલો આરસનો પથ્થર જડવામાં આવ્યો હતો. આનાં બે પ્રયોજનો હતાં – એક તો તે પિરામિડના સુશોભનમાં વધારો થતો હતો અને બીજું, એનાથી પિરામિડનું પ્રવેશદ્વાર પણ ઢંકાતું હતું. આરસનો પથ્થર હાલ આ પિરામિડમાં જોવા મળતો નથી, પણ ખાફ્રેના પિરામિડ પર જળવાઈ રહેલા આરસના પથ્થરથી આ પિરામિડ વિશે પણ અનુમાન કરી શકાય છે. ઉત્તર દિશામાં આવેલા પ્રવેશદ્વારમાંથી તેમાં જઈ શકાય છે. અંદર જવાનો રસ્તો જ્યાં પૂરો થાય છે ત્યાં એક વિશાળ ગૅલરી આવેલી છે. આ ગૅલરીની ઉપર રાજાનો દફન-ખંડ આવેલો છે. ત્યાં રાજાનું શબ મમી રૂપે મૂકેલું છે. આ દફન-ખંડની છત અલંકૃત રીતે બાંધેલી છે. આ ખંડની નીચે રાણીનો દફન-ખંડ આવેલો છે.
થૉમસ પરમાર