શિરદર્દ (headache) : માથામાં થતો દુખાવો. સામાન્ય રીતે ખોપરીના ઉપરના ભાગમાં થતા દુખાવાને શિરદર્દ કહે છે, જ્યારે ચહેરાના ભાગમાં ઉપલા અને નીચલા જડબાવાળા ભાગમાં થતા દુખાવાને વદનપીડા (facial pain) કહે છે. જોકે આવું વિભાગીકરણ કાયમ સુસ્પષ્ટ રીતે જળવાતું નથી. માથાનો દુખાવો એ ઘણો જોવા મળતો પરંતુ સારવારની દૃદૃષ્ટિએ મુશ્કેલ શારીરિક તકલીફ છે.

સારણી 1 : શિરદર્દનાં મહત્વનાં કેટલાંક કારણો

ક્રમ કારણ સ્થાન સમયગાળો પ્રકાર સહસંગી તકલીફો
1. માનસિક આખા સતત

 

ધીમો, સખત સ્થાનિક સ્પર્શવેદના
તણાવ માથામાં, દબાણવાળો (દબાવવાથી દુખે),
(tension) ડોકમાં મનોવિકારી ચિંતા,
(nuchal) ખિન્નતા
2. આધાશીશી એક બાજુ લઘુ હુમલા કળતર પરસેવો વળવો,
(migraine, અથવા થાય (aching), ઊબકા, ઊલટી,
અર્ધશીર્ષપીડ) બંને લપકારા પ્રકાશ-અસહિષ્ણુતા,
લમણાંમાં મારે (thr- દૃષ્ટિવિકારો
obbing)
3. ગંડપ્રદેશીય લમણામાં સતત, ખાસ બળતરા શીર્ષચર્મ(scalp)ને
ધમનીશોથ કરીને રાત્રે અડવાથી દુખે (સ્પર્શ-
(temporal વેદના), ચાવતાં
arteritis) ચાવતાં જડબાં દુખે
4. તાનિકાશોથ આખા ટૂંકા સમયમાં લપકારા ડોકની અક્કડતા,
(menin- માથામાં, શરૂ (ઉગ્ર) મારે તાવ
gitis) ડોકમાં અને સતત
વધે
5. ખોપરીમાં આખા સતત વધે લપકારા ઊલટી, ઘેન, દૃષ્ટિ-
વધેલું દબાણ માથામાં મારે ચકતીશોફ (papi-
(ગાંઠ કે lloedema)
અન્ય કારણે)

મોટાભાગના દર્દીઓમાં તે મામૂલી (trivial) અને આપોઆપ શમતી એટલે કે સ્વત:શમનશીલ (reversible) હોય છે; તેથી દર્દી સાથેની પૂરતી માહિતી આપતી ધીરજપૂર્વકની વાતચીત ઘણી વખત મોંઘી અને ક્યારેક હાનિકારક કસોટીઓ અને તપાસોમાંથી મુક્તિ અપાવે છે. માથામાં થતો દુખાવો આંખ, કાન કે અન્ય નજીકની સંરચનાઓમાંના વિકારને કારણે, માથાની નસોમાં ઉદ્ભવતી વિષમતાઓને કારણે, ખોપરીના પોલાણમાં થતા દબાણના વધારાને કારણે  એમ વિવિધ કારણોસર થાય છે. મગજ પરનાં આવરણો-(તાનિકાઓ, meninges)ના સંક્ષોભણ(irritation)ને કારણે કે માનસિક કારણોસર પણ માથાનો દુખાવો થાય છે. માથાના દુખાવાનાં કેટલાંક મહત્વનાં કારણોને સારણી 1માં સમાવિષ્ટ કરાયેલાં છે, જ્યારે વદનપીડાનાં મુખ્ય કારણોને સારણી 2માં સમાવેલા છે.

સારણી 2 : વદનપીડા(facial pain)નાં કેટલાંક મુખ્ય કારણો

ક્રમ કારણો સ્થાન સમયગાળો પ્રકાર સહસંગી તકલીફો
1. ત્રિશાખી ચહેરાની લઘુ હુમલા વીજ ચમકાર સ્પર્શથી, ચાવવાની
ચેતાપીડ એક બાજુ, જેવો તીવ્ર ક્રિયાથી કે બોલવાથી
(trigemi- ઉપલા કે એકદમ દુખાવો
nal neur- નીચલા થઈ આવે.
algia) જડબામાં
દુખાવો
2. અર્ધશીર્ષપીડ- ચહેરાની લઘુ હુમલા અતિશય આંખમાંથી પાણી
સમ ચેતા- એક બાજુ લપકારા પડવું, નાક જામ
પીડ (mig- આંખ, ગાલ મારતો થઈ જવું.
rainous કે કપાળમાં (રાત્રે)
neuralgia) દુખાવો
3. બિન-નમૂના- એક સતત કળતર, શાર
રૂપ વદન- અથવા પાડતો હોય
પીડા (a બંને બાજુ એવો
typical
facial pain)
4. ગંડક- એક બાજુ ચાવતી કળતર ચાવતી વખતે
અધોહનુ જડબાના વખતે બંને જડબાં
અસ્થિના સાંધામાં કે એકમેકની
(tempor- ખૂણામાં, પાસે ન આવે
omandi- ગાલમાં
bular)
સાંધા એટલે
કે નીચલા
જડબાનો
ખોપરી સાથે
જોડતા સાંધાનો
વિકાર

નિદાન : દર્દીની તકલીફના વૃત્તાંત પરથી તથા તેની શારીરિક તપાસ પરથી ઘણે ભાગે નિદાન શક્ય બને છે. જરૂર પડ્યે તે કિસ્સામાં વૃત્તાંત તથા પ્રાથમિક તપાસને આધારે ભવિષ્યની વધુ સઘન તપાસપદ્ધતિ નક્કી કરાય છે. બહુ થોડા કિસ્સામાં રક્તકોષ ઠારણદર (erythrocyte sedimentation rate, ESR) કે ઉપદંશ (syphilis) માટેની કસોટીઓ કરાય છે. જો દર્દીને ખોપરીમાં દબાણ વધેલું હોય તો સીટી સ્કૅન કે એમ.આર.આઈ. કરાય છે.

તણાવજન્ય શિરદર્દ (tension headache) : આ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો માથાનો દુખાવો છે. આખા માથામાં કે ડોકમાં સતત દુખાવો થાય છે. તે ધીમો, દબાવતો કે ખોપરી ફરતે પટ્ટા જેવો હોય છે. તે અઠવાડિયાં કે મહિનાઓ સુધી સતત થતો રહે છે. તેની તીવ્રતામાં વધઘટ થાય છે. તેની સાથે ઊલટી કે પ્રકાશ-અસહિષ્ણુતા (photophobia) થતી નથી. આ રીતે તેને અર્ધશીર્ષપીડ(migraine)થી અલગ પાડી શકાય છે. દર્દી તેનું કાર્ય કરી શકે છે અને કામના સમયે દુખાવો ઓછો રહે છે. ખોપરી કે ડોકને સ્પર્શ કરવાથી દુખાવો થાય છે પણ તેને સ્પર્શારંભી ત્રિશાખી ચેતાપીડાથી અલગ પાડવી પડે છે. ચામડીને અડવાથી ત્રિશાખીપીડાનો હુમલો થઈ આવે તેવા વિકારને સ્પર્શારંભી ત્રિશાખી ચેતાપીડ (skin-triggered trigeninal neuralgia) કહે છે.

માનસિક તણાવ અને મનોવિકારી ચિંતા તણાવજન્ય શીર્ષદર્દ કરે છે. ઘણી વખતે તેની સાથે ખિન્નતાજન્ય (depressive) વિકાર પણ હોય છે. માથાના દુખાવા અંગેની ચિંતા પણ દુખાવો લંબાવે છે. દર્દીનો વૃત્તાંત તથા શારીરિક તપાસ નિદાનમાં સહાયક બને છે. સારવારમાં સામાન્ય રીતે મનોવિકારી ચિંતા અને ખિન્નતાને ઘટાડવા પ્રયત્ન કરાય છે.

આધાશીશી (migraine) : તેને અર્ધશીર્ષપીડ પણ કહે છે. તેમાં માથામાં એક બાજુએ ઊલટી તથા દૃષ્ટિવિકાર સાથેના દુખાવાના હુમલા થાય છે. ઘણા દર્દીઓમાં તે બંને લમણાંમાં કે આખા માથામાં થાય છે અને તેની સાથે દૃષ્ટિનો કે ચેતાતંત્રનો વિકાર થતો નથી. સૌથી મહત્વનું લક્ષણ તેના આવતા હુમલા (episodes) છે. સૌપ્રથમ આરંભલક્ષણ (aura) થાય છે. જે સમયે મગજના ખાસ કરીને પશ્ચકપાલી (occipital) અને પાર્શ્ર્વકપાલી (parietal) ખંડોમાં લોહીનું ભ્રમણ સાપેક્ષ રીતે ઘટે છે. લોહીના ભ્રમણના સાપેક્ષ ઘટાડાને અલ્પરુધિરતા (oligaemia) કહે છે. તેથી તે સમયે દૃષ્ટિ અને અન્ય સંવેદનાઓ સંબંધે વિકાર ઉદ્ભવે છે. આ લક્ષણોને આરંભલક્ષણ કહે છે. ત્યારબાદ ખોપરીની બહારની ધમનીઓ (બહિર્કર્પરી ધમનીઓ, extracarnial arteries) પહોળી થઈ જાય છે. આવું થવાનું કારણ લોહીમાં 5-હાયડ્રૉક્સિ-ટ્રિપ્ટેમાઇન નામના દ્રવ્યની સપાટીમાં વધઘટ થાય છે તે છે.

અર્ધશીર્ષપીડ થવાનાં કારણોમાં જનીનીય પરિબળો પણ ભાગ ભજવે છે અને તેથી તેના દર્દીના સહોદરોમાંથી અર્ધાને તે થયેલી હોય છે. ક્યારેક ચૉકલેટ, ચીઝ અને આલ્કોહૉલ તેના હુમલાની શરૂઆત કરાવે છે. વળી તે ઋતુસ્રાવની આસપાસના સમયે, અઠવાડિક રજાઓમાં તથા મુખમાર્ગી ગર્ભનિરોધક ઔષધો લેનારી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ક્યારેક માનસિક તણાવ(મનસ્ત્રસ્તતા, stress)ને કારણે પણ તેનો હુમલો થઈ આવે છે.

નિદાનલક્ષી લક્ષણો : સામાન્ય રીતે તે યૌવનારંભ(puberty)ના સમયથી શરૂ થાય છે અને પ્રૌઢાવસ્થા સુધી થયાં કરે છે. બે હુમલા વચ્ચે થોડા દિવસોથી માંડીને થોડાક મહિનાઓનું અંતર રહે છે. થોડાક કલાકોથી દિવસો સુધી પીડા થતી રહે છે. આરંભલક્ષણ કે પૂર્વસંભાવના (premonition) રૂપે થતા વિકારોમાં દર્દી વાંકીચૂકી રેખાઓ, રંગીન પ્રકાશના ચમકારા, દૃષ્ટિક્ષેત્રમાં ક્ષતિ થાય છે; તો અન્ય દર્દીઓમાં દુખાવાની સાથે બોલવામાં તકલીફ (દુર્વાક્તા, dysphasia), શરીરના એક ભાગમાં લકવાથી હળવી નબળાઈ (અર્ધાલ્પઘાત, hemiparesis) કે શરીરના અર્ધાભાગમાંની સંવેદનાઓમાં ઘટાડો (અર્ધાલ્પસંવેદના, hemianaesthesia) થાય છે. સામાન્ય રીતે દુખાવો આગળના ભાગમાં થાય છે અને ફેલાઈને એક બાજુના અર્ધા માથાને કે આખા માથાને અસરગ્રસ્ત કરે છે. દુખાવો અતિશય તીવ્ર હોય છે અને લબકારા મારતો (throabing) હોય છે. તેની સાથે ઊલટી, પ્રકાશ-અસહ્યતા (photophobia), ફિક્કાશ, થકાવટ (prostration) વગેરે થઈ આવે છે, જેથી કરીને દર્દીને અંધારા ખંડમાં પથારી પર સુવાડી દેવો પડે છે. અર્ધશીર્ષપીડના કેટલાક વિપ્રકારો (varients) છે. તેમને સારણી 3માં દર્શાવ્યા છે.

સારણી 3 : અર્ધશીર્ષપીડના વિપ્રકારો (varients of migraine)

વિપ્રકાર વર્ણન
1. શાસ્ત્રીય (classical) દૃષ્ટિ કે સંવેદનાગત આરંભલક્ષણ (aura)
અર્ધશીર્ષપીડ સાથેનો દુખાવો
2. સાધારણ (common) દૃષ્ટિગત કે સંવેદનાગત આરંભલક્ષણ ન હોય
અર્ધશીર્ષપીડ પણ દર્દીને માથાનો દુખાવો, ઊબકા, ઊલટી અને
પ્રકાશ-અસહ્યતા હોય.
3. અર્ધઘાતી (hemip- થોડા દિવસોથી મહિનાઓ ચાલતો માથાનો
legic) અર્ધશીર્ષપીડ દુખાવો, જે પછી શરીરના અર્ધાભાગમાં લકવો
થાય, જે મટતાં થોડા દિવસો લાગે.
4. તલધમનીય (basilar) મજ્જાસેતુ(pons)ની આગળ આવેલી તલધમની
અર્ધશીર્ષપીડ (basilar artery) સંબંધિત અર્ધશીર્ષપીડમાં
માથાના પાછલા ભાગમાં દુખાવો થાય છે, જેમાં
દૃષ્ટિગત કે સંવેદનાગત વિકારો પણ ક્યારેક જોવા
મળે છે. આ પ્રકારનો દુખાવો થાય તે પહેલાં ચક્કર,
બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia) અને
ઉચ્ચારણક્ષતિ (દુરુચ્ચારણ, dysarthria) થાય છે.
5. ઝૂમખારૂપ (cluster) મુખ્યત્વે પુરુષોમાં એક આંખની આસપાસ તીવ્ર
અર્ધશીર્ષપીડ દુખાવાના વારંવાર હુમલા થાય છે. તે સમયે
આંખમાંથી પાણી વહે છે (અધિઅશ્રુ-વહન,
epiphora) અને નસકોરું જામી જાય છે.

સારવારમાં દુખાવાના હુમલાને શમાવવો તથા તેવા હુમલાનો આરંભ થતો અટકાવવો – એમ બે મહત્વનાં પાસાં છે. ઍસ્પિરિન કે પેરાસિટેમોલ વડે દુખાવો શમાવી શકાય છે. સાથે ઊલટી થતી રોકવા મેટોક્લોપ્રેમાઇડ કે પ્રોક્લોર્પરેઝિન અપાય છે. જો શાસ્ત્રીય અર્ધશીર્ષપીડ હોય તો દૃષ્ટિગત આરંભલક્ષણ થાય ત્યારે અર્ગોટેમાઇનને જીભ નીચે મૂકીને, શ્વાસ દ્વારા કે મળાશયમાં મૂકીને અપાય તો દુખાવાનો હુમલો થતો અટકે છે. અર્ગોટેમાઇનને કારણે ક્યારેક ઊબકા, ઊલટી થાય છે અને કેટલાક દર્દીઓ તેની આડઅસરો સહન કરી શકતા નથી. તેનો વધુ પડતો ઉપયોગ નસોને સંકોચાવે છે અને તેથી માથાનો દુખાવો થઈ આવે છે. એક અઠવાડિયામાં અપાતી કુલ માત્રા 12 મિગ્રા.થી વધુ ન થાય તે ખાસ જોવાય છે. વળી તે સગર્ભા સ્ત્રીને તથા હૃદયની કે હાથપગની નસોના વિકારવાળા દર્દીઓને આપી શકાતી નથી. સુમેટ્રિપ્ટેન નામની સિરોટોનિન  વિધર્મી દવા પણ આપી શકાય છે. તે મુખમાર્ગે કે ઇન્જેક્શન દ્વારા આપી શકાય છે. તેની પણ 24 કલાકમાંની કુલ માત્રા 300 મિગ્રા. (મુખમાર્ગે) કે 12 મિગ્રા(ઇન્જેક્શન દ્વારા)થી વધવી ન જોઈએ એવું સૂચવાયેલું છે.

દર્દીએ ખોરાક, ગર્ભનિરોધક ગોળીઓ વગેરે જેવા હુમલો શરૂ કરાવે તેવા પદાર્થો લેવાથી દૂર રહેવું સલાહભર્યું ગણાય છે. જો વારંવાર થતા હુમલા દર્દીની ક્રિયાશીલતા કે સામાજિક જીવનને અસરગ્રસ્ત કરે તો પ્રોપેનોલોલ, પિઝોટિફેન કે એમિટ્રિપ્ટિલિન જેવી ખિન્નતારોધક દવાઓ આપીને અર્ધશીર્ષપીડના હુમલા થતા અટકાવી શકાય છે. તેને ઔષધીય પ્રતિરોધ (drug prophylaxis) કહે છે. આ ઔષધો 5-હાયડૉક્સિટ્રિપ્ટોફેનની અસરમાં ક્રિયારોધ (block) સર્જે છે. તેમની અસર ન થાય તેવા કિસ્સામાં મેથિસર્જિડ નામની દવા અસરકારક છે. તેનો લાંબા ગાળા સુધી ઉપયોગ કરાય તો તે પેટના પાછળના ભાગમાં તંતુતા (fibrosis) કરે છે. તેથી તે મૂત્રપિંડના કાર્યને અસરગ્રસ્ત કરી શકે છે.

અલ્પોપદ્રવી અંતર્કર્પરિ અતિદાબ (benign intracranial hypertension) : યુવાન સ્ત્રીઓમાં બહુ ઓછા પ્રમાણમાં ક્યારેક ખોપરીમાંનું દબાણ વધે છે. પરંતુ તે સમયે મગજમાં કે ખોપરીના પોલાણમાં કોઈ દેખીતા રોગ કે ગાંઠ હોતાં નથી. તેનું કારણ અનિશ્ચિત છે. પરંતુ ક્યારેક ટેટ્રાસાઇક્લિન, સ્ટિરોઇડ અને મુખમાર્ગી ગર્ભનિરોધક ઔષધો આવી સ્થિતિ સર્જે છે. સારવારરૂપે જે તે ઔષધ કે કોઈ આહારી ઘટકને લેવાનું બંધ કરવાનું સૂચવાય છે. કેટલાક દર્દીઓમાં જો લાંબા સમય સુધી વિકાર રહે અને તે દૃષ્ટિચકતીશોફ-(papilloedema)ને કારણે દૃષ્ટિની ક્ષતિ સર્જે તેમ હોય તો તેનામાં કટિપરિતનીય સંયોગનળી (lumbo-peritoneal shunt) મૂકવાનું સૂચવાય છે. આ પ્રકારની શસ્ત્રક્રિયામાં જાલતાનિકા(arachnoid)ની નીચેની જગ્યા કે જ્યાં મેરુમસ્તિષ્કજળ (cerebrospinal fluid) હોય છે તેને, પેટના પોલાણ(પરિતનગુહા, peritoneal cavity)ને જોડતી એક સંયોગનળી મૂકવામાં આવે છે. તેથી કરીને મગજની આસપાસ વધુ દબાણ કરતું મેરુમસ્તિષ્કજળ પેટના પોલાણમાં વહી જાય.

ચહેરાનો દુ:ખાવો (વદનપીડા, facial pain) : તેનાં મુખ્ય કારણો સારણી 2માં દર્શાવ્યાં છે. દર્દીની તકલીફના અભ્યાસ પરથી તેમને વદનપીડાને શિરદર્દથી અલગ પાડી શકાય છે. ત્રિશાખી ચેતાપીડ(trigeminal neuralgia)ના દર્દીમાં કાર્બેમેઝેપિન અને ફેનિટોઇન ઉપયોગી છે. કાર્બેમેઝેપિનની માત્રા ધીમે ધીમે વધારાય છે. બંને ઔષધોની રુધિર-પ્રરસીય સપાટી (plasma level) માપતા રહેવાય છે, જેથી તેમની અસરકારકતા ન ઘટે અને આડઅસરો પણ ન થાય. ક્યારેક ડોનાઝેપામ પણ ઉપયોગી નીવડે છે. જો દવાઓ નિષ્ફળ જાય તો ત્રિશાખી ચેતા (trigeminal nerve) પર આવેલા ત્રિશાખી ચેતાકંદુક(trigeminal ganglion)માં આલ્કોહૉલ કે ફીનૉલનું ઇન્જેક્શન અપાય છે. તે ચેતાકંદુકની પીડાકારક શાખાનું રેડિયો આવૃત્તિયુક્ત ઉષ્મગુલ્મન (radio-freaquancy thermo-coagululation) કરાય છે અથવા ત્રિશાખી સંવેદનાલક્ષી ચેતામૂળને કાપી કઢાય છે. શસ્ત્રક્રિયા વડે ચેતામૂળને કાપવાથી કાયમી લાભ થાય છે. પરંતુ મોટી ઉંમરે તે જોખમી ક્રિયા છે, જ્યારે ફીનૉલ ઇન્જેક્શન કે ઉષ્મગુલ્મન ઓછા હાનિકારક છે. પરંતુ તેમની અસર અલ્પકાલીન હોય છે.

અર્ધશીર્ષપીડાસમ ચેતાપીડની સારવારમાં અર્ગોટેમાઇન, સુમેટ્રિપ્ટેન કે ઑક્સિજનને શ્વાસમાં લેવો વગેરે લાભકારક છે. જોકે કેટલાક દર્દીઓમાં લિથિયમ, મેથિસર્જિડ કે સ્ટીરોઇડનો ઉપયોગ કરીને દુખાવો થતો અટકાવી શકાય છે. બિનનમૂનારૂપ વદનપીડામાં ખિન્નતારોધક ઔષધો વપરાય છે. ઉપલા અને નીચલા જડબાના દાંતો વચ્ચે કુમેળ હોય તો કૃત્રિમદંતીય સંયોજનાઓ (prosthetic devices) વપરાય છે. ખોપરી અને નીચલા જડબાની વચ્ચે આવેલા ગંડક-અધોહનુઅસ્થિના સાંધાના વિકારમાં શસ્ત્રક્રિયા ઉપયોગી છે.

મહાકોષી ધમનીશોથ (giant cell arteritis) અને કર્પરી ધમનીશોથ (cranial arteritis) : તે મોટી ઉંમરે મોટી નસોમાં થતા પીડાકારક સોજાનો વિકાર છે. સામાન્ય રીતે તે 50થી 90 વર્ષની વયે 2 : 1ના ગુણોત્તર પ્રમાણે સ્ત્રી-પુરુષોમાં જોવા મળે છે. તેમાં ધમની દીવાલમાં લોહીના લસિકાકોષો (lymphocytes), પ્રરસકોષો (plasma cells), મોટા કદના મહાભક્ષીકોષો (macrophages) અને ઇઓસિનરાગી કોષો (eosinophils) વગેરે કોષોનો ભરાવો થાય છે. અસરગ્રસ્ત ધમનીનું પોલાણ ભરાઈ જાય છે. આવું ઘણી વખત સ્વકોષઘ્ની રોગો(auto-immune diseases)માં થાય છે. સામાન્ય રીતે બાહ્ય શીર્ષગત ધમની (external carotid artery) કે તેની શાખાઓ અસરગ્રસ્ત થાય છે. ક્યારેક અન્ય ધમનીઓમાં પણ આ વિકાર જોવા મળે છે. ત્રણ ચતુર્થાંશ ભાગના દર્દીઓ માથાના તીવ્ર દુખાવાથી અને શીર્ષચર્મ(scalp)ને અડવાથી થતી વેદનાથી પીડાય છે. શરૂઆત અચાનક કે ધીમે ધીમે અને લક્ષણ વગર થાય છે. તેની સાથે ખોરાકની અરુચિ, થાક, વજનનો ઘટાડો, તાવ, ખિન્નતા અને માંદા પડ્યાની સંવેદના થઈ આવે છે. દર્દીને ક્યારેક બેવડું દેખાય, આંખ આગળ ફરતાં કાળાં કુંડાળાં થાય, થોડાક સમય માટે અંધાપો આવી જાય કે ઉપલું પોપચું ઢળી પડે. કોક વખત દૃષ્ટિચકતી(optic disc)માં અપક્ષીણતા (atrophy) થાય તો અંધાપો આવે છે. ક્યારેક હાથમાં કામ કરતી વખતે અને જડબામાં ચાવતી વખતે દુખાવો થાય છે. ક્યારેક મગજમાં નાના પ્રણાશ (infarction) જોવા મળે છે. મગજની પેશીનો કોઈ નાનો ભાગ લોહીનું પરિભ્રમણ અટકી જવાથી મૃત્યુ પામે તો તેને પ્રણાશ કહે છે. તેવું થાય તો શરીરના જે તે ભાગના કાર્યમાં વિક્ષેપ પડે છે. જેમકે અસંતુલન થાય, બેવડું દેખાય, ઉચ્ચારમાં ક્ષતિ થાય, મૂર્ચ્છા થઈ આવે વગેરે. લમણામાંની ધમની જાડી થાય છે અને તેને અડવાથી દુખાવો થાય છે. લોહીમાં રક્તકોષઠારણ દર (ESR) વધે છે. ગંડકધમની(temporal artery)નો ટુકડો સૂક્ષ્મદર્શક વડે તપાસવામાં આવે તો તે નિદાન નિશ્ચિત કરવામાં મદદરૂપ થાય છે; પરંતુ જ્યારે પણ શંકા પડે ત્યારે રોગના નિદાનને નિશ્ચિત કરતાં પહેલાં તેની સારવાર શરૂ કરાય છે. જેથી કરીને અંધાપો આવી જવાનું જોખમ ઘટે. સારવારમાં ભારે માત્રામાં કોર્ટિકોસ્ટીરોઇડ અપાય છે. દવાની માત્રા ધીમે ધીમે ઘટાડાય છે. પરંતુ થોડીક દવા લગભગ એક વર્ષ સુધી ચાલુ રખાય છે.

શિલીન નં. શુક્લ