શિયાળો : દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં પ્રવર્તતી બે પૈકીની તથા મોસમી પ્રદેશોમાં પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક ઋતુ. ભારતીય ઋતુચક્ર પ્રમાણે હેમંત અને શિશિર ઋતુઓને આવરી લેતો સમયગાળો. વર્ષ દરમિયાનની ઠંડામાં ઠંડી ઋતુ. ઉત્તર ગોળાર્ધમાં આ ઋતુ નવેમ્બરના મધ્યથી ફેબ્રુઆરીના મધ્ય સુધી તથા દક્ષિણ ગોળાર્ધમાં તે જૂનના મધ્યથી સપ્ટેમ્બરના મધ્ય સુધી રહે છે. આ સમયગાળા દરમિયાન ધ્રુવો તરફથી ઠંડા, સૂકા પવનો વાય છે અને વાતાવરણને ઠંડું કરે છે. ધ્રુવો પર ઠંડીની વિષમતા હોય છે. તે ગાળામાં ધ્રુવો સૂર્ય સામે ન રહેતા હોવાથી સ્થાનભેદે સૂર્ય સપ્તાહો કે મહિના સુધી દેખાતો હોતો નથી, તેથી તે પ્રદેશો અતિ ઠંડા બની રહે છે. ત્યાંથી ઠંડા પવનો વાય છે. પવનનાં તોફાનો પશ્ચિમથી પૂર્વ તરફનાં હોય છે. આથી કેટલાક પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં હિમવર્ષા થાય છે. આ પવનો પ્રમાણમાં ગરમ પ્રદેશ તરફ આવતાં હૂંફાળા બને છે અને વરસાદ આપે છે. ધ્રુવો નજીકના પ્રદેશોમાં તાપમાન 0° સે.થી નીચે જાય છે. સમશીતોષ્ણ કટિબંધોના ધ્રુવો તરફના પ્રદેશોમાં પણ તાપમાન નીચું વરતાય છે. દુનિયાના મોટાભાગના પ્રદેશોમાં વરસાદ ઉનાળામાં પડતો હોય છે, જ્યારે ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશોમાં શિયાળામાં વરસાદ પડે છે.

ગિરીશભાઈ પંડ્યા