શાંતિસૂરિ (પાટણમાં થારાપદ્રગચ્છીય ઉપાશ્રયના આચાર્ય વિજયસિંહસૂરિના પટ્ટધર તથા રાજા ભીમદેવ 1લા(ઈ.સ. 1022-1064)ના સમયમાં થઈ ગયેલા વિખ્યાત કવિ અને વાદી. તેમણે ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ પર પ્રમાણભૂત ‘શિષ્યહિતા’ નામની વિસ્તૃત વૃત્તિની રચના કરી છે. આ વૃત્તિ દાર્શનિક વાદોથી પૂર્ણ, સમર્થ ટીકાગ્રંથ છે. તેમાં પ્રાકૃતનો અંશ વધારે છે, તેથી તે ‘પાઈયટીકા’ નામથી પણ ઓળખાય છે. આ ઉપરાંત તેમણે ‘જીવવિચાર પ્રકરણ’ તથા ‘ચૈત્યવંદન-મહાભાષ્ય’ પુસ્તકો પણ લખ્યાં છે.
પાટણની ભીમદેવ 1લાની સભામાં શાંતિસૂરિ કવીન્દ્ર અને વાદિચક્રવર્તી રૂપે જાણીતા હતા. કવિ ધનપાલની વિનંતીથી શાંતિસૂરિએ માલવપ્રદેશમાં વિહાર કર્યો તથા રાજા ભોજની સભાના 84 વાદીઓને હરાવી 84 લાખ માળવી રૂપિયા (માળવાના એક લાખ રૂપિયા ગુજરાતના 15 હજાર રૂપિયા બરાબર થતા એટલે 12 લાખ 60 હજાર ગુજરાતી રૂપિયા) મેળવ્યા. તેમાંથી 12 લાખ રૂપિયાનો ત્યાં ધારામાં જૈનમંદિર બંધાવવામાં અને 60 હજાર રૂપિયાનો થરાદના આદિનાથ મંદિરમાં રથ બનાવવા વાસ્તે ખર્ચ કર્યો હતો.
રાજા ભોજે તેમને ‘વાદિવેતાલ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા. શાંતિસૂરિએ ધારાનગરીમાં મહાકવિ ધનપાલની ‘તિલકમંજરી’નું સંશોધન કર્યું હતું. પછી તેઓ પાટણ આવ્યા. ત્યાં શેઠ જિનદેવના પુત્ર પદ્મદેવને સાપ કરડ્યો હતો. તેને મરણ પામેલો જાણી લોકો જમીનમાં દાટવા ગયા હતા. શાંતિસૂરિએ તેને જીવન પ્રદાન કર્યું હતું.
શાંતિસૂરિએ લાટ-ભરૂચના વિદ્યાભિમાની કોલ કવિને પરાજિત કર્યો હતો. શાંતિસૂરિને 32 શિષ્યો હતા. તે સૌને તેઓ પ્રમાણશાસ્ત્ર તથા બૌદ્ધદર્શનનો અભ્યાસ કરાવતા હતા. શાંતિસૂરિ નામના બીજા કેટલાક આચાર્યો પણ થયા છે.
જયકુમાર ર. શુક્લ