શાંતુંગ (શાન્દોંગ) (Shantung-Shandong)

January, 2006

શાંતુંગ (શાન્દોંગ) (ShantungShandong) : ચીનના મધ્યપૂર્વ ભાગમાં આવેલું રાજ્ય. તે શાન્દોંગ (Shandong) નામથી પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : તે 36° ઉ. અ. અને 118° પૂ. રે.ની આજુબાજુનો આશરે 1,53,300 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હેબ્રેઈ પ્રાંત, ઈશાનમાં બોહાઇનો અખાત, પૂર્વ તરફ પીળો સમુદ્ર, દક્ષિણે જિયાંગ સુ (Jiang Su), નૈર્ઋત્યમાં અને પશ્ચિમે હેનાનનો પ્રદેશ આવેલા છે. જિનાન તેનું પાટનગર છે.

ભૂપૃષ્ઠજળપરિવાહ : રાજ્યનો સમગ્ર વિસ્તાર મેદાનો તથા પર્વતીય હારમાળાઓથી છવાયેલો છે. અહીંની ઊંચાણવાળી ભૂમિમાં ખેતી માટે ફળદ્રૂપ ગણાતાં લોએસનાં મેદાનો આવેલાં છે. ઉત્તરના ભૂમિભાગો સમુદ્રસપાટીથી 460 મીટરની ઊંચાઈવાળા છે. રાજ્યના મધ્ય ભાગમાં આશરે 1,520 મીટર ઊંચાઈ ધરાવતી તાઈ શાન (Tai Shan) ગિરિમાળા આવેલી છે. કિંગડાઉ(Qingdau)ની ઈશાનમાં આશરે 32 કિમી.ને અંતરે લાઓ શાન (Lao Shan) શિખર (ઊંચાઈ 1,070 મીટર) આવેલું છે. રાજ્યને મળેલો સમુદ્રકિનારો લગભગ અખંડિત છે, પરંતુ ત્યાંનો બોહાઇ(Bohai)નો ચીચી કિનારો પ્રમાણમાં છીછરો છે. કિંગડાઉથી યાનતાઈનો દ્વીપકલ્પીય વિભાગ પંકભૂમિથી છવાયેલો છે.

શાંતુંગ (શાન્દોંગ)

મહત્વનો જળમાર્ગ ધરાવતી પીળી નદી હુઆંગ હે અગ્નિથી ઈશાન દિશામાં વહે છે, તેને અનેક સહાયક નદીઓ મળે છે. હુઆંગ હે બોહાઈના અખાતમાં ઠલવાય છે. રાજ્યના હેબેઇથી દક્ષિણે જિયાંગ સુ સુધી એક વિશાળ નહેરનું આયોજન કરવામાં આવેલું છે, મહત્વના જળમાર્ગ તરીકે તેની ગણના થાય છે. ગૃહયુદ્ધ દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો; પરંતુ 1955થી તેનો જળમાર્ગ તરીકે ઉપયોગ શરૂ થયેલો છે.

આબોહવા : સમુદ્રકિનારો નજીક હોવાથી રાજ્યનું હવામાન સમધાત રહે છે, પરંતુ શિયાળામાં વાતા ઠંડા પવનોને કારણે બંદરો ઠરી જાય છે. ઉનાળા ગરમ અને ભેજવાળા રહે છે. પ્રાંતના પાટનગર જિનાનનું જાન્યુઆરી અને જુલાઈનું સરેરાશ તાપમાન અનુક્રમે 1° સે. અને 28° સે. જેટલું રહે છે. અહીં સરેરાશ વાર્ષિક વરસાદ 630 મિમી. જેટલો પડે છે.

અર્થતંત્ર : આ પ્રાંતની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. અહીં શિયાળામાં ઘઉં, બાજરી, કાઓલિયાંગ (જુવાર જેવું ધાન્ય), મકાઈ, કપાસ, મગફળી અને તમાકુની ખેતી થાય છે. 1949થી સિંચાઈની સુવિધા મળતાં કૃષિ-તક્નિકીમાં ફેરફારો થવાથી ખેતીના ઉત્પાદનમાં વધારો થયો છે. પોંગી (Pongi) નામથી ઓળખાતા, જંગલી કુદરતી રેસાઓમાંથી બનાવાતા બરછટ રેશમ માટે શાંતુંગ વધુ જાણીતું છે. આ ઉપરાંત અહીં તરબૂચ, દ્રાક્ષ તથા જામફળની પણ ખેતી થાય છે.

રાજ્યને આશરે 1,000 કિમી. જેટલો લાંબો સમુદ્રકિનારો મળેલો હોવાથી ઘણા લોકો મત્સ્યપ્રવૃત્તિમાં રોકાયેલા છે, સમુદ્રકિનારાના ભાગોમાંથી અનેક પ્રકારની માછલીઓ પકડવામાં આવે છે. આ રાજ્ય ખનિજસંપત્તિમાં પણ સમૃદ્ધ છે. ઝિબો (Zibo), ફાંગ ઝી અને ઝાઓઝહુંગ નજીક લોહઅયસ્ક, બૉક્સાઇટ અને કોલસો મળે છે. જિનાન આ રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક મથક છે. અહીં કૃષિયંત્રસામગ્રી, ખાતર, પરિવહનનાં સાધનો તેમજ રસાયણો બનાવવાના એકમો આવેલા છે. કિંગડાઉ ખાતે કાપડ, રેલમાર્ગ માટેનો જરૂરી માલસામાન, ટાયર, ખાતર વગેરે બનાવવાનાં કારખાનાં આવેલાં છે.

પરિવહન : તિયાન જિન અને શાંઘાઈને સાંકળતો રેલમાર્ગ આ રાજ્યમાં થઈને પસાર થાય છે, તે ઉત્તર-દક્ષિણના પ્રદેશોને જોડે છે. આ રેલમાર્ગને સાંકળતા અન્ય રેલમાર્ગો યાનતાઈ અને કિંગડાઉને જોડે છે. રેલમાર્ગોને સમાંતર સારા, પાકા રસ્તાઓનું અહીં વ્યવસ્થિત આયોજન થયેલું જોવા મળે છે. મહત્વના ધોરી માર્ગો જિનાન અને શાન્સી રાજ્યોને સાંકળે છે. આ ઉપરાંત આંતરિક જળમાર્ગો પણ વિકસાવવામાં આવેલા છે. રાજ્યને યાન તાઈ, વેઈ, હાઈ, શિગીઉસો અને કિંગડાઉ જેવાં મહત્વનાં બંદરો મળેલાં છે, આ બંદરો મારફતે ચીનનો વિદેશવ્યાપાર ચાલે છે.

વસ્તી : 1994 મુજબ આ રાજ્યની વસ્તી આશરે 8,78,50,000 જેટલી છે. અહીં હાન-ચીની વંશના લોકો વસે છે, તેઓ મંડારીન ભાષા બોલે છે. રાજ્યમાં ઘણી શૈક્ષણિક સંસ્થાઓ છે. કિંગડાઉ ખાતે સમુદ્રવિજ્ઞાનની સંસ્થા આવેલી છે. શાંતુંગ યુનિવર્સિટી શાંતુંગ ખાતે આવેલી છે.

ઇતિહાસ : ઈ. પૂ. 256 પહેલાં અહીં ચાઓ વંશના લોકોનું આધિપત્ય હતું. લૂ (Lu) અને ચી (Chi’i) વિસ્તારોને તે વખતે ભેગા કરવામાં આવેલા. ખ્યાતનામ કન્ફ્યૂશિયસનો જન્મ લૂ રાજ્યમાં થયેલો. 17મી સદીમાં મંચુ વંશના લોકોએ આ રાજ્યનું નિર્માણ કરેલું. 19મી સદીના અંત સુધી અનેક સત્તાધારીઓએ અહીં પ્રભુત્વ સ્થાપવા પ્રયાસ કરેલો. 1894-95માં ચીન-જાપાન વચ્ચે યુદ્ધ થયેલું, ત્યારે જાપાને શાંતુંગના ઉત્તર ભાગ પર પોતાનું વર્ચસ્ જમાવેલું. 1898માં બ્રિટને વેઈ હાઈનો વિસ્તાર ચીન પાસેથી ભાડાપટે રાખ્યો. તેમણે અહીં નૌકાદળનું મુખ્ય મથક સ્થાપ્યું. બીજા વિશ્વયુદ્ધ સુધી અંગ્રેજોએ વેઈ હાઈ બંદર સોંપ્યું ન હતું. 1948માં ચીને શાંતુંગ પર પોતાનું પ્રભુત્વ મેળવી લીધું.

નીતિન કોઠારી