શાહજી (જ. 15 માર્ચ 1594; અ. 23 જાન્યુઆરી 1664) : છત્રપતિ શિવાજીના પિતા અને પુણેના જાગીરદાર. તેમનાં લગ્ન દેવગિરિના લુખજી જાધવની હોશિયાર પુત્રી જિજાબાઈ સાથે 1605માં થયાં હતાં. શિવાજીનો જન્મ 1627માં, જુન્નર પાસે આવેલા શિવનેરના કિલ્લામાં થયો હતો. શાહજીએ જિજાબાઈને છોડીને, સુપાના મોહિતે કુટુંબની તુકાબાઈ સાથે બીજાં લગ્ન કર્યાં હતાં. તુકાબાઈથી એકોજી(અથવા વ્યંકોજી)નો જન્મ થયો હતો. તેણે તાંજોરનું રાજ્ય સ્થાપ્યું હતું. શાહજીએ તેમની પુણેની જાગીર તથા જિજાબાઈ અને બાળપુત્ર શિવાજીની સંભાળ, દાદાજી કોંડદેવ નામના બાહોશ અધિકારીને સોંપી હતી.
શાહજી અને તેમના પિતા માલોજી અહમદનગર રાજ્યની (નિઝામશાહી) નોકરીમાં હતા ત્યારે, નોકરીના બદલામાં ઘણી જમીનો મેળવી હતી. નિઝામશાહી રાજ્યમાં નાના જાગીરદારમાંથી ક્રમશ: આગળ વધીને શાહજી ત્યાંના સુલતાન માટે અનિવાર્ય થઈ ગયા હતા. શાહજી સ્વભાવે સાહસિક, ચતુર, સાધનસંપન્ન તથા દૃઢનિશ્ર્ચયી હતા. મલિક અંબરે તેમને આશ્રય આપ્યો અને મુઘલોને દૂર રાખવામાં અર્થાત્ મુઘલો સામે રાજ્યનું રક્ષણ કરવામાં તેમની સેવાઓનો સૌથી વધુ ઉપયોગ કર્યો હતો.
મલિક અંબરે 1624માં અહમદનગર પાસે ભાટવાડીની લડાઈમાં દિલ્હી અને બિજાપુરના સંયુક્ત લશ્કરને સખત હાર આપી. આ લડાઈમાં શાહજીએ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને તેમાં તેમને યશ અને કીમતી અનુભવ મળ્યા હતા. તે પછી શાહજીએ કેટલાંક વર્ષો સુધી, શક્તિશાળી મુઘલ સમ્રાટ શાહજહાંની સામે નિઝામશાહી રાજ્યનું રક્ષણ કર્યું હતું. ઘણાં વર્ષોના યુદ્ધ પછી, 1636માં શાહજહાં અહમદનગરનું રાજ્ય જીતી શક્યો અને છેવટે શાહજીને ત્યાંથી દૂર કરી શક્યો હતો.
નિઝામશાહી રાજ્યની સમાપ્તિ બાદ, શાહજી બિજાપુરના રાજ્યમાં જોડાયા. આદિલશાહે તેમને 1638માં કર્ણાટકમાં ત્યાંના હિંદુ રાજાઓ સામે જીત મેળવવા મોકલ્યા. ત્યાં અગાઉના વિજયનગર સામ્રાજ્ય હેઠળના પ્રદેશોમાં હિંદુ રાજાઓનાં રાજ્યો હતાં. તેમની સામે શાહજીએ જીત મેળવવાથી હિંદુ તીર્થોની મિલકતો બિજાપુરના મુસ્લિમ ભંડોળમાં જવા લાગી. તે જાણીને જિજાબાઈ તથા શિવાજીને ઘણું દુ:ખ થયું. આ દરમિયાન શિવાજીની પ્રવૃત્તિઓથી બિજાપુરના સુલતાનને રોષ ચઢ્યો હતો. તેથી શાહજીને પાટનગરમાં બોલાવી શિવાજીનાં કાર્યોનો જવાબ માગ્યો હતો (1643). શાહજી શિવાજીની પ્રવૃત્તિઓના વિરોધી ન હતા. શિવાજીને તેનાં કાર્યોમાં તેમણે મદદ પણ કરી હતી. સુલતાનના હુકમથી બિજાપુરના સર સેનાપતિ મુસ્તફાખાને 1648માં શાહજીને કેદ કર્યા. તેમને બિજાપુર લઈ ગયા અને જણાવ્યું કે તેમના પુત્ર શિવાજીને અંકુશમાં નહિ રાખે તો તેમને મોતની સજા કરવામાં આવશે. તેથી શિવાજીએ જિજાબાઈના દબાણથી સિંહગઢનો કિલ્લો આપી દઈને શાહજીનું જીવન બચાવ્યું હતું.
પ્રદ્યુમ્ન ભ. ખાચર