શાસ્ત્રી, નીલાવીર શર્મા (જ. 1927) : મણિપુરી ભાષાના કવિ તથા ટૂંકી વાર્તાના લેખક. ‘તત્ખ્રવા પુન્સી લૈપુલ’ નામના તેમના ટૂંકી વાર્તાના સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમનો ઉછેર ઇમ્ફાલમાં થયો; ત્યાં હિંદી ભાષાના શિક્ષક તરીકેની કારકિર્દી પછી 1987માં નિવૃત્ત. હિંદી ભાષાના શિક્ષણકાર્યના ક્ષેત્રે તેમણે બજાવેલી સેવાને લક્ષમાં લઈ, 1987માં તેમને શિક્ષકો માટેનો રાષ્ટ્રીય ઍવૉર્ડ અપાયો હતો. હિંદી ઉપરાંત તેમણે સંસ્કૃત ભાષામાં વિદ્વત્તાને ઉત્તેજન આપવા ઘણું કામ કર્યું છે.
કાવ્યો તથા ટૂંકી વાર્તાનાં તેમનાં ઘણાં પુસ્તકોમાંથી ‘ઇથકઇપોમ’ નામના કાવ્યસંગ્રહને 1973માં મણિપુરી સાહિત્ય પરિષદનો યામિની સુંદર ગુહા સ્મૃતિ સુવર્ણ-પદક અપાયો હતો. તેમણે વિવિધ સ્તરના વિદ્યાર્થીઓ માટે ટૂંકી વાર્તાઓ, કાવ્યો તથા પાઠ્યપુસ્તકો લખ્યાં છે. મણિપુર સરકારે તેમને ‘લુચિંગ બાસિંગી નહા ઓઇર ઇનગેહ’ નામની બાળસાહિત્યની કૃતિ માટે પ્રથમ પારિતોષિક વડે નવાજ્યા તેથી એ ક્ષેત્રના તેમના મહત્વપૂર્ણ યોગદાનને સ્વીકૃતિ મળી. શિક્ષણકાર્ય તથા સાહિત્યલેખનના ક્ષેત્રે તેમણે આપેલા પ્રદાનને અનુલક્ષીને તેમને અનેક સન્માન અપાયાં છે.
તેમની આ પુરસ્કૃત કૃતિમાં 12 ટૂંકી વાર્તાઓ ગ્રંથસ્થ છે. માનવ-અસ્તિત્વની સમસ્યાઓ પરત્વેના સંવેદનાપૂર્ણ અભિગમ તથા નિરૂપણને કારણે આ વાર્તાઓ નોંધપાત્ર નીવડી છે. શૈલીની સંસ્કારિતા તથા વિચારો તેમજ આદર્શોની શ્રેષ્ઠતા બદલ આ કૃતિ મણિપુરી સાહિત્યમાં ગણનાપાત્ર ઉમેરણ લેખાય છે.
મહેશ ચોકસી